પરીક્ષા – વાર્તા – અનિલ ચાવડા


પરીક્ષા
અનિલ ચાવડા

ચાદર ખેંચાવાથી હું સફાળો જાગી ઊઠ્યો. મારી ધૂંધળી આંખો આગળ ઘરનો ઝાંપો તરવરવા લાગ્યો. હું આખી રાત ઝાંપે જ સૂઈ રહેલો. મેં આંખો ચોળીને નજર કરી તો ઝાંપે ગાયો કોઈના બેસણામાં આવી હોય તેમ સૂમસામ બેઠી હતી. મારા બાજુના ખાટલામાં મારો ભાઈ ગોદડામાં લોટપોટ થઈને પડ્યો હતો. મારી ધૂંધળાશ ઓછી થઈ અને સામે જોયું તો મમ્મી ઊભાં હતાં. કદાચ તેમણે જ મારી ચાદર ખેંચી હતી. પણ આટલી વહેલી સવારે શું કામ જગાડ્યો હશે? આવો પ્રશ્ન મનમાં કૂંપળની જેમ ફૂટે તે પહેલા જ મને યાદ આવી ગયું કે આજે તો મારે બોર્ડની એક્ઝામ છે. પરીક્ષા આપવા જવાનું છે. વહેલી બસ નહીં પકડું તો ચૂકી જઈશ. દસ વાગ્યે ચાલુ થાય એટલે સાડા નવે તો હાજર થઈ જવું પડે. લાંબું બગાસું ખાઈને હું ખાટલામાંથી ઊઠ્યો. પણ ત્યાં જ મમ્મીએ રોક્યો, કહ્યું, ઘરમાં જતો નહીં. હું ચમક્યો. હું કંઈ વિચારું એ પહેલાં જ પપ્પા ઘરમાંથી બહાર આવ્યા. મને હાથ ઝાલીને બેસાડ્યો. “જો મહેશ, આજે તારે પરીક્ષા છે. અમદાવાદ પહોંચવાનું છે. એટલે ગમે તે થાય, વર્ષ ના બગડવું જોઈએ, તૈયાર થઈને નીકળી જા.”

“હા, ખબર છે, પણ તમે આ રીતે કેમ વર્તો છો?”

“દાદા વયા ગ્યા…” બોલતી વખતે પપ્પાનો અવાજ ધ્રૂજી ઊઠ્યો.

દાદાની તબિયત ઘણા સમયથી ખરાબ રહેતી, પણ આમ રાતોરાત જતા રહેશે એવો તો સપનેય ખ્યાલ નહોતો. હજી કાલે જ મારી પરીક્ષા વિશે ઢગલાબંધ વાતો થઈ હતી તેમની સાથે. આમ અચાનક તેમના અવસાનના સમાચાર સાંભળતા મારા મનમાં હણહણતા પરીક્ષાના ઘોડા અદૃશ્ય થઈ ગયા. નજર સામે દાદાનું શબ તરવરવા લાગ્યું. ખાટલામાં પડેલું નિર્જીવ શરીર, ખૂલ્લું મોં, અધખૂલી આંખો… હું ધબ્બ થઈને ફસડાઈ પડ્યો.

“જો મહેશ, મને ખબર છે, દાદા સાથે તારે સૌથી વધારે સારું બનતું. એ મારા પણ પિતા હતા. મનેય દુઃખ છે એમના જવાનું, પણ તારે તો પરીક્ષા છે.”

“મારે એકવાર એમને જોવા છે.” હું ઢીલા અવાજે બોલી ઊઠ્યો.

“હા જોઈ લે, જીવનમાં આવું બનતું જ રહે છે. આના લીધે ભણવાનું અટકાવી દે એ કેમ ચાલે? આવતા વર્ષે ફરીથી આ જ ધોરણમાં ભણી શકાય, પણ આમ એક વર્ષ બગાડી નાખવું ઠીક નથી દીકરા.” મમ્મીએ મારા માથે હાથ ફેરવતા કહ્યું.

હું પણ આ બધી વાત સમજતો હતો, છતાં મારું મન દાદાના મરણમાં ઢીલું થઈ ગયું હતું. એની અસર મારી પરીક્ષા પર ન થવી જોઈએ તે વિશે પણ પિતાએ ઘણું સમજાવ્યો.

છેવટે દાદાના દર્શન કરી હું બસસ્ટેશન તરફ નીકળી પડ્યો. બે કલાક જવામાં, ત્રણ કલાક પરીક્ષા આપવામાં, ફરી બે કલાક આવવામાં. લગભગ સાત-આઠ કલાક આમ જ જતા રહેશે. લગભગ આખો દિવસ જ ગણી લોને.

બસસ્ટેશન પર ગામના મોઢામાંથી નીકળેલા બગાસા જેમ ત્રણચાર માણસો ઊભા હતા. તળાવની પાસે આવેલી પંચાયત ઓફિસ પણ અંધારું ઓકતી હોય તેમ ભેંકાર લાગતી હતી. બેચાર કૂતરાઓ રાતના રોયા પછી થાક્યા હોય તેમ પડ્યા હતા. થોડી વાર થઈ ત્યાં શબવાહિની જેમ બસ આવી પહોંચી. મેં મારી જાતને બસમાં ગોઠવી. બસની ઘરઘરાટી સાથે મારા મનમાં દાદા વિશેના વિચારો ઘરઘરવા લાગ્યા. ઓસરીમાં દાદા પડ્યા હશે, થોડી વારમાં તેમને ઘરમાંથી કાઢવાની તૈયારી થશે. ઠાઠડી પર શબ ગોઠવાશે, ધીમેધીમે બધા એ શબને લઈને નીકળશે. બસ પણ એ જ રીતે ચાલી રહી હતી. ગામ, પાદર, વગેરે પાછળ રહી ગયું હતું. દૂરનાં વૃક્ષો જાણે મારી સાથે પ્રવાસ કરતાં આગળ વધતાં હતાં, પણ નજીકનાં વૃક્ષો દૂર જઈ રહ્યાં હતાં. જિંદગી પણ પ્રકૃતિ વડે કેવું શીખવી જતી હોય છે! કોઈના રડવાની સાથે સતત રામ નામ સત્ય છે… જેવો કશોક અવાજ મારા ચિત્તમાં ઘોળાયા કરતો હતો. એક શરીર, જેનું વહાલ અને પ્રેમ હું વર્ષો સુધી પામ્યો, તે આ દુનિયામાંથી ચાલ્યું ગયું.

દાદાજી પેટી ખૂબ સારી વગાડતા. ગામમાં કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે ભજન રાખવામાં આવતાં. તેમાં દાદા અચૂક હાજર રહેતા. દાદા વગર હારમોનિયમની પેટી કોણ વગાડે? એમના તાલે ભજનિકને પોતાની રાગ-રાગિણી છેડવાની વધારે મજા આવતી. વળી દાદા પોતે ભજન લલકારે ત્યારે તો ભયોભયો… સાંભળનારા લીન જ થઈ જાય. તેમના ભજનમાં ભાવ ભળેલો હતો. તે ગાતા ત્યારે કોઈ જુદી જ દુનિયામાં પહોંચી જતા. તેમની આ મોહિની દરેકને તેમની તરફ ખેંચતી. ખોંખારો ખાઈને ભજન શરૂ કરતાં ત્યારે ડોસા-ડગરાઓ ઓહો-ઓહો, ખમ્મા-ખમ્મા કરીને તેમને પાનો ચડાવતા. ‘સદા ભવાની સહાય કરો, ને સન્મુખ રહો શ્રીગણેશ…’ના લહેકા સાથે નશાનો પ્રથમ ઘૂંટ ભરતા હોય તેમ ભજન શરૂ થતાં. આજે જાણે એ પેટીમાંથી નીકળતા બધા જ સૂર સાવ મૂંગા થઈ ગયા હતા.

“ટિકિટ…” અચાનક આ શબ્દ કાને અથડાતા હું તંદ્રામાંથી જાગ્યો. મારા મનમાં દાદાજી વગર ટિકિટે પરલોકની બસમાં બેસી ગયા હતા તે દૃશ્ય ચાલતું હતું.

“ટિકિટ…” કંટક્ટરે ફરી બૂમ પાડી…

“હા, હા,…” હું બોલી ઊઠ્યો.

“કાં ભૈ, કેમ ઓશિયાળું મોઢું કરીને બેઠો છે? ટિકિટ-બિકિટ નથી લેવાની કે શું? ક્યાંની ફાડું?” કંડક્ટરે કહ્યું.

“અમદાવાદની આપો.” મેં કહ્યું, પણ મનમાં તો થયું કે ટિકિટ તો ક્યારની ફાટી ગઈ છે.

જ્યારે પણ અમદાવાદથી ગામડે જતો ત્યારે દાદા માટે કંઈક ને કંઈક લઈ જતો. ગઈ વખતે આવ્યો ત્યારે તેમની માટે ખાસ રુદ્રાક્ષની માળા લઈ ગયેલો. આ માળા તે દરરોજ સૂતી વખતે પોતાના ઓશિકા નીચે મૂકતા. નકલી હતી, છતાં એ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા કે મને પકડીને કપાળમાં ચુંબન કરી લીધું. મેં એ ચુંબનને અનુભવવા કપાળે હાથ ફેરવ્યો. એક ક્ષણ મને લાગ્યું કે દાદાજી દાદાજી નહોતા, પણ એક રુદ્રાક્ષ હતા. સવાર સુધી એ ટક્યા હોત તો દર વખતની જેમ આ વખતે પણ ચોક્કસ કહેત, “આ વખતે મારા માટે શું લાવવાનો છે?” અને હું મોં મલકાવતો કહેત, ના, “હો, અત્યારે હું નહીં કહું. લાવીને સીધી સરપ્રાઇઝ આપીશ.” સાંભળીને દાદા બે હાથે ખાટલાની ઈસે ટેકો દઈને હાહાહા હસી પડત. “આ બધું તારું અંગરેજી બંગરેજીમાં શું લવારો કરસ. જે લાવ ઈ, પણ મારા કામમાં આવે એવું લાવજે, ભૈ.”

હમમ… હમમ… ટ્રી…ટ્રી… ઢર્ર…ઢર્ર… જેવા ટ્રાફિકના અવાજો વચ્ચે હું અમદાવાદમાં ઊતર્યો. વી.એસ. હૉસ્પિટલ પાસેથી નીકળ્યો. ત્યાં સામે જ ઠાઠડીની દુકાન પર મારી નજર પડી. આ વખતે દાદાના મૃત્યુ પછી તેમની માટે લઈ જવા જેવી એક જ વસ્તુ હતી – નનામી!

હું પરીક્ષાના સ્થળે પહોંચ્યો. ઘણા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. અડધો કલાક પહેલાં અંદર પ્રવેશ આપી દેવાના હતા. મને થયું, હું પરીક્ષામાં કંઈ લખી શકીશ કે નહીં, દાદાના અવસાનની વાત, તેમની સાથેના સ્મરણો મનમાંથી ખસતા જ નહોતા. અંદર પ્રવેશવા માટે બેલ વાગ્યો. એક પટ્ટાવાળાએ ડંડો પછાડતા કહ્યું, “એ બે, લાઇનમાં આવી જાને, ક્યાં ફાંફા મારે છે. પરીક્ષા આપવાની છે કે નહીં?”

હું વગર બોલ્યો લાઇનમાં ગોઠવાઈ ગયો. પરીક્ષાહૉલમાં ગયા પ્રશ્નપેપર હાથમાં આવ્યું, પછીના ત્રણ કલાક ક્યાં જતા રહ્યા ખબર જ ન પડી. ગણિતના દાખલા અને આંટીઘૂંટીમાં મન એવું તો ભેરવાયું કે બધું ભૂલી ગયો. બહાર આવ્યા પછી દાદાના શબ્દો યાદ આવ્યા, “માણસ જ્યારે કોઈ કામમાં ગળાડૂબ થઈ જાય, ત્યારે તેને જગતનુંય ભાન નથી રેતું. અને કામ તો ઇમ જ કરવું જોય બટા. ખૂંપી ના જાવ તાં હુધી નકામું.”

ખબર નથી, કઈ રીતે, પણ હું પ્રશ્નપેપર હાથમાં આવતાની સાથે જ તેમાં ખૂંપી ગયો. મરણ-બરણ બધું ભૂલી ગયો. મને તેમાં થોડું સ્વાર્થ જેવું પણ લાગ્યું કે, આ શું? હું મારા સૌથી વહાલા દાદાને પણ આટલી વાર ભૂલી ગયો… મારામાં એક અફસોસ તગતગવા લાગ્યો. દાદાની ચલમ પર તગતગતા દેતવાના અંગારા જેમ….

પણ આજે જ્યારે મારા હાથમાં માર્કશિટ છે, અને તેમાં ગણિતના પેપરમાં સોમાંથી સો માર્ક્સ જોઉં છું ત્યારે તેમાં માર્ક્સ નહીં, દાદાનો હસતો ચહેરો દેખાય છે. દાદાએ જ કદાચ મને જિંદગીની પરીક્ષા જીરવવાનું બળ આપ્યું હતું.

2 thoughts on “પરીક્ષા – વાર્તા – અનિલ ચાવડા

 1. પરીક્ષા શ્રી અનિલ ચાવડાની સ રસ વાર્તા
  ગયા દાદા વ્હાલા અમ ભૂવનના શંભુ સરખા
  વિશાળી શાખાએ સકળ અમ સંતાપ હરતા…
  એવા દાદાની સલાહ પ્રમાણે પરીક્ષા આપી અને ૧૦૦ % ગુણ મેળવ્યા ! આ કદાચ કાલ્પનીક વાર્તા હોય પણ અમે આવા બનાવો જોયા છૅ
  ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s