ઇચ્છા ~ રમેશ પારેખ : (આસ્વાદ) હિતેન આનંદપરા


એક કવિની ઇચ્છા શું હોય?

ઇચ્છા

બૉમ્બ ન પડે કોઈના વિચારો પર
ઘરડી ન બની જાય આંખ
દોસ્તો ચાલ્યા જતા ન હોય
ભવિષ્ય તરફ અજાણ્યા બનવા
ખાવા ધાતાં ન હોય રસ્તાઓ, મકાનો, ચહેરાઓ
ફૂટી ન જાય બાળકના ફુગ્ગાનું સુખ
ન અવતરે કોઈ સ્ત્રીને મૃત બાળક
વાંઝણી સ્ત્રીનો ખોળો ભરાઈ જાય બાળકોથી
દરેક બાળક પાસે હોય પિતાનું નામ
નગરમાં ઉજવાય કવિતાવાચનના ઉત્સવો
પતંગિયાંના સત્કાર-સમારંભમાં અર્ધુંઅર્ધું થતું હોય શહેર
ખોફનાક હથિયારો ફેરવાઈ જાય ફૂલહારમાં.

~ રમેશ પારેખ

17 મે એટલે કવિ રમેશ પારેખની ઍક્ઝિટનો વસમો દિવસ. 2006માં આ કવિએ વિદાય લીધી ત્યારથી એમના ચાહકોને કળ વળી નથી. કાયમી લીલુંછમ આ છ અક્ષરનું નામ હજીયે લયના કસુંબલ કેફ સાથે ઘોળાયા કરે છે. આ કવિના સંગ્રહનું કોઈ પણ પાનું ઉઘાડીએ, આગિયાની જેમ ઝગમગ થતી કોઈ વિરલ સંવેદના તમારી આંખોને અચૂક ઝળહળ કરશે.

પ્રસ્તુત રચના ‘ઈચ્છા’ કાવ્યનો તારવેલો એક અંશ છે જેમાં કવિએ કેટલીક ઇચ્છાઓ પ્રગટ કરી છે. સામાન્ય માણસની ઇચ્છા સ્વ અથવા સંબંધીઓ પૂરતી સીમિત રહી જાય. કવિની ઇચ્છાને કોઈ આરો નથી હોતો. એ તો આખી સૃષ્ટિને પોતાની બાથમાં સમાવી લે. એને આસપાસના વાતાવરણથી લઈને સચરાચર સુધી પહોંચવું હોય છે. એના હાથમાં માણસાઈની મશાલ હોય છે જેનું અજવાળું એ બધામાં વ્હેંચવા માગે છે. એને એક એવી દુનિયા જોવી છે જે અસ્તિત્વમાં નથી, છતાં અશક્ય પણ નથી.

જેમ લોકો સાધનસંપન્ન હોય એમ વિચારોનો વૈભવ જેમની પાસે હોય એ લોકો વિચારસંપન્ન છે. એક નાનકડો વિચાર સાકાર થાય ત્યારે મોટી હરણફાળ સાબિત થઈ શકે. મોટાભાગની વિરલ વૈજ્ઞાનિક શોધ અચાનક ઝબકેલા વિચારને આધીન હોય છે. સર્જકના વિચારોમાં જો ખલેલ પહોંચે તો એનું સર્જનાત્મક ચિત્ર-ચરિત્ર અધૂરું રહી જાય. બાળકના વિચારોમાં જો ખલેલ પડે તો એની બાળસહજ વિસ્મયી સૃષ્ટિ નંદવાઈ જાય. ધ્યાનસ્થ યોગીની તલ્લીનતામાં જો ખલેલ આવે તો સદીઓનું અનુસંધાન ક્ષણમાં સમેટાઈ જાય. આસ્વાદને અહીં જ સ્ટેચ્યુ કહી ઈચ્છા કાવ્યની કેટલીક અન્ય પંક્તિઓને વહેવા દઈએ.

કવિ ઇચ્છા વ્યક્ત કરતાં કહે છેઃ હૉસ્પિટલોમાં રઝળતું કાળું મોત રૂપાંતર પામે શિશુઓના પ્રથમ રુદનમાં. રૂપવતીના ગાલે ખીલ ન થાય. કતલ ન થાય સૈનિકોની સામસામી. સામસામા ન ફરકે રૂમાલો છેલ્લી વારના. ન વાગે ઠેસ રસ્તાની સપનાંને. બાળક સાથે ન જોડાય દૂધનો અભાવ. માળામાંથી ઈંડું નીચે ન પછડાય. મનગમતી ફિલમની ટિકિટ મળી જાય સૌને. અફસોસ ન હોય કોઈને લૉટરી નહીં લાગ્યાનો. છાપરે છાપરે લુંટાવાય પતંગો. શીંગદાળિયા ફાંકતાં ફાંકતાં નીકળાય ઊભી બજારે. ચાબુકની બીક ન હોય ઘોડાને. જાહેર હોજમાં વિવસ્ત્ર નાહવાય. છોકરીના ઘર સામે સિટ્ટી વગાડાય ખુલ્લેઆમ. કોઈ હાથ ખિસ્સાકાતરુ ન બને. પતાસાંનો વરસાદ વરસે શેરીએ શેરીએ. ટ્રેન નીચે કપાયેલું આંધળું કૂતરું જીવતું થઈ દોડી જાય. દુષ્કાળની આગાહીઓ ખોટી પડે. બાપની આંખમાં પડતી હોય બાળકની પ્રથમ પગલી. વિખૂટા પડવાના દિવસો લંબાતા જાય અનંત. ગર્ભ પડી ન જાય કોઈ સ્ત્રીનો. કતલખાનાઓ બંધ થઈ જાય.

સહુ સપડાય વસંતમાં. ચુપકીદીથી તણખલું ચોરી જતી હોય ચકલી. કાચી કેરી જેવી છોકરીઓને ચૂંટી ખણાતી હોય, ઠેરઠેર. માતાઓનાં સ્તનો ઉજવે દૂધ ઉભરાવાનાં પર્વો. ગાડાંમાં બેસી ગામ ધાન્યો લણવા જાય. શેરીઓમાં નાગીપૂગી દોડાદોડી હોય ટાબરિયાંની. શરમાતી છોકરીઓના વાળમાં તાજાંતાજાં ફૂલ મૂકાતાં હોય. ચંદુ સાથે બુચ્ચા થાય. વૃદ્ધોને ફૂટે દુધિયા દાંત…

રમેશ પારેખ એટલે દૂરબીન વગર સમષ્ટિની પીડા જોઈ શકતી દૃષ્ટિ. રમેશ પારેખ એટલે એક ખોળિયામાં અનેક પરકાયાને અનુભવી શકતી સંવેદના. રમેશ પારેખ એટલે આરસના મોરમાં ટહુકા ઉમેરતો શખ્સ. રમેશ પારેખ એટલે વરસાદને પણ ભીના થવાનું મન થાય એટલું વ્હાલ વેરતો ખેડૂત. રમેશ પારેખ એટલે છોકરીને મઘમઘ અહેસાસ કરાવતી મુલાયમ વેણીમાં પરોવાયેલી મોગરાની ખુશ્બુ. રમેશ પારેખ એટલે હરિને અડીને આવેલો દર્શનાર્થી. રમેશ પારેખ એટલે ગુજરાથી કવિતામાં પાંગરેલો ગરવો ગુલમહોર. છોકરી ન હોય ત્યારે અરીસાઓ સામટા ગરીબ બને છે કે નહીં એ તો ખબર નથી, પણ રમેશ પારેખ નથી એટલે કેટલાય ભાવકો સામટા ગરીબ બની ગયા છે એ નક્કી. તેમના બહુ ઓછા વંચાયેલા ગીત સાથે ર.પા.ને શકવર્તી સલામ.  

ચિઠ્ઠી, જીવણા, તને

ગોકુળમાં હોઈ શકે દહીંની દુકાન
અને રાધાને હોઈ શકે ચશ્માં
અમરેલી ગામમાં મસાણ જોઈ જીવણા,
તું ખિખ્ખીખી ખિખ્ખીખી હસ મા.

છતરી ખોલીને કોઈ હાશકારે બેસે
ત્યાં ભોમાંથી ફાટે વરસાદ
બેઉ કાન જોડી વંદન કરો તો
Bomb ટોપરાંનો વ્હેંચે પરસાદ
અમથું દીવાસળીનું ટોપકું ય હોઈ શકે
વેશ્યા કે મહાસતી જસમા.

શ્રીમંગળવાર કે બુદ્ધજયંતી
ને એક ઘટનાવિશેષનો ત્રિભેટો
ઘર ખુશખુશાલ (ઉર્ફે બકરો હલાલ)
જણ્યો ખાટકીની બીબીએ બેટો
જીવણા, તું લાખેણો લાડકો છતાંય
અરે, નહીં દોઢમાં કે નહીં દસમાં

નક્શા પર દરિયાનું નામ લખો એટલામાં
રેખાઓ નદી બની જાય
જીવણા, તું ફૂલ જેમ ખીલે તો
એમાંથી મ્હેંક નહીં અફવા ફેલાય
હલ્લા કરતાં ય ઘણીવાર કોઈ
હોણાના અણસારા હોઈ શકે વસમા

***


1 thought on “ઇચ્છા ~ રમેશ પારેખ : (આસ્વાદ) હિતેન આનંદપરા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s