હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા ~ કવિ: ભગવતીકુમાર શર્મા ~ આસ્વાદ: હિતેન આનંદપરા


આ ગતિથી દૃષ્ટિના દીવાઓ ધૂંધળા થઈ ગયા
હું, સ્કૂટર, રસ્તો – અને ચહેરાઓ ઝાંખા થઈ ગયા

લક્સની ફિલ્મી મહેક, ગીઝર ને શાવર બાથ આ
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઈ ગયા

સિક્સ ચૅનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં
કે હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા

બારીઓમાંથી સ્કાયસ્ક્રેપર રોજ આવે ખરેખર
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઈ ગયા

વૃક્ષ છોડીને વસાવ્યાં પંખીઓએ એરિયલ
લીલાં લીલાં પાંદડાં તરડાઈ પીળાં થઈ ગયાં

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઈ ગયા?

અંજલિ અર્પ઼ું પ્રથમ સંવસ્તરીએ હું મને
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઈ ગયા!

~ ભગવતીકુમાર શર્મા

‘અંધારમાંથી આવવું અંધારમાં જવું, કોઈ કરે શું વંશ ને વારસની વારતા?’… જેમણે અંધકારને આકંઠ વેઠયો હતો એવા સમર્થ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માએ 5 સપ્ટેમ્બરે 2018ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. તા. 31 મે તેમનો જન્મદિવસ. સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં ઉચ્ચતમ પ્રદાન કરનાર ભગવતીકુમાર શર્માએ 84 વર્ષની જિંદગીમાં 80થી વધુ પુસ્તકો આપ્યાં.

રઈશ મનીઆરે એમના પર  બનેલા દસ્તાવેજી ચિત્રમાં કહ્યું હતું કે એમણે સંબંધોનું વિશ્વ કદાચ સીમિત રાખ્યું હશે, પણ એમના સંવેદનોનું વિશ્વ અપાર અને અગાધ છે. સુરતના શાયર ગૌરાંગ ઠાકરે કરેલા તારણ પ્રમાણે ભગવતીકુમાર શર્મા કવિસંમેલન, મુશાયરામાં જ્યારે કવિતા રજૂ કરતાં ત્યારે કોઈપણ પ્રકારના નાટકીય અંદાજ વગર, શુદ્ધ ઉચ્ચારો અને છંદોલયની પૂરી સમજણ સાથે કવિતાના ભાવપ્રદેશમાં ભાવકોને આસાનીથી લઇ જઇ શકતા. વક્તા તરીકે વિષયને વળગીને વિગતવાર રજૂઆત કરવાની શૈલી સ્પર્શી જાય એવી હતી. શબ્દનાં પ્રખર ઉપાસક હોવાથી અણીશુધ્ધ ઉચ્ચાર અને શબ્દની જોડણી અનુસાર તેનું ઉચ્ચારણ તેમની વિશિષ્ટતા હતી.

પદ્યમાં સોનેટ, ગીત-ગઝલ, અછાંદસ, તથા ગદ્યમાં નવલકથા, નવલિકા, પ્રવાસકથા, લલિત નિબંધ, હાસ્યલેખો, વિવેચન, આસ્વાદ-અનુવાદ, આત્મકથાલેખન અને પત્રકારત્વમાં કટારલેખન-તંત્રીલેખોમાં તેમની કલમ વિલસી.

‘વીતી જશે આ રાત!’, ‘સમયદ્વીપ’, ‘પડછાયા સંગ પ્રીત’, ‘અસૂર્યલોક’, ‘નિર્વિકલ્પ’ જેવી નવલકથાઓને વાચકો વધાવી. આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ જેવું પુસ્તક તેમની કલમથી મળેલી ઉત્તમ ભેટ છે. યાદશક્તિ એટલી તેજ કે કોઈ પણ મહત્ત્વની ઘટનાનો સંદર્ભ તેમને હોઠવગો હોય. એમની અભિવ્યક્તિ અત્યંત સંવેદનશીલ છતાં ઠરેલ. પત્નીના અવસાન સમયે તેમણે 72 હૃદયસ્પર્શી સોનેટ લખ્યા હતા.

જન્મજાત નબળી આંખો ધરાવતા આ સર્જક ભણવામાં અત્યંત તેજસ્વી. એક વાર સ્કૂલમાં શિક્ષકે એમને બ્લેકબોર્ડ પર લખેલું લખાણ વાંચવાનું કીધું. એમનાથી કેમે કરીને વંચાયું નહીં. બીજા દિવસે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે આંખો તપાસી સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી કે કાલે ને કાલે સ્કૂલેથી ઊઠી જાઓ અને આખી જિંદગી પુસ્તકને સ્પર્શ પણ નહીં કરતા. નવ-દશ વર્ષના બાળક માટે આ મોટો આઘાત હતો. પછી તો તેઓ ડાબલા જેવા ચશ્મા ચડાવી આંખોને નીચોવતા રહ્યા. 16 વર્ષની ઉંમરે સુરતની મોટાભાગની લાઈબ્રેરીઓમાં થોકબંધ પુસ્તકો વાંચ્યા. એમની આ વાચનમૂડી છેવટ સુધી તેમનો ભગવદ-સધિયારો બની રહી.

‘અસૂર્યલોક’ એમની અત્યંત નોંધનીય નવલકથા. ભગવતીભાઈએ એક મુલાકાતમાં કહેલું કે મેં મારી આત્મકથાના અંશો જેવી નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. ‘અસૂર્યલોક’ નવલકથાનું તો થીમ જ એ છે કે સ્થૂળચક્ષુ તો વિલાતા જાય, પણ ચર્મચક્ષુમાંથી પ્રજ્ઞાચક્ષુ, જ્ઞાનચક્ષુ વિકસે એ જ માણસનો સાચો વિકાસ ગણાય!

અનેક પારિતોષિકો ને પુરસ્કારો પ્રાપ્ત કરનાર આ સર્જકે અનેક અભાવો વચ્ચે પણ કાગળનો સતત સામનો કર્યો. ગઝલોમાં પણ તેમણે અનેક પ્રયોગો કર્યા. ચુસ્ત કાફિયાના પ્રયોજન અને નોખી બાની દ્વારા તેમણે શેરિયત હાંસલ કરી બતાવી. અંગ્રેજી શબ્દોનો ગઝલમાં વિનિયોગ કર્યો છતાં ક્યાંય કઠે નહીં એવી એમની રચનારરીતિ હતી. ગીતોમાં પણ તેમણે હરિગીતો દ્વારા ઉલ્લેખનીય પ્રદાન કર્ય઼ું. વાર્તાઓમાં તેમણે વિવિધ સંવેદનોને સુપેરે આકાર આપ્યો. તંત્રીલેખોમાં તેમણે સાંપ્રત સમસ્યાઓ વિશે તટસ્થતાથી લખ્યું. ગુજરાતમિત્રમાં તેમની કટાર ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘નિર્વિકલ્પ’ અત્યંત લોકપ્રિય નીવડી હતી.

ભગવતીકુમાર શર્મા એટલે સુરતના સુખે સુખી અને સુરતના દુઃખે દુઃખી થનાર સર્જક. તેઓ પોતાને આશિક-એ-સુરત કહેતા. દસેક વર્ષ પહેલા જ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે કહેલું કે અંતિમ શ્વાસ હું સુરતમાં લઉં અને તાપી નદીના કિનારે મારો અગ્નિસંસ્કાર થાય. ‘મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ’ લખનાર આ મુઠ્ઠી ઊંચેરા સર્જકને તેમના જ એક હરિગીત દ્વારા સ્મરણાંજલિ આપીએ. 

હરિ, સુપણે મત આવો!

મોઢામોઢ મળો તો મળવું
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું
આ બદરાથી તે બદરા તક
ચાતકનો ચકરાવો… 

પરોઢનું પણ સુપણું
એનો કબ લગ હો વિશ્વાસ
મોહક હોય ભલે
ફોગટ છે ચિતરેલો મધુમાસ
મુંને બ્રજ કી બાટ બતાવો
હરિ, સુપણે મત આવો!

સુપણામાં સો ભવનું સુખ
ને સંમુખની એક ક્ષણ
નવલખ તારા ભલે ગગનમાં
ચન્દ્રનું એક કિરણ
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!

***

3 thoughts on “હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા ~ કવિ: ભગવતીકુમાર શર્મા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

  1. થઈ ગયા ~ કવિ: ભગવતીકુમાર શર્માની સુંદર હરિગીતનો હિતેન આનંદપરા દ્વારા મધુરો આસ્વાદ:
    અને મુઠ્ઠી ઊંચેરા સર્જકનો સ રસ પરીચય

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s