અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ – વાર્તા –


કૉલેજમાંથી છૂટા પડ્યા પછી લગભગ અઢાર વર્ષે અભિષેક અચાનક જ લીનાને મળ્યો ’- મળી ગયો. એ મુલાકાત સાવ અણધારી હતી.

અમેરિકા આવીને M. S. કર્યા પછીના શરૂઆતના બે-ત્રણ વર્ષ બધાની જેમ અભિષેકને પણ જુદી-જુદી જગ્યાએ ફરવું પડ્યું. પણ એ દોડાદોડ દરમિયાન જ અભિષેકની એક ઍપ્લિકેશન બરાબર નિશાન પર લાગી અને એને જનરલ મોટર્સના “ડીઝલ એન્જિન ડિઝાઈન” વિભાગમાં સરસ પગારની નોકરી મળી ગઇ. એન્જિનીઅરીંગ કૉલેજમાં હતો ત્યારથી જ “ઇન્ટરનલ કમ્બશન એન્જિન” એ અભિષેકનો ગમતો વિષય હતો. આખર પરીક્ષામાં સરસ માર્ક મેળવી, પરિણામ હાથમાં આવ્યું કે તરત જ અભિષેક અમેરિકા આવ્યો. આગળ ભણ્યો અને પોતાને ગમતા ફિલ્ડની નોકરીમાં સફળતાથી આગળ વધવા લાગ્યો. અન્ય મિત્રોની જેમ જ એક વખત અભ્યાસ પૂરો થયો ને સરસ નોકરી હાથમાં આવી ગઇ પછી એણે લગ્નની દિશામાં પોતાનો મોરચો ફેરવ્યો. પપ્પાના જ કોઇક ઓળખીતાની દીકરી ડૉક્ટર થયેલી એને મળ્યો, એક કરતાં વધુ વાર બંને મળ્યા. બંનેએ ગણતરીના દિવસોમાં જ નિર્ણય લીધો, ને ઉતાવળ છતાં પણ ધામધૂમથી થયેલા લગ્નમાં બંનેએ એકબીજાને માળા પહેરાવી. અભિષેકે પોતાની ડોક્ટર પત્ની ઇન્દુને ખૂબ આદર અને પ્રેમ સાથે પોતાના જીવનમાં આવકારી. તો ઇન્દુ પણ અમેરિકામાં સરસ ભણીને કમાતા થયેલા પોતાના સાયબા પર ખરા દિલથી મોહી પડી. એક સુખી દાંપત્યની મંગળ શરૂઆત થઇ. પરણીને તરત જ અભિષેક અમેરિકા પાછો ફર્યો. પછી બહુ જ ટૂંકી મુદતમાં ઇન્દુ પણ અમેરિકા આવી ગઇ. મિશીગન રાજ્યના ડીટ્રૉઇટ શહેરથી થોડે દૂર આવેલા વૉશિંગ્ટનવિલ ગામમાં તેઓ સ્થિર થયા.

ઇન્દુ હોંશિયાર હતી. લગ્નની કોમળ વયે પણ પુખ્ત પણે વિચારી શકે એટલી ઠરેલ હતી. અભિષેક અને ઇન્દુના સંયુક્ત પ્રયાસોને કારણે ઇન્દુએ જોતજોતામાં ગાયનેકના બોર્ડની પરીક્ષા પાસ કરી, અને વૉશિંગ્ટનવિલથી નજીક આવેલા જ્યૉર્જટાઉન નામના ગામમાં કામ કરતા એક ગાયનેકોલોજિસ્ટ ગ્રુપ સાથે કામ કરવા લાગી. ઝડપથી, ચોકસાઈપૂર્વક , અને અચૂક નિદાન કરવાની એની કુનેહ ગજબની હતી. આ આવડત, ઇન્દુનું મુક્ત હાસ્ય, અને એની સ્વભાવગત નરમાશ, જેવા ગુણોએ બે-ત્રણ વર્ષમાં જ ઇન્દુને ગ્રુપના અન્ય ડૉક્ટરની સમતુલ્ય બનાવી દીધી. એ સમયમાં અભિષેક પણ રેસના ઘોડાની ગતિથી પોતાની કરીયરમાં આગળ વધતો હતો. ટર્બોચાર્જર સાથે સુપર-હીટર જોડવાની એની ડિઝાઈન સફળ થઇ, અને પરિણામે જનરલ મોટર્સે બનાવેલા ડીઝલ-એન્જિનની ગુણવત્તામાં મોટો ફરક પડ્યો. અભિષેકના કામની યોગ્ય કદર થઇ અને એ એના વિભાગનો ઉપરી બન્યો. બંનેની સફળ કારકિર્દી ના પરિણામે ઘરની આર્થિક સમૃદ્ધિ ખૂબ હતી અને રોજરોજ વધ્યે જતી’તી. એમના નવા વિશાળ ઘરને ’ઘર’ કહેવું કે ’મહેલ’ એ કોઈને પણ મૂંઝવે એવો સવાલ હતો. કોઇપણ નવા પરણેલા યુગલની જેમ એ બંને પણ કામ પરથી વૅકેશન લઇ દૂર-દૂર ફરવા જતા; શિયાળામાં બરફના ડુંગરા પર સ્કીઇંગ કરવા જતા; તો ઉનાળામાં શનિ-રવિની સાંજ મિત્રો સાથે પાર્ટીમાં પસાર કરતા. ’સુખ’ શબ્દને જો કોઇ મૂર્તિમંત સ્વરૂપ આપવું હોય તો એને ઇન્દુ-અભિષેકનું દાંપત્ય જીવન, એમ નિઃસંદેહ કહી શકાય.

આવી જ એક ઉનાળાની સાંજની પાર્ટી માટે બંને તૈયારી કરતા હતા. અભિષેક બારમાં કશું ખૂટતું તો નથીને એ તપાસતો હતો. ’માર્ગારીટા’ માટેની તૈયારી એણે ફરી એકવાર તપાસી લીધી અને ’વાઇન’ના ગૉબલેટ્સ ગણીને ગોઠવ્યા. ઇન્દુએ ફ્રીઝમાંથી ’ફોન્ડ્યુ’ માટેનું ખાસ ચીઝ બહાર કાઢ્યું, અને આગલી રાત્રે કરેલા ડીઝર્ટ કેક પર ’આઇસીંગ’ કરવાની શરૂઆત કરી. સાથેસાથે જ પાર્ટીમાં આજે કોણ-કોણ આવવાનું છે એની યાદી વિષે બંને બોલ્યે જતા’તા. ત્યારે ઇન્દુએ કહ્યું, “અભિ, તને કહેવાનું રહી ગયું. આજે આપણે ત્યાં પાર્ટીમાં એક ઍડ્વોકેટ આવવાની છે.” ઇન્દુનું સોશિયલ સર્કલ બહુ મોટું હતું. અભિષેકે ધાર્યું, એમાંથી જ એની કોઇ નવી ફ્રૅન્ડ આવવાની હશે. એણે સહજ રમૂજમાં કહ્યું : “સરસ. ચાલો ત્યારે પાર્ટીમાં એક વ્યક્તિ તો એવી હશે જે મૅડીસીન છોડીને કોઇ બીજા ફિલ્ડમાં કામ કરે છે. કોઇ ડૉક્ટરની વાઇફ છે?“ બંને વચ્ચેની કાયમી નિખાલસ ગમ્મતના તોરમાં ઇન્દુ બોલી, “ના. હજી એકલી જ છે. તારે ’ફ્લર્ટ’ કરવા માટે સારી તક છે.” નિખાલસતાથી બંને ખડખડાટ હસી પડ્યા. પણ પછી અવાજ જરા ધીમો કરી ઇન્દુ બોલી, “છોકરી ખરેખર બહુ સરસ છે. I mean દેખાવડી તો છે જ. પણ સ્વભાવમાં પણ એકદમ સરળ અને મોકળી છે. તારા માટે અગત્યનું એટલે એ તમારા અમદાવાદની જ છે. અને, આ બધાની સાથે જ પોતાના ફિલ્ડમાં એકદમ successful છે.” “શું કરે છે?” અભિષેકે પૂછ્યું. “ડિસ્ટ્રિક્ટ ઍટર્ની છે.” એટલું બોલીને ઇન્દુ પાછી પોતાના કામે લાગી.

ધીમે-ધીમે મહેમાનો આવવાની શરૂઆત થઇ. એમાં મોટાભાગના ઇન્દુના કલીગ્સ અને બીજા ઓળખીતા ડૉક્ટર હતા. અભિષેક સાથે બધાને મૈત્રી હતી. અલબત્ત, એમાં યે એકાદ બે એની જેવા પણ હતા કે જેમની પત્ની ડૉક્ટર હતી. સ્વાભાવિક રીતે જ અભિષેકને એમની કંપની વધુ ગમતી. તો જેમના હસબન્ડ્સ ડૉક્ટર હતા એવી સ્ત્રીઓ પણ પાર્ટીમાં ગપ્પાં મારવામાં સરસ ’ઇન્ટરેસ્ટિંગ કંપની’ આપતી. આવનારામાં કોણ શું ડ્રીંક લેશે એ અભિષેકને હવે એકાદ ઉસ્તાદ ’બાર ટેન્ડર’ ની માફક યાદ હતું. એણે ડ્રીંક્સ સર્વ કરવાની શરૂઆત કરી. હાથમાં વાઇનના ગ્લાસ લઇને અભિષેક બારની પાછળથી બહાર આવ્યો, અને બરાબર એ જ વખતે સુંદર ’ઈવનીંગ ડ્રેસ’ પહેરેલી એક આકર્ષક પણ નમણી યુવતી બારણામાં દેખાઈ. ક્ષણભર અભિષેક એને નીરખીને જોઇ રહ્યો, અને પછી ચમકીને, હાથમાંના ગ્લાસ જેમતેમ સંભાળતો એ બૂમ પાડી ઊઠ્યો : “લીના !!??” હા એ લીના હતી. આજે કેટલા બધા વર્ષો પછી આમ સાવ અચાનક જ બંને એકબીજાને જોતા હતા. નજીકમાં જે ટેબલ કે ટીપોય દેખાઈ એના પર ગ્લાસ પટકીને એ તરત જ લીનાને મળવા ધસ્યો. બંનેએ હસ્તાંદોલન માટે આગળ કરેલા હાથ આપોઆપ આલિંગનમાં ઓગળી ગયા. ઘડીક માટે બંને અવાક બની ગયા. ’અભિ, તું એમને ઓળખે છે?’ એમ પૂછતી ઇન્દુ સમયસર બંનેની મદદે પહોંચી ગઇ. ’ઇન્દુ, આ લીના અને હું અમદાવાદમાં કૉલેજમાં હતા ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ.’ આશ્ચર્ય અને આનંદ, – બે માંથી કઇ લાગણી વધુ પ્રબળ હતી એ ન સમજાતા ગૂંચવાયેલો અભિષેક જવાબ તો ઇન્દુના પ્રશ્નનો આપતો’તો, પણ એની આંખો હજી લીના પર જ હતી. આવી પરિસ્થિતિમાં માત્ર સ્ત્રીઓ જ દાખવી શકે એવી સમયસૂચકતા દાખવી લીનાનો હાથ પકડી ઇન્દુ એને બધા મિત્રો વચ્ચે ખેંચી ગઇ અને બોલી : “Some of you know her. But for those who don’t, આ આપણાં ડિસ્ટ્રિક્ટ ઍટર્ની મિસ. લીના નાણાવટી“ તરત જ કેટલાકે ’હલો, લીના, I am ….” બોલીને પોતાનું નામ કહ્યું, કેટલાકે માથું હલાવી ’સ્માઇલ’ કર્યું, તો બાકીનાએ પોતાના ડ્રીંકના ગ્લાસ ઊંચા કરી એને આવકારી. લીનાએ પણ, પોતે બારણામાં દાખલ થતાં જ થયેલ ’અથડામણ’ બાજુએ સારીને સૌએ પોતાને આપેલ આવકાર યોગ્ય સ્મિતથી વધાવ્યો. આટલું થયું ત્યાં સુધીમાં અભિષેક પણ સ્વસ્થ થઇને પાર્ટીમાં જોડાયો. એમના ઘરની બધી જ પાર્ટીની જેમ જ આ પાર્ટી પણ બરાબર જામી અને રાત્રે મોડે સુધી ચાલી. જુદા-જુદા સવાલના જવાબ રૂપે લીનાએ પોતા વિષે આપેલી માહિતી ટૂંકામાં આવી હતી : “પોતે ભારતથી અમેરિકા આવી એને હવે દસ-બાર વર્ષ થયા છે. એ પહેલાં એણે મુંબઈ હાઇકૉર્ટમાં એક જાણીતા ’ક્રિમીનલ પ્લીડર’ની આસિસ્ટંટ તરીકે કામ કરેલું . અહીં આવ્યા પછી પણ એ જ કારકિર્દી ચાલુ રાખી; અને આજે પોતે ડિસ્ટ્રિક્ટ ઍટર્ની તરીકે કામ કરે છે, અને છેલ્લા ત્રણ મહિનાથી વૉશિંગ્ટનવિલમાં ’મૂવ્હ’ થઇ છે.” એક જ મુલાકાતની ઓળખાણમાં પણ ચિત્તરંજન દાસગુપ્તાએ જ્યારે ઘૃષ્ટતાથી “Are you single?” એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે એવી વેધક નજરથી લીનાએ એની સામે જોયું કે દાસગુપ્તાને કાપો તો પણ લોહી ન નીકળે એવો ફિક્કો પડી ગયો! પરંતુ એ એક પ્રસંગ સિવાય બાકી બધો વખત લીના એનું હાસ્ય વેરતી રહી અને સૌ સાથે મોકળા મનથી વાતો કરતી રહી. અભિષેક સાથેની એની વાતો એમના કૉલેજના દિવસોની આજુબાજુ જ અટવાતી રહી. એમાં ઘણાં મિત્રો અને થોડા પ્રોફેસરના નામ આવી ગયા. બંને વચ્ચે ભૂતકાળમાં ’અંગત’ કહેવાય એવું કશું જ બન્યું ન હતું, અને છતાં બંને વચ્ચેની વાતોમાં ક્યાંક ખાલી જગ્યા રહેતી’તી એમ બંનેને લાગતું’તુ. સારી વાત એ હતી કે એ ’ખાલીપણું’ માત્ર એમના બે સિવાય અન્ય કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું. પાર્ટી પૂરી થઇ ત્યારે સહુને એક સરસ વ્યક્તિને મળ્યાનો આનંદ હતો. માત્ર અભિષેક થોડો ’કનફ્યુઝ્ડ’ હતો! મહેમાનો ગયા પછીની સાફસૂફી દરમિયાન વાતોમાં અભિષેકે એની સ્વભાવગત નિખાલસતાથી કૉલેજના વર્ષોમાં પોતે અને લીના સાથે હતા ત્યારની બધી જ વાતો કરી. ’પોતે ભણવામાં લીનાથી આગળ હતો, કૉલેજની ક્રિકેટ ટીમમાં પણ હતો, અને એક વર્ષે તો ડ્રામામાં પણ ભાગ લીધો હતો. એ વખતે લીનાએ પણ એ જ ડ્રામામાં ભાગ લીધો’તો અને પ્રેક્ટિસ માટે તેઓ ઘણીવાર મળતા. પછી પોતે ’એન્જિનીઅરીંગ’માં ગયો અને લીના સાથેની ઓળખાણ ત્યાં જ પૂરી થઇ.’ અભિષેકની વાતોમાં સચ્ચાઈનો એવો રણકો હતો કે ઇન્દુને એ વિષે બીજો વિચાર કરવાની ક્યાંય જરૂર જ ન હતી; ને છતાં પોતે કશું પૂછ્યા વિના જ અભિષેક આ બધું શા માટે બોલ્યે જતો’તો એ વાતનું એને અચરજ થતું’તુ.
એ પાર્ટી પછી ઇન્દુ અને લીના નિયમિત રીતે મળતા થયા. ઇન્દુએ જોયું કે લીનાની વાતો અને વર્તનમાંથી એના સ્વભાવની મક્કમતા છતી થતી હતી, પણ એમાં અતડાઈ નહોતી; પોતે ’એકલી છે પણ અબળા નથી’ એ હકીકત અંગે એને સભાન આત્મવિશ્વાસ હતો પણ એનું ખોટું અભિમાન નહોતું. ઇન્દુને આ વાતો સ્પર્શી ગઇ. લીનાને શોપિંગમાં ઇન્દુની કંપની મદદરૂપ થઇ. તો લીનાનો ટેનિસ અને સ્વીમીંગનો શોખ ઇન્દુને આકર્ષી ગયો. બંનેની મૈત્રી જામતી ગઇ. પણ અભિષેક એ મુલાકાતો અને મૈત્રીમાંથી જાણે આપોઆપ જ બાદ રહ્યો. ટેનિસ કોર્ટ પર ક્યારેક ભેગા થઇ જાય ત્યારે પણ માત્ર ઔપચારિક વાતો કરીને જ લીના અને અભિષેક છૂટા પડતા.
આમ છ-આઠ મહિના પસાર થયા. એક દિવસ પોતાના ’એન્યુઅલ ફિઝિકલ ચૅક અપ’ પછી અભિષેક હતાશ ચહેરે ઘેર આવ્યો. ડૉક્ટરને એના આંતરડામાં ચિંતા કરાવે એવી માંદગીનો અણસાર દેખાયો અને એ માટે તાત્કાલિક ’સ્પેશ્યાલીસ્ટ’ને મળવાની એમણે અભિષેકને સલાહ આપી. સ્પેશ્યાલીસ્ટે જુદા-જુદા ટેસ્ટ કરવાની શરૂઆત કરી. એક ટેસ્ટ પતે, એનું રિઝલ્ટ આવે પણ એમાંથી રોગનું નિદાન ન થાય, ને પરિણામે વળી બીજો ટેસ્ટ કરવાનું જરૂરી લાગે; એમાંથીયે કશું ન પકડાય એટલે ડૉક્ટર ત્રીજો ટેસ્ટ ફરમાવે. અને એ પછી વળી નવો ટેસ્ટ. આવી ઘટમાળ ચાલી. ઇન્દુએ જુદા-જુદા ડૉક્ટરની સલાહ લીધી, છતાં કશો ઉપાય હાથ ન આવ્યો. કોઇપણ ડૉક્ટરને ન સમજાય એવો રોગ અભિષેકને વળગ્યો હતો. ડૉક્ટરોના ’પ્રયોગો’ ચાલુ હતા. સામે અભિષેકની જિજીવિષા વૃત્તિ ઝંઝાવાતી લડાઇ લડતી હતી. ઇન્દુમાં રહેલી પત્નીની ખિન્નતાનો અંત નહોતો, અને એનામાં રહેલી ડૉક્ટરની હતાશાનો પાર નહોતો. અભિષેક વિનાનું જીવન કલ્પવું પત્ની તરીકે તેને માટે અસહ્ય હતું તો અભિષેકની બિમારીનું નિદાન ન થઇ શકવું ડૉક્ટર તરીકે એને માટે બહુ મોટો પરાજય હતો. દિવસે દિવસ માંદગીએ વધુ ને વધુ ડરામણું રૂપ ધારણ કર્યું. અભિષેકનું વજન ઓછું થતું ગયું, ઉત્સાહ અને શક્તિ ઘટતા ગયા, આંખો ઊંડી ઊતરતી ગઇ. યુવાનીના તરવરાટથી ઊભરાતો અભિષેક જાણે એકાએક વૃદ્ધ થઇ ગયો. કામ પરથી તો ઘણાં દિવસોથી એ ’લૉન્ગ ટર્મ ડીસેબીલીટી ’ પર ઊતરી ગયેલો. આવી હાલતમાં ઊંઘ તો શું આવે? બિછાનામાં પડ્યા-પડ્યા છત તરફ અનિમેષ નજરે જોયા કરવા સિવાય હવે એના જીવનમાં બીજું કશું જ બાકી નહોતું રહ્યું. ઇન્દુએ પોતાનું કામ ઘણું ઘટાડી દીધું અને એ સતત એના અભિ પાસે જ બેસી રહેવા લાગી. મોટે ભાગે તો બંને અબોલ બની બેસી રહેતા. ક્યારેક ખૂબ કષ્ટથી અભિષેક ઇન્દુનો હાથ પોતાના હાથમાં લેતો. એની આંખ આંસુથી ઊભરાઈ જતી. હાથનો સ્પર્શ એજ બંને વચ્ચેની આત્મીયતાનું એક માત્ર એંધાણ રહ્યું હતું. આમ છતાં ઇન્દુને ક્વચિત પોતાના કામ પર જવું જરૂરી બનતું, અને એવે પ્રસંગે કોઇ મિત્ર કે પડોશીની વ્યવસ્થા કરી ઇન્દુ ભારે હૈયે નીકળતી અને શક્ય તેટલી જલદી ઘેર પાછી આવી જતી.

આવા જ એક પ્રસંગે ઇન્દુએ લીનાને ફોન કરી અભિષેક પાસે બેસવા આવી શકશે કે કેમ, એમ પૂછ્યું. લીના અલબત્ત, તત્ક્ષણ હાજર થઇ. ઇન્દુ ગઇ અને લીના અને અભિષેક એકલા પડ્યા. બ્લુ-જીન્સ અને ટર્ટલનેકમાં સજ્જ થયેલી લીનાને અભિષેક નીરખી રહ્યો. અભિષેકની બાજુની ટીપોય પર તાજું ન્યુઝ પેપર હતું. લીનાએ અભિષેકને પૂછીને એમાંની ’હેડ લાઇન્સ’ વાંચવી શરૂ કરી. પણ પાંચેક મિનિટમાં અભિષેકે હાથના ઇશારે જ એને બંધ કરવા સૂચવ્યું. થોડીક શાંત પળો પછી લીનાએ અભિષેકને સૂપ કે ચ્હા જોઇએ છીએ? એમ પૂછી જોયું, અને અભિષેકે માથું ધૂણાવી ના કહી. ફરી થોડીવાર બંને ચૂપ રહ્યા. આખરે હિંમત અને શરીરમાં જે કાંઇ હતી તે શક્તિ, બંને એકઠા કરીને અભિષેક બોલ્યો : “લીના તને થોડી અંગત વાતો પૂછું?” લીનાએ સંમતિ સૂચક આંખો ઊંચી કરી એની સામે જોયું. “તું કાયમ એકલી જ રહી?” હવે ઇશારાથી વાત કરવાનો વારો લીનાનો હોય એમ એણે માત્ર ડોકું હલાવી ’હા’ કહી. પડખું ફરીને જમીન પર નજર રાખી અભિષેક બોલ્યો : “ શા માટે?” એક ઊંડો શ્વાસ મૂકી લીના ચૂપ જ બેસી રહી. થોડીક ક્ષણ પછી અભિષેક જ ફરી બોલ્યો : “જો કે આપણી વચ્ચે એવી કઈ આત્મીયતા હતી કે હું તને આવી અંગત વાત પૂછી શકું? જવા દે.” અને પછી મન મનાવીને કે વધુ પડતો શ્રમ લાગ્યો એટલે, અભિષેક આંખો મીંચીને પડી રહ્યો. ફરી થોડી શાંત પળો વીતી. શાંતિનો ભંગ કરી ફરી અભિષેક જ બોલ્યો : “તને ખબર તો હશે જ હવે મારા દિવસો ભરાઇ ચૂક્યા છે. ઇન્દુ, હું, તું, આપણે સહુ આ લડાઇ હારી ગયા છીએ અને જે અટળ છે એની માત્ર રાહ જોતા બેઠા છીએ. ઘણાં વર્ષો પછી અચાનક જ ગયા વર્ષે આપણે મળ્યા. ત્યારથી તને એકલી જોઇને આ સવાલ તો મનમાં ઘણીવાર આવ્યો, પણ ઇન્દુના સુખમાં ક્યાંય મેખ લાગે એવું મારે કશું ન’તુ કરવું. એટલે ભૂતકાળને ..….. પણ હવે મારા પાસે પૂછવા-કહેવાનો સમય નથી રહ્યો. અને મનની ગાંઠ બંધ રાખીને ચાલ્યા જવાની ઇચ્છા નથી. એટલે થયું કે ……” ઘણાં દિવસો પછી પહેલીવાર એક શ્વાસે અભિષેક આટલું બધું બોલી ગયો, અને પછી શરીરને પડેલો શ્રમ અસહ્ય થયો હોય એમ એક મોટો નિસાસો મૂકી ફરી ચૂપ થઇ ગયો. આ વખતે લીના માટે એ ચૂપકીદી અસહ્ય બની. આમ તો એ આ ગામમાં ’મૂવ્હ’ થઇ પછી થોડા સમયમાં જ એણે ઇન્દુ-અભિષેકના નામ સાંભળ્યા હતા. એક કાબિલ ડિસ્ટ્રિક્ટ ઍટર્ની માટે એ ’અભિષેક’ કોણ છે, એ જાણવું સાવ સહેલું હતું. પણ એવી માહિતી મળ્યા/મેળવ્યા પછી એણે સામેથી ઇન્દુ કે અભિષેકને મળવાનો કશો પ્રયત્ન ન કર્યો. પરંતુ વૉશિંગ્ટનવિલમાં ઇન્દુના ’સોશિયલ સર્કલ’થી દૂર રહેવું સહેલું ન હતું.. એકાદ વખત તો કાંઇક બહાનું બતાવીને લીનાએ ઇન્દુનું આમંત્રણ પાછું ઠેલ્યું. પણ બીજીવાર એમ કરવું અઘરૂં હતું અને લીનાના સ્વભાવની બહારનું હતું. લીના ઇન્દુની પાર્ટીમાં હાજર રહી, પોતાનો પુરાણો દોસ્ત અભિષેક મળશે એ ખ્યાલ હોવાથી કાંઇક સાવધ બનીને જ ગઇ, અને છતાં જ્યારે બારણામાં જ અભિષેક મળી ગયો ત્યારે એકાદ ક્ષણ માટે લીનાનો એ સાવધાનીનો અંચળો સરી પડ્યો. ઝડપભેર આ બધાં દ્રશ્ય લીનાની આંખ આગળથી પસાર થવા લાગ્યા. અભિષેકને મળ્યા પછીના આઠ-દસ મહિના દરમિયાનનું બંનેનું વર્તન કેવું નિર્લેપ હતું એની એણે બરાબર નોંધ લીધી’તી. એ બધા સંદર્ભમાં એને પોતાના કૉલેજના દિવસો યાદ આવ્યા. વાર્ષિકોત્સવ ના નાટકની પહેલી જ પ્રૅક્ટિસ વખતે પહેલી જ વાર દીઠેલ અભિષેક યાદ આવ્યો. ઓછાબોલો અને જરા સંકોચશીલ સ્વભાવનો, પણ એના વાંકડિયા વાળ અને માંજરી આંખને લીધે ફૂટડો દેખાતો, અને પહેલી મુલાકાતમાં જ પોતાને ગમી ગયેલો અભિષેક યાદ આવ્યો. પછી તો બંને ઘણીવાર મળ્યા. એમાંની ઘણી મુલાકાતો તો નાટકના ગ્રુપની સાથે જ થઇ’તી, પણ ક્વચિત બંને એકલા પણ મળેલા. એવી મુલાકાતો વખતે ક્યારેક એને અભિષેક અસ્વસ્થ લાગતો, જાણે એને કાંઇક કહેવું છે પણ કહી શકતો નથી, એવું લાગતું. આવી જ એક મુલાકાતમાં અભિષેકે જ્યારે પૂછ્યું : “આપણા નાટકમાં તું શું પહેરવાની છે?” ત્યારે પોતે ’રાણા સાહેબ કહેશે એ.’ એવો ટૂંકો જવાબ આપેલો. પ્રોફેસર રાણા નાટકના દિગ્દર્શક હતા. “તું તારી પેલી અંજીરી રંગની સાડી અને ગોલ્ડન કલરનું બ્લાઉઝ પહેરીશ? એમાં તું ખૂબ દેખાવડી લાગે છે.” એમ બોલતા પોતાની આંખમાં માંડમાંડ આંખ મિલાવી જોતો અભિષેક લીનાને આજે પણ યાદ હતો. નાટક થયું. એમાં, ’તું સલવાર-ખમીસ પહેરજે.’ એવા રાણા સાહેબના સૂચનનો અનાદર કરી લીનાએ અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ પહેરીને કામ કર્યું. એ નાટક બંનેના જીવનનો એકાદ પ્રવેશ માત્ર હોય એમ ભૂતકાળમાં વિલીન થઇ ગયું. એક સુખદ યાદથી વધુ કશું એમાંથી સાકાર ન થયું. નાટક પછી લીનાએ મળવા માટે કરેલા સૂચનો અભિષેકે ટાળ્યા. લીના આમાંથી કશું ભૂલી નહોતી.

આખરે ગળું સાફ કરી લીનાએ બોલવાની શરૂઆત કરી. “એ સાડી પર જાણે તારું નામ લખાયું હતું. આપણે છૂટા પડ્યા પછી મેં ફરી કદી એ સાડી નથી પહેરી. “ફરી થોડી શાંત પણ અસ્વસ્થ ક્ષણ પસાર થઇ. અભિષેકની આંખો લીનાના ચહેરા પર મંડાઈ રહી. “માત્ર એ સાડી જ નહીં, એ પછી મેં કદી સાડી જ નથી પહેરી. અભિ, તેં કેમ મને કદી લગ્ન માટે ન પૂછ્યું? નાટક પછી તું કેમ અચાનક અતડો થઇ ગયો?” “લીના, આપણી વચ્ચે એક મોટી ખાઇ હતી. તું અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરની દીકરી હતી. મારા પિતા એક સામાન્ય બૅંક-ઑફિસર હતા. આપણે માટે આગળ કોઇ શક્યતા દેખાતી નહોતી. પછી મૃગજળ પાછળ દોડવાનો શો અર્થ?” બંને સ્તબ્ધ બની, મૂંગા-મૂંગા એકમેક સામે જોતા રહ્યા. ઘણીવાર પછી અભિષેકે ગણગણવું શરૂ કર્યું : ’ કારવાં ગુઝર ગયા… ઔર હમ ખડે-ખડે ગુબાર દેખતે રહે !’. પછી એ આંખો મીંચીને ચૂપચાપ પડી રહ્યો. સામેની બારીમાંથી એના મોં પર આવતા સૂર્ય પ્રકાશને રોકવા લીનાએ ઊઠીને બારીના પડદા બંધ કર્યા.

થોડીવાર પછી ગરાજનું બારણું ખુલવાનો અવાજ આવ્યો અને ઇન્દુની ગાડી ગરાજમાં દાખલ થઇ.

3 thoughts on “અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ – વાર્તા –

  1. મા અશોક વિદ્વાંસની અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ સંવેદનશીલ સ રસ વાર્તા –

    Like

  2. I liked this story very much.
    I am not sure it is based on real story. But in those days there must be many ‘unexpressed love’ stories, and they didn’t get chance to express until end. That ‘Unexpressed Love’ story stays behind like one of those untold ‘Secrets’ story.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s