***** ૭ *****
શ્રેયા……..સંદિપે પાછળથી આવીને એને એકદમ જકડી લીધી અને હાથમાં એક કવર મુકી દીધું. શ્રેયાએ એમ જ જકડાયેલી રહીને ખોલેલા કવરમાંથી લેટર કાઢયો. રાજપથ હાઇવે પર ખુલતા નવા મોલમાં જ્વેલર શૉ રૂમના ઇન્ટીરીયરનુ કામ સંદિપે શરૂ કરવાનું હતુ. સંદિપ ખૂબ ખુશ હતો. નયનની ઓફીસમાં સંદિપની પોતાની અલગ ચેમ્બરનું ઇન્ટીરીયર જોઇને એનુ નામ હવે નવા ઉભરતા ઈન્ટીરીયરની કક્ષામાં મૂકાઈ રહ્યુ હતું. હનીમુનથી પાછા આવ્યાં બાદ આ બીજી મોટી ઓફર હતી.
શ્રીજી કોર્પોરેશનની ઓફીસના ઈન્ટીરઈયરનુ કામ તો એ પાછો આવે તે પહેલાં મળી ગયું હતુ. શ્રીજી કોર્પોરેશનની
આખા ફ્લોર પરના એ ઓફીસની જુદી જુદી પાંચે કેબીનમાં ટ્રેન્ડી લુકની સાથે સાવ અનોખી રીતે મોર્ડન ટચનું કોમ્બિનેશન એણે ઉમેર્યુ હતું. તનિષ્કના શૉ રૂમ માટે આનાથી વધુ ઉત્તમ કોમ્બિનેશન કયું હોઈ શકે? સંદિપ ખુશ હતો. એની સર્જનાત્મકતાને ખીલવા હવે ખુલ્લી રસાળ જમીન જો મળતી હતી અને આ ઓફરથી એનો આત્મવિશ્વાસ અને થોડે અંશે જાત માટે ગર્વ ઉભો થયો હતો કારણકે સાવ જ અનાયાસે મળેલી આ પહેલી તકના લીધે મનમાં એક ગુરૂર ઉભો થયો હતો કે આઈ એમ સમથીંગ વેરી સ્પેશિયલ. નહીંતર એની સાથે જ બહાર પડેલા કેટલાય એના કો -સ્ટુડન્ટસ હજુ તો જોબ શોધતા હતા અથવા તો અનુભવ માટે ક્યાંક નાની મોટી ફર્મ સાથે જોડાયા હતા.
હનીમુનની મધુર સફરેથી પાછા વળીને હવે બંનેએ કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રેયાનો ઝોક ઘરના ઈન્ટીરિયર તરફ વધુ હતો. ઘરની વ્યક્તિઓની સંવેદનાને સજાવવી હતી. નાની નાની વાતને લઈને ઘર અને ઘરમાં વસતા -શ્વસતા સંબંધોની દુનિયાને સજાવવી હતી જ્યારે સંદિપને બહારની દુનિયામાં વધુ રસ હતો. વિશાળ ફલક પર એને વિસ્તરવું હતું અને એના માટે આ નવા નવા ખુલતા મૉલ, નવા શૉ રૂમ, નવી ઓફીસો એની ઉડાન માટેના ખુલતા આસમાન સમા હતા. લોકોમાં એક ઓળખ ઊભી કરવી હતી. સંદિપ નયન પરીખમાંથી માત્ર સંદિપ પરીખનુ નામ લોકોમાં એસ્ટાબ્લિશ થવું જોઇએ એવો આગ્રહ મનના એક ઊંડે ખૂણે ધરબાયેલો હતો. અને આ મૉલમાં શરૂ થતુ કામ એના શ્રી ગણેશ હતા.
“શ્રેયા, જો જે ને, આ એક કામ બીજા અનેક કામને ખેંચી લાવશે.”
શ્રેયા પણ એમ જ ઈચ્છતી હતી ને?
“સંદિપ, તારો નવો લે આઉટ તો બતાવ.”
“બતાવીશ, તને નહી બતાવુ તો કોને બતાવીશ? પણ પહેલા એને તૈયાર તો થવા દે.”
“વોટ? સંદિપ પંદર દિવસ થવા આવ્યા અને હજુ તેં લે આઉટ તૈયાર નથી કર્યો? તને યાદ તો છે ને આ છવ્વીસ જાન્યુઆરી એ મૉલનુ ઈનોગ્રેશન છે? તને ખાતરી છે કે તુ આટલા દિવસોમાં કામ પૂરું કરી શકીશ?”
“શ્રેયા, વિશ્વાસ રાખ મારા પર. એક વાર કામ ચાલુ થશે પછી કંઈ જોવું નહીં પડે.”
“પણ કામ ચાલુ તો થવું જોઇએ ને સંદિપ?? દરેક કામ માટે પૂરતો સમય જોઈશે. તને કદાચ પેપર પર ડીઝાઇન તૈયાર કરતા વાર ન પણ લાગે પણ તારી ટીમને તો એ કામ પૂરું કરવામાં જેટલો સમય જોઇએ એટલો તો લાગવાનો જ છે ને?”
અને ખરેખર એમ જ બન્યું. સંદિપના મૂડ અને મિજાજ ક્યારે બદલાઈ જતા અને સમય ક્યાં પસાર થઈ જતો એની ખબર પડે તે પહેલા તો ઈનોગ્રેશનનો દિવસ નજીક આવતો ગયો અને શ્રેયાને પોતાનું કામ અટકાવીને એની ટીમને સંદિપના કામે લગાડવી પડી. છેક છેલ્લા દિવસ સુધી કામ રહ્યું. જો કે કામની ખૂબ પ્રશંસા થઈ. શૉ રૂમ હોય તેના કરતા અનેક ગણો દેખાય એવા મિરર વર્કને લઈને અમદાવાદના અદ્યતન શૉ રૂમોમાંનો એક શૉ રૂમ ગણાયો. સંદિપનુ નામ લોકોમાં જાણીતું પણ થયું પણ એની પાછળના ટેન્શન, કામને લઈને દોડાદોડી શ્રેયા સિવાય કોઇને ના દેખાઈ.
“આહ! આજે હું ખૂબ ખુશ છું શ્રેયા.”
ઈનોગ્રેશનના અંતે જ્યારે બીજી બે ઓફિસોના ઈન્ટિરિઅરના કામ સંદિપને મળ્યા ત્યારે સાંજનું ડિનર આજે બહાર જ લઈશું એવુ સંદિપે શ્રેયાને કહીને ગ્રાન્ડ ભગવતીમાં ટેબલ બુક કરાવી લીધું. પણ શ્રેયા થોડી ઉદાસ હતી.
“કમ-ઓન શ્રેયા ચીયર્સ. એન્જોય ધ ડિનર યાર. તારી વાત સમજુ છું, છેલ્લા દિવસ સુધી કામ ચાલ્યું એ તને નહીં જ ગમ્યું હોય પણ જે વાત પતી ગઈ છે એને અત્યારે યાદ રાખીને અપ-સેટ કેમ થાય છે? મારો સ્વભાવ છે તું જાણે છે ને? જે પતી ગયું છે એને ભુલીને આગળ વધવાનું હોય નહીં કે એને યાદ રાખીને બેસવાનું.”
શ્રેયા મૌન હતી. એ કેમ કરીને સમજાવે કે જે પતી ગયું છે એ ભૂલવાના બદલે ફરી એની એ ભૂલ ના થાય એના માટે થઈને પણ એ યાદ રાખવાનું હોય. એને સંદિપને કહેવું હતું કે જો એણે અગાઉથી કામનું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યુ હોત તો આ સફળતા વધારે મીઠ્ઠી ના લાગી હોત ? આવડત- સ્કીલની સાથે ટાઈમ મેનેજમેન્ટ જેવી પણ કોઈ અગત્યની વાત હોઈ શકે પણ અત્યારે સંદિપ સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નહોતો અને શ્રેયા કરવા ધારત તો પણ સંદિપ એ સાંભળવાનો ક્યાં હતો?
એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો. શ્રેયાની આવી કોઇ ચિંતા કે મનનો ઉચાટ એને દેખાવાનો કે સ્પર્શવાનો સુધ્ધાં નહોતો.
સુ શ્રી રાજુલ કૌશિક નવલકથા છિન્ન -નૂ સરળ પ્રવાહે વહેતુ ૭ મુ પ્રકરણ સંદિપના કલાકારનો હોય તેવો મસ્ત સ્વભાવ તો શ્રેયાનો દરેક કામમા સમય સાથે ચોકકસાઇનો સ્વભાવ- અગાઉથી કામનું વ્યવસ્થિત પ્લાનિંગ ! આવા આગવી ઓળખવાળા પતિ પત્ની ના જીવનમા ભવિષ્યમા બનતા બનાવોની રાહ
LikeLiked by 1 person
આભાર પ્રજ્ઞાજી.
LikeLike
બે અલગ મિજાજના વ્યકિતત્વ કથામાં સંઘર્ષનો વળાંક લાવી રહ્યા છે.
LikeLike
ભાવિના એંધાણ આ પ્રકરણના અંતમાં દેખાઈ રહ્યા છે. બે વિપરીત પ્ર્કૃતિના સ્વભાવ ધરાવનાર, વ્યવસાયી વ્યક્તિત્વનો સંઘર્ષ ક્યાં પહોંચે છે એ જાણવાની ઉત્કંઠા!!!
LikeLike