મા યાદ આવ્યાં? – કાન્તી મેપાણી


(પહેલીવાર કાન્તીભાઈ મેપાણીને “લેઈટ એઈટીઝમાં કે અર્લી નાઈન્ટીઝમાં, નોર્થ જર્સીમાં યોજાતી “સાઠ દિનની સભા”માં મળવાનું થયું હતું. એમનું સૌમ્ય વ્યક્તિત્વ અને ધૈર્યસભર વ્યવહારે મારા મન પર એક છાપ છોડી હતી. આ મા ઉપર લખાયેલો એમનો આર્ટિકલ મારા સ્મરણ પ્રમાણે મેં “ગુર્જરી”માં વાંચ્યો હતો. આજે એક બહુ જૂના મિત્રએ એમની પાસે મારું આ પુસ્તક વરસોથી રહી ગયું હતું તે મેઈલમાં પાછું મોકલ્યું. મારા એ મિત્ર એમની પત્નીના દેહાંત પછી આસીસ્ટેડ લિવીંગમાં એકલા રહે છે. એમને કોઈ સંતાનો નથી. એમની ઉંમર ૮૩ વરસની છે. એમને મનમાં એક ફડકો બેસી ગયો છે કે આ કોરોનાના કાળમાં એમને કઈંક થઈ જવાનું છે. એમની રજા લઈને એમના આ શબ્દો આપ સહુ વાચકો સાથે શેયર કરતાં મારી આંખોમાં આંસુ આવે છે. તેઓએ લખ્યું છે, “વ્હાલા બહેન જયશ્રી, તમારી ભાભીને ગયે ૯ મહિના થઈ ગયા છે અને પછી આવેલો આ કપરો કોરોના કાળ મને ઓચિંતો જ ભરખી જાય તો કહેવાય નહીં! હું જે આસીસ્ટેડ લિવીંગ ફેસીલીટીમાં રહું છું ત્યાં ૧૨ સિનિયરો કોરોનાને કારણે અવસાન પામી ચૂક્યા છે. એક તો આપણા દેશી ભાઈ હતા, જે મારી જેમ જ એકલા હતા. એમના ત્રણ સંતાનો અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં છે પણ આ કોરોના કાળમાં એમના મરણ પર કોઈ જ આવી શક્યું નહીં. હોસ્પિટલે જ એમના અંતિમ સંસ્કાર કર્યા અને માનું છું કે ક્રીમેટ જ કર્યા હશે પણ પછી કોને ખબર! બહેન, હું તો સાવ એકલો છું. મને કઈં થઈ જશે તો મારે પાછળના સામાનની વ્યવસ્થા મારે કરી લેવી જોઈએ. આમ કરતાં તમારી પાસેથી લીધેલાં ૬ પુસ્તકો મળ્યાં, જે તમને પરત મોકલી આપવાની વ્યવસ્થા કરી છે. એમાંથી એક ખાસ રીક્વેસ્ટ છે કે કાન્તીભાઈના પુસ્તકમાંથી, “મા યાદ આવ્યાં?” આર્ટિકલ બની શકે તો તમારા “દાવડાનું આંગણું” માં જલદી મૂકજો, જેથી, મને કઈં થઈ જાય તે પહેલાં ફરી વાંચી શકું! તમારાં જેવાં બેચાર મિત્રો હજુ ક્યારેક ક્યારેક ફોનો કરતાં રહે છે ત્યારે આટલી કારમી એકલતામાં પણ લાગે છે કે હું હજુ જીવતો છું. બહેન તમારી ધ્યાન રાખજો.” ભાઈ, આંસુનો અભિષેક કરીને આપની ફરમાઈશ પુસ્તક મળતાં જ મૂકી રહી છું. આપ ચિંતા ન કરતા અને કુશળ રહેશો અને કાલે ફોન પર વાત કરીશું.)

આટલાં વરસે મા ફરી યાદ આવ્યાં? ના ભાઈ ના, એ ભૂલાયાં જ ક્યાં છે તે એમને ફરી યાદ કરવાં પડે? આ શરીરના અણુએ અણુમાં એ બેઠાં છે. ભલે એ એમના દેહે આ લોકમાં નથી પણ મારા દેહે તો એ આ લોકમાં જ બેઠાં છે, એટલે એ ગયાં છે, જતાં રહ્યાં છે એમ કેમ કરીને કહી શકું?
અમેરિકા તો એ ક્યારેય આવેલાં જ નહીં. આવવાનાય નહોતાં. ‘અમેરિકા’ બોલતાં એમને આવડતું નહોતું. એ અહીં આવ્યા હોત તો આ દેશને જોઈને એમના શા પ્રત્યાઘાત હોત? એમને અહીં ગમ્યું હોત? આ બધ પ્રશ્નોના ઉત્તર મારામાં રહેલાં મા પાસેથી મારે મેળવવા રહ્યા.
એમને અમુક સ્થળ, ગામ કે શહેર ગમે છે એવું કહેતાં મેં તો એમને ક્યારેય સાંભળ્યાં નથી. ગમવા ન ગમવાની સંવેદના એમનામાં નહોતી કે પછી એ જમનાની સ્ત્રીઓ પુરુષ-પતિની પાછળ પોતાનું વ્યક્તિત્વ ઢાંકી ઢબૂરીને બેસતી હતી? એમના સમયની ઘણી બધી સ્ત્રીઓને યાદ કરું છું. મામીઓ, ફોઈઓ, દૂરનાં અને નજીકના સંબંધની કેટલીય સ્ત્રીઓ કોઈનાયે મોઢેથી પોતાને આ ગમે છે અને પેલું નથી ગમતું એવું બોલાતું સાંભળ્યું નથી. અત્યારની સ્ત્રીઓ કરતાં એ જમાનાની સ્ત્રીઓમાં સમજ ઓછી હતી એવું માનવાની ભૂલ રખે કોઈ કરે અને આવી સમજ ભણતરથી જ આવે છે એવા ભ્રમમાંય કોઈ ન રહે.
હું જ્યાં છું, જેવો છું એ એમના લીધે છું. મારા અસ્તિત્વને સ્વીકારતાં એમના અસ્તિત્વને જ સ્વીકારું છું. શરીરનાં ઘાટ-ઘૂટ, રંગ-વર્ણ, પળેપળ શરીરના અને મગજના કોષોની ચાલી રહેલી પ્રવૃત્તિઓ –આ બધાયમાં એમની છાપ ઊપસી આવે છે.
મને મારું ગામનું ઘર ગમે છે, દીવાલો, ઓરડાઓ, કબાટો, ગોખલા, માળીયાં, ટોડલા, જાળીઓ, દરવાજા, આંગણું –એવું બધું આટલા હજાર માઈલથીય દેખાય છે. બીજાના ઘરનું, કેમ આવું કઈં યાદ આવતું નથી? મારા ઘરનું જ કેમ યાદ આવે છે? માના મૃત્યુ પછી પહેલવહેલો જ ગામ ગયો. બધુંય જેમનું તેમ જ હતું. આટલા વરસોમાં કોઈએ કઈં જ ખસેડ્યું નહોતું. સહેજ આઘુપાછું પણ નહોતું કર્યું છતાંય બધું ખાલીખમ લાગતું હતું અને “ખાલીપો” કોને કહેવાય એનું ભાન થયું. ક્યારેય ન પૂરી શકાય એવા ખાલીપાની અનુભૂતિ થઈ. એ સૂતાં ત્યાં જ ખાટલો પાથરીને સૂતો. છતમાંના વાંસ, વળીઓ, એની વચ્ચેથી થોડાં થોડાં દેખાતાં નળિયાં જોયા કર્યા. અને એ જોતાં આ ઘર બાપાએ જ્યારે બંધાવ્યું હતું, એ દિવસોની સ્મૃતિ ઊપસી આવી.
આ ઘર બંધાતું હતું ત્યારે માને કેવો ઉત્સાહ હતો, કેવો ઉમંગ હતો! એમની સગવડો ધ્યાનમાં રાખીને જ બાપા બધું બનાવડાવતા હતા. એમના આટલા વખતના ઘરસંસારમાં એમની જરૂરિયાતો બાપા બરાબર જાણી ગયા હતા. સુખી લગ્નજીવનની ચાવીઓની ચોપડી ક્યાંય એમના વાંચવામાં આવી હોય એ યાદ નથી આવતું. અને મા તો ભણેલાં જ ક્યાં હતાં? એમને તો કાળો અક્ષર કુહાડે માર્યો બરાબર. છતાંય મા અને બાપા એકમેકની નાની મોટી જરૂરિયાતોને કેવા સમજતાં હતાં! કેવી હતી એમની હૈયાઉકલત!
નવું નવું ઘર તૈયાર થયું ત્યારે તો માના શરીરમાં જુવાનીનું જોર, ફેરફુદરડી ફરતાં હોય તેમ એ એવડા મોટા ઘરમાં એકલાં ફરી વળતાં. ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો ચણાક રાખતાં. ઊગતા સૂરજનાં સોનેરી કિરણો ઘરમાં આવતાં ત્યારે તાંબા-પિત્તળની હેલ્યો ઝગારા મારતી. મા એનું કેવું જતન કરતાં હતાં એની વાતો કરવા માંડતી.
પરસાળમાં મૂકેલી ઘંટીએ બેસી વહેલી પરોઢે દળણું દળતા – ત્યારે ઘંટીના એ રિધમિક સૂરમાં – એ તાલમાં મજાની નિંદર આવતી. એકાંતરે થતા વલોણામાંથી તાજેતાજું માખણ કાઢીને ખવડાવતાં. મામાએ મોકલેલી બકરીનું શેડકઢું દૂધ પાતાં. માખણનો સ્વાદ યાદ આવે છે, શેડકઢા દૂધની હૂંફ યાદ આવે છે અને જનેતાની કાળજી યાદ આવે છે.
બાળમાનસ જેવો શબ્દયે એમના સાંભળવામાં તો ક્યાંથી આવ્યો હોય? એવા બધા શબ્દો, ન સમજાય એવા શબ્દો ગામડાંના લોકોની વોકેબ્યુલરીમાં હતા નહીં. છતાંયે બાળમાનસની અભ્યાસી સ્ત્રીઓ કરતાં એમણે અમારાં બધાંનો ઉછેર સારી રીતે કર્યો. કોઈ કુટેવો પડી નથી. શરીર-મનની એવી કોઈ મોટી બિમારીય આવી નથી. આ બધું જ એમની માવજતનું જ પરિણામ છે.
એમની આંખોથી હું ઓઝલ થાઉં તો એ ઊંચાનીચાં થઈ જાય. મેં ભણવા માટે ઘર છોડ્યું બાપા આ બધું સમજતા હતા, સમજી શકતા હતા, કારણ કે એમના સંબંધોમાં લાગણી કરતાં રીઝનિંગ વધારે હતું. પણ, મા તો હતાં લાગણીઓથી ભરપૂર, લાગણીઓનો ઘૂઘવાતો સમંદર. એ આ પરિવર્તનોને સમજી ન શક્યાં. મારી અને એમની વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ. એ દીવાલને ગેરસમજૂતીની દીવાલ કહું? કઈં સમજાતું નથી. મારા પ્રત્યેનું એમનું વર્તન પરાયા જેવું થઈ ગયું. ખાસ કરીને મારા લગ્ન પછી આવો ભાવ અનુભવવા મળ્યો. એમની મમતાને મેં દગો દીધો એવું એમને લાગ્યું હશે? એમણે ક્યારેય કશાની માંગણી એમણે મારી પાસે કરી નથી, કશીય અપેક્ષા મારી પાસે રાખી નથી, એકેનો એક દીકરો હોવા છતાંય૧ પણ મારા પ્રત્યે એમનું મન ભાંગી ગયું એ વાત નક્કી.
આપણે મોટાં થઈએ, ધંધો ધાપો કરીએ, ઘરસંસાર માંડીએ, ત્યારે માતાપિતા સાથેના સંબંધોમાં આવું થતું હશે? ઓટ આવી જતી હશે? આવી દીવાલો ચણાઈ જતી હશે? કશીય ખબર પડતી નથી. પણ દીવાલ મેં તોડી નહીં. તોડવાનો ખાસ પ્રયત્ન પણ ન કર્યો. પહેલાંની જેમ મા ની નજીક જવાની બહુ કોશીષેય ન કરી – એ બધું જ હવે ઝાંખું ઝાંખું યાદ આવે છે. એનો પસ્તાવો હવે થાય છે.
(કાન્તી મેપાણી લિખિત પુસ્તક “ખોવાયેલા ચહેરા” – ગુજરાત સાહિત્ય એકેડમીના સૌજન્યથી. ખૂબ ખૂબ આભાર)

6 thoughts on “મા યાદ આવ્યાં? – કાન્તી મેપાણી

 1. ખૂબ આભાર. કાન્તિભાઈનો સંપર્ક વર્ષો અગાઉ નિયમિત હતો. ક્યારેક નવનીત-સમર્માંપણમાં વાંચવા મળતા.
  આ પુસ્તકો મોકલવાનાર ભાઈ જો ન્યૂ જર્સી/ન્યુયોર્ક વિસ્તારમાં હોય તો તેમને મારો સંપર્ક નંબર આપશો. અત્યારના સમયમાં રૂબરૂ મળવાનું મુશ્કેલ થાય, પરંતુ ઈમર્જન્સીમાં કે પછી થોડા વખત પછી કોરોના કહેર પૂરી થાય તો એમનો સંપર્ક હું નિયમિત કરી શકીશ. અત્યારે મક્કમ મનોબળ અને પૂરતી સાવચેતી રાખી આ કપરો સમય પસાર કરી લેવાનો છે. એ વડીલને અનુકુળ હોય તો મને કોઈ પણ સમયે ફોન કરી શકે છે. વાતચીતનો દોર તેમની સાથે ચાલુ રાખવો જરૂરી લાગે છે.
  કૌશિક અમીન. ન્યુ જર્સી.
  201-936-4927
  Kaushikamin@hotmail.com

  Like

 2. કાંતિભાઈનો આ લેખ વાંચી આંખ અને હૈયું બન્ને છલકાઈ ગયા. એવું કેમ થતું હશે કે માતા પિતા સાથે સંબંધમાં ઓટ આવે તો પાછો ભરતી લાવવાનો પ્રયાસ સંતાનો ક્યારેય કરતાં નથી અને અને પછી જીવનભર પસ્તાવાના અગ્નિમાં શેકાયા કરે છે.
  કાંતિભાઈના મા પણ જીવનભર દિકરાને માફ કરી ના શક્યા એ બહુ દુઃખદાયી છે.

  Liked by 1 person

 3. ‘ પહેલાંની જેમ મા ની નજીક જવાની બહુ કોશીષેય ન કરી – એ બધું જ હવે ઝાંખું ઝાંખું યાદ આવે છે. એનો પસ્તાવો હવે થાય છે.’સાંપ્રતસમયે અનેક કારણોસર આવી સ્થિતી થાય છે.આ અંગે અનેકોએ પસ્તાવાનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કર્યો છે તેમા આ પધ્ધતિ પણ છે.
  માર્ગારીતા મુરાખોવસ્કાયા દ્વારા માફ કરવાની તકનીક
  “હેલો, મમ્મી. દરેક વસ્તુ માટે મને ક્ષમા કરો, કૃપા કરીને, કારણ કે મેં તમને કેટલીક વાર દુઃખ પહોંચાડ્યું છે. તમારી અપેક્ષાઓ પ્રમાણે ન જીવવા બદલ મને માફ કરો. અને હું તમને દરેક વસ્તુ માટે માફ કરું છું. શું હતું અને જે ન હતું તે માટે માફ કરો. આ હકીકત માટે કે જ્યારે મને તમારા ટેકાની ખૂબ જ જરૂર છે, ત્યારે તમે ત્યાં ન હતા. હું તમને પ્રેમથી માફ કરું છું. હવે તમે મુક્ત છો. દરેક વસ્તુ માટે આભાર, કારણ કે તમારો આભાર, હું જન્મ્યો છે. માયા અને સંભાળ બદલ આભાર “

  Like

 4. કાંતીભાઈને પ્રણામ. આપની વાતથી કોઈ તો શીખી શકશે. બસ મોડું થઈ ગયું હોય તેઓ પોતાને માફ કરી દે કારણ મા તો જલ્દી માફ કરી દેતી હોય છે. મીઠી ક્ષણો યાદ આવે તેવી શુભેચ્છા સાથ…સરયૂ પરીખ

  Liked by 1 person

 5. કાંતિભાઈ, આપની વાર્તા વાંચી જરૂર કોઈ બોધ લેશે, મા તો બાળકોને જલ્દી માફ કરી દે છે, એક અક્ષર મા..બા..સાંભળતાજ…
  મા તે મા બીજા બધા વગડાના વા…

  Liked by 1 person

 6. ગેરસમજની દીવાલ વધુ પાકી બનતી જાય એ પહેલા જ એને તોડી પાડવાનો પ્રયત્ન કેમ એક પણ તરફથી નહીં થતો હોય?

  જીવનભર જે બાબતનો અફસોસ રહ્યા કરે એને દૂર કરવાનો પ્રયાસ જો સંતાનો કરે તો માતા-પિતા એને માફ કરવા તૈયાર જ હોય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s