શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય – સાતમો હપ્તો – જયશ્રી વિનુ મરચંટ


“ભાગવત કથા સાંભળવા માટે શરીરી અને અશરીરી બધાં જ જીવોનું આવાહન કરવામાં આવે છે અને દરેકને આ કથા સાંભળીને આત્માનો ઉદ્ધાર કરવાનો અધિકાર છે.” આ વિધાનને પ્રતિપાદિત કરતો શ્રીમદ ભાગવત પુરાણનો આ સાતમો અને છેલ્લો હપ્તો ચૂકશો નહીં આવતા બુધવારથી શ્રીમદ ભાગવત પુરાણની કથાનો શુભારંભ થાય છે. આ કથામૃતનો લાભ લેવાનું ન ચૂકી જતાં.

સાતમો હપ્તોઃ  શ્રીમદ્ ભાગવત પુરાણની આવશ્યક વિધિ

વિધિવત પૂજન પૂર્ણ થયા પછી પ્રાર્થનાનું ખાસ મહત્વ છે. પ્રાર્થનાનો એક અર્થ થાય છે, અર્થ એટલે કે અહીં હેતુ પ્રાપ્તિ માટે વિનમ્રતાથી ઈશ્વર પાસે યાચના કરવી. પૂજન પછી કરવામાં આવતી પ્રાર્થનાના પ્રથમ શ્લોકમાં જ યજમાન, આચાર્ય અને આમંત્રિત શ્રોતાજનો, સહુ ભેગા થઈને ઈશ્વરની પ્રશસ્તિ કરીને વિનંતી કરે છે કે, “અસુરોને હણનારા અને ભક્તોને ભક્તિથી વશ થનારા શ્રી કૃષ્ણને આદર સહિત બે હાથ જોડી, માથું નમાવીને પ્રેમથી નમસ્કાર કરીએ છીએ. જેઓ આ સંસારમાં પોતાના સ્વરૂપ અને શાસ્ત્રને પ્રસન્નતાપૂર્વક પ્રગટ કરતા રહે છે તથા જેમનું પુનિત સ્વરૂપ આ ત્રિભુવનને તારવા માટે સમર્થ છે એવા શ્રી હરિ “સર્વે ભૂતેષુ કલ્યાણમ્” કરો.”

અહીં આ કહેતાંની સાથે જ યજમાનનો “હું” વિલય પામે છે અને સંસારના સર્વ પ્રાણીઓ, પ્રકૃતિ અને મનુષ્યો સાથે અનુસંધાન થાય છે અને આમ પ્રાર્થના “સ્વ” ની મટીને “સર્વે” ની થઈ જાય છે. ભાગવત પુરાણ આ રીતે બધાને જોડવાનું કામ કરે છે. એક સમાજશાસ્ત્રની સાદી વાત પણ અહીં સમજાય છે કે આપણે જ્યારે કોઈ માણસ પાસે પણ લોકકલ્યાણ માટે કોઈ કામ કરવાની માંગણી માટે જઈએ છીએ ત્યારે અહમ્ ને બાજુ મૂકીને મીઠાશથી વાત કરવી જોઈએ. તો જ એ કાર્ય સાથે માંગનારા અને આપનારા સંધાય છે. આગળ વાત કરીને, પ્રાર્થના પૂરી કરતા પહેલાં સહજતાથી સમજી શકીએ તો એક ઊંડો સંદેશ પણ આપવામાં આવે છે કે, શ્રીમદ્ ભાગવત પુરાણ સ્વયં ભગવાનનું રૂપ છે. આ કથાનું શ્રવણ કે વાંચન કરતાં પહેલાં મન, તન અને આત્મા પવિત્ર થાય તો જ એકાગ્રતા અને શ્રી હરિને સમર્પિત થવાની ભાવના અંતરમાં દ્રઢ થાય છે અને ભાગવત આત્મસાત થાય છે.

પ્રાર્થના પછી, વિનિયોગ, ન્યાસ, ધ્યાન અને ભાગવત સપ્તાહની આવશ્યક વિધિ પૂરી કર્યા બાદ જ કથાની શરૂઆત કરવામાં આવે છે. આ બધી જ ક્રિયાઓ એટલે શું એની ટૂંકાણમાં સમજણ આપવાનો પ્રયાસ અહીં કર્યો છે.

વિનિયોગઃ

પોતાના પર તથા સહુ આમંત્રિતો પર ભગવાનની પ્રસન્નતા કાયમ થાય અને કૃપા બરાબર રહે એ હેતુની સિદ્ધિ માટે પાઠ સાથે કરવામાં આવતી ક્રિયાઓને વિનિયોગ કહે છે.

ન્યાસઃ

વિનિયોગના પાઠમાં આવેલા ઋષિઓ અને મુખ્ય દેવતાના મંત્રાક્ષરોનું પોતાના શરીરનાં વિભિન્ન અંગોમાં જે સ્થાપન કરવામાં આવે છે તેને ‘ન્યાસ’ કહે છે. ‘નિઃ’ ઉપસર્ગ તથા ‘અસ્’ ધાતુ દ્વારા નિષ્પન શબ્દ ‘ન્યાસ’ ના અર્થ થાય છે, સ્થાપિત કરવું, સમર્પણ કરવું, ત્યાગ કરવો, વિશ્વાસ કરવો, ચિત્રિત કરવું, વગેરે, વગેરે. ન્યાસ દરમિયાન ઉચ્ચારાતાં દરેક મંત્રનો એક-એક અક્ષર ચેતનરૂપ હોય છે અને તેને મૂર્તિમંત દેવતાના રૂપમાં જોવો અને જાણવો જોઈએ. આ અક્ષરોના સ્થાપનથી સાધક સ્વયં મંત્રમય બની જાય છે, તેના હ્રદયમાં દિવ્ય ચેતનાનો પ્રકાશ ઝીલવાની શક્તિ આવે છે. જ્યારે પણ કોઈ ભગવતસ્મરણનું કે લોકકલ્યાણ માટે પ્રભુના નામ લઈ કઈં કામ કરવાનું હોય તો તેની ચેતનાનો પ્રપાત ઝીલવા શરીરને, મનને, આત્માને અને હ્રદયને એકરૂપતામાં સાંધવા પડે છે. આ ચેતના કે શક્તિનો સ્ત્રોત વિવિધ ન્યાસથી સાધક ‘દેવો ભૂત્વા દેવં યજેત્’- સ્વયં દેવસ્વરૂપ થઈને દેવતાઓનું પૂજન કરે છે. વિચારો, કેટલી અદભૂત બીના છે? દિવ્ય દૈવીતત્વોને સાંભળવા, પહેલાં સ્વયં દેવત્વને પોતાના શરીર અને આત્મામાં ઉજાગર કર્યા વિના શુભ કાર્ય કદી થઈ ન શકે. આ વાત એની પ્રતિતી પૂરે છે કે આપણા પુરાણોમાં પણ જીવ અને શિવના અદ્વૈત – એટલે કે જીવ અને શિવ વચ્ચે કોઈ ભેદ નથી એનો સહજ સ્વીકાર કરવામાં આવ્યો છે.  દેવરૂપ થવું એટલે, સત્ય અને ધર્મરૂપ થવું. મંત્રનાં પદોનો અથવા અક્ષરોનો ન્યાસ હાથની આંગળીઓ, મસ્તક, હ્રદય વગેરે અંગોમાં કરવામાં આવે છે જેથી કરીને બાહ્ય અને આંતરિક શુદ્ધિ થાય છે. જેનાથી અંતરથી પ્રકાશમય થવાય છે અને સાધનાની, -અહીં ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાના કાર્યને નિર્વિઘ્ને પૂરૂં કરી શકાય છે. આમાં ૠષ્યાન્યાસ, કરન્યાસ અને અંગન્યાસના મંત્રોનો વિધિવત ઉચ્ચાર કરીને આચાર્યગણ યજમાન પાસે અને સર્વે શ્રોતાઓ પાસે શ્રી હરિકથાનું અમૃતપાન પુર્ણપણે થઈ શકે એને માટે સંકલ્પ કરાવે છે. ॐ नमो नारायणाय्, ॐ नमो भगवते वासुदेवाय् જેવા સાદા મંત્રોથી અનેક પ્રકારના ન્યાસો કરવામાં આવે છે. મંત્રો સાદા રાખવામાં આવે છે જેથી યજમાન અને શ્રોતાને સમજણ પડે અને ક્રિયા સાથે જોડાવાનું સહેલું પડે.

ધ્યાનઃ

પૂજનમંત્રો, દેવતાના મંત્રો સાથે વિવિધ પ્રકારના ન્યાસ પછી ધ્યાનનું મહત્વ છે. ધ્યાનનો સીધો સંબંધ આત્મા સાથે છે.

અંતર અને શરીરની શુદ્ધિ પછી, પરમાત્મા સાથે એકચિત્ત થવા માટે, એકાગ્રતાથી ધ્યાન ધરવામાં આવે છે. ભાગવત કથાના આરંભ પહેલાં શ્રી કૃષ્ણના દૈવી સ્વરૂપનું ધ્યાન ધરવાથી કૃષ્ણમય થવામાં મદદ મળે છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહની આવશ્યક વિધિ

મુહૂર્ત વિચારઃ શ્રીમદ્ ભાગવત પુરાણના સપ્તાહ-પારાયણના વાંચન અને શ્રવણનો મહિમા ખૂબ મોટો છે. વિદ્વાન જ્યોતિષી પાસે કે આચાર્યગણ પાસે યોગ્ય મુહૂર્ત નો સમય નક્કી કરવામાં આવે છે. જેમાં તિથિ, વાર, માસ, ચોઘડિયાં, દિવસ, નક્ષત્રો અને ગ્રહયોગ અને પૃથ્વીની ગતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે અને અનુકૂળ સમય નક્કી કરવામાં આવે છે. શુભ મુહૂર્તનો મહિમા એટલે પણ વધુ છે કે શુભ સમયમાં શુભ કામ કરવાથી મનમાં આશાનો સંચાર થાય છે, ઉમંગ જાગે છે અને હકારત્મકતાની શક્તિ મળે છે.

કથા માટેનું સ્થળ અને શ્રીમદ્ ભાગવત ગ્રંથની સ્થાપનાઃ સપ્તાહ-કથા માટે સ્વચ્છ, મોકળાશવાળા, ઉત્તમ અને પવિત્ર સ્થળની વ્યવસ્થા હોવી જોઈએ. સ્થળની પસંદગી, સજાવટ, મંડપ તથા વક્તા અને શ્રોતાઓ માટે શુદ્ધ આસનોની વ્યવસ્થા રોજેરોજ કરવી જોઈએ જેથી ચોખ્ખાઈના ધોરણો પણ સચવાઈ રહે. આની પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે સપ્તાહ સાંભળવા લોકો બધાં ભેગા થાય તો કોઈ પણ જાતની બિમારી ન ફેલાય. આ સાથે સૂક્ષ્મ સ્તરે આપણા બાહ્ય વાતાવરણની ચોખ્ખાઈ સાથે શરીર અને મનની સ્વચ્છતા પણ જળવાઈ રહેવી જોઈએ કારણ ભાગવત સપ્તાહને સમજવાનો સીધો સંબંધ અંતરના ચક્ષુઓ ઉઘાડવા સાથે છે. વાતાવરણની પવિત્રતાને આથી જ બાહ્ય અને આંતરિક શુદ્ધતા એકસાથે હોવી અત્યંત જરૂરી છે.

સપ્તાહનું સ્થળની પસંદગી

સ્થળની પસંદગી વખતે એક એ વાતનું પણ ધ્યાન રાખવું કે સ્થળ એવું હોવું જોઈએ જેથી આવનારા સર્વને માટે પ્રસાદ અને ભોજન બનાવી શકાય અને પ્રેમથી બેસાડીને પીરસી શકાય. એ માટેની ગોઠવણ એવી હોવી જોઈએ કે જે કથાના વક્તા અને શ્રોતાઓને ખલેલ ન પહોંચાડે. આપણા સનાતન ધર્મમાં જઠરાગ્નિમાં પંચમહાભૂતોના અગ્નિદેવનું સ્થાન છે, એમ માનવામાં આવે છે. આ જ કારણોસર આપણા કોઈ પણ અનુષ્ઠાનો સમયે ભૂખ્યાને અને મહેમાનોને જમાડ્યા વિના કે પ્રસાદ આપ્યા વિના આપણા ઉંબરેથી પાછા વાળવામાં નથી આવતાં.

 

કથાવાચક મુખ્ય આચાર્ય, સહાયક ગણ અને મુખ્ય યજમાન / શ્રોતા ને એમના કુટુંબીજનો માટેની બેઠક ગોઠવવામાં પણ વાસ્તુશાસ્ત્ર અને અનુભવી આયોજકો કે પંડિતોની મદદ લેવી કે જેમને આ માટેના આવશ્યક ધોરણોનું શાસ્ત્રોક્ત જ્ઞાન અને સર્વસામાન્ય બુદ્ધિમતા (કોમન સેન્સ) હોય. દા.ત. વક્તા કે આચાર્યની વ્યાસપીઠ ઊંચી રાખવી જેથી સાંભળનારાઓ બરાબર જોઈ શકે અને કથામાં ધ્યાન પરોવી શકે. વક્તા અને મુખ્ય યજમાન કે શ્રોતાઓની બેસવાની વ્યવસ્થા મંડપમાં દક્ષિણ-પશ્ચિમ ભાગે અર્થાત નૈૠત્ય ખૂણામાં કરવી. જેથી કથાનું પઠન કરતી વખતે સૂર્યપ્રકાશને લીધે ભાગવતની પોથીમાંથી વાંચવામાં કોઈ ખલેલ ન પડે કે વક્તા અને શ્રોતાને તડકાને લીધે લૂ ન લાગે અથવા વક્તા અને ગ્રંથના દર્શન કરવામાં સામા આવતા પ્રકાશને લીધે કોઈ તકલીફ ન પડે.. કહેવાનો અર્થ એટલો જ છે કે આ અને આવાં બધાં જ પ્રાવધાનના પાયામાં વૈજ્ઞાનિક વિચાર અને કારણ હોય છે. વક્તાનું મુખ જો ઉત્તર તરફ હોય તો શ્રોતાઓનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને વક્તા જો પૂર્વાભિમુખ હોય તો શ્રોતાઓનું મુખ ઉત્તરાભિમુખ હોવું જોઈએ. આ બેસવાની વ્યવસ્થા મુહૂર્ત ક્યા માસમાં અને કઈ તિથિઓનું નીકળ્યું છે એના પર આધાર રાખે છે. એનો અર્થ એ કે સૂર્યનારાયણની ગતિ પર આ બેસવાની ગોઠવણનો આધાર છે. એટલું જ નહીં, પણ, આ બધી જ સગવડ કરતી વખતે ક્યા માસમાં પૃથ્વીના ચુંબકીય બળો કઈ રીતે અસર કરે છે એનું સંજ્ઞાન પણ લેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે પણ ક્રિયાકાંડો કરવામાં આવતાં એની પાછળના કારણો શાસ્ત્રો પર આધારિત હતાં, પછી તે શાસ્ત્રો જ્યોતિષશાસ્ત્ર હોય, વિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય, નાગરિકશાસ્ત્ર હોય કે માનસશાસ્ત્ર હોય. સમય જતાં આ બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરી એને સમજાવવાને બદલે, આ સમજણ ને પ્રક્રિયાઓ ગાડરિયો ક્રિયાકાંડનો વ્યવહાર બની ગયો. લોકોની રુચિ ને જિજ્ઞાસા પણ શાસ્ત્રોમાંથી એક રીતે કાળક્રમે વિલુપ્ત થતી ગઈ. આજે આ બધું જ હવે ઊંડાણથી સમજાય છે.

 

શ્રીમદ્ ભગવત ગ્રંથની સ્થાપના પણ ઉત્સવ ઉજવીને ગ્રંથમાં દર્શાવેલી રીતે કરવામાં આવે છે. કોઈ તહેવાર ઉજવતા હોય એટલા આનંદથી ગ્રંથની સ્થાપના નાનકડી ગ્રંથયાત્રા નગરમાં કાઢીને કરવામાં આવે છે. પહેલાંના સમયમાં નગરમાં આમ પોથીની યાત્રા- સવારી કરીને સપ્તાહની જાહેરાત કરાતી હતી, જેથી નગરના વધુમાં વધુ લોકો સપ્તાહનો લાભ લઈ શકે.

ભાગવતની પોથીની સવારીમાં, સજી-ધજીને આવેલાં અને વાદ્યો સહિત ભજન અને કિર્તન કરતાં સમાજના દરેક વર્ગના લોકો ભેદભાવ ભૂલીને એક સાથે, એકજૂટ થઈને ઈશ્વરની ભક્તિમાં લીન થઈ શરૂઆતથી માંડી અંત સુધી સાથે રહે તો સમાજમાં ભાઈચારો પણ વધે છે. કોઈ પણ શુભ કાર્યમાં ઉત્સાહ અને ઉમંગથી જોડાવું એ તો આનંદયાત્રા છે. ભાગવત સપ્તાહનું કથા સ્થાન તો શ્રી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના યશોગાન અને ભક્તિપ્રેમનું “તાત્કાલિક તીર્થ” બની જાય છે. ભાગવત સપ્તાહ એ મૃત્યુ પછી કે ઘડપણમાં સાંભળવાની કથા નથી પણ જીવન કઈ રીતે જીવવું જોઈએ એની સમજણ દરેક ઉંમરના લોકોને આપે છે.

 

કથા માટેના વક્તા / આચાર્ય / ગુરુગણ કેવા હોવા જોઈએઃ કથા વાંચનાર વક્તા સર્વ શાસ્ત્રોમાં વિદ્વાન, ગુણવાન, કુલીન, શીલવાન અને શ્રી કૃષ્ણ પ્રતિ પ્રીતિ ને ભક્તિભાવ ધરાવનારા હોવા જોઈએ. આચાર્યગણ અને વક્તા માટે અસૂયા, પરનિંદા, સ્વાર્થભાવ, મોહ, સ્પૃહા, ક્રોધ, દ્વેષભાવ વગેરે વર્જ્ય હોવા જોઈએ અને શ્રી કૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવ હોવો જોઈએ. સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ આચાર્ય શ્રોતાઓને જરૂર હોય ત્યાં દ્રષ્ટાંતો આપીને સમજાવવામાં સમર્થ હોવા આવશ્યક છે. ઘણીવાર સંસ્કૃત શ્લોકોમાં અભિપ્રેત ગૂઢાર્થો સાદા ભાષાંતરથી ન સમજાય તો કથાકારમાં પાયાની સૂઝબૂઝ અને કોઠાસૂઝ હોવી જોઈએ કે એવા અઘરા શ્લોકો અને એનો ભાવાર્થ યોગ્ય ઉદાહરણો આપીને સમજાવી શકે.

 

ભાગવત સપ્તાહ કથા એક સામાજિક શુભ કાર્ય છે. કોઈ પણ સમાજને લગતું કાર્ય હોય એ એક યજ્ઞ છે. યજ્ઞ હોય તો ધ્યેય હોય અને ધ્યેય હોય ત્યાં સંકલ્પ હોય. સંકલ્પ માત્ર કરી નાંખવાથી આત્માની ઉન્નતિ કે ઉર્ધ્વગતિ થતી નથી કે ઈશ્વરની કથા એ માત્ર લૌકિક લાભ માટે કરવાની વાત નથી. સંકલ્પ પણ આત્મા અને લોકકલ્યાણનો હોય તો જ યજ્ઞ સફળ બને છે. વિદ્વાન આચાર્ય આ સંકલ્પની સિદ્ધિ માટે કરાતા આ ભાગવત સપ્તાહ યજ્ઞનું મહત્વ સમજાવે છે અને પછી આ કથા પ્રારંભ કરતાં પહેલાં, કળશની સ્થાપના કરીને, શ્રી ગણેશજી અને સર્વ દેવતાઓનું વિધિવત ષોડ્શોપચાર અને વૈદિક મંત્રોચ્ચારથી સ્થાપના અને પૂજન કરવામાં આવે છે, જેની વાત આપણે આગળ કરી ગયા છીએ. શ્રી ગણેશજી અને સહુ દેવતાઓનું સ્મરણ અને પૂજન કરવાથી આ કથા સાંભળવા માટે વિવેકબુદ્ધિ અને કથામાં ઓતપ્રોત થવાનું આત્મબળ મળે છે. પૂજન અને મંત્રોચ્ચાર માત્ર સાંભળી કે કરી નાંખવાની વસ્તુઓ નથી પણ એ દરેક દેવતા માટે ઉચ્ચારાતાં મંત્રો આપણા શરીરની દરેક ઈન્દ્રિયોને જાગૃત કરે છે અને આત્માની શક્તિને જગાડે છે. અહીં નવગ્રહોનું આવાહન કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય છે, નવેનવ ગ્રહોના મેગ્નેટીક પાવરનો સ્વીકાર કરવો અને આત્મામાં ઉર્જાનો સંચાર કરવો. વૈદિક મંત્રો અને ઉપચાર મંત્રો બોલીને બ્રહ્માદિ, વિષ્ણુ, શિવ સહિત નવગ્રહોના નામ બોલીને વસ્ત્ર, દીપક, સુગંધી દ્રવ્યો, પાદ્ય, અર્ધ્ય, દ્રવ્ય, ફળ, ફૂલો, દુર્વા, તુલસી અને કેળાના પાન સહિત બધા પદાર્થોના અન્ય પૂજા સામગ્રી નો ઉપયોગ કરવો. અને એ એટલા માટે કે, આપણે પંચ તત્વોમાંથી જ પેદા થયા છે અને આ પૂજામાં વપરાશમાં આવતી સામગ્રીનો પ્રયોગ, આ કુદરતના પંચ તત્વોનું અભિવાદન કરવા માટે જ છે, ‘રેકગાઈઝેશન’ માટે છે, કારણ આ બધી જ સામગ્રી પણ પ્રકૃતિની જ દેન છે. એના પછી નીચેનો મંત્ર બોલીને પ્રાર્થના કરીને સપ્તાહનો પ્રારંભ કરવો.

ॐ બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકારી

ભાનુઃ શશી ભૂમિસુતો બુધ શ્ચ!

ગુરુ શ્ચ શુક્ર, શનિ, રાહુ,   કેતવેઃ

સર્વે ગ્રહા શાન્તિકરા ભવન્તુ!

આમ યજમાન પાસે અને શ્રોતાગણ પાસે શ્રીમદ ભાગવત સપ્તાહનો સંકલ્પ કરાવીને, હાથ પર રક્ષાસૂત્ર બાંધીને પોથી પૂજન, અને લક્ષ્મી-નારાયણ ભગવાનનું આવાહન અને પૂજન કરવામાં આવે છે. વ્યાસપીઠ અને પુસ્તકપીઠનું પણ પૂજન કરવામાં આવે છે. પ્રાર્થાનામાં ઉચ્ચારાતાં અનેક શ્લોકોમાંથી અહીં જે ધ્યાન ખેંચે એવો એક ખાસ શ્લોકના અર્થનો ઉલ્લેખ કરવો છે. એ શ્લોકમાં કહેવામાં આવે છે કે, “જે, પ્રબુદ્ધ છે, વિદ્વાન છે અને જે બધાં જ શાસ્ત્રોમાં નિપુણ છે, એવા શુકદેવજી આ ભાગવત કથાના પ્રકાશથી અમારા અજ્ઞાનનો વિનાશ કરો. આ સંસારસાગરમાં સતત મગ્ન એવા અમારા જેવા દીન પર હે કરૂણાનિધિ, અમારો હાથ ઝાલી ઉદ્ધાર કરો અને સાચો માર્ગ બતાવો.” આ શ્લોકથી યજમાન અને શ્રોતાઓની ધ્યાનયાત્રા શરૂ થાય છે.

કથા મંડપમાં વાયુરૂપધારી ‘અતિવાહિક’ શરીરવાળા જીવવિશેષના (ભૂત-પ્રેતના) પ્રતીક માટે સાત ગાંઠોવાળા એક વાંસની સ્થાપના કરવામાં આવે છે. જેનાથી આ લોક છોડી ગયેલા આત્માનું પણ ‘સિમ્બોલિક’ સ્થાપન કરીને “અહમ્ સર્વ ભૂતેષુ” ની ભાવનાનું પ્રતિપાદન કરવામાં આવે છે. જે એ વાત સાબિત કરે છે કે ભાગવત કથા સાંભળવા માટે શરીરી અને અશરીરી બધાં જ જીવોનું આવાહન કરવામાં આવે છે અને દરેકને આ કથા સાંભળીને આત્માનો ઉદ્ધાર કરવાનો અધિકાર છે. આ બધી જ વિધિ કર્યા પછી, અહીંથી શરૂઆત થાય છે હવે શ્રીમદ્ ભાગવત પુરાણની અમર કથા.

*******

અહીં સુધી મને સતત શ્રી કૃષ્ણ આંગળી પકડીને લઈ આવ્યા છે અને શિશ નમાવી, બે હાથે નમન કરીને આજે પ્રભુને પ્રાર્થના કરું છું કે ભાગવત કથા કહેતી વખતે હું હ્રદયની સચ્ચાઈથી એને ન્યાય કરી શકું.

આ મહાત્મ્ય લખવામાં જે કઈં પણ સારું હોય એ સર્વ શ્રી કૃષ્ણનું છે અને જે પણ ખામી અને ત્રૂટિ રહી ગઈ છે એ મારી અને મારી અલ્પમતિની છે. આથી મારી કમીઓ માટે શ્રી હરિ અને આપ વાચકો મોટું મન રાખી ક્ષમા કરશો એવી જ આશા સાથે વિરમું છું

શ્રીમદ્ ભાગવત-મહાત્મ્યના લેખોની અહીં સમાપ્તિ થાય છે. આવતા બુધવારથી શ્રીમદ્ ભાગવત પુરાણની કથાનો પ્રારંભ થશે.

                                     જય શ્રી કૃષ્ણ!    (વધુ આવતા બુધવારના અંકે)

3 thoughts on “શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય – સાતમો હપ્તો – જયશ્રી વિનુ મરચંટ

 1. “કથા માટેના વક્તા / આચાર્ય / ગુરુગણ કેવા હોવા જોઈએઃ” એ સમયે ડોંગરે મહારાજને સાંભળવા લોકો જતાં અને મેં અમૂક ઘરના અને પાડોશીયોમાં થતાં સરસ ફેરફારોને જોયા છે. કથાની શુભ અસર.

  Like

 2. “ભાગવત કથા સાંભળવા માટે શરીરી અને અશરીરી બધાં જ જીવોનું આવાહન કરવામાં આવે છે અને દરેકને આ કથા સાંભળીને આત્માનો ઉદ્ધાર કરવાનો અધિકાર છે.” આ વિધાનને પ્રતિપાદિત કરતો શ્રીમદ ભાગવત પુરાણનો આ સાતમો…
  કથા શ્રવણ કર્યોથી લોકોને એ વિષે ઘણી અસર થાય છે

  Like

 3. જયશ્રીબેન વિનુભાઈ મરચંટ દ્વારા રચિત ગુજરાતી શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય ના ૧ થી ૬ ભાગ ભક્તિ-જ્ઞાન જીજ્ઞાષુએ બહું રસપૂર્વક વાંચ્યાં. એણી શ્રી લખે છે “ભાગવત કથા સાંભળવા માટે શરીરી અને અશરીરી બધાં જ જીવોનું આવાહન કરવામાં આવે છે અને દરેકને આ કથા સાંભળીને આત્માનો ઉદ્ધાર કરવાનો અધિકાર છે.” “આ વિધાનને પ્રતિપાદિત કરતો શ્રીમદ ભાગવત પુરાણનો આ સાતમો અને છેલ્લો હપ્તો ચૂકશો નહીં આવતા બુધવારથી શ્રીમદ ભાગવત પુરાણની કથાનો શુભારંભ થાય છે. આ કથામૃતનો લાભ લેવાનું ન ચૂકી જતાં.” સાતમો હપ્તોઃ શ્રીમદ્ ભાગવત પુરાણની આવશ્યક વિધિ, વિનિયોગ, ન્યાસ, ધ્યાન,આવશ્યક પૂજા વિધિ, અને પ્રાર્થના ખૂબજ જી ણવટ સાથે વિસ્તારપૂર્વક વર્ણવી છે. આ સાથે લખ્યુ છે કે “અહીં સુધી મને સતત શ્રી કૃષ્ણ આંગળી પકડીને લઈ આવ્યા છે અને શિશ નમાવી, બે હાથે નમન કરીને આજે પ્રભુને પ્રાર્થના કરું છું કે ભાગવત કથા કહેતી વખતે હું હ્રદયની સચ્ચાઈથી એને ન્યાય કરી શકું. આ મહાત્મ્ય લખવામાં જે કઈં પણ સારું હોય એ સર્વ શ્રી કૃષ્ણનું છે અને જે પણ ખામી અને ત્રૂટિ રહી ગઈ છે એ મારી અને મારી અલ્પમતિની છે. આથી મારી કમીઓ માટે શ્રી હરિ અને આપ વાચકો મોટું મન રાખી ક્ષમા કરશો એવી જ આશા સાથે વિરમું છુંશ્રીમદ્ ભાગવત-મહાત્મ્યના લેખોની અહીં સમાપ્તિ થાય છે. આવતા બુધવારથી શ્રીમદ્ ભાગવત પુરાણની કથાનો પ્રારંભ થશે.” … જયશ્રીબેન આપે સ્વેચ્છાથી વ્યાસપીઠ સ્વીકારી છે. આપ શ્રી ની વિદ્વતા, નમ્રતા અને ઉત્સાહ માટે મારા જેવા ભક્તિ-જ્ઞાન જીજ્ઞાષુ ના કોટિ કોટિ વંદન.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s