કવિશ્રી ભાવેશ ભટ્ટની ગઝલ – “માની સાથે!” – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ


માની સાથે..!

બધાં ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે
પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે

ઘસરકા સૂરના ખાસ્સાં પડ્યા છે ચિત્ત ઉપર
તમે તલવારને મૂકી હતી વીણાની સાથે!

મને જોયો કુતૂહલથી બધા વેપારીઓએ
જરા હળવાશ મેં માંગી હતી સોફાની સાથે

ગતિમાં આવતા અવરોધને સમજ્યો ન નાવિક
હલેસાઓને કૈં વાંધો હતો નૌકાની સાથે!

હવે હું એકલો બેસું છું કાયમ ત્યાં જઈને
નથી સંબંધ તોડ્યો મેં તો એ જગ્યાની સાથે

ચઢાવીને કબર પર ફૂલ, એ તરત જ વિખેરે
ઝગડતી જે હતી ડોસી સતત ડોસાની સાથે

– ભાવેશ ભટ્ટ

કવિશ્રી ભાવેશ ભટ્ટની કવિતા “માની સાથે!” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગયા રવિવારે ૧૦મી મે ના દિવસે મધર્સ ડે આખા વિશ્વએ ઉજવ્યો. પણ, આ માતૃદિન શું એક જ દિવસ માટે ઉજવવા જેવો છે? સાચું પૂછો તો માતાની હાજરી જીવનમાં હોય એણે તો રોજ માને માત્ર એક વ્હાલભર્યું સ્મિત આપીને એના આશિષ લેવાના હોય, અને મા ન હોય તોયે મા અને ઈશ્વર બેઉને વ્હાલથી યાદ કરી, મનોમન સ્મિત આપીને પ્રણામ રોજ કરવા જોઈએ. કારણ, પરમાત્મા માંથી “પરમાત્” કાઢી નાંખતા, આમ તો જે અક્ષર બચે છે, તે “મા” હોય છે. અને, આમ જુઓ તો એ એક અક્ષર નથી, શબ્દ પણ નથી, પણ એક આખેઆખું વાક્ય છે. આપણી અંદર રહેલા “પર” તત્વોને, જેવા કે રોગ, શત્રુ, મોહ લોભ, ક્રોધ વગેરેને જે ‘માત” કરીને રક્ષણ કરે છે, એ પરમાત્મા છે. પણ મા? મા તો 24×7 પોતાના સંતાનનું રક્ષણ કરે છે, એટલું જ નહીં, એને બિલકુલ બિનશરતી,-Totally Unconditional-પ્રેમ કરે છે, પછી ભલેને એનું બાળક ગમે તેવું હોય! ભગવાનને પણ આની પૂરેપૂરી જાણ છે કારણ કે પ્રભુને જો આ ધરતી પર જન્મ લેવો હોય તો એણે પણ માતાની કૂખે અવતરવું પડે છે. માએ ઈશ્વરની જુદી પુજા કરવી એવું જરૂરી છે જ ક્યાં? સતત સહુની ઘરમાં સગવડ સાચવતી મા પૂજા સિવાય બીજું કરે છે પણ શું?

જિંદગીમાં એવો સમય પણ આવે છે કે કોમળતાની રેશમી રજાઈ, ભાલાની અણીઓવાળી પથારી પર સૂવડાવીને આપવામાં આવે તો ન ઊંઘ આવે કે ન તો રેશમી પોતની સુંવાળપ માણી શકીએ. કાનમાં પડતા મીઠા વીણાવાદનના સૂરોને માણવા પણ એક એવું નાજુક, સંવેદનશીલ વાતાવરણ હોવું જોઈએ તો જ સંગીતની મધુરતા હ્રદયના તાર ઝણઝણાવી જાય છે. કોમળતાને રુક્ષતા સાથે છત્રીસનો આંકડો છે. શ્રી કૃષ્ણ ગાયને અઢેલીને વાંસળી વગાડે કે યમુનાના ખળખળ વહેતા નીરના તાલ પર વાંસળી વગાડે પણ કદી વનવગડામાં વાઘોની ત્રાડ વચ્ચે વાંસળી વગાડે અને ગોપીઓને ઘેલી કરે ખરા? એ વાત જો કે જુદી છે કે વાંસળી વગાડવાવાળો જો કૃષ્ણ હોય તો સિંહ અને વાઘ પણ ગરીબ ગાય બની જાય! વાત એ છે કે, ભયભીત થઈને કોઈ પણ સંવેદનાને જાણવી કે માણવી શક્ય જ નથી.

આગળ એક બહુ મોટી વાત કવિ કહી જાય છે કે ઘરના ફર્નિચરને બનાવડાવી શકાય, ખરીદી શકાય પણ એનો આનંદ મોકળા મને લઈ શકવા એ માટેની “હાશ” કોઈ બજારમાં, કેટલા પણ પૈસા આપીને ખરીદી શકાતી નથી. સાવ સાદા લાગતા આ શેરમાં આમ જુઓ તો વાત માત્ર ઉપરની બે લીટીની છે. આજના આ દોડતા ટેકનોલોજીના યુગમાં, ઘરે આવીને સોફા પર બેસતાં જ લેપટોપ બેગમાંથી કાઢીને કે પછી સ્માર્ટ ફોન કે આઈ પેડ કાઢીને આપણે ફરી પાછાં કોઈ ને કોઈ ઈમેઈલ, ફેસબુક અથવા વોટ્સએપના “વાટકી-વ્યવહાર” માં મશગૂલ થઈ જઈએ છીએ. “હાશકારો” કરીને બેસવાનું સહુ ભૂલતાં જ જાય છે. પોતાને પામવા માટેનું એકાંત સહન થાય એવું નથી હોતું. શરીરને સોફા આરામ આપે છે પણ એ આરામ મનની હળવાશ ને મોકળાશ વિના કેટલો અધૂરો છે! આ લાલબત્તી કવિ ધરે છે પણ શું આપણે એ બત્તીના રંગને માત્ર જોવાની જ નહીં, પણ સાંભળી શકીએ એવી સજ્જતા ધરાવીએ છીએ ખરાં? આ સવાલનો જવાબ આપણે આપણી અંદર જ શોધવાનો છે.

નીચેનો શેર વાંચતાં એક “આહ” નીકળી જાય છે.
ગતિમાં આવતા અવરોધને સમજ્યો ન નાવિક
હલેસાઓને કૈં વાંધો હતો નૌકાની સાથે!
ક્યા અવરોધ અને કઈ ગતિની વાત છે એ અહીં કવિશ્રી ભાવેશભાઈએ “ભાવેશ સ્ટાઈલ”માં અધ્યાહાર રાખ્યું છે અને ત્યાંથી જ અસીમ શક્યતાઓનું એક આકાશ ઊઘડે છે. સમયની નૌકામાં બેઠાં તો છીએ પણ સફર –મુસાફરી અજાણી છે, એની રફતાર-ગતિ અસ્ખલિત નથી. સતત અવરોધો અને વમળો આવતાં રહે છે અને આ નાવને આપણે હલેસાં માર્યા કરીએ છીએ પણ ગંતવ્ય પર પહોંચાય છે ખરું? હલેસાંને જો હોડી સાથે વાંકુ પડ્યું હોય તો સડસડાટ આ નૌકા જાય ખરી? આ હલેસાં અને નાવના સંબંધનું સમીકરણ ઉકેલવાનું કવિ વાચક પર છોડી દે છે.

કવિ સતેજ છે. એટલું સમજે છે કે જનારાને જવા દેવા પડ્યાં કે પછી જવા દઈને ભૂલ થઈ ગઈ છે. એ સંબંધ તો પાછો નથી મળવાનો પણ એકલતાને જે જગાએથી સ્વીકારી હતી ત્યાં જઈને બેસવાથી, એ જગા સાથેનો નાતો તો ઓછામાં ઓછો જળવાઈ રહેશે અને સ્મરણોની વેલ ત્યાં ઊગી જાય તો …! તો …પછીની વાત, ફરીથી અધ્યાહાર….! પણ એક વાત અહીં ડંકાની ચોટ પરથી કવિ પ્રતિપાદિત કરે છે કે, “જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ!”

અને, છેલ્લે, મક્તામાં કવિ ખંગ વાળે છે, આ શેર કહીને,
“ચઢાવીને કબર પર ફૂલ, એ તરત જ વિખેરે
ઝગડતી જે હતી ડોસી સતત ડોસાની સાથે”
આખી જિંદગી પતિ-પત્ની ઝઘડતાં રહ્યાં, લડતાં રહ્યાં છે. પ્રેમનો આ પણ એક પ્રકાર છે. ઘણાય એવા હોય છે જેને ચાર શબ્દોનું એક વાક્ય બોલતાં આવડતું નથી કે, ”હું તને પ્રેમ કરું છું.” અને, કાયમ માટે વિખૂટા પડી જવાય છે ત્યારે મનમાં સંતાપ થાય છે કે જે કહેવાનું હતું તે તો કહેવાયું જ નહીં. એકલા પડી જવાની અનેક વિટંબણા છે, પણ તોયે, જે સાદું સત્ય સ્નેહનું છે એનું પ્રાગ્ટ્ય થઈ નથી શકતું. જીવનભર પ્રેમ પ્રગટ કરતાં આવડ્યું નથી, હા, નારાજગી બતાવી છે જીવતેજીવ! અને, પાછળ એકલા રહી ગયા પછી પણ પ્રેમના પ્રતીક સમા ફૂલોને કબર પર બિછાવે તો છે પણ પાછા વિખેરી નાંખીને નારાજગી બતાવે છે, ગુસ્સો બતાવે છે અને આ પ્રેમ અને નારાજગીના ઝૂલામાં જે ઝૂલે છે તે જ છે કદાચ સાચા “સાયુજ્યનું ગૌરીશંકર!” અંતમાં, કવિએ એક રીતે તો પ્રેમ અને નારાજગી, ક્રોધ, રીસ એ બધાંની અંદર હિલ્લોળા ખાતાં સંબંધના આયુષ્યની ક્ષણભંગુરતાનો અછડતો ઉલ્લેખ કરીને સિફતથી નીકળી જાય છે.

ભાવેશભાઈ ની ગઝલ સૌને પોતાના કરી લે છે એટલું જ નહીં, એમની ગઝલ સૌને પોતાની જ લાગવા માંડે છે. કોઈ શાયર માટે આનાથી મોટી બીજી કોઈ મોટી વાત હોઈ ન શકે!

1 thought on “કવિશ્રી ભાવેશ ભટ્ટની ગઝલ – “માની સાથે!” – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

  1. કવિશ્રી ભાવેશ ભટ્ટની મસ્ત ગઝલ – “માની સાથે!” –નો સુ શ્રી વિનુ મરચંટ.દ્વારા સ રસ આસ્વાદઃ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s