થોડી ખાટી, થોડી મીઠી – ‘દુનિયા રંગ રંગીલી બાબા’ – જાગૃતિ દેસાઈ-શાહ


દુનિયા રંગ રંગીલી બાબા.. દુનિયા રંગ રંગીલી
જાગૃતિ દેસાઈ-શાહ

“હમ લોગ” માં બષેશર રામ આ ગીત ગાતા. નાનપણ માં આ ગીતનો અર્થ નહોતો સમજાતો, પણ સાયગલ સાહેબના ગીતો ગમવા માંડેલા. Time to time, આ ગીતની મને અસંખ્યવાર યાદ આવી છે કારણકે મનોરંજનના વ્યવસાયમાં બધું રંગ રંગીલું હોય પણ એ રંગોની જિગશૉ (JIGSHOW ) બદલાતી રહે એ નક્કી.

થોડા પ્રસંગો ટાંકું છું. વિરોધાભાસની આ રંગત તમે પણ માણો. અમુક નામો બદલ્યા છે. કોઈ પણ અનુમાન કરવાની અને બંધબેસતી પાઘડી પહેરવાની સખ્ત મનાઈ છે.

હું રેડિયો જોકી બની ત્યારે વખાણ થાય એ ખૂબ ગમતાં અને કોઈ ટીકા કરે ત્યારે જરા પણ ખરાબયે નહોતું લાગતું, કારણ કે એ ખુશી થતી કે, ‘સાલું, કોઈ તો મને સાંભળે છે!’

વર્ષો પહેલાંની વાત છે, રેડિયો જોકી થયાને એકાદ બે વર્ષ થયા હશે. એક ભારતીય ગ્રોસરી સ્ટોરમાં જવાનું થયું. જે ભાઈ સ્ટોરના માલિક હતા, એ મને જોઈ ને કહે “તમે રેડિયો પર બોલો છો?” મેં ખુશ થઇને કહ્યું “હા”.
પછી ખુબજ કટાક્ષ ની નજરે કહ્યું “તને કોઈ સાંભળે છે?” કદાચ એટલી પરિપક્વ નહીં હોઉં, એટલે એટલી બધી સફાઈ આપી કે પૂછો નહીં. ભાન ના પડી કે સફાઈ આપીને પોતાને મૂરખ સાબિત કરી. આખા રસ્તામાં હું મારી જાત પર જ ગુસ્સો કરતી રહી કે, મેં આટલી બધી સફાઈ આપી જ કેમ?

હાલમાં એજ સ્ટોરના માલિકની બીજી દુકાનમાં જઈ ચઢી. ખબર નહોતી કે આ ભાઈ ત્યાં પણ મળી જશે. અને પછી એમણે પોતાના અંદાજ માં પૂછયું “રેડિયો પર હજુ બોલો છો?” મેં હસીને ફક્ત માથું ધુણાવ્યું. અને, એમણે પાછો કટાક્ષ કર્યો, “તમને હજુ પણ લોકો સાંભળે છે?”
મેં કહ્યું “ના રે, મને કોઈ ક્યાં સાંભળે છે? આ તો રેડિયોવાળા ને કોઈ મળતી નહીં હોય કે પછી આ બે એરિયાના લોકો બહુ વિશાળ હૃદયના છે, કે મને મજબૂરીથી નિભાવી લે છે”
ભાઈ કઈં બોલ્યા નહીં. એટલામાં એક યુવાન છોકરી મારી પાસે આવી ને હિન્દી માં બોલી “આપ જાગૃતિ હૈં ના?, મૈં આપ કી ફેન હું, મુઝે આપ કે ગીતો કે સિલેકશન બહુત અચ્છા લગતા હૈ, ક્યા મેં આપકે સાથ ફોટો નિકાલ શકતી હું?” મેં પેલા ભાઈ, જે સામે ઊભા હતા, એમને સેલ ફોન આપીને કહ્યું, “અમારો ફોટો પાડશો?”
એમણે ફોટો તો પાડ્યો અને મને તે ફોટો કઈંક વધારે જ રંગ-રંગીલો લાગ્યો હતો.

મારા એક સંબંધી છે. એમને મારા તરફ વર્ષોથી અકળ કારણોસર કઈંક તો પૂર્વગ્રહ હતો. વારંવાર મને ઊતરતી કક્ષાની બતાવવી, એ જાણે એમનો શોખ હતો!
એક દિવસ ફોન કરીને મને કહી જ દીધું, “તારું કઈં નથી થવાનું, તું નકામા જ હાથપગ મારે છે., તું નાકામ વ્યક્તિ છે” મને થયું આ બહેનને ક્યારેક ખોટા પૂરવાર કરવાનો મને મોકો મળશે કે નહીં, કોને ખબર?
૩-૪ વર્ષ પછીની આ ઘટના છે. સવારે ચા પીને સેલ ફોન ચેક કર્યો, આ સંબંધીના ૪-૫ mised કોલ હતા, મેં પણ પૂર્વગ્રહ સાથે કોલ રીટર્ન કર્યો, મને થયું કે ખોટા વ્યક્તિને ફોન લાગ્યો, કારણ કે સામેથી એ સંભળાયું જેની મને જરા પણ કલ્પના નહોતી! સામે છેડેથી કહી રહ્યાં હતાં, “આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. તારા વિષે સમાચારપત્રમાં જાણીતા વ્યક્તિ એ બહુ જ સરસ લખ્યું છે. મને તો ખબર જ હતી કે એક દિવસ તો તું કઈંક તો જરૂર કરશે.” મેં થેન્ક યુ કહીને હસતા મોઢે ફોન મૂક્યો. ફૂલ પત્તા ઝાડ, આજે બધું જ વધારે રંગ રંગીલું હતું.

એક ભાઈ બે એરિયામાં હતા. એમણે મારા ચરિત્ર વિષે અસંખ્ય વાર ટિપ્પણી કરી હતી. મને કોઈકે આ વાતની જાણ પણ કરી હતી. મને ગુસ્સો તો ઘણો આવતો, પણ કદાચ સ્ત્રી હોવાના વિચારે મારાથી કઈં પણ બોલી શકાતું નહોતું, કારણ તો રામ જાણે!
થોડા વર્ષો પછી ગરબામાં મળી ગયા. એમના ડિવોર્સ થવાના હતા એવું મેં સાંભળ્યું હતું. મને જોતાંની સાથે કહે, “બહુ જ સુંદર લાગે છે.” આગળ મને કહે કે, “મને તારા જેવી છોકરી શોધી આપ, મારે પાછા લગ્ન કરવાના છે” મેં કહ્યું કે મારા જેવું હું એક જ મોડેલ છું, એ મારા પતિએ લઈ લીધું છે. હસીને આગળ વધી. નવરાત્રીની રાત ખૂબ રંગ રંગીલી લાગી.

“દુનિયા રંગ રંગીલી બાબા દુનિયા રંગ રંગીલી.” આ દુનિયાના વિવિધ રંગોની મેં રંગોળી કરીને મારા હૃદયના આંગણાને સજાવ્યું છે. એના પ્રસંગે પ્રસંગે બદલતા કે બદલાતા રંગોના મેઘધનુષ થકી આકાશ આંબવાની ઈચ્છા કરી છે. બદલાતા રંગોએ વખતાનુસાર મોસમ છલકાવી પણ છે. વિવિધ રંગો ને બદલી બદલીને હું ધૂળેટી પણ રમી છું. તો ક્યારેક, વિવિધ રંગોના ફૂલોનો ગુલદસ્તો બનાવ્યો છે. બધા રંગો સાથે મેં ખુલ્લા દિલે પ્રયોગ કર્યો છે, કોઈ છોછ રાખ્યા વિના. ફક્ત એક જ ધ્યાન રાખ્યું છે, રંગ કોઈ પણ હોય, એને પાકો થઈને તન અને મન પર કાયમી રીતે નથી ચડવા દીધો. હૃદય અને મન પર DRY ERASE PERMANENT માર્કરને વપરાવા નથી દીધાં. સાહેબ, હું તો પાટી-પેનની વિદ્યાર્થી છું. પાટી પેનની મઝા એ જ છે કે જયારે લખવું હોય ત્યારે લખો અ ને જયારે ભૂંસવું હોય ત્યારે ભૂંસો. આજના જમાનાનાં, કમ્પ્યુટરના એડિટ, રિપ્લેસ, રી-ડુ, અન-ડૂ અને ડિલીટના વિકલ્પોની જન્મદાત્રી પણ શું એ પાટી-પેન છે? કોને ખબર!

એક વાત ચોક્કસ છે કે આ દુનિયાના રંગ બદલાતાં જ રહેવા જોઈએ, કારણ કે, “દુનિયા રંગ રંગીલી બાબા..!”

3 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – ‘દુનિયા રંગ રંગીલી બાબા’ – જાગૃતિ દેસાઈ-શાહ

 1. મનઝુલો ઝુલે…બીજાના પ્રતિભાવથી થતી રંગરંગીલી કે ઓછપની અસર સ્વાભાવિક છે. કેમ સમારવી એ જાગૃતિએ સરસ બતાવ્યું છે.
  સરયૂ પરીખ

  Liked by 3 people

 2. ‘દુનિયા રંગ રંગીલી બાબા.. દુનિયા રંગ રંગીલી ‘ સુ શ્રી જાગૃતિ દેસાઈ-શાહ લેખ- મજા કરાવી ! તે ગીત જેમ
  कदम कदम पर आशा अपना रूप अनूप दिखाती है
  बिगड़े काज बनाती है, धीरज के गीत सुनाती है
  इसका सुर मिस्री से मीठा इसके तार सजीली बाबा
  दुनिया रंग रंगीली…આવા ની સાથે મીઠો મધુરો ભાવ
  दुःख की नदिया जीवन नैया आशा के पतवार लगे
  ओ नैया के खेने वाले
  नैया तेरी पार लगे, पार बसत है देश सुनहरा
  किस्मत छैल-छबीली बाबा અને આવા સાથે તેની જ ભાષામા વ્યવહાર,,,,
  એમના જેવા અનુભવો દરેક ક્ષેત્રમા થાય છે જ ત્યારે કામ લાગે તેવા………

  Liked by 2 people

 3. દુનીયા રંગ રંગીલી’ અને એમાં પાછા ‘ભાત ભાતના લોક’….. બહુ મજા આવી..ખરેખર તો તમારી હિંમતને પણ દાદ દેવી પડે…નાસીપાસ થયા વગર કામ ચાલુ રાખ્યું અને વખત આવ્યે જડબાતોડ જવાબ પણ આપી દીધો.. બહુ સરસ..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s