થોડી ખાટી, થોડી મીઠી – શૉ મસ્ટ ગો ઓન! – જાગૃતિ દેસાઈ-શાહ


શૉ મસ્ટ ગો ઓન!

જયારે હું એન્ટરટેઈનમેન્ટ ઈન્ડુસટ્રી માં નહોતી ત્યારે મને એમ લાગતું કે આ બધા કલાકારો અલગારા હશે. કૈંક મેજીક ક્રીમ લગાવતા હશે. ભગવાને એમને ખાસમ ખાસ વિશેષાધિકાર થી નવાજિત કર્યાં હશે. એમની સાથે ના બોલાય, એ એમ જ ખાતા હશે, આમ જ ચાલતા હશે. બહુ જ કડક વલણ વાળા હશે ઇત્યાદિ ઇત્યાદિ
મારા ખુબજ યાદગાર અને પ્રેમાળ યાદગીરી તમારી સાથે શેર કરું

ધર્મેશ વ્યાસ ને કોણ નથી જાણતું? આજે પણ લોકો તેમને “હસરતેં” ના રોલ માટે બિરદાવે છે. અત્યંત પ્રભાવશાળી, ખુબજ handsome એક્ટર, લેખક, પ્રોડ્યૂસર, ડાઈરેક્ટર અને સહુથી વધુ એક ગજબ પ્રેમાળ વ્યક્તિ.
નાટક ના વ્યવસાય માં એ એમની ટેગ લાઈન માટે બહુ જાણીતા છે.

“મુંબઈ બંધ!” કોરોનાએ દુનિયા બંધ કરી દીધી અને એમને પણ…!

“પપ્પા, તમને ના સમજાય” એ નાટક લઈને ધર્મેશ વ્યાસ અમેરિકા આવેલા. બે એરિયામાં મેં એ નાટકનું આયોજન કરેલું. જેમ દર વખત થાય એમ ૨ કલાક પહેલા તેઓ પોતાની ટીમ સાથે સભાગૃહ પર પહોંચ્યા. એમની આખી ટીમ પોતપોતાના કામમાં લાગી ગઈ. મને આપણા સ્ટેજ ના કલાકારો માટે ખૂબ માન છે. ભારતમાં એ ફક્ત તૈયાર થઇ ને ૩૦ મિનીટ પહેલાં આવે, કપડાં ઈસ્ત્રી થઇ ગયા હોય, સ્ટેજ અને સેટ લાગી ગયો હોય. સીન પ્રમાણે કપડાં ચપ્પલ, વિગ બધું હાથમાં આવી જાય. મેકઅપ મેન પણ હોય. પણ જયારે અમેરિકા આવે ત્યારે કપડાંની ઈસ્ત્રી પણ કરે, સેટ પણ લગાડે, અને મેકઅપ પણ પોતે કરે, એ પછી સિદ્ધાર્થ રાંદેરિયા હોય કે વિનય પાઠક કે પછી અપરા મહેતા.

મોટે ભાગે મારા શૉ ટાઈમ પર ચાલુ થતા હોય છે. શૉ શરુ થવાનો હતો એટલે મારે જે એનોઉન્સમેન્ટ કરવાની હોય એ મેં શરુ કરી. તે દિવસે ડો. જાપરા પણ કારણસર આવેલા. એમને મેં માઈક આપ્યું. એટલામાં ધાડ કરીને કૈંક અવાજ આવ્યો. શું થયું ખબર ના પડી. અમારા ટીમના સભ્ય એ ઈશારો કર્યો કે પાછળ આવ. હું બેક સ્ટેજ ગઈ તો જોયું કે ધર્મેશભાઈ ખુરશીમાં બેસી પડેલા. એમના મોઢા પાર ભયંકર દર્દ જોયું. એ કણસતા હતા. એમનો પગ સોજી ગયેલો, ઢમઢોલ! “બરફ લાવો, પેઈન કીલર લાવો.” ચારેકોર દોડદોડી થઈ ગઈ. મને ભરેલું સભાગૃહ દેખાયું. મને એમ કે પ્રોગ્રામ કેન્સલ. એના કરતાં પણ વિશેષ ધર્મેશભાઈનું દર્દ અને એમને કેમ હોસ્પિટલ પહોંચાડવા, હું એ વિચારવા માંડી. ધર્મેશભાઈ બેકસ્ટેજમાં સીડી પરથી પડી ગયા હતા, જોરદાર વાગ્યું હતું.
આવા દર્દ સાથે ધર્મેશભાઈ મને જોઈને કહે કે, “અત્યારે સારું થઇ જશે, આઈ વિલ બી ઓન સ્ટેજ.” મને મારા કાન પર તો વિશ્વાસ જ ન બેઠો. મને થયું, ‘ભલા માણસ તમારો પગ તૂટ્યો ના હોય તો સારું. પહેલા આપણે ડૉક્ટરને બતાવીએ .’ એમનો પગ જે રીતે સોજેલો હતો, એમને તડ પડવાની કે ફ્રેક્ચર હોવાની પૂરેપુરી સંભાવના હતી. એટલામાં યાદ આવ્યું કે ડો જાપરા અહીંયા છે. પંજાબી હોવાને લીધે એમને પોતાની રજુઆત કરીને વિદાય લઇ લીધી હતી. પાર્કિંગ લોટમાંથી એમને પકડ્યા અને પાછા લાવ્યા. નસીબ જોગે એ બધી ઈમરજંસી ની દવા સાથે લઈને ફરતા હોય છે. આવી ને કહે “HE IS IN TREMENDOUS PAIN પછી સ્પ્રે લગાવ્યું અને બરફની થેલી એન્ડ કોમ્પ્રેસિંગ જે થઇ શકે એ કર્યું. ફ્રેક્ચર નહોતું લાગતું. દવા આપી, ઈન્જેકશન પણ આપ્યું અને કહ્યું કે જે જલ્દી થી announcement કરી દે કે કૈંક ટેકનીકલ ખામીને લીધે થોડું મોડું શરુ થશે. મને તો એક બાજુ એમ થતું હતું કે શરુ થશે કે નહીં, પણ announcement તો કરી નાંખી

૫-૧૦ મિનિટ પછી એમણે એમની ટીમ સાથે વાતચીત કરી. એમની ટીમે એવું મંતવ્ય આપ્યું કે એમના અમુક સીન કાઢી નાખવા. એમાં એક જગ્યા એ એમને એમના ટીનએજ દીકરાને પીઠ પર ઊંચકીને ફરવાનું હતું. ખાસ્સો લાંબો સીન હતો. એમણે નક્કી કર્યું કે એ સીન કાપવો.

પછી હું સ્ટેજ પર ગઈ અને જાહેરમાં જણાવ્યું કે, “ધર્મેશભાઈ પડી ગયા છે અને થોડી ચોટ પણ આવી છે. પણ શૉ મસ્ટ ગો ઓન.” ઓડિયન્સે તાળીઓથી વધાવી લીધા. શૉ શરુ થયો અને મને એમ કે ધર્મેશભાઈ કદાચ ધીરે પગે એન્ટ્રી લેશે, પણ એ જ જોશથી, એ જ ફૂટવર્કથી જોશીલી એન્ટ્રી કરી. એ ચાલતા હતા અને એમને ખૂબ પીડા થતી હતી. અચાનક ધર્મેશભાઈએ સીન મુજબ એમના દીકરાને પીઠ પાર ચડાવ્યો. હું દંગ! ઑડીએન્સ આશ્ચર્યચકિત! ભયંકર શાંતિ! સીન ખાસો લાંબો હતો. મનમાં થતું હતું કે હવે તો ઉતારે તો સારું! આખો સીન પત્યો અને હું બેક સ્ટેજ ગઈ. એમના ટીમ મેમ્બર બોલ્યા, ”આ ધર્મેશભાઈ છે! સીનમાં નો કોમ્પ્રોમાઇઝ! આખું નાટક ઓરિજિનલ જેમ હતુમ તેમ જ ભજવાયું, વગર એક સીન કે ડાઈલોગ કાપ્યા વગર!
શૉ મસ્ટ ગો ઓન!
કલાકારો સફળ એટલે જ થતા હશે.
ધર્મેશભાઈ, “ખરેખર તે દિવસે મુંબઈ બંધ!”

1 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – શૉ મસ્ટ ગો ઓન! – જાગૃતિ દેસાઈ-શાહ

  1. “ધર્મેશભાઈ પડી ગયા છે અને થોડી ચોટ પણ આવી છે. પણ શૉ મસ્ટ ગો ઓન.” ઓડિયન્સે તાળીઓથી વધાવી લીધા. શૉ શરુ થયો અને મને એમ કે ધર્મેશભાઈ કદાચ ધીરે પગે એન્ટ્રી લેશે, પણ એ જ જોશથી, એ જ ફૂટવર્કથી જોશીલી એન્ટ્રી કરી. એ ચાલતા હતા અને એમને ખૂબ પીડા થતી હતી…
    ધન્ય ધર્મેશભાઈ
    ધન્ય ઓડિયન્સ
    યાદ આવે અમારી દીકરી યામિની જે નાટકો લખે અને ભજવે …તેણે પણ આવા સંજોગનો ગભરાયા વગર શૉ મસ્ટ ગો ઓન !

    Like

પ્રતિભાવ