બૌધિ વૃક્ષ – રશ્મિ જાગીરદાર


મારૂં બોધિ વૃક્ષ- રશ્મિ જાગીરદાર

અમારા ઘરનાં કમ્પાઉન્ડમાં ઝાંપા પાસે એક બોગનવેલનું વૃક્ષ છે. આપણે જાણીએ છીએ તેમ બોગનવેલનાં પુષ્પો વિવિધ રંગનાં હોય છે અને એ દરેક રંગના વિવિધ શેડ પણ મળી આવે! અમારી બોગનવેલનો રંગ ડાર્ક રાણી ગણાય પણ એમાં શ્યામગુલાબી રંગની ઝાંય દેખાતી. એને લીધે એની સુંદરતા વિશેષ હતી. અમારે ત્યાં મુલાકાતે આવનાર સૌ અવશ્ય એના વખાણ કરે જ અને કહે, “આટલો સરસ રંગ ખાસ જોવા નથી મળતો.” ગીચ ડાળીઓ ને પાંદડાવાળું વિશાળ વૃક્ષ અને જેટલાં પાંદડા એટલા જ પુષ્પોનો વૈભવ! 

સાંજ પડે આરતી માટેના દીવા પૂરીને સંધ્યા થવાની રાહ જોવા હું બહાર ઓટલે મૂકેલા બાંકડે બેસતી. મને પણ ખબર હતી કે, હું સંધ્યાની સાથે સાથે બહાર ગયેલા ઘરનાં બધાં સભ્યોની તેમજ પોતાના માળામાં પાછા ફરનાર અનેકવિધ પક્ષીઓની રાહ જોવા ખાસ આજ સમયે ઓટલે બેસતી. થોડી વારમાં જ દૂર દૂરથી કલબલાટ કરતાં પક્ષીઓનો કાફલો આવવા લાગતો. એમાં સૌથી પહેલાં ડાર્ક કાળા રંગનાં અને અણીદાર ચાંચ વાળાં પક્ષીઓ આવતા એમની પૂંછડી (!)પણ એવી જ લાંબી ને અણીદાર હોય. તેઓ બધાં જેમ આવતાં જાય તેમ ટેલીફોનના વાયર પર બેસતાં જાય, એ જ પ્રકારનાં વધુ ને વધુ પક્ષીઓ આવતાં રહે ને બેસીને કલબલાટ કર્યા કરે, પણ ઊડે નહિ! અને પછી જાણે, બધાં પોતાની જાતનાં આવી ગયાં તેવું લાગે ત્યારે, બધા એક સાથે જ ઊડીને અમારી બોગનવેલનાં તેમના માળામાં સમાઈ જાય! થોડી વારે સહેજ મોટા ને આછા કાળા રંગનાં પક્ષીઓ આવવા લાગે ને તાર પર બેસતા જાય ને બધા આવી જાય પછી સાથે જ ઉડીને માળામાં સમાઈ જાય ત્યાર પછી તો સાદી ચકલીઓ આવે, પોપટ જેવા રંગનાં એકદમ ચકલીથી પણ નાના પક્ષીઓ આવે. એ જ રંગનાં થોડા મોટા પક્ષીઓ આવે અને આપણે પહેલા જોયું તેજ રીતે બધાય મહાકાય બોગનવેલમાં સમાઈ જાય! જાણે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમાં જુદા જુદા ફ્લેટમાં રહેતાં વિવિધ કુટુંબો! 

આવો સામુહિક કલબલાટ બોગનવેલમાંથી આવતો રહે, ક્રમે ક્રમે ધીમો થાય ને પછી બંધ થાય એટલે હું આરતી કરવા ઊઠું. આમ જંપી ગયેલાં પંખીડાંઓની સાંજની જેમ, એમની સવારની ગતિવિધિઓ જોવાનું પણ આહ્લાદક બની રહેતું! સવાર પડતાં પહેલાં જ બહાર મીઠો કલરવ શરુ થાય, જાણે સુમધુર સગીત! આવી મધુરતા ને એનાથી પુરા અસ્તિત્વને સાંપડતો અનેરો ઉત્સાહ જયારે છેક અંતરનાં ઊંડાણમાં પહોંચે ત્યારે મારા પગ મને અનાયાસે ત્યાં જ દોરી જાય!  હવે બધી જ ઘટનાઓ ઉલટા ક્રમે બને, કલરવ વધુ તીવ્ર બને ને કલશોરમાં પરિણમે!  અને છેલ્લે કલબલાટ બની રહે.  એક પછી એક એક જ પ્રકારનાં પંખીડાંઓ એકસાથે ફરફરાટ કરતાં ઊડીને ચણ શોધવા નીકળી પડે. આમ બધી જ પ્રજાતિનાં પક્ષીઓ સંગાથ કરીને ઉડાન ભરે અને અનંત આભલે અદ્રશ્ય થાય. આ અદભુત દ્રશ્ય જોવાનું કે કલરવની મધુરતા માણવાનું ચૂકી જાય, એવું અમારા ઘરમાં કોઈ જ નહોતું. વર્ષો સુધી અમે સહુ આ દ્રશ્યો માણતાં રહ્યાં, પછી ક્રમે ક્રમે અમારાં બાળકો પણ અમારો માળો છોડીને ઊડી ગયાં, અલબત્ત પોતાનો માળો બાંધવા સ્તો! એ પણ બધી આનંદની ઘડીઓ હતી. જે અમે અમારી બોગનવેલની અતિ વિશાળ કાયાની છાયા અને સાંનિધ્યમાં ઉત્સાહ પૂર્વક ઉજવેલી.

જીવનમાં એક સમયે, આપણે એવા પડાવે પહોંચીએ, જ્યારે આપણી પાસે એક અતિ મુલ્યવાન ચીજ બાકી હોય છે, જેની ભૂતકાળમાં ભારે અછત અનુભવી હોય છે, અને તે ચીજ એટલે –“સમય “.

 આ રીતે, સવાર-સાંજનો અમૂલ્ય સમય અમે એ વૃક્ષનાં સાંનિધ્યમાં ગુજારતાં.  સમયનો અભાવ ન હોવાથી આંખ માટે લાભકારી લીલા રંગને વધુ ને વધુ જોવાનો લાભ પણ ઉઠાવતાં. મેં ક્યાંક વાચેલું કે, આખો બંધ કરીને, લીલા રંગની કલ્પના કરો અને જોઈ રહો તેનાથી પણ આંખોને ફાયદો થાય છે, એટલે પછી આ અખૂટ લીલા વૈભવ ને તાકી રહેવામાં કોણ પાછું પડે? 

એક દિવસ ઉનાળામાં ખુબ ગરમી અને ઉકળાટ ભર્યો દિવસ હતો. પ્રખર તાપથી તપ્ત ઓટલા કે બાંકડા પર બેસવું એટલે ભટ્ટી કે ઓવનમાં બ્રેડ- બિસ્કીટની જેમ બેક થવા જેવું હતું. પરંતુ એ દિવસે મન અને શરીર ગરમીથી ત્રસ્ત હતું એટલે હિમ્મત કરીને બહાર બેઠી. પવનનું નામ નહિ. એક પાંદડું ય હાલતું નહોતું છતાં થોડીવાર લીલો રંગ જોવા હું ત્યાં બેઠી. એટલે સ્વાભાવિક એક જ જગ્યાએ જોઈ રહી. તો એ જ્ગ્યાએ પાંદડા હાલ્યાં. મને થયું હાશ, પવન છૂટ્યો! પણ ના, હવા તો સ્થિર હતી! બીજા પર્ણો પણ સ્થિર જ હતાં.  કુતુહલ ખાતર મેં બીજે નજર ફેરવી અને ઠેરવી તો મારા આશ્ચર્ય વચ્ચે હવે ત્યાનાં પર્ણો ફરફરવા લાગ્યાં. મને આવા અનુભવો પહેલાં પણ થઈ ચૂક્યાં હતાં. ક્યારેક પાણી સિંચતી હોઉં ને લીલા રંગ માટે પર્ણો સામે જોઈ રહું તો તે જ ડાળી અને પર્ણો હળવેકથી ઝૂલી રહે!  મને તો હંમેશા એવું લાગતું કે જાણે ડાળી તેની ભાષામાં કહેતી ન હોય, “હેલો, હાઉ આર યુ? વી આર ફ્રેન્ડસ, આઈ એમ વિથ યુ ઓલ્વેઝ.”  કદાચ આ તો મેં કલ્પેલી વૃક્ષની ભાષા પણ હોઈ શકે છે, પણ, વારંવાર આવા અનુભવ થવાથી મને ખરેખર લાગતું કે, આ વ્રુક્ષ મારું પરમ મિત્ર છે. જીવનના કેટલાય વિષમ પ્રશ્નો સાથે લઇને હું તેના સાંનિધ્યમાં બેસું અને વિચારું કે, હવે મારે કયું પગલું ભરવું? ત્યારે અચૂક મને ત્યાં જ સાચો માર્ગ સાંપડ્યો છે. કોઈ પણ દ્વિધા કે અસમંજસના પ્રત્યેક પ્રસંગે, આ વૃક્ષે ભૂલ વગરનો માર્ગ સૂઝાડ્યો છે. આવા સમયે પ્રાર્થના હું પ્રભુની કરું પણ સલાહ માટે મારા આ મિત્રનું સાંનિધ્ય શોધું!  અને, સદૈવ મને ત્યાં શાંતિ પણ મળી છે.   

મેં ક્યારેક વાંચેલું કે, ધરતી પરની તમામ જાતિ, પ્રજાતિને પોતાની ભાષા હોય છે.  આગવી જાણકારી અને ગણત્રી હોય છે.  શું મારી બોગનવેલની ભાષા મને ઉકેલતાં આવડે છે અને મારા હૈયાની ભાષા મારી બોગનવેલ સમજે છે? વર્ષોના અનુભવે મને સમજાયું છે કે, આ વૃક્ષ મને સારા વિચારો શોધવામાં, સદવર્તનથી જીવવામાં અને સારા ઈરાદાઓ મજબુત કરવામાં, હંમેશાં સહાયભૂત થયું છે. ઉપરાંત એણે એક કાયમી મિત્રતા પણ પૂરી પાડી છે, અને, એ પણ સામે, મારી પાસેથી કશુંય માગ્યા વગર! એણે મને બસ, આપ્યા જ કર્યું છે. એણે મને મારી જાતની ઓળખ કરાવી છે અને હું જેવીઊ છું તેવી મને હું સ્વીકારી શકું એટલી સમજણ પણ આપી છે તો, હવે આવી પ્રિય મારી બોગનવેલને હું મારું ‘બોધિ વૃક્ષ’ ના કહું તો, તો, અન્યાય થયો જ ગણાશે ને?  આજે, મેં મને થયેલા અનુભવ અને તેના પરથી મને મળેલા તારણની વાત, તમારા સહુની સાથે ખુલ્લા દિલથી કરી છે. કોઈ દાવો તો નથી પરંતુ એટલું ખાત્રીથી કહી શકું કે, તમે પણ તમારું બોધિ વૃક્ષ શોધી શકો છો. જે વૃક્ષના સાંનિધ્યમાં તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળે, શાંતિ અને સમાધાન મળે, તમને એમ લાગે કે તમે તમને મળ્યાં, તે જ તમારું બોધિ વૃક્ષ છે એવું નક્કી માનજો.  જો ભગવાન બુદ્ધને લીધે બોધિ વૃક્ષ અને બોધિ વૃક્ષને લીધે બુદ્ધ મહાન બન્યા તો આજે મને ઊંડેઊંડે એમ થાય છે કે આપણું બોધિવૃક્ષ, આપણાં જેવા સામાન્ય માણસોને, ‘માનવ’ તો જરૂર બનાવે જ. તમે શું કહો છો?

6 thoughts on “બૌધિ વૃક્ષ – રશ્મિ જાગીરદાર

 1. “જો ભગવાન બુદ્ધને લીધે બોધિ વૃક્ષ અને બોધિ વૃક્ષને લીધે બુદ્ધ મહાન બન્યા તો આજે મને ઊંડેઊંડે એમ થાય છે કે આપણું બોધિવૃક્ષ, આપણાં જેવા સામાન્ય માણસોને, ‘માનવ’ તો જરૂર બનાવે જ. તમે શું કહો છો”
  ખૂબ સુંદર વાત કહી રશ્મિબહેન, પક્ષીઓના આગમન, ગમનને મનભર રોજ માણવું, એમની કુટુંબભાવનાનુ વર્ણન ખરેખર આપનો સ્વાનુભવ અમે પણ અનુભવી રહ્યા હોઈએ એવું લાગે છે,
  બોગનવેલનુ વૃક્ષ જાણે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ, અને જીવનના સુખદુખમાં એક મિત્રની ગરજ સારતું સહુને પોતાનુ એક બોધિવૃક્ષ હોય એની કલ્પના અદ્ભૂત છે અને એ આપણા જેવા સામાન્ય માણસોને માનવ તો જરૂર બનાવે એ તદન સાચી વાત છે.

  Liked by 4 people

 2. અમારા મા.રશ્મીભાભીશ્રીએ સ રસ વાત કહી
  ‘ શું મારી બોગનવેલની ભાષા મને ઉકેલતાં આવડે છે અને મારા હૈયાની ભાષા મારી બોગનવેલ સમજે છે? વર્ષોના અનુભવે મને સમજાયું છે કે, આ વૃક્ષ મને સારા વિચારો શોધવામાં, સદવર્તનથી જીવવામાં અને સારા ઈરાદાઓ મજબુત કરવામાં, હંમેશાં સહાયભૂત થયું છે..તમે પણ તમારું બોધિ વૃક્ષ શોધી શકો છો. જે વૃક્ષના સાંનિધ્યમાં તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળે, શાંતિ અને સમાધાન મળે, તમને એમ લાગે કે તમે તમને મળ્યાં, તે જ તમારું બોધિ વૃક્ષ છે એવું નક્કી માનજો ‘
  આનંદદાયક વાત
  વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે શોધ કરી છોડો અને વૃક્ષોમાં પણ એક સામાજિક સ્કીલ હોય છે. તેઓ પોતાની અલગ અલગ રીતોથી એકબીજા સાથે વાતો કરતા હોય છે. જ્યારે તમે કોઈ જંગલમાંથી પસાર થાવ ત્યારે તમારા પગની જમીનની નીચે જે વૃક્ષના મૂળો છે તેના દ્વારા વૃક્ષો વાતો કરતા હોય છે.કોઇ માનવ પણ અમુક ફ્રીક્વન્સી પર વાત સમજે તો તેમની વાત પણ સમજી શકે છે.
  અમારા બગીચામા બોગનવેલ હતી તેથી પાડોશીઓ ’બોગનવેલ વાળી ડેલી છે એ ઘર !’ એમ કહી અમારી ઓળખ આપતા ! સાથે એક વાત યાદ આવે.બધા ગ્રંથોનુ ગુજરાતીમા ભાષાંતર કરવાની વાતે Bougainvillea નુ બોઘાની વેલ સુચવાયુ હતુ બાદ બોગનવેલ સ્વીકારાયું.

  Like

 3. દીદી.. વરસોથી આંગણાનાં વૃક્ષ.. છોડવાઓ સાથે આત્મીયતા જે સ્વાભાવિકતાથી બંધાઈ જાય એનું નિરૂપણ તમે ખૂબ સરળ પણ ભાવ પૂર્ણ રીતે કર્યું છે. 👏👏
  તમારો એ બાંકડો.. બોગનવેલ.. સુના થઈ ગયા છે… તમે આવો તો આમેય આવવા આતુર થઈ બેઠાં છીએ.😊
  તમે તો તમારું બોધી વૃક્ષ… શોધી લીધું..

  Like

 4. રશ્મિ બહેન, બોધીવૃક્ષ ની વાત નિરાળી લાગી.છતાં સત્ય થી નજીક.ખૂબ સરસ શબ્દોમાં લાગણીઓનું નિરૂપણ કર્યું છે!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s