ઘરનો મોભી
શુક્રવારની સાંજ હતી. ઑફિસમાંથી નીકળી અમે બધા સીધા બારમાં ગયા. ’સેલીબ્રેશન’ માટેનું કારણ તો નજીવું જ હતું. પણ શુક્રવારે બારમાં જવા માટે કારણ હોવું જરૂરી નથી. અમેરિકાના કોઇપણ શહેરમાં શુક્રવાર સાંજે બાર કે રેસ્ટોરાંમાં તરત જગ્યા મળવી અશક્ય જ. એમાંય અત્યારે ’હૅપી અવર’ ની શરૂઆત હતી. ટેબલ મળે ત્યાં સુધી અમે બધા બહાર જ ઊભા હતા. અચાનક પાછળ કોઈના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને મેં પાછળ જોયું. ઘડીભર થયું, ’મિશેલ અહિંયા ક્યાંથી?’ પણ એ મિશેલ નહોતી. હસનાર વ્યક્તિ પણ એક આફ્રિકન-અમેરિકન સ્ત્રી જ હતી એટલું બાદ કરીએ તો એનામાં અને મિશેલમાં બીજું કશું સામ્ય ન હતું.
આમ તો છેલ્લા અનેક વર્ષથી મિશેલ અને હું સંપર્કમાં ન હતા. ન્યુયૉર્કમાં અમે સાથે કામ કર્યાને હવે ઘણાં વર્ષ થઈ ગયા હતા. હું હ્યુસ્ટન આવ્યો પછી શરૂના સમયમાં અમે બે-ચાર વાર ફોનથી કૉન્ટેક્ટમાં રહેલા. પણ પછી હ્યુસ્ટનમાં જ મેં નોકરી બદલી, અને ત્યારથી અમારો સંપર્ક તૂટી ગયો. હ્યુસ્ટનમાં મને હવે દસ વર્ષ વીતી ગયા હતા, છતાં મિશેલના હસવાનો ક્ષણભર આભાસ થયો ને હું ભૂતકાળમાં સરી પડ્યો.
મિશેલ એ અમેરિકા આવ્યા પછી મને મળેલી પહેલી અમેરિકન વ્યક્તિ હતી! અમારી ઓળખાણનો એ પ્રસંગ મને બરાબર યાદ છે. મને અમેરિકા આવ્યાને માંડ ચોવીસ કલાક થયા હતા અને હજી તો ’જેટ-લૅગ’ ચાલુ હતો. ઑફિસમાં મારો પહેલો દિવસ હતો અને મારા બૉસ કૃષ્ણન બધા સાથે મારી ઓળખાણ કરાવતા હતા. “હાય, આય ઍમ મિશેલ.” જાડા, ઘોઘરા અવાજમાં બોલાયેલા શબ્દ મારા કાન પર પડ્યા. સાચું પૂછો તો એ શું બોલી એ તરફ મારું ધ્યાન જ ન હતું. એક કાળી, આફ્રિકન-અમેરિકન સ્ત્રીને માત્ર બે ફૂટ દૂરથી જોવાનો મારા માટે એ પહેલો જ પ્રસંગ હતો. અમેરિકામાં ઘણાં કાળા લોકો છે એ મેં સાંભળ્યું હતું, પણ ઑફિસમાં પહેલા દિવસે જ એમાંથી એકને મળવાનું થશે એમ નહોતું લાગ્યું. મારી સામે ઊભેલી વ્યક્તિમાં સ્ત્રી-સુલભ નાજુકપણાનો સદંતર અભાવ હતો. પોણા છ ફૂટ ઊંચો પડછંદ બાંધો, જટા જેવા વાળની ઘટ્ટ બાંધેલી વેણી, મોટું પહોળું નાક, જાડા-જાડા હોઠ અને એ પર ચોપડેલી ઘેરા જાંબલી રંગની લિપસ્ટિક. આવી વ્યક્તિ એક સ્ત્રી હોઈ શકે એમ માનવા મારું મન તૈયાર નહોતું.
મિશેલ અમારી કંપનીની ન્યુયૉર્ક ઑફિસનું એડ્મિનીસ્ટ્રેશન સંભાળતી હતી. પુણેની અમારી સૉફટવેર કંપનીએ ન્યુયૉર્ક ઑફિસ ખોલ્યાને થોડા વર્ષ થયા હતા. શરૂઆતમાં કામ ઓછું હતું. એકીસાથે બે-ત્રણ પ્રોજેક્ટ જ ચાલતા. ૧૯૯૬-૯૭ ના વર્ષોમાં ’વાય-ટૂ-કે’ ના કામની બોલબાલા શરૂ થઈ અને અમારી કંપનીમાં જાણે પ્રોજેક્ટનો રાફડો ફાટ્યો. એનાં પરિણામ રૂપે મારા જેવા અનેકને પુણેથી અમેરિકા લાવવામાં આવ્યા. કંપનીએ રહેવા માટે ઍપાર્ટમેન્ટની વ્યવસ્થા કરી હતી, પણ સોશલ સિક્યુરિટી નંબર, બેંક એકાઉંટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, બાળકો માટે સ્કૂલ-એડમિશન, વગેરે બધું અમારે જાતે જ કરવાનું હતું. અમારી પહેલા અહીં આવેલા સાથીની મદદ હતી જ, પણ સહુથી વધુ મદદ મિશેલ પાસેથી મળી. અમને આ બધું કરવામાં મદદ કરવી, એ એની જવાબદારીના ભાગ રૂપે જ હતું, પણ મિશેલ એ બધું ખૂબ ઉત્સાહ અને આત્મીયતાથી કરતી હતી.
શરૂના એ દિવસોમાં મિશેલની મદદ તો સતત મળતી જ હતી, પણ મહત્વની અનેક બાબતમાં એની સલાહ પણ ઉપયોગી હતી. ભારતીય કંપનીમાં, ભારતીય લોકો સાથે અનેક વર્ષ કામ કર્યાને લીધે માત્ર અમારી તકલીફ અને જરૂરિયાત જ નહીં પણ અમારા ગુણ-દોષની પણ એને રજેરજ માહિતી હતી. ખાસ પુણેરી-ઈંગ્લિશ બોલનારા અમારા બધાની મોટી તકલીફ એટલે અમેરિકન લોકોને અમારું અંગ્રેજી, અને અમને એમનું અંગ્રેજી સમજાતું જ નહોતું. મિશેલ ભારતીય ઉચ્ચારથી ટેવાયેલી હતી એટલે એની સાથે વાતચીત શક્ય હતી. એ ફરી-ફરી એક સલાહ આપ્યા કરતી, “ટૉક ક્લીઅરલી એન્ડ સ્લોલી. સ્પેલ આઉટ ઓલ નેમ્સ.” એની એક સલાહ તો ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. એ કહેતી, “બી વેર, ધીસ ઇઝ અમેરિકા! ધેર ઇઝ નો સચ થીંગ એઝ ફ઼્રી લંચ.” શરૂના દિવસોમાં અમેરિકાના આક્રમક માર્કેટિંગથી અમે છેતરાઈ જતા અને ક્રેડિટ કાર્ડ માટે બિનજરૂરી ’પ્રોટેક્શન પ્લાન’ કે મોંઘી ટેલિફોન સેવા પરાણે અમારા ગળામાં આવી પડતી. એ વખતે એવી બલામાંથી છૂટવામાં મિશેલ જ અમને મદદ કરતી. દિવસો વીતતા ગયા એમ આવી બધી વાતોમાં અમે પારંગત થતા ગયા અને મિશેલની મદદની જરૂર ઓછી થતી ગઈ. છતાં એની સાથે જોડાયેલા મૈત્રીના તાર અખંડ રહ્યા. એ દિવસોમાં બનેલી એક ઘટનાને કારણે અમારી બંને વચ્ચે તો ખાસ આત્મીયતા બંધાઈ.
મને ન્યુયૉર્ક આવ્યાને માંડ મહિનો થયો હશે. સવારે ઑફિસે પહોંચ્યો. જોયું તો અમારા ડેટા-સેંટરના બારણા બહાર પ્રિંટીંગ-પેપર્સના બોક્સનો મોટો ઢગલો થયેલો. બારણાં સુધી જવું જ અશક્ય હતું. રિસેપ્શનીસ્ટને પૂછ્યું ત્યારે ખબર પડી કે ડિલિવરી વેન થોડી વહેલી આવી અને રિસેપ્શનીસ્ટને ડેટા-સેંટરના બારણાંનો કોડ ખબર નહીં, એટલે બધા બોક્સ બહાર જ રાખવા પડ્યા. હું અને મારો કલિગ ’હવે શું કરવું?’ એવો વિચાર કરતા હતા એટલામાં મિશેલ પણ આવી પહોંચી. એણે પરિસ્થિતિ જોઈ, ઘડીભર વિચાર કરી એણે અમારી સાથે જ કામ કરતા એક અમેરિકનને બોલાવ્યો અને એ બંનેએ મળીને બધા બોક્સ અંદર મૂક્યા. પછી જતાં-જતાં જરા ગુસ્સાથી અમને સંભળાવતી ગઈ, “લૂક્સ લાઈક આય એમ ધ ઓન્લી મેન હીયર.” હું ખૂબ ઝંખવાણો પડી ગયો. પુણેની ઑફિસમાં ઘણાં નોકર હતા એટલે આવું કામ અમારે કરવાનો કદી પ્રસંગ જ નહોતો આવ્યો. હજી એક જ મહિનો થયો હતો એટલે અહીંની રીતરસમની ખબર નહોતી. આખી સવાર હું અસ્વસ્થ હતો. લંચ વખતે ખાસ જઈ મિશેલને મળ્યો. હજી એનો ગુસ્સો પૂરો ઊતર્યો ન હતો. મેં એની માફી માગી અને સવારે જે બની ગયું એનું કારણ જણાવ્યું. એના ચહેરા પરની તંગ રેખાઓ જરા ઓછી થઈ અને થોડું મલકાઈને બોલી, “યૂ આર નોટ ધ ઓન્લી વન ટુ વેઈટ ફોર સમવન એલ્સ ટુ ડુ ધ સ્ટફ. મેં આ કંપનીમાં ઘણાં વર્ષ કાઢ્યા છે. એટલે ભારતના ’ક્લાસ-કલ્ચર’ ની મને પૂરેપૂરી કલ્પના છે. છતાં એક વાત કબૂલ કરવી જોઈએ કે આ માટે માફી માગનારો તુ પહેલો માણસ મળ્યો.”
એ દિવસથી અમારા વચ્ચેનું ’પારકાપણું’ ધીમે-ધીમે ઓછું થતું ગયું. કામ સિવાયના અન્ય વિષયો અંગે પણ અમારી વચ્ચે વાતચીત થવા માંડી. શરૂમાં ભલે થોડી જ, પણ અમે એકમેકની કૌટુંબિક વાતો કરતા થયા. એને ક્રીસ અને માર્ટિન, બે દીકરા હતા. બંને હજી નાના હતા. બ્રૉંક્સમાં એનું પોતાનું એક નાનકડું એપાર્ટમેન્ટ હતું. એનો બોય-ફ્રેન્ડ ફિલીપ્સ પણ એમની સાથે જ રહેતો હતો. છોકરાઓના બાપ સાથે એણે અગાઉ જ છૂટાછેડા લીધા હતા. પછી, ફિલીપ્સ પહેલા એક બીજો પણ હતો, પણ એ સંબંધ એક વર્ષની અંદર જ પૂરો થયેલો. આપણી કુટુંબ પ્રણાલીમાં ઉછરેલા મારા જેવા માટે આવા સંબંધ ઝટ સમજાતા નહોતા. કુટુંબ વિષયક વાતો નીકળે ત્યારે મને સંકોચ થતો, પણ મિશેલ નિઃસંકોચપણે બધી વાત કરી શકતી.
મિશેલ સ્વભાવે હસમુખી હતી, અને એનું હસવાનું પણ એના દેહ જેવું જ પ્રચંડ! એટલે જ, એક દિવસ એને શાંત જોઈને બધાને આશ્ચર્ય થયું. દરેક જણાએ એના ડેસ્ક પાસે ઊભા રહી ઔચિત્ય પ્રમાણે પૂછપરછ કરી. થોડા સમય પછી, ફોન પર વાત કરતા એ અચાનક રડવા માંડી. બોલતા-બોલતા વચ્ચે જ ગુસ્સામાં એનો સ્વર એકદમ ઊંચો ચડતો હતો. પછી ફરી ધીમા અવાજે કાકલૂદી કરવા માંડતી ’તી. એમાં જ એકાદ-બે વાર એણે ગુસ્સાથી ફોન બંધ કર્યો. પણ તરત પોતે જ ફરી જોડીને વાત ચાલુ રાખી. આખરે કૃષ્ણનને કહીને એ ઘેર જતી રહી. એના આવા વર્તનનું પૂરું કારણ કોઈને સમજાવાની શક્યતા ન હતી, પણ બધાને લાગતું હતું કે આમાં એનો બૉયફ્રેંડ ફિલીપ્સ કારણભૂત હશે. બીજે દિવસે એ થોડી મોડી આવી. ચહેરો ખિન્ન હતો અને આંખો થોડી સૂજેલી હતી. થોડી વારે હું એના ડેસ્ક પાસે ગયો ને પૂછ્યું, “વ્હૉટ્સ રૉંગ મિશેલ?” ખિન્ન પણે હસીને એણે કહ્યું, “વી બ્રોક અપ.” મેં દિલાસાના સ્વરમાં કહ્યું, “આય એમ સોરી.” મિશેલ તરત બોલી, “વેલ, ડોન્ટ બી, બીકૉઝ આય એમ નૉટ. આય એમ સેડ, બટ નૉટ સોરી. ક્યારેક આ થવાનું જ હતું. મધરxxx વૉઝ ચીટીંગ ઑન મી. એને લાગતું ’તુ કે હું મૂરખ છું, ને મને કશી ખબર નહીં પડે. ઈટ્સ ઓવર નાઉ, બટ લાઈફ વિલ ગો ઑન.”
મિશેલ પ્રમાણમાં સ્વસ્થ હતી, પણ મને જરા નવાઈ લાગી. ગમેતેમ તોય ત્રણ-સાડા ત્રણ વર્ષથી બંને સાથે રહેતા ’તા. થોડા સમય પછી, વાત-વાતમાં એક દિવસ મેં મિશેલને આ વાત કહી ત્યારે એકદમ હસીને એ બોલી, “સો યૂ થીંક આય એમ ટફ. કોને ખબર, કદાચ હું એવી છું પણ ને નથી પણ. મેં છૂટાછેડા લીધા એને હવે પાંચ વર્ષ થયા, પણ હજી મનથી હું એમાંથી બહાર નથી આવી. પૂરી બહાર તો કદાચ ક્યારેય નહીં આવું.” બોલતા-બોલતા એની નજર ભૂતકાળમાં ક્યાંક ખોવાઈ ગયેલી લાગી. એની વાત મને બિલકુલ સમજાતી નહોતી. જો પોતાના પ્રથમ લગ્નની યાદ એને હજી સતાવતી હોય તો પછી પાંચ વર્ષમાં બબ્બે બૉયફ્રેંડ કેવી રીતે શક્ય છે? કદાચ અમારા બંનેના સમાજના અલગ દૃષ્ટિકોણ વચ્ચેનો આ તફાવત હતો.
એ પછી પ્રસંગોપાત થતી વાતોમાં મિશેલે મને પોતાના લગ્ન અને ઘરસંસાર અંગેની ઘણી વાતો કહી. લગ્નના પહેલા સાત વર્ષ બહુ સારા ગયા. ક્રીસ અને માર્ટિન આવ્યા અને ઘર આનંદથી ઊભરાઈ ગયું. આર્થિક પરિસ્થિતી સારી હતી અને બધી વાતે સુખ હતું. અચાનક જ એક દિવસ વિલ્બર્ટ – મિશેલનો વર – એને છોડી ગયો. મિશેલના શબ્દોમાં, “હી જસ્ટ વૉક્ડ આઉટ.” મિશેલે એને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો; પણ અવળા ઘડા પર પાણી. વિલ્બર્ટે ચોખ્ખું કહ્યું કે હવે એને મિશેલ સાથે રહેવાની જરાપણ ઈચ્છા નથી. મિશેલની વાત સાંભળી મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં સાંભળેલું હતું કે અમેરિકામાં વાતવાતમાં લોકો છૂટાછેડા લઈ લે છે. પણ આ રીતે કોઇ પોતાની પત્ની અને બાળકોને રઝળતા મૂકી દઈ શકે એ વાત હજી મારા માન્યામાં નહોતી આવતી. મારી ખાતરી છે કે ભારતમાં એવા અનેક જોડા હશે કે જેમાં પતિપત્ની વચ્ચે પ્રેમનો એક અંશ પણ બાકી નહીં હોય. તો પણ બાળકો ખાતર કે કૌટુંબિક કે સામાજિક દબાણને લીધે આવા લોકોને સંસાર નિભાવવો પડે છે. પણ આવી તુલના વ્યર્થ હતી. એક વાત ચોક્કસ કે મિશેલ વિલ્બર્ટને ખૂબ ચાહતી હતી અને એ પ્રેમનો થોડોક અંશ હજી પણ શેષ હતો. વાતવાતમાં એણે જ મને એવું કહ્યું હતું.
ફિલીપ્સ છોડીને જતો રહ્યો એના આઘાતમાંથી માંડ ઊભી થતી હતી એ દિવસોમાં જ મિશેલને એક નવી ઉપાધિનો સામનો કરવો પડ્યો. આ નવી તકલીફનું કારણ એનો મોટો દીકરો ક્રીસ હતો. દીકરાને સારી સંગત મળે એ માટે થોડી આર્થિક મુશ્કેલી વેઠીને પણ, એણે ક્રીસને એક સારી કેથલિક સ્કૂલમાં મૂક્યો હતો. એક દિવસ સ્કૂલમાંથી ફોન આવ્યો. ક્રીસે મારામારી કરી હતી અને પોતે એક ગૅંગનો સભ્ય છે એમ કહી અન્ય છોકરાઓ પર દાદાગીરી કરતો હતો. આ અગાઉ બે વખત એણે મારામારી કરી હતી, એટલે આ વખતે જરા પણ દયા ખાધા વગર વ્યવસ્થાપકોએ એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. આ વખતે મને મિશેલના વ્યક્તિત્વની વધુ એક બાજુ જોવા મળી.
મિશેલ બોલવામાં ખૂબ હોંશિયાર હતી. આ સમયે એણે પોતાની આ આવડતનો મને વધુ એકવાર પરચો દેખાડ્યો. ફોન પરથી અને રૂબરૂ મળીને એણે પુરા જોમથી પોતાના દીકરાની બાજુ માંડી. એક બાજુ એણે પોતાના દીકરા વતી શાળાની માફી માગી, તો બીજી બાજુ એકાદ કુશળ વકીલની જેમ એના કરતાં બીજા છોકરાઓનો જ વાંક શી રીતે વધુ છે, એ દેખાડવા માંડી. પણ જ્યારે એણે જોયું કે એની દલીલ કામ નથી કરતી ત્યારે એકદમ સૂર બદલીને ધમકાવવાનું શરૂ કર્યું અને પોતાનો દીકરો આફ્રિકન અમેરિકન છે એટલે જ એની સાથે અન્યાય કરવામાં આવે છે એમ કહેવા માંડી. પણ શાળાના વ્યવસ્થાપકોએ એનું કશું ન સાંભળતા ક્રીસને શાળામાંથી કાઢી મૂક્યો. એ પછી ઘણાં દિવસ મિશેલ અસ્વસ્થ હતી. અમે અમારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ મિશેલના મૂડમાં ખાસ કશો ફરક ન પડ્યો.
અચાનક જ એક દિવસ મિશેલનું જાણીતું ખિલખિલાટ હાસ્ય પાછું હાજર થયું. અમને સહુને આશ્ચર્ય તો થયું, પણ સાથે જ ખુશી થઈ કે ચાલો, મિશેલ પાછી નોર્મલ બની ગઈ. મેક-અપનું પ્રમાણ હવે પહેલાથી ડબલ થયું હતું. મારા ખ્યાલ પ્રમાણે એના કપડા પણ જરાક વધુ પડતા ’બોલ્ડ’ થયા હતા. એક વાત કબૂલ કરવી જોઇએ કે એનામાં થયેલા આ ફેરફારને લીધે જાણે આખી ઑફિસનું વાતાવરણ બદલાઈ ગયું. એક દિવસ એણે પોતે જ મને જણાવ્યું કે એણે ફરી ડેટીંગ શરૂ કર્યું હતું. એ માણસ –રોબર્ટ-ને અમે જાણતા હતા. એ અમારા બિલ્ડિંગમાં જ પરચૂરણ રીપેરીંગનાં કામ કરતો. મને આશ્ચર્ય થતું હતું કે હજી હમણાં જ થયેલ પ્રેમભંગ પછી તરત જ પાછું કોઇ નવો દાવ શી રીતે માંડી શકતું હશે!
મિશેલના વર્તનમાં થયેલ આ ફરક બધાના ધ્યાનમાં હતો. પોતે ૩૫-૩૮ વર્ષની અને બે છોકરાની મા છે એ હકીકત ભૂલી જઈને મિશેલ સોળ વર્ષની સુંદરી જેવા સાજ-શણગાર કરતી હતી. કપડા અને મેક-અપમાં હવે કશી મર્યાદા રહી ન હતી. જ્યારે જોઇએ ત્યારે ધીમા અવાજે, લાડકા સ્વરે, ફોન પર એની વાતો ચાલ્યા કરતી. પણ ખરું કહું તો મને આ બધામાં પ્રેમ કરતા ઓશિયાળાપણું વધુ દેખાતું. કદાચ રૉબ એનાથી ઘણો નાનો હતો એથી હશે. છતાં એને મેળવવાના મિશેલના પ્રયત્ન મને વધુ પડતા લાગતા ’તા. એ સાથે જ, આ બધી વાતમાં પોતાના દીકરા ક્રીસ પ્રત્યે એ બેધ્યાન તો નહીં થાય ને એવી બીક પણ લાગતી હતી. છતાં આ અંગે એને કશું કહેવાની મારી હિંમત નહોતી.
માંડ બે-અઢી મહિના થયા હશે ત્યાં એનું આ પ્રેમ-પ્રકરણ પણ ઘાંચમાં પડ્યું હોવાની વાત આવી. મિશેલના કહેવા પ્રમાણે રૉબ એ વિષે ક્યારેય સીરિયસ ન હતો, એટલે આગળ વધવામાં કશો અર્થ ન હતો. મારા માટે આ બધું જ સમજણ બહારનું હતું. અગાઉથી જ જો મિશેલને આ અંદાજ હતો તો પછી એ દિશામાં દોડવાનો અર્થ જ શું હતો? આ બધું શું કેવળ શારીરિક સુખ માટે જ હતું? મને તો હવે મિશેલ પણ સાવ છીછરી લાગવા માંડી.
જોતજોતામાં મને ન્યુયૉર્ક આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયા. અમારી કંપનીની પ્રગતિ ચાલુ હતી. હ્યુસ્ટનમાં બે મોટા પ્રોજેક્ટ મળ્યા હતા અને કંપનીએ ત્યાં નવી ઑફિસ ખોલી હતી. હું અને મારો એક સાથી ન્યુયૉર્ક થી ત્યાં જવાના હતા અને બાકીનો સ્ટાફ ભારતથી આવવાનો હતો. જવાનો દિવસ જેમ નજીક આવતો ગયો એમ મનમાં થોડી ચણભણ શરૂ થઈ. ત્રણ વર્ષમાં ન્યુયૉર્કમાં ઘણાં લોકો સાથે નાતો બંધાયો હતો. છેલ્લા અઠવાડિયામાં એક દિવસ મિશેલ સાથે પાસેની જ એક ઈટાલિયન રેસ્ટોરાંમાં લંચ લેવાનું ઠરાવેલું. ત્યાં જવા નીકળીએ એ પહેલા જ મિશેલે મને એક ’સરપ્રાઈઝ’ હોવાનું કહ્યું. હું વિચારમાં પડ્યો કે હવે વળી શું હશે? ત્યાં ગયા તો ત્યાં ફિલીપ્સ બેઠો હતો. મિશેલે એને ખાસ બોલાવ્યો હતો. એ બંને પાછા ભેગા થતા હતા. ફિલીપ્સને જોઇને આશ્ચર્યથી મારી તો બોબડી જ બંધ થઈ ગઈ. ૬
લંચ પછી ફિલીપ્સ ગયો અને મિશેલ અને હું ઑફિસે પાછા ફર્યા. હું હજી આશ્ચર્યમાં જ હતો. મને વધુ વાર મૂંઝવણમાં ન રાખતા મિશેલે જ ખુલાસો કર્યો કે એક મિત્ર દ્વારા ફિલીપ્સે સંદેશો મોકલેલો અને પછી જાતે મળીને અગાઉ જે થયું એ માટે માફી માગી હતી, અને ફરી મિશેલ સાથે રહેવાની પોતાની ઈચ્છા જણાવી હતી. ચાર-પાંચ મુલાકાત પછી વધુ ખેંચી ન રાખતા મિશેલે પણ હા પાડી હતી. એકાદ અઠવાડિયા પછી એ પાછો મિશેલને ત્યાં કાયમ માટે રહેવા આવવાનો હતો. મને થયું કે ફિલીપ્સ મિશેલને છેતરતો ’તો, અને મિશેલ પણ એ જાણતી હોવા છતાં રાજીખુશીથી છેતરાવા તૈયાર હતી. હવે હું ચૂપ રહી શકું એમ ન હતું. આમ તો કોઈની ખાનગી વાતમાં સલાહ આપવાનું મારા સ્વભાવમાં નથી, પણ હવે માત્ર ત્રણ દિવસમાં જ ન્યુયૉર્ક છોડી જવાનો હતો એ વિચારે મને અસ્વસ્થ કરી મૂક્યો. મેં મિશેલને કહ્યું, “આય હોપ યૂ હેવ થૉટ ઇટ આઉટ થરલી. ધેર ઇઝ નો પૉઇંટ ઇન રશિંગ ઇન્ટુ સમથિંગ ઇફ યૂ આર નૉટ શ્યોર અબાઉટ ઇટ.” મિશેલનો ચહેરો આર્દ્ર થયો. જરા આવેશથી એ બોલી, “આય નો વ્હૉચ યુ આર થિંકિંગ. તને લાગે છે આ બધું હું મારા સુખ ખાતર કરું છું. ઑફ કોર્સ આય વૉન્ટ ટુ એન્જૉય લાઈફ. આય વૉન્ટ ટુ લીવ એઝ અ કંપ્લીટ વુમન. પણ એક ધ્યાનમાં રાખજે કે આ બધું હું જેટલું મારા ખાતર કરું છું એટલું જ, બલ્કે એથીયે વધુ મારા છોકરાઓ માટે કરું છું. ક્રીસ હવે બાર વર્ષનો થયો છે. આ ઉંમરે એ ખોટા રસ્તે ચડી જાય એવી બહુ શક્યતા હોય છે. એક વાર ક્રીસ જો આડે રસ્તે ચડી જાય તો પછી માર્ટિનનું પણ ઠેકાણું નહીં. ધેય નીડ એ મૅન ઇન ધ હાઉસ, એ સ્ટ્રૉંગ મૅન. ઍણ્ડ ફિલીપ્સ વૉઝ ઑલ્વેઝ ગુડ ટૂ માય કિડ્સ.”
“તને અમારા સમાજની કલ્પના નથી. અમારે ત્યાં છોકરાઓ માટે આડે રસ્તે ચડી જવાનું સહજ છે. ગૅંગ્ઝ, ડ્રગ્ઝ, ગુનેગારી, એ બધું અમારે ત્યાં રોજનું છે. એક વાર એ ચક્કરમાં ફસાયા પછી બહાર નીકળવાનું અશક્ય. જો અમારા ઘરની વાત કરું તો, નન ઑફ માય બ્રધર્સ ઍણ્ડ સિસ્ટર્સ હેઝ ડન વેલ ઇન લાઈફ. આય ઍમ ધ ઓન્લી વન ઇન ધ ફેમિલી હુ હોલ્ડ્સ એ ડીસન્ટ ઍન્ડ સ્ટેડી જોબ. જેવા મારા ભાઈ-બહેન એવા જ એમના છોકરા. ઑલ ઑફ ધેમ આર ગુડ ફૉર નથિંગ. પછી મારા દીકરા એ બધાથી જુદા નીકળશે એમ હું શી રીતે માની શકું? ઘરમાં જેની ધાક હોય એવો કોઇ પુરુષ હોય તો થોડી કે આશા રાખી શકાય. યુ સે આય શુડ નૉટ રશ ઇન્ટુ ઇટ. પણ હવે મારી પાસે વધુ સમય નથી. મારે માટે નહીં, પણ મારા બંને દીકરા માટે ફરી ઘર વસાવવું જરૂરી છે.”
મિશેલની વાત સાંભળી હું દિંગ થઈ ગયો. એની જિંદગીનો આ રીતે મેં વિચાર જ નહોતો કર્યો. એના શબ્દો કરતાં યે એના મોઢાના ભાવ જોઇ હું વધુ માત થઈ ગયો. હવે મને એ ચહેરા પર મેક-અપના થથેડા નહોતા દેખાતા. જાતિ અને વર્ણની ભિન્નતાને લીધે અમારા વચ્ચે જે જુદાપણું હતું એ હવે અદ્રશ્ય થયું હતું. એ ચહેરામાં મને હવે મિશેલ નહોતી દેખાતી. એમાં હવે કોઇ અમેરિકન કે ભારતીય સ્ત્રી પણ નહોતી દેખાતી. હવે એ ચહેરો ઘરોઘર, સેંકડો-હજારો વખત મેં જોયેલ ચિરપરિચીત, માંનો ચહેરો હતો. પોતાના દીકરાઓના ભાવિ માટે ઘર અને ઘરનો મોભી મેળવવા કટિબદ્ધ થયેલ માં નો એ ચહેરો હતો.
(મૂળ મરાઠી લેખક: શ્રી સંજય ગોખલે, ફ્લશિંગ, ન્યુયૉર્ક.)
ગુજરાતી અનુવાદ: અશોક ગોપાળરાવ વિદ્વાંસ, ઇસ્ટ વિન્ડસર, ન્યુ જર્સી.)
(શ્રી સંજય ગોખલે તથા ટોરાન્ટો થી પ્રસિદ્ધ થતા મરાઠી ત્રૈમાસિક “એકતા” ના સૌજન્યથી.)
કોઈ વ્યકિતના અલગ અલગ રૂપ જોઈ થાય કે કોઈ પણને કયારેય ઓળખી શકાય?
LikeLiked by 1 person
શ્રી સંજય ગોખલેના સુંદર લેખનો મા અશોક ગોપાળરાવ વિદ્વાંસ, દ્વારા સ રસ ભાવનુવાદ
‘ એ ચહેરામાં મને હવે મિશેલ નહોતી દેખાતી. એમાં હવે કોઇ અમેરિકન કે ભારતીય સ્ત્રી પણ નહોતી દેખાતી. હવે એ ચહેરો ઘરોઘર, સેંકડો-હજારો વખત મેં જોયેલ ચિરપરિચીત, માંનો ચહેરો હતો. પોતાના દીકરાઓના ભાવિ માટે ઘર અને ઘરનો મોભી મેળવવા કટિબદ્ધ થયેલ માં નો એ ચહેરો હતો.’:મિશેલના જુદા જુદા બદલાતા ચિત્રોનુ સુંદર આલેખન
LikeLike