જીવન – મૃત્યુ
રૂઠતી પળોને સમેટતી હું શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં,
હળવા હલેસાંથી હામ ધરી બેઠી છું.
ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં,
રજકણ બની અંક આકાશે ઊઠી છું.
અંજળના આંસુથી આંખોની આહમાં,
કરુણાનું કાજળ લગાવીને બેઠી છું.
ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને શણગારીને બેઠી છું.
સરી રહ્યો સથવારો મમતાના મેળામાં
આજે અજાણી, પરાઈ બની બેઠી છું.
જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી છું.
———— સરયૂ પરીખ
રસદર્શનઃ સરયૂબેનને ભાષાનો વારસો તો માતૃ પક્ષેથી ભરપુર મળ્યો છે અને આવા સુંદર કાવ્યો દ્વારા તેમાં પોતાનો કસબ પણ કેળવ્યો છે અને જાળવ્યો છે. ઢળતી ઉંમરે મૃત્યુ તો આવવાનું જ છે પણ તેનાથી ભય ભીત થયા વિના સમજણથી કહે છે,
રૂઠતી પળોને…. દુઃખના દીવામાં સુખવાટ વણવી તે વાત કહેતાની સાથે તેમના અંતરમાં વિકસેલ આધ્યાત્મ ઝળકી ઉઠે છે.. આમ જુઓ તો વાત નાની છે પણ તે ઘુઘવતા સાગરમાં નાની શી નાવમાં હામ હળવા હલેસાથી ભરે છે. જે જાગ્રૂતિનું અને સમજણનું ઉંચુ પ્રતિક બને છે.
બીજી પંક્તિમાં વાત તો એની એજ છે પણ રૂપક બદલાય છે
ભમરાતી ડમરીમાં રજકણ જેવું જીવન ઉંચે આકાશે ચઢી ગયુ છે. ભાઇ ભાંડુરા ,દીકરા દીકરી અને પતિની મમતા (અંજળ) આખોમાં જલન તો લાવે છે.. પણ કરુણાનાં કાજળ લગાવી રાહ જોઉ છું કે ક્યારે ડમરી શમે અને આકાશને આંબતી રજકણ ભોં ભેગી થાય ( મૃત્યુનું કેવું સરસ આલેખન!)
ત્રીજી પંક્તિ તો ઘણી જ સ્પષ્ટતા થી કહે છે,
નક્કી છે આવશે… મૃત્યુ તો નક્કી આવશે જ પણ ઉરનાં સન્નાટામાં લાગણીનાં ગીતમાં ઝીણા એ ઝબકારને વધાવીને બેઠી છું..બધી લીલી વાડી છે..ઘણા સુખો અને દુઃખો ને જાણીને હવે મૃત્યુ તુ આવશે તો પણ હું તે ક્ષણને આવકારવા મારી જાતને શણગારીને બેઠી છું. આ તૈયારી જાતને જાણનાર અને મારા તારાથી પર થઈ શકે તેવા ઉચ્ચ સમજ્થી સજ્જ વિદુષી જ કરી શકે.
અને છેલ્લે જાણે મૃત્યુ થી તેઓ ભયભીત નથી તે વાતને ફરી દોહરાવતા કહે છે, સરી રહ્યો…
જીવન પ્રયાણમાં હંસ ચાલ્યો જશે અને પીંજર અહીનું અહીં રહી જશે કહીને બહુ સાહજીકતાથી મમતાનાં મેળામાં અજાણી કે પરાઇ થઇને સહુને કહી રહ્યા છે કે, “નવ કરશો કોઇ શોક..”
સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમારા કવિ કર્મને.. વિજય શાહ.
——-
આભાર, જયશ્રીબેન.
LikeLike
જીવન -મૃત્યુ –સુ શ્રી સરયૂ પરીખની રચનાનું વિજય શાહ દ્વારા સ રસ રસદર્શનઃ
LikeLiked by 1 person