જીના ઈસીકા નામ હૈ! – જાગૃતિ દેસાઈ-શાહ
ખરેખર બાદશાહી વ્યક્તિ એટલે ફારુખ શેખ:
મારા ખૂબ જ સારા સંસ્મરણ અને કોઈ વ્યક્તિ ની છાપ તમારા જીવન પર પડે એ ભવ્ય વ્યક્તિત્વવાળા એટલે ફારુખ સા’બ!
મુંબઈમાં મારા પાડોશી ફિલ્મ જગત સાથે બહુ જ નજીકથી સંકળાયેલા. એક દિવસ ઘરે ગઈ અને નિલેશ (મારા પતિ) બોલ્યા: અરે યાર, તેં ફારુખ શેખ ને મિસ કર્યા, અત્યારે જ નીચે ઉતર્યા. અને મને થયું કેટલી મોટી તક જતી રહી. ખૂબ વસવસો રહી ગયો કે કોને ખબર હવે ક્યારે મળી શકીશ?
એમના ટીવી શો, “જીના ઇસીકા નામ હૈ” ના એપિસોડ્સ મને ખૂબ જ પ્રિય હતા. સાચું કહું તો ફક્ત એમને જોવા જ હુ એ પ્રોગ્રામ જોતી. એમની સંચાલન કરવાની રમુજી રીત ની હું મોટી ફેન હતી, કે ચાલો AC કહી દો.
કેતકી પરીખ વર્ષો થી શિકાગો ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરે છે. મને એમનો ફિલ્મ ફેસ્ટિવલ એટલે પણ ગમે કે બહુ બધી શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી જોવા મળે. સાથે અસંખ્ય કલાકારોના અનુભવ સામસામે બેસીને કલાકો સુધી સાંભળવા મળે. મેં કેતકીને એકવાર કહ્યું હતું કે ગમે તેમ થાય મારે ફારુખ શેખનો ઇન્ટરવ્યુ કરવો છે. કેતકી બોલી કે એમની ફિલ્મ “LISTEN AMAYA” નું પ્રીમિયર છે એટલે એ અહીં જ રહેશે. જે દિવસે હું હોટેલમાં ચેક ઈન થઇ, તો રિસેપ્શન પર સામે જ ફારુખ સાહેબ ઉભેલા. એમને જોઈને હું મારી જાતને રોકી જ ન શકી. મેં એમને એપ્રોચ કરીને કહ્યું કે “માય ડ્રીમ કમ ટ્રુ!” મેં એમને કહ્યું કે હું ફિલ્મ ફેસ્ટિવલ જોવા માટે કેલિફોર્નિયાથી આવી છું, એ ખરું પણ ખાસ તો એમને મળવા જ આવી છું. મને હસીને કહે “ચેક ઇન કર નહીં તો રાત નો શૉ ડ્રીમ રહી જશે.”
હું જલ્દી ભાગીને રૂમ માં ગઈ અને ૧૦ મિનિટમાં નહાઈને તૈયાર થઇને નીચે આવી, એઓ હજુ પણ રિસેપ્શન પર હતા. મને કહે આ પહેલી મહિલા જોઈ જે નહાઈને ૧૦ મિનિટમાં મેક અપ કરીને તૈયાર થઇને ઈવેન્ટ માટે આવી પણ ગઈ. એમની સાથે હવે લિલેટ દુબે પણ જોડાયા. મેં ટેક્સી લેવાનું નક્કી કર્યું. મને કહે બીજી ટેક્સી લઈને શા માટે ખર્ચો કરે છે, અમે બે જ છીએ અમારી સાથે આવી જા, અમને ગાડી લેવા આવે છે. મને તો વિશ્વાસ ના બેસે કે હું ફારુખ સાહેબ સાથે ગાડીમાં બેસીશ! ગભરામણના લીધે મેં કહ્યું, “શુક્રિયા પર મુઝે જલ્દી જાના હૈ.” અને ટેક્સી લઇ ને હું જતી રહી. જેટલી વાર મળ્યા એટલી વાર કહે, “કૈસે હો? બધું બરાબર છે ને?” મેં કેતકીને પકડી અને એની પાસે ફારુખ સાહેબને કહેવડાવ્યું કે મારે એમનો ઈન્ટરવ્યુ કરવાનો છે. ફારુખ સાહેબે મને જોઈ તો ખાસ નજીક આવીને કહ્યું, “મૈં ઈન્ટરવ્યુ દિયે બીના નહીં જાઉંગા.”
એમના ઈન્ટરવ્યુ માટે બપોરનો ટાઈમ નક્કી કર્યો અને હું ૨ વાગે રિસેપ્શન પર પહોંચી ગઈ. મેં એમને ફોન કર્યો પણ ફારુખજી એમનો ફોન જ ના ઊંચકે! રૂમમાં ફોન કરવાનો ડર લાગે એટલે નિરાશ થઇને પડતું મૂક્યું. મેં મનને મનાવ્યું કે ચાલો એમને મળી તો ખરી અને ફોટો પણ પાડ્યો. મેં એટલાથી સંતોષ માન્યો. મેં કેતકીને કીધું કે ફારુખ સાહેબે મારો ફોન પણ ના ઊંચક્યો. કેતકી કહે કે જરૂર બપોરે સૂઈ ગયા હશે. એમને ખાવાનો બહુ શોખ છે, એટલે જમીને સૂઈ ગયા હશે. સાંજે મને થિયેટરમાં જોઈને મને કહે, “યાર મુઝે માફ કર દેના, ફોનકો ચાર્જપે નહીં રખા ઓર સો ગયા, I WILL MAKE IT UP.”
બીજા દિવસે આદિલ હુસેન અને ફારુખ સાબ બેઉ સાથે મળ્યા. મને કહે બપોરે ક્યાં હતી. હું અને કાજલ ઓઝા વૈદ્ય થોડી વાર મસ્તી મારવા બહાર નીકળી ગયા હતા, મને ખબર જ નહીં કે ફારુખ સાહેબે મને યાદ કરી હશે. મને કહે “મેરે જૈસે ઓલ્ડી કા ઇન્ટરવ્યુ કયું કરના હૈ? ‘ “ધૂમ ૩” કી શૂટિંગ ચલ રહી હૈ તો સાથ લે જાતા તો આમિર ઔર અભિષેકકા ઇન્ટરવ્યુ હો જાતા.’ મને અભિષેક કે આમિરના ઇન્ટરવ્યુ મિસ કર્યાનું સહેજે દુઃખ નહોતું. મને આટલા મોટા કલાકારે આવી રીતે યાદ કરી એનું ગર્વ હતું. કોને ટાઈમ છે કોઈના વિષે વિચારવાનો, અને તે પણ આવું સારું, આટલી સદભાવના સાથે?
એમની ફિલ્મનું પ્રીમિયર શનિવારે હતું. એમાં એવું થયું કે “રેડિયો જિંદગી”ની (જ્યાં હું રેડિયો જોકીનું કામ કરતી હતી) પહેલી એનિવર્સરી રવિવારે હતી. એના મલિક જીદે ચઢ્યા કે, “તું અમારી પહેલી RJ છે અને અમારી જાણ બહાર, તારી હિમ્મત જ કેમ થઇ કે તું શિકાગો ગઈ? ગમે તે થાય, તું પાછી આવ.” એટલે મેં શનિવારનો શૉ જોઈને રવિવારે સવારે જવાનું નક્કી કર્યું. આ બધામાં મારો ફારુખ સા’બ સાથેનો ઇન્ટરવ્યુ અટવાઈ ગયો. LISTEN AMAYA શરુ થવાનું હતું ફારુખ સાહેબને મેં આવતા જોયા અને મેં એમને પૂછ્યું, “કૈસે હૈ આપ? મુઝે આપ કા ઈન્ટરવ્યુ કરના હૈ.” મેં સહજપણે જણાવ્યું કે મારે કાલે સવારે નીકળી જવાનું છે, અને એકદમ શોર્ટ નોટિસમાં નીકળવાનું ઓચિંતુ જ થયું છે. લોકો રાહ જોઈ રહ્યા હતા અને એ મારી પાસે આવ્યા, મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા, “સબ ઠીક હૈ?” મેં કહ્યું, “હા, કંઈ પણ ગંભીર નથી. શૉ પતે પછી કહું.” જેવો શૉ પત્યો, એમનું Q &A સેશન હતું. ખુરશી ગોઠવાતી હતી અને એ બધું છોડીને હું હતી ત્યાં આવી ને કહે, “મેં પરેશાન હું, સબ ઠીક હૈ? ક્યાં મેં કુછ મદદ કર સકતા હું? આપ કોઈ ફિકર ના કરેં, મુઝસે આપ અપની પરેશાની બેઝિઝક શેર કર સકતી હો.” માનવામાં ના એવી બાબત હતી. જેવું Q & A સેશન પત્યું એટલે મને કહે, “ક્યા હુઆ?” મેં કહ્યું કે મારા રેડિયો સ્ટેશનની એક વર્ષની ઉજવણી છે અને મારે જવું પડશે કારણકે એ લોકો જીદ લઈને બેઠા છે. મને કહે, “ક્યા બાત હૈ! આપ તો સેલિબ્રિટી હૈ!” પછી કહે “સેલિબ્રિટી તો આજ હૈ કલ નહીં, હંમેશા અચ્છે ઈન્સાન બને રહના. આપકા ઇન્ટરવ્યુ મેરે પર ઉધાર હૈ, મેરા ફોન નંબર લે લેં. મુઝે ફોન કર લેના”
હવે મારી મૂંઝવણ એ હતી કે મેં એમનો ઇન્ટરવ્યુ જતો કર્યો, હવે કેવી રીતે કહું કે મારે ઇન્ટરવ્યુ કરવો છે. ભીખ માંગનારે પાત્ર છુપાવવું ના જોઈએ. મેં વ્હોટસએપ પર ટેક્સ્ટ કર્યો.. ‘ફારુખ સાબ, મૈં જાગૃતિ..’ તરત જ જવાબ આવ્યો, ‘કલ સુબહ ઇન્ટરવ્યુ કરેં?’ મને હાશકારો થયો, ચાલો આ કામ પત્યું. ઇન્ટરવ્યુ દરમ્યાન મને ખબર પડી કે ફારુખજી શાહી પરિવારથી આવતા હતા. એમણે એક વાત મને કહી કે, ‘Mercedes ઔર BMW ની રેસ –દૌડ લગાડવા કરતાં, પોતાની કલાને નિખારવાની દૌડ લગાવો.” એમણે પ્રિયંકા ચોપરા એન્ડ અનુષ્કા શર્મા માટે પણ આ મેસેજ આપેલો.
મેં કેતકીને આ વાત કરી તો એણે એક પ્રસંગ ટાંક્યો. ફારુખ સાહેબે એક નાટકની અમેરિકા યાત્રા કેતકી સાથે નક્કી કરેલી. એવામાં એમને અઢળક પૈસા કમાવીને આપતો, “જીના ઈસીકા નામ હૈ” નો ટીવી શૉ મળ્યો. અમેરિકાની યાત્રા “જીના ઇસીકા નામ હૈ” ના શૉ સાથે ઓવરલેપ થતી હતી. જો “જીના ઈસીકા નામ હૈ” ચાલુ રહે તો અમેરિકા ની યાત્રા કેન્સલ કરવી પડે, અને અહીંના શૉ ની જાહેરાત થઇ ગઈ હતી. એમણે “જીના ઇસીકા નામ હૈ” ના પ્રોડ્યૂસર્સને કહ્યું કે હું મારા સ્વાર્થ માટે મારા ચાહકોનું એન્ડ પ્રમોટર્સનું નુકસાન ના કરી શકું. એમને જેટલા શૉ થાય એટલે શૂટ કર્યા અને તેમની જગ્યા સુરેશ ઓબેરોયે લીધી.
જયારે નિર્ભયા કિસ્સો થયેલો ત્યારે એમણે ભૂલમાં મને ટેક્સ્ટ કરેલો અને એમાં કહેલું કે એમને આ બાબત નું ભયંકર દુઃખ છે! અને નિર્ભયા સાથેના એના મિત્રને બિરદાવતી વાત લખેલી.
દીપ્તિ નવલ જયારે મળેલા ત્યારે મેં ફારુખ સાબનો ઇન્ટરવ્યૂ એમને સંભળાવેલો, એમના આંખમાંથી આંસુ સરેલા. દીપ્તિ નવલે ફારુખ સા’બની એક વાત કહી હતી. જયારે મુંબઈમાં આતંકી હુમલો થયેલો ત્યારે એમણે એક પોલીસે ઓફિસરની ફેમિલીને ગુપ્ત દાન આપેલું. ડર મહિને ૫૦,૦૦૦ રૂપિયાની રકમ એમને મોકલતા. પણ એ દિવંગત ઓફિસરના પરિવારને જાણ નહોતી. જયારે ફારુખ સાહેબે ચિર વિદાય લીધી ત્યારે ખબર પડી. (પોલીસ ઓફિસર નું નામ નથી જાહેર કરતી, એમના પરિવારના આત્મ સન્માન માટે)
હું ગુલશન ગ્રોવર જેવા વિલનને મળી છું જેને મારી ભયંકર જૂની ખખડધજ ગાડીમાં બેસવા માટે જરીકે છોછ નથી કર્યો, અને હું એવા કલાકારોને પણ મળી છું કે ફક્ત TESLA કારમાં બેસવા માટે, મને સ્ટેજ પર નહીં આવે એવી ધમકી આપી હોય!
ક્યારેક મને થાય છે કે ઈશ્વરે મને કેટલા બધાનાં પ્રેમથી નવાજી છે! મારા પ્રોગ્રામ વખતે, હરિકૃષ્ણ દાદા જેવા મારા પરમ પ્રિય, ૯૫ વર્ષે મને શોધતા હોય અને મારી ચિંતા કરતા હોય કે મારા શૉ માં નુકસાન તો નહીં ગયું હોય ને! એમણે આપેલા ૫૧ dollars હજુ પણ પરબીડીયા સાથે અકબંધ છે. અને એવા પણ કરોડોપતિ જોયા છે કે એમના કિસ્સા લખતા પણ શરમ આવે.
પણ, ફારુખ શેખ, ગુલશન ગ્રોવર, દાદા જેવાને પ્રેરણા સ્ત્રોત્ર માનીને જીવનને આગળ વધારવું. બાકીના ને જોઈને આપણી જાતને એમ કહેતાં રહેવું કે આપણે એમના જેવા નથી અને આપણે એમના જેવા કદી ન થઈએ પણ નહીં!
મિસ યુ ફારુખ સાબ! ક્યું કી જીના ઈસીકા નામ હૈ!
જીના ઈસીકા નામ હૈ! “ખરેખર બાદશાહી વ્યક્તિ એટલે ફારુખ શેખ”
જીના ઈસીકા નામ હૈ! (આ શો હમણા ઝ ટીવી પર પાછો બ્રોડકાસ્ટ થાય છે અને જુના સંસ્મરણો તાજા થાય છે.)
જાગૃતિબહેન આપની ખાટી મીઠી વાતો નાનપણમાં ખાધેલી ખાટી મીઠી ગોળીની જેમ ચગળવાની મઝા આવે છે.સાચો કલાકાર જેમ વિકસતો જાય તેમ વધુ નમ્ર થતો જતો હોય છે, બાકી ઘણા તમે કહ્યાં તેમ ખાલી ચણો વાગે ઘણો એવા જ હોય છે. હરિકૃષ્ણ દાદાને તમે યાદ કર્યાં, એમની સાથે થોડો સમય મને પણ હ્યુસ્ટનમાં વિતાવવાનો મળ્યો હતો અને અમારી સાહિત્ય સરિતાની બેઠક પછી અમારા ઘરે એમની સાથે સાંજ ગાળવાનો અવિસ્મરણિય મોકો મળ્યો એનો આનંદ જીવનભર રહેશે. દાદાની મુલાકાત પછી એમના વિશે જાણીને થોડી પંક્તિ લખી છે તે અત્રે રજૂ કર્યા વગર આ અભિપ્રાય અધૂરો રહી જાય.
(૯૬ વર્ષના દાદા હરિકૃષ્ણ જે કેલિફોર્નિઆ થી હ્યુસ્ટન ખાસ અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા મહેમાન બની પધાર્યા હતા.
કહેવાની વાત કોઈ રહી જાય ના,
જીવવાની રીત કોઈ વહી જાય ના!
આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!
કાલ ગઈ વીતી, ને કાલની શું ચિંતા?
પળ જે છે આ જ, જીવનની રળિયામણી.
નહિ ચિંતા પણ લાગશે મહેનત કામ,
જો બળ જીવવાનુ, તો ઉંમર નો શો હિસાબ!
છે નજર નજર નો ભેદ, ને સમજણ અનોખી!
કોઈ જુવાન છણ્ણુ વર્ષે, કોઈના હવાતિયાં છાસઠે.
સુખ દુઃખ ને ચડતી પડતી તો આવે ને જાય,
પગ ચાલે તેનુ નસીબ ચાલે, સદા મંત્ર આપનો.
ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,
મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.
શૈલા મુન્શા. તા ૦૭/૧૫/૨૦૧૫ http://www.smunshaw.wordpress.com
LikeLike
જીના ઈસીકા નામ હૈ! – જાગૃતિ દેસાઈ-શાહના પ્રેરણાદાયી લેખ દ્વારા સ્વ ફારુખ શેખ:જેવા ઉમદા સ્વભાવના વ્યક્તીનો પરીચય થયો
.
ધન્યવાદ
LikeLike