પ્રાર્થનાને પત્રો – (૩૭) – ભાગ્યેશ જહા


“નિત્ય નવીન જન્મ ધારણ કરતું આપણને વીંટળાયેલા વિશ્વની એક અનુભૂતિ છે વાચકે અનુભવવાનું છે. આંગળીઓમાં જે સ્વાદ સીસોટા મારે છે અચાનક કાવ્યના વાતાવરણમાં ફેરફાર લાવે છે, મને રાવજીની વૈશ્વિક અનુભૂતિના કલ્પનો અને એની ધૂળમિશ્રિત ભાષા. પ્રાર્થના, શબ્દતીર્થો ધન્યતાની ક્ષણો છે.”

આ પત્રમાં એક પિતાનું કવિ હ્રદય વૈજ્ઞાનિક અધ્યાત્મથી ઉઘડતી વાતથી પત્ર શરૂ કરીને કેવી રીતે આપણને વીંટળાયેલા વિશ્વની અનુભૂતિ માટે સ્વ. કવિશ્રી રાવજી પટેલની પંક્તિઓના શબ્દ-તીર્થમાં સહજ રીતે મ્હાલી આવે છે. આગળ વાંચો…

[37] પ્રાર્થનાને પત્રો

પ્રિય પ્રાર્થના,

મહુવાના કૈલાશ ગુરુકુલમાં સંસ્કૃતસત્ર-18 માંથી પરત આવ્યો. માલણકાંઠે પૂ.મોરારિબાપુ સાથે રહેવું, વિચારવું એ જીવનનો એક લ્હાવો છે. અનેક ઋષિઓના વિજ્ઞાન વિચારને યાદ કર્યા, સારું રહ્યું. જો કે મેં એવા પ્રશ્નો ઉઠાવ્યા છે કે એક લેવલ સુધી ગૌરવગાન સારું જ છે, આપણા આત્મગૌરવને પુષ્ટ કરે છે, આજની ઝડપથી બદલાતી દુનિયામાં ટકી રહેવા માટેની ઉર્જા મળે છે, પણ આપણે આપણી જાતને કેટલાક અઘરા પ્રશ્નો પણ પૂછવા જોઇએ. આપણે ક્યાં ખોટકાઈ ગયા? ક્યારે આપણા પુષ્પક વિમાન અટકી ગયા?

પ્રાર્થના, મારું માનવું છે કે એક વ્યક્તિ તરીકે જેમ સખત પરિશ્રમ અને સાધનાપૂર્વકની બુદ્ધિશુદ્ધિ આવશ્યક છે તે જ રીતે સામાજિક રીતે આપણી સામુહિક ચેતનાની પણ આવી જ સાધના જરૂરી છે. મને જે મઝા આવી તે પૂ.મોરારીબાપુની ખુલાશની આવી. એમણે આમંત્રણ દીધું, ‘આવો, અને આદિ શંકરાચાર્ય સભાગૃહમાં આવીને દરેક પ્રકારના વિષયોની ચર્ચા કરો’. આ એક અદભુત વાત હતી. આવું જ ગઈ સાલ પોતાની ષષ્ટિપૂર્તિ ઉજવાતી હતી ત્યારે પૂ. ભાઇશ્રીએ કરેલું. એમણે ‘ચલો, માનવતાકી ઓર ચલે’ એવા થીમ ઉપર જ બધા બોલે એવી રીતે આમંત્રણ આપ્યા. અને અનેક લોકો બોલ્યા. એક વાતાવરણ ઊભું થયું, માણસ ડોક્ટર, વકીલ કે મોટા એક્ઝીક્યુટીવ બનવાની ઉતાવળમાં માનવ બનવાનું ભૂલી ના જવું જોઇએ. મને લાગે છે, ગુજરાતના આ બે સંતો એક સરસ પરિપાટી પર સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આપણા સમય માટે આ જ્ઞાનસત્રો બહુ ઉપકારક થવાના છે, કારણ યુનિવર્સિટીઓને કો’ક સારા વાયુમણ્ડલના નિર્માણ માટે શહેરથી દૂર રાખવાની હતી, એ ઘણી દુર રહી ગઈ. કોઇ યુનિવર્સિટીના સભાખંડોમાં આવી સાંસ્કૃતિક કંપનોની ચર્ચા થતી હોય તેવું જાણ્યું નથી. જો, આ વિષયમાં હું ખોટો સાબિત થઈશ તો મને આનંદ થશે. બીજી તરફ, સાહિત્યિક સંસ્થાઓ કશીક ન સમજાય તેવી આત્મમુગ્ધતામાં સરી પડી છે. સાહિત્યકારો એમણે જ રચેલા પાત્રોની મર્યાદાના મગન-મહેલમાં પૂરાઇ ગયા છે. તેજોદ્વેષીઓ પોતાની ખટપટલીલાઓથી આ બધું લીલું લાગે એવો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે, આ બન્ને મહાપુરુષો [પૂ. મોરારીબાપુ અને પૂ.રમેશભાઇશ્રી] સાથે યથાશક્તિ જોડાવવાની ધન્યતા અનુભવી રહ્યો છું.

તને ખબર છે, મને મઝા આવી રહી છે, વાંચવાની. પછી એને મમળાવવાની. આજે જ રાવજી પટેલની એક કવિતા વાંચતો હતો, કવિતાનું શીર્ષક છે,’ અસંખ્ય રાત્રિઓને અંતે… ‘ હું મારા કો’ક દિવસ પ્રસિધ્ધ થનારા સાહિત્યના કોઇ પુસ્તકમાં એનો રસાસ્વાદ તો કરાવીશ પણ અહીં જે લય મને બાઝી પડ્યો છે એને આજની આ સપ્ટેમ્બરની સાંજ શણગારી દીધી છે. જો સાંભળ,

ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય, ક્યાં ક્યાં હડફેટાયો… 

 બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો, પહાડ દબાયો

 વીંછણના અંકોડા જેવા બિલ્ડીંગોથી હરચક ભરચક શહેર દબાયા

 જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું ચગદાયું. ,

 હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે

મારી આંગળીઓમાં સ્વાદ હજી સીસોટા મારે! “

ડાકોરની ભાગોળમાં શ્વસતો આ કવિ કેવો સહેલાઈથી આખા બ્રહ્માંડ સાથે જોડાય છે એની મઝા આવે છે. કવિના કલ્પનો તમને સ્પર્શક્ષમ અનુભવ કરાવડાવે એ કવિતાનું કૌવત છે. સૂરજને કવિ હડફેટે લે એ એનામાં પ્રગટેલું વિશ્વસ્વરુપ મને આકર્ષે છે. કવિ ગામડાની ધૂળમાંથી કવિતા લઈને આવ્યા છે અને શહેરીકરણ અને ઊંચી ડોક કરીને ઊભેલાં સ્કાયસ્ક્રેપર એને ગમતાં નથી, એટલે આ કાવ્યાંશમાં એક માત્ર અંગ્રેજી શબ્દ ‘બિલ્ડીંગ’ વાંચવાથી કવિની અસુવિધાનો બોધ તો થાય છે પણ બધું જ જે દબાતું જાય છે, ચગદાતું જાય છે, એ ચિત્ર કવિતાની આંખ બને છે. પણ કવિના બ્રહ્માનંદ સહોદરની અનુભૂતિ તો ત્યારે પ્રગટ થાય છે જ્યારે કવિ વિશ્વના ગર્ભના કંપનને એક ‘નાદ’ આપે છે, હગડગ હગડગ… કેવી તીણા કાને કવિ સાંભળે છે, આ વિશ્વના ગર્ભનું જન્મ પહેલાંનું કંપન છે, કે નિત્ય નવીન જન્મ ધારણ કરતું આપણને વીંટળાયેલા વિશ્વની એક અનુભૂતિ છે એ વાચકે અનુભવવાનું છે. આ આંગળીઓમાં જે સ્વાદ સીસોટા મારે છે એ અચાનક કાવ્યના વાતાવરણમાં ફેરફાર લાવે છે, મને રાવજીની આ વૈશ્વિક અનુભૂતિના કલ્પનો અને એની ધૂળમિશ્રિત ભાષા. પ્રાર્થના, આ શબ્દતીર્થો એ ધન્યતાની ક્ષણો છે.

સપ્ટેમ્બરના અંતમાં લંડન જઈ રહ્યો છું, એટલે ત્યાંથી હવેનો પત્ર લખીશ,

એ જ,

ભાગ્યેશ

જય જય ગરવી ગુજરાત.

 

 

2 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૩૭) – ભાગ્યેશ જહા

  1. તેજોદ્વેષીઓ પોતાની ખટપટલીલાઓથી આ બધું લીલું લાગે એવો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે, આ બન્ને મહાપુરુષો પૂ. મોરારીબાપુ અને પૂ.રમેશભાઇશ્રી સાથે યથાશક્તિ જોડાવવાની ધન્યતા અનુભવી રહ્યો છું અને મને રાવજીની આ વૈશ્વિક અનુભૂતિના કલ્પનો અને એની ધૂળમિશ્રિત ભાષા. પ્રાર્થના, આ શબ્દતીર્થો એ ધન્યતાની ક્ષણો છે…
    મા ભાગ્યેશ જહાના સૌ માટે પ્રેરણાદાયી પત્ર ધન્યવાદ

    Like

  2. હ્રદયના ઊંડાણ ની આ ભાષા ને સમજવા ધ્યાન ની આવશ્યકતા.. સમજાય તો અમૃત સરખો અનુભવ થાય.. ભાગ્યેશ ઝા ની ભાષા સમૃદ્ધિ નું મૂળ સ્તોત્ર તેમનો સંસ્કૃત-પ્રેમ છે ..તે આ પત્રમાં તાદ્રશ થાય છે.. આનંદ અને આભાર
    SP

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s