પ્રાર્થનાને પત્રો-(૪૦)-ભાગ્યેશ જહા


(એક પિતા, કે, જેણે સંસ્કૃતમાં લખાયેલા આપણા શાસ્ત્રોનો સંસ્કૃતમાં જ ઊંડો અભ્યાસ કર્યો છે અને જેણે આઈ.એ.એસ. ઓફિસર તરીકે ખૂબ અગત્યની ને ઊંચી પદવી પર ગુજરાત ગવર્નમેન્ટમાં અનેક વર્ષો સુધી કામ કર્યું છે અને દેશ વિદેશનો અનુભવ પણ કર્યો છે, એના ફૂલથીયે કોમળ અને જીવનની વાસ્તવિકતાથી ભરપૂર સૂઝબૂઝની અહીં પીછણ થાય છે. આ પત્રો એટલે હદયંગમ બન્યાં છે કારણ કે આપણે સહુ ક્યાંક ને ક્યાં એની સાથે અનુસંધાન અનુભવીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓને અને પરિસ્થિતિથી કેમ ઝૂઝવું, એની સમજણ આપણને પણ અહીં મળે છે.)

પ્રિય પ્રાર્થના,

તારા સસરાજી (અમારા પ્રિય વેવાઈ) ગિરીશભાઇના મરણના સમાચારથી આ ઇંગ્લેન્ડનો સૂરજ ઝાંખો લાગવા લાગ્યો છે. હજી હમણાં તો વાત કરી છે. યાદ કર, કવિતાને. જ્યાં પ્રાણને પંખી સાથે સરખાવ્યા છે. હું જાણીતા સ્વજનો ના મૃત્યુમાં એક પંખીના ઉડવાનો અવાજ સાંભળી શકું છું, અને એ ઉડતી પાંખોમાંથી ખરતા હવાના રજકણો એક ‘ઉડતી યુનિવર્સિટી ‘ની જેમ કશુંક શીખવ્યા કરે છે. મનુષ્યના જીવનની ઓળખ જ એની મરણશીલતા છે. 

વિનોદ ભટ્ટના મરણ પછી મૃત્યુ જાણે વારંવાર પોતાનું વિઝિટીંગ મોકલતા કોઇ માથાભારે મુલાકાતી જેવું લાગવા માંડ્યું છે.    વિનોદભાઈનું મૃત્યુ તો અત્યંત દુ:ખ આપી ગયું.  મારા જીવનમાં વિનોદ ભટ્ટ સાથેની દોસ્તી એ એજન્ડા વગરના પ્રેમનો દસ્તાવેજ છે.  હું કહી શકું કે ‘ખાલીપો’ શબ્દ મને એક નવા ઉંડાણ સાથે સમજાયો.      

વિનોદભાઈ પછી ભગવતીકુમાર શર્મા ગયા. સુરત જેવા શહેરમાં એક સસલા જેવી કોમળતા અને એક કબુતર જેવી નિર્દોષતા ધરાવતા ભગવતીકુમારનો સ્પર્શ આંગળીઓમાં ઊગી નીકળ્યો છે, જાણે અસૂર્યલોકનો એમનો નાયક આ ઝાંખા-પાંખા અજવાળાને હચમચાવીને આપણને પુછી બેસે; ‘ક્યાં છે પે’લો વિશુદ્ધ અંધકાર!’ મને આજે ગિરીશભાઈના સ્નેહાદર સહિતના સ્પર્શને યાદ કરું તો ભગવતીભાઇનો સ્પર્શ યાદ આવે. 

અહીં બ્રિટનમાં આફ્રિકન ઇન્ડિયન શ્રી કનુભાઈ પટેલના મરણના સમાચાર મળ્યા.  કનુભાઈ ધર્મજ સોસાયટી ઓફ લંડનના એક મોભી. એમના પુત્રોને મળ્યો ત્યારે કનુભાઇના સંસ્કારોનો પણ પરિચય થયો.

ગુજરાતમાં આપણા માજી નાણાં પ્રધાન અને રાજકોટના રાજપરિવારના મનોહરસિંહજીનુ નિધન થયું છે. એમને સૌ દાદા કહેતા. અમારો સંબંધ કવિતાનો અને સાહિત્યના પ્રેમનો હતો.

સપ્ટેમ્બરનુ આ અંતિમ સપ્તાહ જાણે મૃત્યુની કાળી ધજાઓ ફરકાવતું પસાર થયું હોય એવું લાગે છે.

મૃત્યુ વિશે આપણે લખીએ તો પણ એ એવા વ્યક્તિનો અનુભવ છે, જે આપણને મળીને એ અનુભવ વિશે વાત નથી કરતા. 

મને આપણા ‘દાદા’ (મારા પિતાજી વાસુદેવ જહા) નું મૃત્યુ ‌ભારે આઘાત આપી ગયું હતું. મારી ‘મૃત્યુ’ કવિતા આંશિક રીતે મારું કશુંક ઝુંટવાઇ ગયાનો ભાવ પ્રગટ કરે છે. એ દિવસે જીવનના માર્ગદર્શક ચાલ્યા ગયા હતા, પણ એમને શીખવાડેલી જીવનની કોલંબસી વિદ્યા મને આજે પણ કામ આવે છે.

મૃત્યુ એ મનુષ્યનો અદભુત શિક્ષક છે. ઈશોપનિષદનો એ મંત્ર મને બહુ ગમે છે જ્યારે ઋષિ કહે છે ‘અવિધ્યયા મૃત્યું તિર્ત્વા વિદ્યયા$મૃત્મશનુતે’ અર્થાત્ જે અપર વિદ્યાઓ છે તેનાથી મનુષ્ય મૃત્યુ સુધી ક્વચિત સફળતા પામતો પામતો પહોંચે છે પણ પરા વિદ્યાથી એ મૃત્યુને પાર કરી શકે છે.  પરા વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે માત્ર બ્રહ્મજ્ઞાન નહિ પણ ‘એપ્લાઇડ બ્રહ્મજ્ઞાન ‘. આ આત્મસાક્ષાત્કારની અવસ્થા છે. જ્યાં મૃત્યુને તમે એક સ્થળાંતર તરીકે જોઈ શકો. ગીતામાં જ્યારે ‘વાંસાસિ જીર્ણાનિ યથા વિહાય‘ એમ કહ્યું ત્યારે આ ભાવ હતો. હવે તમે ઉપનિષદનું સત્ય, ગીતાનું ઉદાહરણ અને અષ્ટાવક્ર ગીતામાં પ્રબોધેલો સાક્ષીભાવ એકસાથે સમજો તો સમજાય કે મૃત્યુ જેવી અસામાન્ય ઘટનાને કેવી રીતે લેવી જોઈએ. મૃત્યુ જગતની અનિત્યતાનો સૌથી મોટો છડીદાર છે. અને નિસર્ગ સાતત્ય ની કવિતા છે. આ બન્નેનો સમન્વય સાધી સમજ કેળવવી એ જ જીવન શિક્ષણ છે. 

આપણે એક શબ્દસમૂહ બહુ વખત સાંભળીએ છીએ, ‘દાદા ધામમાં ગયા…’. આનું મૂળ ગીતાના આ શ્લોકમાં સાંભળી શકાય છે… ‘ ન તત્ર સૂર્યો ભાતિ, ન શશાંકો, ન પાવક:, યદ્ ગત્ત્વા ન નિવર્તન્તે, તદ્ ધામં, પરમં મમ..’ જ્યાં સૂર્ય ચંદ્ર નો પ્રકાશ કે અગ્નિનો ઉજાશ નથી હોતો (પણ આત્માનું અજવાળું હોય છે) અને જ્યાં ગયેલો વ્યક્તિ પરત નથી આવતો (એટલે કે આવનજાવન અને ગતિના નિયમોથી પર એવી છે સ્થિતિ છે) તે મારું પરમધામ છે. 

જીવનને સાક્ષીભાવથી સ્વીકારવું એ જ જીવનનો સાર છે, ગંતવ્ય છે. ગીતા આ શાશ્વત સત્યનું ગીત છે.

હું બ્રિટનથી ત્યાં આવી રહ્યો છું…. મારા મનમાં આખું સપ્તાહ ગીતાના પારાયણમાં કાઢીશું તો કદાચ નવો અર્થ મળે, નવું અજવાળું જડે….. 

અજવાળાની આશા સાથે,

ભાગ્યેશ…

3 thoughts on “પ્રાર્થનાને પત્રો-(૪૦)-ભાગ્યેશ જહા

  1. ખૂબ સ રસ પત્ર. …
    ‘દાદા ધામમાં ગયા…’. આનું મૂળ ગીતાના આ શ્લોકમાં સાંભળી શકાય છે… ‘ ન તત્ર સૂર્યો ભાતિ, ન શશાંકો, ન પાવક:, યદ્ ગત્ત્વા ન નિવર્તન્તે, તદ્ ધામં, પરમં મમ..’
    પ્રેરણાદાયી વાત ગમી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s