***** ૮ *****
“શ્રેયા, ગેટ રેડી, હું પાંચ જ મિનિટમાં પહોંચુ છું.“
અને શ્રેયાએ ના કહી દીધી અને સંદિપ કંઈ જવાબ આપે તે પહેલા જ મોબાઈલ કટ કરી દીધો. શ્રેયાને બિલકુલ પસંદ જ નહોતી આ વાત. જ્યારે એ કામ કરતી હોય ત્યારે એના સમય કે ટારગેટ પહેલા આવી રીતે અધવચ્ચેથી નીકળી જવાનું એના સ્વભાવમાં જ નહોતું. ડૉ. દિવાન પણ એવા જ સમયના પાબંદ હતા.
આજે એ એક નવા બંગલાની સાઈટ પર હતી. સુરમ્ય બંગ્લોઝમાં કાર્ડિયોલોજીસ્ટ ડૉ. દિવાનના ઘરના ઇન્ટિરિયર માટે પતિ-પત્ની સાથે આજે ફાઈનલ ચર્ચા કરી લેવાની હતી. દિવાન દંપતીની કમ્ફર્ટ અને કન્સનને ધ્યાનમાં રાખીને કરેલી ડિઝાઈનમાં જે કોઇ નાના મોટા સજેશન હતા તે જોઈ લેવાના હતા. એણે વળી પાછું ચર્ચામાં ધ્યાન પરોવ્યું પણ એ થોડી અસ્વસ્થ તો થઈ ગઈ. દિવાને મનોમન એની નોંધ લીધી અને એ પણ વળી પાછા શ્રેયા સાથે ચર્ચામાં પરોવાયા.
ડૉ. દિવાન ખૂબ બીઝી રહેતા અને તેમ છતાં આજે સમય કાઢીને ઘર અંગે બધું ફાઈનલ કરી લેવા માંગતા હતા જેથી શ્રેયા એનુ કામ શરૂ કરી શકે. એટલે આજે તો સંદિપને નારાજ કરવો પડે તો પણ એમ કર્યા વગર એનો છૂટકો જ નહોતો.
સાંજે જ્યારે એ સંદિપને મળી ત્યારે સંદિપનો મુડ થોડો ખરાબ જ હતો. શ્રેયાને પણ થોડું દુઃખ તો થયું, સંદિપને નારાજ કરવા માટે, પણ હવે તો આ કાયમનું હતું અને એમ દર વખતે મુડ પ્રમાણે કામ કરે ક્યાં ચાલવાનું હતું? નાનાં હતા ત્યારે સ્કૂલમાં શિખવાડવામાં આવતું હતું ને, કે,
વર્ક વ્હાઇલ યુ વર્ક-પ્લે વ્હાઇલ યુ પ્લે.
ધેટ ઇઝ ધ વે ટુ બી હેલ્ધી વેલ્ધી એન્ડ ગે.
એ બધું માત્ર કહેવા માટે જ હતું? એને યાદ રાખીને જીવનમાં ઉતારવા માટે નહીં? આ એ જ સંદિપ હતો જેને શ્રેયા ઓળખતી હતી? આ એ જ સંદિપ હતો જે શ્રેયાને ખૂબ સારી રીતે જાણતો હતો કે એવો શ્રેયાને ભ્રમ હતો? આ એ જ સંદિપ હતો જે શ્રેયાની તમામ મૂંઝવણોનો ચપટીમાં ઉકેલ લાવી આપતો હતો? ઊલટાનો હમણાંથી શ્રેયા મૂંઝવણમાં મૂકાઈ જાય એવુ ક્યારેક કરી બેસતો.
સંદિપને થતુ આ એ જ શ્રેયા છે જે પહેલા એના પ્રત્યેક ઓપિનિયનને આધારિત હતી? આ એ જ શ્રેયા છે જે એના દરેક પેંન્ટિંગ સૌથી પહેલા એને જ બતાવતી અને સંદિપની વિશેષ ટીપ્પણીની અપેક્ષા રાખતી?
જો કે આજે પણ શ્રેયાની નવી દરેક ડીઝાઈનના લે આઉટ સંદિપ જોઈ જ લેતો અને એ એને બતાવતી પણ ખરી. બહારની વ્યક્તિ કરતા અંગત વ્યક્તિ સાથે જ ભૂલોનું નિરાકરણ થઈ શકતું હોય તો વળી એનાથી વધુ ઉત્તમ શું? ક્યાંક કોઇ કચાશ રહી જતી હોય તો અને તે પહેલેથી જ સુધારી શકાતી હોય તો એ શક્યતા શા માટે જતી કરવી? સંદિપની સાથે ચર્ચા કર્યા બાદ જ એની ડિઝાઈન -લે આઉટ ક્લાયન્ટ સુધી પહોંચતા. સંદિપે કરેલા સજેશન પ્રમાણે ક્યાંક જરૂરી ફેરફારો પણ કરવામાં એને કોઇ પ્રોબ્લેમ નહોતો લાગતો. પ્રોબ્લેમ લાગતો સંદિપને જ્યારે શ્રેયા તરફથી કોઇ સજેશન હોય.
“મને મારી રીતે કરવા દે, શ્રેયા મારે શું કરવું એની મને ખબર પડે છે.“
ખબર તો શ્રેયાને પણ ક્યાં નહોતી પડતી? જો સંદિપ એને કહી શકતો હોય તો એ કહે એમાં સંદિપને શા માટે વાંધો હોવો જોઈએ? શ્રેયાને ખૂબ લાગી આવતું. કેમ આવું?
કદાચ મેલ ઈગો?
સંદિપને જો પાછળથી એની વાતનું તથ્ય સમજાતું તો પણ જાણે શ્રેયા એ કોઈ વાત કરી જ નથી અને એ એનો પોતાનો જ મૌલિક વિચાર હોય એમ પોતાની રીતે અમલમાં મૂકતો પણ ખરો પણ એ વખતે તો શ્રેયાની વાત કાપી જ નાખતો. અંતે ક્રેડીટ સંદિપના નામે જમા થતી.
“આવું કેમ? જેને કોમ્પ્લિમેન્ટ સ્વીકાર્ય છે એને કોમેન્ટ અસ્વીકાર્ય કેમ? “જો વાહ–વાહ ખપતી હોય તો ક્યારેક ખોડ પણ ખમી લેવી જોઈએને?
સંદિપનુ એવું જ હતું, ક્યારેક પણ જો કોઇ કામ અણધાર્યું કે નવું કર્યું હોય તો એની નોંધ લેવાવી જ જોઈએ અને એ એપ્રીશિયેટ પણ થવી જ જોઇએ.
કલ્ચરલ પ્રોગ્રામોમાં શ્રેયાનો રસ સંદિપથી ક્યાં અજાણ્યો હતો? તે દિવસે ઠાકોરભાઈ હોલમાં એક થીમને લઈને એના પર જ એક ગુજરાતી અને એક હિન્દી ગીતની એ અનોખી મહેફિલની સંદિપે શ્રેયાને જણાવ્યા વગર જ ટિકિટ લઈ લીધી હતી અને રાત્રે સીધી જ એને હોલ પર લઈ ગયો હતો. ખૂબ ખુશ થઈ ગઈ શ્રેયા. જો કે થોડા મોડા પડ્યા એટલે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. એક વાર પ્રોગ્રામમાં બેઠા પછી શ્રેયા એમાં ખોવાતી ગઈ. માણતી ગઈ એક પછી એક ગીતોને. જ્યારે અંતમાં પાર્થિવ ગોહીલના એ ગીતને જે સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું ત્યારે તો શ્રેયા જ નહીં, આખું ઑડિયન્સ ઝૂમી ઊઠ્યું! અંતે બાકી હતું તો સિનીયર મોસ્ટ દિલીપ ધોળકિયાએ એમનુ જાણીતું ગીત તારી આંખનો અફીણી ગાઈને મહેફિલનો રંગ જમાવી દીધો. સમગ્ર ઑડિઅન્સ આફરીન થઈ ગયું. શ્રેયા તો એકદમ મુડમાં આવી ગઈ. ઘણા સમય બાદ એકધારા કામના રૂટીનમાં એક મનગમતો બ્રેક મળ્યો. પ્રોગ્રામમાંથી બહાર નીકળીને ય હજુ શ્રેયા એ માહોલથી જુદી પડી જ નહોતી. આખા પ્રોગ્રામ દરમ્યાન એ સંદિપનો હાથ હાથમાં જ લઈને બેઠી હતી.
“સરસ પ્રોગ્રામ થયો નહીં? સરપ્રાઇઝ કેવી રહી?” સંદિપે હળવેકથી શ્રેયાને પૂછ્યુ.
“આહ! મઝા આવી ગઈ. “
શ્રેયાએ ખરેખર ખૂબ ખુશ થઈને અત્યંત ઉમળકાથી અને ભારોભાર ઉષ્માથી સંદિપનો હાથ પકડી લીધો. હાથના એ સ્પર્શમાં આમ તો એમાં જ બધું કહેવાઈ ગયું હતું પણ સંદિપને તો શબ્દોની અપેક્ષા હતી. વણકહેવાયેલા પણ ઘણું બધું વ્યક્ત કરી જતા ભાવો કરતા બે વ્યહવારિક આભારના શબ્દોનું એને મન કદાચ વધુ મૂલ્ય હતુ.
“તો પછી તેં મને કંઈ કહ્યુ નહી! સરપ્રાઇઝ માટે પણ નહીં?”
આહ! ઓહ, શ્રેયા સીધી જમીન પર આવી ગઈ. એણે સંદિપને કઈ કહેવું જોઈતું હતું આવો પ્રોગ્રામ કરવા માટે. આવી સરપ્રાઇઝ આપવા માટે. પ્રશંસા કરવી જોઈતી હતી. ચહેરા પરના ખુશીના – ભાવ હાથનો સ્પર્શ એ બધુ ગૌણ હતુ. મૌનની પણ કોઇ ભાષા હોઈ શકે પણ ના, મહત્વના હતા બે શબ્દો જે સંદિપ માટે એણે બોલવા જોઈતા હતા.
સંદિપે ક્યારેય કોઇ વાતે શ્રેયાની નોંધ લીધી હતી? કેટલીય વાર કામના બોજાને પહોંચી વળવા શ્રેયા એનું કામ અટકાવીને સંદિપની સાથે ઊભી રહેતી. ક્યારેય એણે તો સંદિપ પાસે એના જેવી અપેક્ષા રાખી જ નહોતી કે સંદિપ એના માટે કંઈક કહે. આપણી વ્યક્તિની ખુશી માટે કઈ કરવામાં પોતાની પણ ખુશી નથી સમાયેલી?
બંને જણનો મુડ જરા ખરાબ થઈ ગયો. આગલા ત્રણ કલાકનો કેફ ત્રણ મિનિટમાં જ ઉતરી ગયો.
અપેક્ષા, આ જ વધારાનો શબ્દ એમના જીવનમાં ઉમેરાઈ ગયો છે ને? બાકી તો પહેલા પણ બંને ક્યાં સાથે નહોતાં? કોલેજના એ સમય દરમ્યાન દિવસોના દિવસો સાથે કામ કર્યુ છે. ક્યાંય કશું નડતું નહોતું. કારણ? ત્યાં કોઇ અપેક્ષા નહોતી, હતી તો માત્ર દોસ્તી જ્યાં સમજના સરવાળા અને ગુણાકાર જ હતા. કોઈ લેતી-દેતીના બાદબાકી કે ભાગાકાર નહોતા.
શ્રેયાને “આવિષ્કાર’ ફિલ્મ યાદ આવી ગઈ. આમ તો ઘણી જુની ફિલ્મ, કદાચ શ્રેયાનો તો જન્મ નહી થયો હોય પણ પપ્પાના ગમતા કલેક્શનમાંથી એ ઘણીવાર એ જૂની ફિલ્મો જોતી અને એને ગમતી પણ ખરી. પતિ –પત્નીના સંબંધોની આસપાસ ઘૂમતી કથા દરેકના જીવનને લાગુ પડતી હશે? લગ્ન પહેલાં પોતાનું જે સર્વ શ્રેષ્ઠ છે તે લઈને સામી વ્યક્તિને આંજી દેવાની કળા કે આંચળો લગ્ન પછી કેમ ઉતરી જતો હશે અને અપેક્ષાઓ વધી જતી હશે? જો કે સાથે મન પણ મનાવતી કે પ્રેમ છે ત્યાં અપેક્ષા છે ને?
આખા રસ્તે બંને કઈ બોલ્યા વગર જ ઘર સુધી પહોંચી ગયાં. અને, એક ભારઝલ્લી રાતનો આંચળો ઓઢીને ઊંઘવાનો ડોળ કરતા પાસા બદલતાં રહ્યાં. પણ ખણણણ ….કાચમાં એક નાની શી તિરાડ તો પડી જ ગઈ બંને પક્ષે.
શ્રી રાજુલ કૌશિકની નવલકથા છિન્ન ૮…ઘણા ખરા પતિ -પત્નીના શરુઆતના જીવનમા રસિક મતભેદ મા નણંદ
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો,
જુઓ લટકાણી લલનાઓ જાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
કુમકુમ નો ચાંદલો આવડો તે હોય મોટો,
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો,
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી કહી… વરણાગીપણામા જૂનું ત્યજી પ્રેમથી નવુ અપનાવી પરિવર્તન સ્વીકારી વાત ચાલશે ત્યાં અચાનક તરાડની નોબત આવી ! રાહ ૯
LikeLiked by 1 person
“જેને કોમ્પ્લિમેન્ટ સ્વીકાર્ય છે એને કોમેન્ટ અસ્વીકાર્ય કેમ? “જો વાહ–વાહ ખપતી હોય તો ક્યારેક ખોડ પણ ખમી લેવી જોઈએને?”
આ ખોડ જ્યારે ખમાતી નથી અને બહુધા આવું પુરુષોમાં જ જોવા મળે છે ત્યારે એક અણદીઠી દિવાલ ચણાવા માંડે છે.
કાચમાં એક નાની તિરાડ પડી ગઈ બન્નેના સંબંધમાં, જે આગળ જતા વધશે એવું જરૂર લાગી રહ્યું છે.
LikeLiked by 1 person
પણ ખણણણ ….કાચમાં એક નાની શી તિરાડ તો પડી જ ગઈ બંને પક્ષે.આમજ તિરાડ પડતી રહેશે, ઍકાદ જણ કોમ્પ્રોમાયસ કરે તેવી આશા રખાશે..આગલા પ્રકરણની રાહ …
LikeLiked by 1 person
પ્રજ્ઞાજી, શૈલાબેન, ઇન્દુબેન..
નવલકથા વાંચીને પ્રતિભાવ આપવા બદલ આભાર.
LikeLike
એક ભારઝલ્લી રાતનો આંચળો ઓઢીને ઊંઘવાનો ડોળ કરતા પાસા બદલતાં રહ્યાં…સરસ
LikeLike
રાજુલબેનની નવલકથામાં આજનું આખું પ્રકરણ મેલ ઇગોમાંથી જન્મતા પ્રશ્નો અને સંવેદનશીલ સ્રી મનની નાજુક ભાવનાઓના કલાત્મક ચિત્રણથી શોભે છે. વારંવાર વાંચવું ગમે એવું. પુરુષનો અહમ્ અને નારીનું સમર્પણ વારતા કે નવલકથા માટે એવરગ્રીન વિષય છે. જો કે આધુનિક સ્ત્રી સ્વકેન્દ્રી બની જાય છે એ પણ નવો વિષય બની શકે ભવિષ્યમાં.
LikeLike