હરીશની મુલાકાત – વાર્તા – અનિલ ચાવડા


હરીશની મુલાકાત
– અનિલ ચાવડા

સૂરજે આકાશમાંથી ડોકિયું કરી દીધું હતું, પંખીઓએ ધીમા સ્વરે ગાવાનું શરૂ કરી દીધું હતું. ઘરના મોભનો પડછાયો આંગણા સુધી લંબાયો હતો. રમેશ એની સાથે હૉસ્ટેલમાં રહેતા મિત્ર હરીશ સાથે આંગણે ઊભેલા ઝાડના છાંયે ઢાળેલા ખાટલામાં બેઠો હતો. રમેશ તેને ગામડાના તળાવ, ખેતર, ખેતી, વૃક્ષો, કુદરતી વાતાવરણ, લોકો, ભાષા ને એ બધા વિશે કહી રહ્યો હતો. હરીશ વાઉ, વાઉ… કહીને રસપૂર્વક સાંભળી રહ્યો હતો. તેને ઘણા સમયથી ગામડાની મુલાકાત લેવાની ઇચ્છા હતી. તે આજે પૂરી થઈ હતી. છેલ્લા  અઠવાડિયાથી તે ગામડાનું જીવન, ખેતર, પ્રકૃતિ, પરંપરાને મન ભરીને માણી રહ્યો હતો. તે ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો. આજે તેનો ગામડામાં છેલ્લો દિવસ હતો. જોતજોતામાં અઠવાડિયું ક્યાં નીકળી ગયું ખબર પણ ન પડી. 

પાડોશીઓ પોતપોતાના ફળિયામાં બેઠા ખેતરે જવાની તૈયારી કરી રહ્યા હતા. ધીમા ગણગણાટ સાથે ક્યાંક ભજન ગવાતું હતું તો ક્યાંક લોકગીત… વળી કોઈ છોરિયા-કોદાળીને ધાર કાઢતું હતું. 

દૂરથી મોટી મૂછાળો એક માણસ આ તરફ આવતો જણાયો. બધા પટોપટ ખાટલા પરથી ઊભા થઈ ગયા, હરીશ એમનો એમ જ બેસેલો રહ્યો. રમેશે તેને ઊભા થવા ઇશારો કર્યો. તે ઊભો થઈ ગયો. પણ ત્યાં સુધી પેલી મૂછાળો છેક ફળિયે આવી ઊભો. ‘કોઈ આંગણે આવેલા વડીલના સ્વાગતમાં કેવા ઊભા થઈ જાય છે બધા, આ છે ગામડાના સંસ્કાર.’ આવું હરીશના મનમાં થવા લાગ્યું. પણ ત્યાં તો રમેશના પિતા વેલજી બોલ્યા, “બળવંતસિંહ આવે છે… અમારાથી આમ ખાટલા પર ન બેહાય…”

બળવંતસિંહ પગ પછાડતાં આ આવી રહ્યા હતા. બધાને લાગ્યું કે આજે કંઈક ના થાવાની થાશે. આવતાની સાથે કરડી આંખે નવા છોકરા સામે જોયું. 

“આ સોકરો કુણ સે વેલજી?” ભાલા જેવી અણીદાર આંખોથી જોતાં પૂછ્યું.

 “હં.. હા, હા… બાપુ મારા સોકરા હારે ભણે સે…. ઇને ગામડું જોયું ન’તું ચાણેય… તે રમેશ્યા હારે ગામ જોવા આયો સે…”

“મન લાઇગું… કોક નવું સે… આજ હુધી ચાણેય ગામમાં દેખાયો નૈ…!” 

“હા બાપુ પેલી વાર આયો સે,”

 “હં… તીમા તાણ…” 

રમેશ કશું બોલ્યા વગર બધો ખેલ જાઈ રહ્યો. જે માનમાં બધા ઊભા થઈ ગયા હતા, તે હરીશને કંઈક અલગ લાગ્યું.

‘અરે! પણ તમે ઊભા હું કામ થઈ જ્યા, બેહો બેહો…’ બળવંતસિંહે ખંધું હસતા કહ્યું.

 ‘પણ બાપુ…’

 ‘હવે પણ ને બણ… હેઠા બેહો હેઠા…’ બળવંતસિંહે વેલજીનું વાક્ય અધવચેથી જ અટકાવીને હાથ પકડીને જાણે એને ખાટલા પર બેસાડી દીધો. બાપુએ જાતે ખાટલા પર બેસાડવાના અનુભવથી વેલજી ગદ્ગદ્ થઈ ગયો. બધા મોં ફાડીને જોઈ રહ્યા.

 ‘હવે ઈ બધી તો પેલાની વાતું થઈ રવલા, પૂછ તારા રમેશિયાને… શે’રમાં કુણ કુનાથી અભડાય છે.’ 

 ‘એવું કૈ નથી હોતું બળવંત બાપુ…’ દૂરથી થરથરતા અવાજે રતનમાએ જવાબ આપ્યો. ‘શેરની આભડછેટું શેર જેવી હોય, જલદી ખબર ના પડ…’

લગભગ એંશીએક વરસની ઉંમર. કાળો સાડલો, ચહેરા પર કરચલીઓના બાઝી ગયેલા થર અને આંખે મોતિયાના ચશ્માંમાં ગોઠવાયેલા ઘરડા માજીનો આવો અવાજ સાંભળીને બળવંતસિંહનો પિત્તો ગયો.

 ‘ડોશી તું બહુ ગનાનવાળી થઈ જૈ સો કે?’

 ‘મોટાઓને માન આપવું જાઈએ બળવંતકાકા…’ વચ્ચે અચાનક હરીશ બોલી પડ્યો. 

 ‘બળવંતકાકા?!’ આ શબ્દ સાંભળી ફુ… ફુ… ફુ… કરતો બળવંત હસી પડ્યો.

 ‘એય વેલિયા.. તારા મેમાનને હમજાવી દેજે.. બે ચોપડી શેરમાં ભણીન આયા હોય એટલે કાંઈ જાત ના બદલાઈ જાય હમજ્યો…’

 ‘મેં ક્યાં તમને તુંકારો દીધો કે તમારું અપમાન કર્યું…’ હરીશે નમ્રતાથી જવાબ આપ્યો. 

 ‘તારા શ્હેરનું ડાપણ તારી પાંહે રાખજે સોકરા. આંયા થોડા દિવસ છે, તાં હુધી ગામની રીતભાત ને મરજાતા શીખી જી, નકર રેવું અઘરું પડશે.” ધીમા છતાં દમદાટી ભર્યા અવાજે બળવંતસિંહ બોલ્યો.

 ‘હં… બાપુ… ભૂલ થઈ ગઈ.. છોકરું છે… ઇ તો કાલે જાય સે પાસો, આજે છેલ્લો દાડો સે.’ વેલજીએ આજીજીભર્યા સ્વરે કહ્યું.

 ‘તમારે એની માટે કરગરવાની જરૂર નથી…” હરીશ બોલ્યો. 

‘ગામમાં ક્યારેય રિયો નથી એટલે આમ કરે સે નૈ…? જે માણસો હારે રે છે, એમની જેમ રે તો વાંધો નહીં આવે…” બળવંતસિંહ ગલી ઓળંગીને ત્યાંથી નીકળી ગયો. જેવો બળવંતસિંહ ગયો કે તરત રતન ડોશી રમેશ પાસે આવી.

‘કૈ જ બદલાયું નથી રમેશિયા… કૈ જ નહીં… આપણા ગામમાં તો નહીં જ.’

શું નથી બદલાયું? હરીશે પૂછ્યું.

“મેં તને કહ્યું હતું ને કે અમારા ગામમાં થોડી તકલીફ છે આવી. પણ તું માનવા તૈયાર નહોતો. હવે તેં નજરે જોયું ને?”

“પણ આ જમાનામાં ય આવું? તમે આ બધું સહન શું કામ કરો છો, કોઈ બોલતા કેમ નથી?”

“સિંહના કુણ કે’ કે  તારું મોઢું ગંધાય સે…”

“તમે તો વરસોથી આ ગામમાં છો, તમને તો રજેરજની ખબર હશે, પહેલાં કેવું હતું ને હવે કેવું છે એ બધું જ ખબર હશે તમને…” હરીશે રતની ડોશી તરફ નજર કરી.

 “ખબર સે એટલે જ તો કૌ સુ… કૈ બદલાયું નથી…” રતન ડોશી અતીતમાં ડૂબી ગઈ. એની આંખોમાં એનો ભૂતકાળ તરવરવા લાગ્યો.

 “ઇ વખતની આભડસેટું કાળી તાંહરા જેવી, તરત દેખાઈ જાતી… અતારની આભડસેટુ તો કાચ જેવી. હોય ખરી પણ જલદી દેખાય નહીં.. જીણી આંઇખે જાવો તો ખબર પડે…” 

રતન ડોશીનું મો વધારે ગંભીર બન્યું. એની સામે એના ભૂતકાળના પ્રસંગો તરવરવા લાગ્યા.

 “તો તમારે ય આ બધું સહન તો કરવું જ પડ્યું હશે ને…”

હરીશના આવા વાક્યે રતનમાને જાણે અતીત તરફ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો. એક લાંબો શ્વાસ લઈને રતન ડોશીએ કહેવાનું ચાલુ કર્યું, “કેટલા વરહ થિયા હશે એ વાતને ઈ પણ યાદ નથી, પણ હું ઇ વખતે ગમમાં નવીનવી પૈણીન આયેલી. ઇ વખતે ગામમાં ખાલી એક જ કૂવો. ગામના બધા માણાં પે’લા તલાવનું પાણી પીતા’તા… ઇમાં પાસુ એવું કે આથમણા આરેથી હર્જનના માણાં પાણી ભરે ને ઉગમણા આરેથી લોકના માણાં પાણી ભરે. ચાણેક પવન આથમણી બાજુથી ઉગમણી બાજુ વાતો હોય ને પાણી ભરતી વખતે જો પાણીના હીલકોરા ઉગમણાં આરા બાજુ આવે તો બીજા દાડે લોકના માણાં ઠેઠ ઘરે બાઝવા આવે. મોટી તકલીફ તો તાણ થાતી જાણે ગામના તલાવનું પાણી સૂકઈ જાતું. કારણ કે આખા ગામમાં ગણ્યો-ગાંઠ્યો દેવનો દીધેલો એક જ કૂવો. તલાવનું પાણી સૂકાઈ જાય તાણે બધા કૂવા પર ટૂટી પડતા. ગામની લોક વૈણ કૂવા પર જપ્તો લઈ લેતી… આપણા ભાગે કાયમ તરસે મરવાનું  જ આવતું… કૂવે પાણી ભરવા જાવું હોય તોય મા-બેન સમાણી ગાળ્યું ખાવી પડતી. અમુક ભલી કણબણું કૂવા કાંઠે ઊભી ઊભી છેટેથી પાણીની ધાર કરતી. ઈમાં ચેટલુંય પાણી ઢોળાઈ જાતું, પણ આવા કારમા દાડામાંય ઈમને તો પાણીના ઢોળાવા કરતા અભડાવાની ચંત્યા વધારે…

હું ગામમાં નવી જ પૈણીન આયેલી, એ વખતે તો તારા બાપુને એ બધા તો હજી સાવ ટાબરિયા…! ગામમાં પણ મને બૌ જ ઓછા માણાં ઓળખતા. એક દિવસની વાત સે. ધોમ ધખતો ઊનાળો ને ખરા બપોરનો ટેમ હતો. મન થિયું કે કૂવે કોઈ નૈ હોય. લાય તાણ બેક બેડાં પાણી ઘર ભેગું કરી લૌ. આવા સવારથમાં હું તો સોનીના ઘરમાં ચોર જાય ઈમ સાનામાના કૂવા બાજુ હાલી નીકળી. પણ કૂવાકાંઠે બે બાયુંને પાણી ભરતા જોઈ મારાં મોતિયાં મરી જ્યા… પણ હવે આયા પછી પાછા ચમનું જાવું? હું તો હળવે હળવે પોંયચી કૂવે… જોયું તો ખબર પડી કે આમાંથી એક બાઈ તો કાલે જ ઘરે આઈ’તી… ખેતરે સૂડી સાંઠિયું ખોદવાની દાડીનું કેવા… અને મે ના પાડી દીધેલી… હવે? હું વધારે ગભરાણી… મેં બીતાં બીતાં કીધું ‘બાયું એકાદ ઘડો પાણી આમાંય આલી દેજાન્‌ તો મારા ઘરમાં પીવાનું પાણી થઈ જાય.’ હજી તો હું મારી વાત પૂરી કરું જ સુ તાં તો એક બૈરું જોરથી રાડ પડીન બોઈલું, ‘હાઇલ હાઇલ, જોઈ ના હોય મોટી પાણીવાળી! વેતીની થા વેતીની…! ગામના તલાવનું પાણી હતું તાણ કેવું જોર કરતા’તા… હવે થઈ જ્યાને રાંક બકરી જેવા…! હું તો કૌ સુ આખું વરહ તલાવનું સૂકાયેલું જ રે’તું હોયન્‌ તો સારું, મારા હારા આવામન્‌ ખબર તો પડઅ…’ હું તો વગર બોઈલે ઇમાનામ જ ઊભી રૈ… મારી તો મીંદડી મેં થઈ જૈ, કાપો તોય લોઈ ના નીકળે!

વળી બીજી બાઈએએ કીધું, ‘આમનું મેલ તારું માટલું’ તાં તો ઓલી બાઈ જોરથી તાડૂકી…‘ રેવા દેજે હો મણકી… આવડા ઇમને માથે ચડાવવા હારા નૈ!’ પણ ઇ ભલી પટલાણીએ છેટેથી જ મારા માટલામાં લુઘડાનો ગાભો ઘા કરતી હોય ઈમ પાણીનો ઘા કર્યો. ઈમાંથી તીજા ભાગનું પાણી તો નીચે જ ઢોળાઈ જ્યું, મારો તો જીવ અદ્ધર થઈ જ્યો. ઈમ થ્યું કે ધૂળ નીચવીન ઢોળાયેલું પાણી ભરી લઉં! પણ પછી તો ઈ બાયું બોલતી રૈ, મારે તો બોલવાનો કે પાણી માંગવાનોય વેતા નોતો ર્યો… હું તો જે પાણી મઈલું ઈ લઈને વગર બોલ્યે ઘર ભેગી થઈ જઈ…

આવું મારે એકલીને નૈ ગામનાં ચેટલાય હર્જનનાં બૈરામને થિયેલું. લોકના બધા માણાં ઇમ કેતા કે આ કૂવો અમારો સે, આયાં કોઈ હર્જનનાં માણાં પાણી ભરવા ના આવવા જોઈ, પણ તલાવનું પાણી સૂકાય તાણે બિચાડા આપણાં માણાં જાય ચાં? પછી તો નાનામોટા ઝઘડાય થાવા માંઈડા… ગામના આપણા માણસું અને ગામના હામહામા આઈ જ્યા. 

છેવટે કંટાળીને વાસના થોડા વડીલોએ મળીને નવો કૂવો ગારવાનું નક્કી કઈરું. પછી બધાએ ભેગા થઈન તલાવને કાંઠે એક નવો કૂવો ગાઈરો. ભગવાનનું કરવું તે આવતા વરસે બૌ જ હારો વરહાદ પડ્યો ને ગામના બેય કૂવા પાણીથી છલોછલ ભરાઈ જ્યા… પણ હવે બધાએ પલેથી જ તલાવને બદલે કૂવાનું પાણી પીવાનું ચાલું કઈરું… ઈમાં બઈનું એવું ક્‌ લોકના કૂવાનું પાણી વે’લું થઈ ર્યું. તો હવે બેટમજી જાય ચાં? વાંકડે આયા બધા આપણા કૂવે. હવે ઇમને આભડછેટ ના લાઈગી. શરૂશરૂમાં તો પાણી ભરવા દીધું, પણ પછી લાઈગું કે આમને આમ હાલસે તો આપણે ય પાણીની ખેંચ પડશે. એટલે વાસના લોકોએ ગમલોકોન્‌ કઈ દીધું કે હવેથી ગામના કોઈ અમારા કૂવે પાણી ભરવા ના આવવા જોઈ… પણ ઈ બિચાડાં જાય ચાં? ચેટલીય વાર ના પાઈડી પણ ઇતો આવતા જ ર્યા… એટલે એક દાડો વાસના ચાર-પાંચ જવાનિયાએ લોકને પાણી ના ભરવા દેવા માટે એક કાંહરો કર્યો… ગામમાં કોકની ગાય મરી જૈતી ઇને ઉપાડીને દે કૂવામાં… કૂવાના નાકા આગળ ઈમ બાંધી દીધી કે પાણી ભરવું હોય તો ગાયને હલાવવી જ પડ્‌. હવ્‌ મરેલી ગાય લટકતી હોય, પાણીમાં લોઈનાં ટીપાં પડતાં હોય, એવામાં પાણી ભરવા કુણ આવ? લોકના બૈરા સવારે વેલા અંધારામાં પાણી ભરવા આયા, કૂવામાં મરેલી ગાય જોઈને ઇ તો હેબતાઈ જ્યા… ગામના માણાં ખીજાયા… બધા ભોગા થઈન્‌ વાસમાં બાઝવા આયા. બીજા દાડે તાલુકે જઈ આપણી હામે કેસ ઠોઈકો… તે પછી આપણા માણસું કંઈ નવરા બેઠા જોઈ ઓછા રે? ઈમને ય ગામના હામુ કેસ ઠોઈકો… અન્‌ પછી તો કેસ હાઈલો હોં..!

ગામના માણાંએ આવીને  વાસના બેચાર જવાનિયાઓને માર્યા, એમાં તારા દાદા પણ હતા. પછી જવાનિયાઓએ ભેગા થઈને ગામનાને માર્યા… ને આમ બાઝવાનું ધીરે ધીરે વધતું જ્યું… પછી તો ગામમાં પોલીસેય આયી… પોલીસે ગામના બેય કૂવા જોયા… પણ ઈ વખતે હું રીહામણે પિયરમાં હતી… પછી બૌજ રકઝક થઈ, બૌ જ ઝઘડા થ્યા પણ છેવટે આપણે કેસ જીતી જ્યા. ગામના બેચાર મોટેરા ભેગા થ્યા. બધાએ ભેગા થઈને રાગ કઈરો. ગામમાં સુધારા થ્યા… એવું નક્કી કરવામાં આયું કે વાસના લોકોના કૂવામાં પાણી ના હોય તાણે લોકના માણાંએ ઈમને પાણી ભરવા દેવું  ને લોકના કૂવામાં પાણી ના હોય તાણે વાસના માણાંએ લોકને પાણી ભરવા દેવાનું.

આ બધી વાતો તો બૌ જૂની થઈ જૈ… બૌ બદલાઈ જ્યું સે બધું… અતાણે તો ગામમાં પાણીના ટાંકા ય બની જ્યા, ઘરે ઘરે પાણીની ચકલીયું ય આવી જૈ… જમાનો બદલાઈ જ્યો જમાના હારેહારે આભડસેટુંય બદલાઈ જઈ છે રમલા… તું વધારે ભણેલો છે એટલે તને વધારે શું કેવું હોય?”

રતન ડોશીએ પોતાની વાત પૂરી કરી. હરીશ ડોશી, રમેશ, વેલજી એમ સૌની સામે જોતો રહ્યો. ગામડાની પ્રાકૃતિકતા, પરંપરા, સંસ્કાર, લોકો, ભાષાની સાથે એને બીજું પણ ઘણું જાણવા મળ્યું. 

1 thought on “હરીશની મુલાકાત – વાર્તા – અનિલ ચાવડા

  1. હરીશની મુલાકાત શ્રી અનિલ ચાવડાની સ રસ વાર્તા
    ‘અતાણે તો ગામમાં પાણીના ટાંકા ય બની જ્યા, ઘરે ઘરે પાણીની ચકલીયું ય આવી જૈ… જમાનો બદલાઈ જ્યો જમાના હારેહારે આભડસેટુંય બદલાઈ જઈ છે રમલા… તું વધારે ભણેલો છે એટલે તને વધારે શું કેવું હોય?” ગામડાની પ્રાકૃતિકતા, પરંપરા, સંસ્કાર, લોકો, ભાષાની સાથે એને બીજું પણ ઘણું જાણવા મળ્યું.
    સામાન્યજનને પંણ આ બધુ ન જાણતા હોય તો જાણી લો…………

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s