બ્લેક ગોગલ્સ ~ કવિ: ભાનુપ્રસાદ પંડ્યા ~ આસ્વાદ: હિતેન આનંદપરા


દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
        પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
        ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
        બંધ પોપચાંમાં રંગોની ભાત!
લોચનની સરહદથી છટકીને રણઝણતું
        રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
        વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા,
        જાળવતી નાતો આ સામટી સુગંધ!
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
        અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
        અનુભવની દુનિયા અમારી!

– ભાનુપ્રસાદ પંડ્યા

કેટલીક મહામૂલી ભેટ એવી હોય જેની ગણના કરવાનું ચૂકી જવાય. આમ તો આખો દેહ એક જીવતુંજાગતું દૈવી યંત્ર છે. બધા અવયવ મિલીભગત કરીને શરીરને સાચવે છે. એમાં બે જણનું વર્ચસ્વ વિશેષ વર્તાય – હૃદય અને આંખો.

     જેની પાસે આંખો ન હોય એની દુનિયા સાવ અલગ હોય. આંખ બંધ કરી અંધારામાં દસ મિનિટ ઘરમાં ચાલવાની કવાયત કરીએ તોય ફાંફા પડી જાય. વિચારમાત્રથી કમકમાટી છૂટી જાય કે જિંદગીમાં રંગોની સૃષ્ટિ જ નહીં. ભૂરું આભ નહીં, લીલાં વૃક્ષો નહીં, લાલ માટી નહીં, પીળું પીતાંબર નહીં, કાળા વાદળ નહીં, શ્વેત ચંદ્ર નહીં. બધું જ તિમિરરંગી. બરફાચ્છાદિત પર્વતોની દિવ્યતા નહીં, બિલાડીની માંજરી આંખોમાં વર્તાતું કૂતુહલ નહીં, કબૂતરનું ટગરટગર નહીં, દીવાલ પર દોડતી ખિસકોલીનો આલાગ્રાન્ડ વૈભવ નહીં, સરોવરમાં તરતા હંસની શાંત મુદ્રા નહીં, રંગબેરંગી માછલીઓની ચમત્કૃતિ નહીં, ક્યારામાં પાંગરતા ગુલાબનું હૅલો નહીં, અમિતાભના ચહેરા પર દેખાતી અભિનયની બારીકી નહીં… અરે પ્રિયજનનો ચહેરો પણ આંગળીઓથી જોવો પડે. આ યાદી એટલી લંબાય કે ડિપ્રેશન આવી જાય. છતાં ઈશ્વર એકાદ છટકબારી ખુલ્લી રાખવાની કૃપા રાખે છે. આ છટકબારીમાં કાન અને આંગળીઓ સ્ટેન્ડ બાય ભૂમિકા ભજવતા થઈ જાય.   

     કવિ આખી વાત હકારાત્મક રીતે કરે છે. દૃશ્યો છીનવી શકાશે, પણ કલરવ નહીં છીનવી શકો. ઉબડખાબડ રસ્તાઓ પર ટહેલવાની મોજ ભલે છીનવાઈ જાય, પણ પગરવની પૂંજી નહીં છીનવી શકો. સપનાંઓ ભલે રંગીન ન આવે, સવાર ભલે સલૂણી ન દેખાય, સાંજની લાલિમા ભલે રિસાઈ ગઈ હોય, પણ નાદ-સાદ-અવાજનો જે વૈભવ છે એ તો અકબંધ જ રહેવાનો. મોરને ભલે જોઈ ન શકાય, પણ ટહુકા તો આત્મસાત કરી જ શકાય.

     લાખો રંગનું વૈવિધ્ય ધરાવતા ફૂલોની ધનાઢ્ય સૃષ્ટિનો અણસાર ભલે આંખોના નસીબમાં ન હોય, પણ એની ખુશ્બૂ તો જરૂર માણી શકાય છે. લ્હેરખી જ્યારે ત્વચાને સ્પર્શે છે ત્યારે જાણે ઈશ્વરની કૃપા આવીને સ્પર્શી ગઈ હોય એવું લાગે. પરિસ્થિતિને સમજી ટેરવાં પર નજરો ફૂટતી થઈ જાય. ઠોકરથી બચવા ઠકઠક કરતી લાકડી અંતરંગ સખી બની જાય. કોઈએ મહિનાઓ પહેલાં રસ્તો ક્રોસ કરવા હાથ આપ્યો હોય એ જ હાથ મહિનાઓ પછી મળે તો પણ ઓળખી જાય એવી અદૃશ્ય આંખો ઈશ્વર વિકલ્પ તરીકે આપે છે.

    દૃશ્ય ન હોય, દર્શન હોઈ શકે. વાસ્તવિકતા ન હોય, કલ્પના હોઈ શકે. આકૃતિ ન હોય, અણસાર હોઈ શકે. સબજેક્ટ તાદૃશ્ય ન થાય છતાં અનુભૂતિ હોઈ શકે.

     1994માં એક વાર મનાલી ટ્રેકિંગ પર જવાનું થયું હતું. ત્યારે અમારી સાથે યાહ્યા સપાટવાલા નામનો મિત્ર સાથે હતો. આ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભાવંત આજે તો વડોદરામાં પ્રોફેસર છે. ટ્રેકિંગ પર અમે બધાં સાથે જતા, ત્યારે અમે ઘણી વાર પડ્યા, એ નહીં. નાનકડી કેડીઓ પર ચડાણ વખતે પડવાની ભીતિ વચ્ચે પણ એણે પૂરા આત્મવિશ્વાસ સાથે ટ્રેકિંગ કર્યું ત્યારે આંખો આંસુઓથી રળિયાત થઈ હતી. ઈશ્વર પર ગુસ્સો અને વ્હાલ બંને વારાફરતી આવ્યા. સિક્સ્થ સેન્સનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

     જે છીનવાઈ ગયું છે એ પાછું ન આવવાનું હોય તો એનો વસવસો ન હોય, સ્વીકાર હોય. જેમની પાસે આંખનો કેમેરો નથી એમની પાસેથી છતી આંખવાળાઓએ ઘણું બધું શીખવાનું છે.

***

3 thoughts on “બ્લેક ગોગલ્સ ~ કવિ: ભાનુપ્રસાદ પંડ્યા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

  1. અભાવ ને ભૂલી જે મળ્યું તેનો આભાર વ્યક્ત કરતી સુંદર કવિતા અને તેટલો જ સરસ આસ્વાદ

    Liked by 2 people

  2. કવિ: ભાનુપ્રસાદ પંડ્યાની રચના ~બ્લેક ગોગલ્સનો હિતેન આનંદપરાનો સરસ આસ્વાદ

    Liked by 1 person

  3. કોઈ પણ જાતના વૈભવી શબ્દોમાં ન તો કવિશ્રી ભાનુપ્રસાદ અટવાયા છે કે ન તો અસ્વાદ કરવનારા કવિશ્રી હિતેનભાઈ. જે રીતે એક અસ્ખલિત વહેણમાં કવિતા વહી છે, એ જ રીતે કલરવતા ઝરણાંની જેમ આસ્વાદ વહ્યો છે. વાહ!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s