મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૭. શ્યામ બજાયે…


 ૭. શ્યામ બજાયે આજ મુરલિયા…સરયૂ દિલીપ પરીખ

         “ગાઓ બેટી, પિયુ પિયુ રટત પપીહરા…” શ્રી બોડસ માસ્તર સવારના પહોરમાં સુશીલાને લલિત રાગ ગાવાનું કહેતા. કાનપૂરમાં તેની પિત્રાઈ બહેનને માટે ખાસ રોકેલા સંગીત ગુરુ પાસે સુશીલા સંકોચ સાથ બેસતી. સંગીતનો ગહેરો રસ એના ઋજુ હ્રદયને સહજ રીતે ભીંજવી દેતો. બહુ લાંબો સમય શીખવા તો નહોતું મળ્યું, પણ દરેક સમયે મીઠા સૂરો તેનાં દોડતાં ચરણને અટકાવી દેતા અને આંખો બંધ કરી એનો આસ્વાદ અચૂક લઈ લેતી.

        સુશીલા બે વર્ષની હતી ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયેલો. પિતા અને અન્ય કુટુંબના સભ્યોની સંભાળ નીચે ઉછરેલી સુશીલાના મીઠા સ્વભાવ સાથે ભીરુતા પણ અભિન્ન ભાગ બની ગયેલી. એની સત્તર વર્ષની આયુ થતાં પિતાએ જ્ઞાતિના પત્રમાં, ભણેલા નવયુવક માટે જાહેરાત આપી. વડોદરામાં વકીલ બનેલા કૃષ્ણકાંત પરીખે પોતાનો પરિચય મોકલ્યો અને પસંદગી થઈ ગઈ. સાદી રીતે લગ્ન લેવાયા. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં ઉછરેલી સુશીલા, કાનપૂર જેવા શહેરમાંથી નાના પાટણ ગામમાં, સામાન્ય આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં આવીને વસી. સાસરીમાં બે જેઠ અને એક દીયર, એમ ચાર પુરુષોના ઘરમાં સુશીલાનાં કુમકુમ પગલાં પડ્યાં. આ બધા વચ્ચે સૌથી મોટા જેઠ, અને બાળકોના “મોટાકાકા”ની ઓથને લીધે સુશીલાને જાણે સાસરીમાં માવતર મળ્યાં!

       વર્ષને અંતે સુશીલા અમ્મી બની ગઈ. ઘર ગૃહસ્થી, પાંચ દીકરા અને એક દીકરી વચ્ચે પોતાના સંગીત કલાના રસને વિકસાવવા માટે વધુ તાલિમ લેવાનો વિચાર આવ્યો હશે કે કેમ, એ સવાલ છે. પણ ઘરમાં શાસ્ત્રીય સંગીતનો પરિચય અમ્મી દ્વારા છવાયેલો રહ્યો. ભાઈ-બહેનમાં ત્રીજો નંબર, મારા પતિ, દિલીપને સંગીતમાં વિશેષ રસ. વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, ‘શિવરંજની રાગમાં લાગે છે, કે પેલું ગીત સોહિણી રાગમાં હશે’, તેવી અમ્મીની અટકળો દિલીપ સાંભળતા. ઘરમાં એક સિતાર પણ હતી જેના તાર ક્યારેક અમ્મીની આંગળીઓને અણસારે ગુંજતા. એ સમયની આર્થિક અગવડતાને કારણે બાળકોની સંગીત શીખવા જવાની ઇચ્છાને અવકાશ નહીં મળેલ.

          પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં સફળતા મેળવી આગળ વધી રહ્યાં હતાં. દિલીપને વડોદરા ભણવા જવાની પ્રેરણા અને પ્રોત્સાહન મોટાભાઈ તરફથી મળ્યા. વડોદરા શાસ્ત્રીય સંગીતથી ગુંજતું શહેર અને એમાં રસ ધરાવતા લોકોનો પરિચય ગહેરો બનતા દિલીપનો સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો….સંગીતને કેટલા પ્રમાણમાં અનુભવી શકે છે એ દરેક વ્યક્તિની જન્મજાત દેણ છે. દિલીપને સ્વરો સૂક્ષ્મ ભાવે સ્પર્શી જાય છે. અમેરિકા ભણવા માટે આવેલ ત્યારે શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેઈપ રેકોર્ડરની કરી. પંડિત ભીમસેન જોષી અને એવા નામી કલાકારોના સંગીતનો આસ્વાદ પરદેશ વસવાટની એકલતામાં અનન્ય સાથી બન્યા હતા. દરરોજ જેમ જમ્યા વગર ન ચાલે, તેમ સંગીત સાંભળ્યા વગર પણ ન ચાલે. દિલીપને વિદ્યાર્થી તરીકે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાન જેવા કલાકારોને નજીક બેસીને સાંભળવાની અમેરિકામાં તક મળી. દિલીપની જીવનસાથીની પસંદગીમાં, ‘સંગીતમાં રસ હોવો જોઈએ’, એ એક આવશ્યક મુદ્દો હતો.

         અમારા લગ્ન પછી થોડાં મહિનાઓ અમ્મી સાથે અમદાવાદમાં રહી ત્યારે મને પ્રશ્ન થયો કે, બીજી ઘણી ભારતીય માતાઓની જેમ, અમ્મી ક્યારે પણ વિચારે છે કે ‘પોતાને શું ગમે છે’? જાણે પરિવારમાં કોને શું જોઈશે અને કેમ બધાંને પ્રસન્ન રાખવાં, એ જ સૂર અને તાલ પર દિનચર્યા ચાલતી હોય. ભલે અમ્મીએ, તેમનાં નરમ સ્વભાવગત, આ વ્યવસ્થા સ્વીકારી હોય, પણ પોતાની મરજી પ્રમાણે અલગ રીતે પ્રવૃત્તિઓ કરવા માટે કોઈ પ્રોત્સાહન ન આપે, તે આપણી સામાન્ય સામાજીક રસમ છે.

      અમ્મીને શક્ય તેટલી સંગીત સાંભળવાની સગવડતા ભારતમાં કરી આપી. રેકોર્ડ કરેલ વિવિધ રાગો વગેરે તન્મય થઈ સાંભળતા અને સાથે ગણગણતા મેં સાંભળ્યાં હતાં.

       Princeton, New Jerseyથી અમારી સફર શરુ થઈ. ભારત અને અમેરિકા વચ્ચે વંહેચાયેલું મન હંમેશા આપણી કલા અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો સાથે જોડાયેલું રહ્યું. અનેક ઉતાર ચઢાણ પછી, સદભાગ્યે અમે કુટુંબ સાથે કેલીફોર્નિઆમાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં ગોઠવાયા. સંગીતા અને સમીર સાત અને નવ વર્ષનાં હતાં. દિલીપના પિતાજી અમારી સાથે હતા, પણ અમ્મી સૌથી નાના પુત્ર સાથે દેશમાં હતાં. એ સમયે દિલીપને જાણવા મળ્યું કે ઉસ્તાદ ઝાકીર હુસેન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાનો પ્લાન કરે છે. દિલીપે એમનો સંપર્ક કર્યો અને ખબર પડી કે લગભગ આઠના ગ્રુપમાં, સંતુર વાદક, પંડિત શિવકુમાર અને મનોરમા શર્મા, વાયોલિન વાદક પંડિત વી.જી.જોગ, શ્રી. અને શ્રીમતી કાનન, કીચલુ અને અન્ય સંગત સભ્યો છે. કાર્યક્રમ અમારે ઘેર ગોઠવાઈ ગયો. એ ક્ષેત્રમાં આવો પહેલો પ્રસંગ હતો. ઉપરના વિશાળ રૂમમાં આતુર આનંદથી છલકતાં લગભગ  એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયા. પહેલાં શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસેનના તબલાને અજબ દાદ મળી. શિવકુમાર અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા સૌ શ્રોતાગણ સાથે બેસી ગયા હતા. આ અમારો પહેલો અનુભવ હતો.

         એ દિવસ વિશેષ યાદગાર બની ગયો, કારણ દિલીપનો ચાલીસમો જન્મદિવસ હતો. સર્વ શ્રોતાજનો નાસ્તા અને કેઈકને માન આપી રહ્યા હતા, ભલે દિલીપ મહેમાનો સાથે વ્યસ્ત હોવાથી કેઈક કાપવા હાજર નહોતા…. આઠ-નવ મહેમાનો બે રાત રોકાયા અને વર્ષોના મિત્રો બની ગયા. પછીના વર્ષોમાં ઘણી વખત ફરી મુલાકાત થતી રહી.

        અમારી અને કલાકારો વચ્ચેના સદભાવભર્યા સરળ સંબંધો અને જે શક્ય હોય તે કરી છૂટવાની હોંશને આધારે પછીના પાંચ વર્ષમાં લગભગ અઢાર કાર્યક્રમો કર્યા. એ સમયે કલાકારોને એરપોર્ટથી લાવી અમારે ઘેર ઉતારો, કાર્યક્રમની વ્યવસ્થા, જે ફાળો ભેગો થાય તેમાં ઉમેરણ કરી કલાકારોને આપી, પાછાં એરપોર્ટ પર વિદાય કરવાના. ભાઈ સંજયની અને મિત્રોની થોડી મદદ સિવાય, દિલીપ પર બધી જ જવાબદારી હતી પણ સંગીત શરૂ થાય ત્યારે કલાકારની સામે જ તેનું આસન હોય… આ રસાળ વર્ષો ૧૯૮૦-૮૫ દરમ્યાન, અમારા સંગીત માટેના અનન્ય પ્રેમ અને કલાકારો માટેના અહોભાવથી, અનેક સંગીતકારોનો અનુગ્રહ સરળતાથી મળી રહ્યો.  છેલ્લો કાર્યક્રમ કિશોરી આમોનકરનો ગોઠવી અમે ૧૯૮૫માં ઓરલાન્ડો જોબ અંગે ગયા.

     કલાકારોમાં, પાકિસ્તાનના સલામતઅલી, શ્રુતિ સડોલીકર, સરોદવાદક અમજદઅલી, પ્રભા અત્રે, પંડિત જસરાજ, ગીરીજા દેવી, સિતારવાદક અબ્દુલહલિમઝફર ખાન, સિતારવાદક ઉસ્માન ખાન, જીતેન્દ્ર અભિશેકી, ઈમરતખાન અને બીજા કેટલાક નામોનો પણ સમાવેશ થાય છે. બે વર્ષ પછી પંડિત શિવકુમાર અને ઝાકીર હુસેન ફરી આવેલા અને એ વહેલી સાંજનો સંતુરનો પ્રોગ્રામ અને ભીમપલાસ રાગની શ્રોતાઓએ અનુભવેલી ઝણઝણાટી, આવતા વર્ષો માટે મીઠાં સંભારણા આપતી ગઈ. પછી શિવકુમાર અઠવાડિયું અમારી સાથે રહ્યા… અમે શિવજી અને ઝાકીરજીને પચ્ચીસેક વર્ષ પછી ઓસ્ટિનમાં મળ્યા ત્યારે પણ એ સાંજને યાદ કરી હતી.

       એ અરસામાં અમ્મી પણ અમારી સાથે કેલિફોર્નિઆ આવીને રહ્યાં. અમ્મીનો રૂમ નીચે હતો. દાદર ચડવાની થોડી તકલિફ હતી તેથી ઘણીવાર ઉપર બોનસ રૂમમાં મોટેથી સંગીત વાગતું હોય ત્યારે ધ્યાનથી સાંભળવા અમ્મી દાદર પર બેસતાં. એ પછી અમારી મહેમાનગતિની જાણ થતાં સંગીતકારો અમારો સંપર્ક કરતા. અમ્મીની હાજરીમાં ઘણા કલાકારો આવ્યા. અમ્મીનાં જીવનની એક મુરાદ પૂરી થયેલી જ્યારે અમે એમને શરણાઈ વાદક, ઉસ્તાદ બીસમિલ્લા ખાનને સાંભળવા લોસ એન્જેલસ શહેરમાં લઈ ગયા હતા.

          એક દિવસ અમને જાણવા મળ્યું કે પંડિત ભીમસેન જોષીનો કાર્યક્રમ લોસ એન્જેલસમાં થવાનો છે, પણ એ વ્યવસ્થાપકે ત્યારબાદ નકારત્મક સમાચાર આપ્યા. તેથી દિલીપને થયું કે ભીમસેનજી અમેરિકામાં આવે છે અને આપણને લાભ ન મળે! ‘કંઈક કરવું પડશે.’ એણે હિંમત કરી મુખ્ય વ્યવસ્થાપક, શ્રી હબીબનો નંબર મેળવી શીકાગો ફોન જોડ્યો. તેમને સ્પષ્ટ વાત કરી કે, “મને ખાસ અનુભવ નથી કે હું શ્રીમંત વ્યક્તિ પણ નથી. અમને સંગીત માટે પ્રેમ અને ઉત્સાહ છે. જો આપ ભીમસેનજીનો કાર્યક્રમ કરવા દો તો અમે યથાર્થ પ્રયત્ન કરશું.” શ્રી હબીબે સંમતિ આપી અને બે કાર્યક્રમ, એક બહારના હોલમાં અને એક ઘેર કરવો એવું નક્કી થયું. આ સમય દરમ્યાન અમારા મનમાં એ ભાવ રમ્યા કરતો હતો કે આ વાત અમ્મી જાણશે ત્યારે કેટલા ખુશ થઈ જશે! નીચે આવીને અમ્મીને વાત કરી ત્યારે એમનો ચહેરો ખીલી ઊઠ્યો.

        પંડિત ભીમસેનજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યાં. આગલાં મહિને શ્રી.દામોદર શાસ્ત્રી આવીને રહેલા જે પોતાના ગળાની કાળજી લેવા તીખું નહોતા ખાતા. એ અનુભવની અસરને લીધે મેં ભીમસેનજીના ગ્રુપને ખાસ તીખી રસોઈ ન આપી. બીજી વખત જમવા બેસતાં જ એમણે મને પૂછ્યું, “આપકે પાસ અચાર હૈ?” મેં કહ્યું, “આપકે ગલેકે લીએ…” તો કહે, “અરે કુચ્છ નહીં હોગા, યે તો સોલીડ હૈ.” કહી મજાનું હસ્યા. પછી તો કાચા લીલા મરચા દરેક જમણમાં મુકાતા. ભીમસેનજી પ્રોગ્રામ પહેલા ચા પીતા અને ખૂબ ગંભીર ભાવ સાથે શાંત રહેતા. પ્રોગ્રામ પછી મારે તરત જ ભોજનની વ્યવસ્થા કરવાની રહેતી. કરકસરથી ઘર ચલાવવાની રીત તેથી બહારની મદદ વગર તૈયારી કરવાની ધગશ આવા કલાકારોનાં સાનિધ્યથી બની રહેતી. ઘેર કાર્યક્રમ હોય પછી કલાકારના ચાહકો વાતો કરવા રોકાય તે પણ જમવામાં ભળી જાય તેથી મારે એ બાબતનું ધ્યાન રાખવું પડતું.

       ભીમસેનજીનો કાર્યક્રમ એક મોટા ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ. બીજા કાર્યક્રમોમાં વધુમાં વધુ દોઢસો શ્રોતાઓ આવતા, જ્યારે ભીમસેનજીને સાંભળવા ચારસો શ્રોતાઓ આવેલા અને ઉત્સાહ ભર્યો માહોલ હતો. અમ સાસુ-વહુ માટે, પહેલી હરોળમાં મધ્યમાં બે જગા દિલીપે રખાવી હતી. ભીમસેનજીએ સંગત સાથે યમન કલ્યાણ રાગ શરૂ કર્યો. અમ્મીએ મને કાનમાં કહ્યું, “શ્યામ બજાયે…હું ગાતી એ…”  રાગમગ્ન ગાયન કલાક ચાલ્યું અને દ્રુતમાં ભીમસેનજીએ ઊપાડ્યું,

શ્યામ બજાયે આજ મુરલીયા…
વે અપનો અધરંગ ગુની ઓ…
જોગી જંગલ જતી સતી ઓર ગુની મુનિ
સબ નર-નારી મિલે…
મોહ લિયો હૈ મનરંગ કરકે…

તાળીઓના ગડગડાટથી શ્રોતાઓએ વધાવ્યું. હું બાજુમાં નજર કરું ત્યાં મને કિશોરી સુશીલા દેખાઈ. કાર્યક્રમ બાદ દિલીપની નજીક જઈ હસતી આંખો કહી રહી, “દીકરા! મને આ રસાસ્વાદની તક આપી . . . ધન્યવાદ.”

        બીજે દિવસે સવારનો ઘરનો કાર્યક્રમ પણ યાદગાર બની રહ્યો. એ સમયે ગાયેલ રાગ વિષે લગભગ બાર વર્ષો બાદ અમારે ભીમસેનજી સાથે વાર્તાલાપ થયેલ. લગભગ ૧૯૯૫ની સાલમાં ફ્લોરિડામાં ભીમસેનજીનો કાર્યક્રમ સાંભળવા ગયા. સમય અને એમની ઉંમરને ધ્યાનમાં લેતાં, વિસ્મૃતિ શક્ય હતી. પણ, અમે મળવા ગયા ત્યારે દિલીપે પ્રણામ કરી કહ્યું, “ભીમસેનજી! આપકો યાદ હૈ…?” તો પ્રસન્નતાથી બોલ્યા, “હાં, ક્યું નહીં. આપકે ઘર તો ‘વૃદાવની સારંગ’ ગાયા થા . . . આપકી માતાજી કૈસી હૈ?” એક કલાકાર બીજું ઘણું ભૂલી જતા હશે પણ એમના સંગીતના ગહન અનુભવને નહીં ભૂલી શકતા હોય. અમ્મીના છેલ્લા વર્ષોમાં બીજા બધા રસો ઓસરી ગયાં હતાં ત્યારે, “કંઈક મંજુલ સાંભળીએ.” એ મધુર ભાવ જીવંત હતો.

       જે અંતરઆત્માને સંગીત અને કલાનો સાથ હોય, એને જીવનમાં એકલતા નથી લાગતી. વિશ્વ લયબધ્ધ ધબકે છે અને તેની સાથે સંગીતના માધ્યમથી જ્યાં હ્રદય તાલ મિલાવી ધડકે, ત્યાં ઓમકારની એકતાનતા સંભવિત છે.

    પ્રકાશ પુંજ
હે જી રે મારા પ્રેમનાં ઝરૂખાનો દીવો,
રે રાજ રત, પાવન પ્રકાશે પ્રગટાવો.

 જાગે  મારા  હૈયામાં પ્યારો પલકારો,
વાગે રૂડાં તંબુરાનો ન્યારો ઝણકારો,
હે  જી હું તો  હરખે બજાવું  એકતારો,
રે રાજ  રત, મનડે મંજુલ સૂર તારો.

  નાની પગલીઓ  ને લાંબો પગથારો,
ના  હું  એકલી,  છે તારો   સથવારો.
જાં શૂલ હોમને  ફૂલ  સો  ઓથારો,
રે રાજ રતતારો  અતૂટ  સહચારો.

  અંક   આવાસમાં   પગરવ   સુહાણો,
તેજપુંજ  ઝળહળ  દીપતો અજાણ્યો,
ઘેરા  ઘનમાં સોનેરી પ્રકટ   જાણ્યો,
 રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.
——     સરયૂ
લોકગીતની હલક. રત=મગ્ન, લીન

પ્રતિભાવઃ  નમસ્કાર સરયૂબેન અને પરિવાર,
આપના કાવ્યજગતમાં પ્રવાસ કર્યો . ખૂબ જ ગંભીરતાથી શબ્દો સાથે આપે કામ પાડ્યું છે, જીવનનો મહિમા આપની રચનાઓમાં જોવા મળે છે. આ રીતે અંતરિયાળ જગ્યાએ પણ ગુજરાતી કવિતાઓના દિવડાઓ ટમટમતા જોવા મળે ત્યારે આનંદ થાય છે
.…. કૃષ્ણ દવેના પ્રણામ. અમદાવાદ.

 અસ્તુ…..  સરયૂ દિલીપ પરીખ  saryuparikh@yahoo.com
ઓસ્ટિન, ટેક્સાસ નિવાસી છે. અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં લખે છે. એમનાં બે પુસ્તકો “નીતરતી સાંજ Essence of Eve” અને “આંસુમાં સ્મિત Smile in Tears”. તેમજ અંગ્રેજીમાં બે નવલકથાઓ અને  ‘મંત્ર’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે. આપ અહીં એમના બ્લોગ “ગંગોત્રી” ની મુલાકાત લઈ શકો છો. http://www.saryu.wordpress.com

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

4 thoughts on “મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૭. શ્યામ બજાયે…

 1. મિત્રો સાથે વાતોમા સુ શ્રી સરયૂ દિલીપ પરીખની વાર્તા શ્યાબમ જાયે આજ મુરલિયામા સંગીતની દુનિયાના અનુભવો જેવા અનુભવો થયાની યાદ આવી…
  અને
  ‘આપના કાવ્યજગતમાં પ્રવાસ કર્યો . ખૂબ જ ગંભીરતાથી શબ્દો સાથે આપે કામ પાડ્યું છે, જીવનનો મહિમા આપની રચનાઓમાં જોવા મળે છે. આ રીતે અંતરિયાળ જગ્યાએ પણ ગુજરાતી કવિતાઓના દિવડાઓ ટમટમતા જોવા મળે ત્યારે આનંદ થાય છે=શ્રી કૃષ્ણ દવેની વાતે સંપૂર્ણ સંમત

  Liked by 1 person

 2. શ્યામની મુરલી આજે જગતને મહામારીમાંથી અમૃત તરફ લઈ જાય છે.

  Like

 3. સરયૂબહેન આપના જીવનનુ આ પાસું ખરેખર સંગીતમય છે. આપના સાસુનુ સુશીલામાં થી અમ્મીમાં પરિવર્તન એમનો સંગીત પ્રેમ અને તમને સંગીત જ્ઞાની સાથે રહેવાનો, એમનુ આતિથ્ય કરવાનો મોકો મળ્યો, આ બધા અનુભવો વાંચવાની ખૂબ મઝા આવી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s