ગુજરાતીમાં અસ્તિત્વવાચકો
બાબુ સુથાર
ગુજરાતી વ્યાકરણ પરનું કોઈ પણ પુસ્તક લો. એમાં ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ જેવાં વાક્યોમાં આવતા ‘છે’ અને ‘હતો’ જેવા શબ્દો માટે મોટે ભાગે તો ‘સહાયકારી ક્રિયાપદ’ શબ્દ વપરાયેલો જોવા મળશે. પણ શું એ સાચેસાચ સહાયકારી ક્રિયાપાદો છે ખરાં?
સહાયકારી ક્રિયાપદો, એક સમજ પ્રમાણે, મુખ્ય ક્રિયાપદને મદદ કરે. જેમ કે, ‘રમેશ ખાય છે’ અને ‘રમેશ રમતો હતો’ વાક્યો લો. આ બન્ને વાક્યોમાં અનુક્રમે ‘ખાય’ અને ‘રમતો’ મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે અને ‘છે’ અને ‘હતો’ એમને ‘સહાય’ કરે છે. પણ, ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ વાક્યોમાં એવાં કોઈ મુખ્ય ક્રિયાપદો નથી. તો પછી એ વાક્યોમાં આવતા ‘છે’ અને ‘હતો’ને સહાયકારક ક્રિયાપદો કઈ રીતે કહી શકાય?
બીજું, જેમ ‘રમેશ ખાય છે’માં આવતું ‘ખાય’ ક્રિયાપદ અને ‘રમેશ રમતો હતો’માં આવતું ‘રમતો’ ક્રિયાપદ ક્રિયાનું સૂચન કરે છે એમ ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ જેવાં વાકયોમાં આવતાં ‘છે’ અને ‘હતો’ કોઈ ક્રિયાનું સૂચન નથી કરતાં. ‘ખાવું’ કે ‘રમવું’ ક્રિયાઓ સમયના એક બિંદુએ શરૂ થાય છે અને સમયના બીજા બિંદુ પર પૂરી થાય છે. પણ, ‘પેલો મોહન છે’ કે ‘પેલો માણસ શિક્ષક હતો’માં આવતા ‘છે’ અને ‘હતો’ એ રીતે સમય સાથે વ્યવહાર કરતાં નથી. જો એમ હોય તો એક પ્રશ્ન એ પણ થાય કે એમને ક્રિયાપદ પણ કઈ રીતે કહી શકાય? અંગ્રેજીમાં અને જગતની બીજી અનેક ભાષાઓમાં ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ જેવાં વાક્યોમાં આવતા ‘છે’ અને ‘હતો’ને comula કે copular verb તરીકે ઓળખવામાં આવે છે. આપણે એમને અસ્તિત્વમૂલક કે અસ્તિત્વવાચી ‘ક્રિયાપદો’ તરીકે ઓળખાવી શકીએ. જો આ સંજ્ઞાઓ પણ બરાબર તો નથી જ. એમ છતાં આ લેખ પૂરતા આપણે એમને ‘અસ્તિત્વવાચકો’ તરીકે ઓળખાવીશું. એમ કરીને આપણે વધારે નહીં તો ‘સહાયકારક’ અને ‘ક્રિયાપદ’ના ભાવ બાજુ પર મૂકી શકીશું.
ભાષાશાસ્ત્રીઓએ અસ્તિત્વવાચકો પર અઢળક સંશોધન કર્યું છે. એમાંનાં મુખ્ય સંશોધનોને ધ્યાનમાં રાખીને જે ગુજરાતી અસ્તિત્વવાચકોની વાત કરવા બેસીએ તો સહેલાઈથી એક શોધનિબંધ લખાઈ જાય. જો કે, એ કામ આપણે ભવિષ્યની પેઢી પર છોડી દઈએ.
ગુજરાતીમાં વર્તમાનકાળમાં તથા ભૂતકાળમાં આ અસ્તિત્વવાચકો મળી આવે છે. નીચેના બે કોઠાઓમાં દર્શાવ્યું ચે એમ વર્તમાનકાળમાં એમનું સ્વરૂપ કર્તાના પુરુષ અને વચન પ્રમાણે અને ભૂતકાળમાં એમનું સ્વરૂપ કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાતું હોય છે.
વર્તમાનકાળ
એકવચન | બહુવચન | |
પહેલો પુરુષ | છું | છીએ |
બીજો પુરુષ | છે | છો |
ત્રીજો પુરુષ | છે | છે |
ભૂતકાળ
એકવચન | બહુવચન | |
પુલ્લિંગ | હતો | હતા |
સ્ત્રીલિંગ | હતી | હતી |
નપુસંકલિંગ | હતું | હતાં |
સપાટી પરથી આ બન્ને કોઠા ખૂબ સરળ લાગે છે પણ ભાષામાં ઘણી વાર જે સરળ લાગે એ જ સૌથી વધારે સંકુલ હોય છે. અહીં પણ એવું જ છે. આ બન્ને કોઠાઓમાં મેં આપેલી હકીકતો સૌ પહેલાં તો કોશકારોને પડકાર રૂપ બની શકે. કેમ કે અહીં આપવામાં આવેલાં સ્વરૂપો વ્યાકરણસ્વરૂપ છે. આ વાત સમજવા માટે આપણે ‘કાપું/કાપીએ/કાપે/કાપો’ ક્રિયાપદો લઈએ. કોશકારે આ શબ્દો શબ્દકોશમાં મૂકવા હોય તો એણે એમના પરનું વ્યાકરણ ‘ખંખેરી નાખવું’ પડે. એમ કરતાં એને ‘કાપ-‘શબ્દ મળે અને ત્યારેબાદ એને infinitive -વું લગાડી એને એ શબ્દકોશમાં સમાવે. પણ જો એ જ કોશકારે ‘છું/છીએ/છે/છો’ને શબ્દકોષમાં મૂકવા હશે તો? એ કામ કરવા માટે એણે સૌ પહેલાં તો આ શબ્દો પરનું વ્યાકરણ ‘ખંખેરી નાખવું’ પડે. એમ કરતાં એને છ્- મળશે. એ જ રીતે, ‘હતો’હતા/હતી/હતું/હતાં’ પરનું વ્યાકરણ ‘ખંખેરી નાખે’ તો એને હ- મળે. હવે કોશકાર માટે જે પ્રશ્ન ઊભો થશે તે આ: શું ‘છ્-’ અને ‘હ-’ શબ્દો છે ખરા? અને છે તો કયા પ્રકારના? કોઈએ ‘સાર્થ જોડણીકોશ’ જેવા બેચાર શબ્દકોશો લઈને આ ‘છ્’ અને ‘હ’ની સાથે જે તે કોશકારોએ કઈ રીતે કામ પાર પાડ્યું છે એની તપાસ કરવી જોઈએ.
આ અસ્તિત્વવાચકોનું વાક્યતંત્ર પણ સમજવા જેવું છે. એ હંમેશાં વિધેયમાં (predicate) આવે. જેમ કે, ‘મહેશ શિક્ષક છે’ જેવા વાક્યમાં ‘મહેશ’ કર્તા છે અને ‘શિક્ષક છે’ વિધેય છે. ગુજરાતીમાં અસ્તિત્વમૂલકો બે નામને જોડી શકે અને નામ અને વિશેષણને પણ જોડી શકે. દાખલા તરીકે, ‘રમેશ શિક્ષક છે’માં ‘રમેશ’ અને ‘શિક્ષક’ બન્ને નામ છે અને ‘રમેશ ઊંચો છે’માં ‘રમેશ’ નામ છે અને ‘ઊંચો’ વિશેષણ છે’. ભૂતકાળમાં વપરાતો અસ્તિત્વસૂચક પણ આ રીતે જ કામ કરે છે. જેમ કે, ‘રમેશ શિક્ષક હતો’ અને ‘રમેશ હોંશિયાર હતો’ વાક્યો લો.
આ ઉપરાંત, અસ્તિત્વવાચકો experience પણ વ્યક્ત કરતાં હોય છે. જેમ કે, ‘મને તાવ છે’ અને ‘મને તાવ હતો’. આ પ્રકારનાં વાક્યોમાં હંમેશાં બે નામ જોડાતાં હોય છે. આપણે, ‘મને ઊંચો હતો’ જેવું વાક્ય ન બનાવી શકીએ. એ જ રીતે, ‘રમેશને હોંશિયાર છે’ જેવું વાક્ય પણ ન બનાવી શકે. આ પ્રકારનાં વાક્યો પર પણ અઢળક સંશોધન થયું છે. પણ, ગુજરાતીમાં ઓછું.
એ જ રીતે, અસ્તિત્વવાચકો સ્વામીત્વભાવ પણ વ્યક્ત કરે. જેમ કે, ‘રમેશને એક ઘર છે’ અથવા તો ‘રમેશ પાસે એક ઘર છે.’ અહીં પણ આપણે ‘રમેશને એક ઘર હતું’ અને ‘રમેશ પાસે એક ઘર હતું’ એમ કહી શકીએ.
જો કે, આપણે જોઈ શકીએ છીએ કે ‘મને તાવ છે’ અને ‘મારે એક ભાઈ છે’ જેવી વાક્યરચનાઓ ‘રમેશ શિક્ષક છે’ જેવી વાક્યરચનાઓથી જુદી પડે છે. જો એમ હોય તો આપણે આ બે ‘છે’ વચ્ચે ભેદ પાડવો જોઈએ કે નહીં? ન પાડવો જોઈએ તો શા માટે? અને પાડવો જોઈએ તો કઈ રીતે? કેટલાક ભાષાશાસ્ત્રીઓ copula કે copular verb ‘મને તાવ છે’ કે ‘મારે એક ભાઈ છે’ જેવી રચનાઓ માટે નથી વાપરતા. મને લાગે છે કે આ મુદ્દો જે તે ભાષાના સંદર્ભમાં તપાસવો જોઈએ અને ત્યાર બાદ જોવું જોઈએ કે આ વર્ગીકરણ કેટલી ભાષાઓને અને કઈ રીતે લાગુ પડે છે?
જેમ વાક્યતંત્રના સ્તરે આ અસ્તિત્વવાચકો જુદાં પડે છે એમ અર્થવ્યવસ્થાના (semantics) સ્તરે પણ એ જુદાં પડે છે. કહેવાય છે કે આ અસ્તિત્વવાચકોના વિવિધ અર્થો જોઈને ફિલસૂફ બન્ટ્રાર્ડ રસેલે કહેલું કે કુદરતી ભાષા વિજ્ઞાન અને ગણિતમાં કામ ન લાગે. કેમ કે, કુદરતી ભાષામાં સંદિગ્ધતા તથા અર્થબાહુલ્ય વધારે પ્રમાણમાં હોય છે. એમણે કુદરતી ભાષાને બદલે કૃત્રિમ ભાષાની તરફેણ કરેલી અને કહેલું કે આપણે વિજ્ઞાન અને ગણિત માટે ખાસ અલગ જ પ્રકારની ભાષા વિકસાવવી પડશે. આપણા કેટલા વિવેચકો આધુનિકતાવાદી કૃતિઓમાં રહેલી અર્થઘટનની અશક્યતાઓની ટીકા કરે છે પણ એમને ખબર નથી કે આધુનિકતાવાદી સાહિત્ય હકીકતમાં તો વિજ્ઞાન અને ગણિતની સામે પડેલું. વિજ્ઞાન અને ગણિતે અસંદિગ્ધ ભાષાની તરફેણ કરેલી. એની સામે આધુનિકતાવાદે સંદિગ્ધ ભાષાની તરફેણ કરેલી. આ તો એક આડ વાત.
કેટલાક ભાષાશાસ્ત્રીઓએ અસ્તિત્વવાચકો જુદા જુદા ચાર અર્થ પ્રગટ કરતા હોવાનું નોંધ્યું છે. પહેલો અર્થ તે વિધેયાત્મક (predictional). દા.ત. આ વાક્યો લો: ‘મારી ટોપી મોટી છે’. ‘હું રમેશ માટે જે શર્ટ લાવ્યો એ મોટું છે.’ બીજો અર્થ તે specificational. દા.ત. ‘‘અમૃતા’ના લેખક રઘુવીર ચૌધરી છે.’ અહીં ‘અમૃતાના લેખક’ અને ‘રઘુવીર ચૌધરી’ વચ્ચેનો સંબંધ specificationનો છે. ત્રીજો અર્થ તે identificational. ઉદાહરણ તરીકે આ વાક્ય જુઓ: ‘પેલી સ્ત્રી મીતા છે’. આ વાક્યમાં ‘પેલી સ્ત્રી’ અને ‘મીતા’ વચ્ચેનો સંબંધ identityનો છે. ચોથો અર્થ તે સમાનતાનો. અર્થાત્, equativeનો. દા.ત. આ વાક્ય લો. ‘ફ્રેંચ ફિલસૂફ બાદિયુ આપણા સમયમાં જીવતો જાગતો પ્લેટો છે’. અહીં ‘બાદિયુ’ અને ‘પ્લેટો’ વચ્ચે સમાનતાનો સંબંધ છે.
આ ચાર પ્રકારોની વાત મેં અંગ્રેજી ઉદાહરણના આધારે કરી છે જે ગુજરાતી માટે કદાચ પૂરતી ન પણ હોય. આપણે બીજાં ઉદાહરણો લઈ, એમના અર્થ તપાસવા જોઈએ અને એ રીતે ગુજરાતી અસ્તિત્વવાચકોના વિવિધ અર્થો જુદા તારવવા જોઈએ.
અસ્તિત્વવાચકો કઈ રીતે વિકસે છે એ પણ એક સંશોધનનો વિષય છે. કેટલીક ભાષાઓમાં અસ્તિત્વાચકો અને સહાયકારક ક્રિયાપદો જુદાં હોય છે તો વળી કેટલીક ભાષાઓમાં એ એક જ હોય છે. ગુજરાતીમાં એવી પરિસ્થિતિ છે. કમનસીબે, ગુજરાતીમાં અસ્તિત્વવાચકો કઈ રીતે વિકસ્યાં એની આપણને કદાચ ક્યાંકથી છૂટીછવાઈ નોંધો મળી રહે. પણ, એનો સળંગ અભ્યાસ હજી મળવાનો બાકી છે.
આ લેખમાં હું જે વાત કરવા માગતો હતો તે આ: સહાયકારક ક્રિયાપદો અને અસ્તિત્વવાચકોનું કાર્ય જુદું હોવાથી આપણે એ બેની વચ્ચે ભેદ પાડવો જોઈએ. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આ દિશામાં કામ કરશે.
મા બાબુ સુથારનો ગુજરાતીમાં અસ્તિત્વવાચકો સ રસ લેખ
આ વાત વધુ ગમી ‘ સહાયકારક ક્રિયાપદો અને અસ્તિત્વવાચકોનું કાર્ય જુદું હોવાથી આપણે એ બેની વચ્ચે ભેદ પાડવો જોઈએ’
LikeLike