છિન્ન – (૬) – રાજુલ કૌશિક શાહ


***** ૬ ****

સ્કોટ્લેન્ડની એ હરિયાળીમાં શ્રેયા લીલીછમ બનતી ગઈ. સંદિપ અહીં સાંગોપાંગ એનો જ હતો. ટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ, શ્રેયા કહેતી અને અહીં એની અને સંદિપ વચ્ચે કોઇ ક્રાઉડ નહોતું. એકબીજાને પામવાનાં આયાસોમાં એકમેકમય બનતા ગયા. પૂર્ણતાના આરે પહોંચવાની એ અનુભૂતિ ….! આહ આજે શ્રેયાને થતું હતું કે એનો નિર્ણય યોગ્ય જ હતો. સંદિપને તો વળી વિદેશની ધરતી પરનું આ મુક્ત બંધન -વિહોણું વાતાવરણ એકદમ જચી ગયું. શ્રેયાને ક્યારેક સંકોચ થઈ આવતો પણ અહીં ક્યાં કોઇ એને ઓળખવાવાળું હતું? લજામણીનો છોડ ખીલતો ગયો.
“સંદિપ, પપ્પાનો મેઇલ છે. શ્રીજી કોર્પોરેશનની નવી ઓફિસનું ઇન્ટીરિયર કરવા માટે ઓફર મળી છે તને..” સામાન્ય રીતે શ્રેયા મેઈલ ચેક કરી લેતી અને મેઈલ પર એમની સુખની ક્ષણોમાં દૂર રહીને પણ પરિવારને શામેલ કરી લેતી.
“ઓહ! નો, શ્રેયા. નોટ નાઉ. અમદાવાદ પા્છાં જઈએ ત્યારે બધી વાત.”
“અત્યારે ને અત્યારે કોણ તને કામ શરૂ કરવાનું કહે છે, પણ પ્લીઝ, તુ તારો કન્ફર્મેશન માટેનો જવાબ તો લખી દઈ શકે ને?” શ્રેયાને થોડી અકળામણ થતી પણ સંદિપને કોઇ ઉતાવળ નહોતી.

“યુરોપને તો એનો પોતાનો આગવો ઇતિહાસ છે તો સાથે અફાટ સૌંદર્યના ખજાનાની અણમોલ ભેટ પણ છે. શ્રેયા, આ બધું માણવાનું મૂકીને તું કામની વાત અત્યારે ક્યાં માંડીને બેસે છે? આ રોમન સ્ટાઇલનુ બાથનુ કન્સ્ટ્રકશન તને ફરી ક્યારે જોવા મળવાનું છે? આ વિન્ડસર કેસલ-એડીનબરા પેલેસ, આ સેન્ટ પૉલ ચર્ચની ભવ્યતા, વેલ્સનો આ સ્નોડોનિયા અને લેન્ડ્ઝ એન્ડ્ની આ રમણીયતા ફરી તને અમદાવાદ તો શું પણ દુનિયામાં માં ગમે તેટલું તું ફરીશ તો પણ તને શોધી જડવાની છે?”
આમ જોવા જાવ તો વાત સાચી હતી.
“ઓ કે બાબા, તારી મરજી.” શ્રેયાને એનો આગ્રહ છોડી દેવો પડતો પણ એટલું તો એને ચોક્ક્સ થતું કે સામે આવેલી તક જતી તો ના જ કરી શકાય અને અત્યારે કામ ક્યાં શરૂ કરવાનું છે? એણે તો બસ ખાલી એની સંમતિ જ દર્શાવવાની છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે એણે જરા આગળ વધીને માત્ર કપાળ પર તિલક કરવા દેવાનું છે. સંદિપની હા હશે તો એ લોકો સંદિપ માટે રાહ જોવા તૈયાર હતા.
પણ શ્રેયા અંતે તો બધુ ભુલીને સંદિપમય બનતી ગઈ. સ્કોટલેન્ડની એ ધરતી પર સુખની પાંખે સમય ઊડતો રહ્યો… આગળ વધીને કેટલું ફર્યા એનો હિસાબ માંડવા બેસે તો માઈલોના માઈલો મુસાફરી કરી પણ કેટલીક યાદો હંમેશ માટે ચિત્ત સાથે જડાઈ ગઈ. નૈસર્ગિક સૌંદર્યના સાથે અંગત રસ જોડાયેલો હતો. બર્મિગહામના એ સિમ્ફની હોલનુ આકર્ષક ઓડીટોરિયમ, એની લાઇટ એન્ડ સાઉન્ડની અદભૂત ક્ષમતા સંદિપને ખૂબ અભિભૂત કરી ગયા. વર્લ્ડ હેરિટેજ તરીકે જાણીતા બાથનું રોમન સ્ટાઇલનુ કન્સ્ટ્રકશન એ બધુ જ સંદિપના રસના વિષયો હતા. વેલ્સના લેન્ડુડમાં વિક્ટોરિયલ એડવર્ડીયન સમયની ભવ્યતા અને લાલિત્યનો સમન્વય સંદિપને અપીલ કરી ગયો.
તો, શ્રેયા માટે પણ અહીં ક્યાં કોઇ ખોટ હતી? સ્નોડોનિયાની એ નાનકડી ટ્રેનની ૩૦૦૦ ફૂટની ઊંચાઈથી હલકા ધુમ્મસ વચ્ચે નીચે દેખાતો પેનોરમિક વ્યુ અને સંદિપનો હાથ પકડીને ઊભેલી શ્રેયા પરથી પસાર થતા એ ધુમ્મસભર્યા વાદળ! જીવનભર એ સ્પર્શ એને યાદ રહી જશે. તો, પછી, એ કોનવોલના એ લેન્ડઝ એન્ડને ક્યાં ભૂલી શકવાની હતી? યુ કે.ની ધરતીના છેડા પર આવીને ઊભાં હતાં બંને જણ. એ દિવસે સમી સાંજે ઢળતા સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ઘેરૂં આવરણ આવી ગયું. શ્રેયા સાગર કિનારે ઊભી છે કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાતી હતી એનો ભેદ પણ એ કળી શકતી નહોતી. સાગરનો એ ઘુઘવાટ, લહેરાતા પવનની હળવી થપાટો, હવાના સૂસવાટાનું ગજબનું સંમિશ્રણ કોઈ અજબ મોહિની ફેલાવી રહ્યું હતું. શ્રેયા તો બસ, એમાં ઓગળતી રહી અને સંદિપ એ પિગળતી શ્રેયાને પોતાના શ્વાસોશ્વાસમાં સમાવતો ગયો.
જીવનના સૌથી ઉત્તમ દિવસો હતા એ. બસ બંને જણ એકમેકમાં ખોવાતાં રહ્યાં, એકેમકને પામતાં રહ્યાં. જે શ્રેષ્ઠ હતું તે અન્યોઅન્ય આપતા ગયા.

5 thoughts on “છિન્ન – (૬) – રાજુલ કૌશિક શાહ

 1. સુખની ક્ષણોમાં દૂર રહીને પણ પરિવારને શામેલ કરી લેતી શ્રેયાની વાતે કદાચ …
  પણ યુરોપના પ્રાકૃતિક વર્ણન સાથે સહજતાથી યુગલ ના સહજીવન ની સૂરીલી, રસીલી અને કદી ના ભૂલાય એવી મધુરરજની ની મધ્ય માં પહોંચાડી શ્રેયાને અંતે તો બધુ ભુલીને સંદિપમય બનાવી..
  સુંદર ગતિએ આગળ વધતી વાતમા સુખ પછી દુઃખ આવવાનું જ દહેશત !!
  રાહ પ્રકરણ ૭…

  Like

 2. તમારું પ્રવાસ વર્ણનમાં મજા આવે છે. નવલકથા લખતાં તમને કેટલો આનંદ થતો હશે તે મારા અનુભવને લીધે સમજું છું. આગળ વાંચીએ. સરયૂ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s