શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય – ભાગવત કથા – અધ્યાય ત્રીજો- જયશ્રી વિનુ મરચંટ


(આગલા – બીજા અધ્યાયમાં આપણે જોયું કે ભક્તિ અને એના સંતાનો, જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર કરવા નારદજી પ્રતિબદ્ધ થઈને બ્રહ્માંડમાં નીકળે છે અને એમને સનકાદિ મુનિઓનો ભેટો થતાં ભાગવત પુરાણનું મહાત્મ્ય અને કથાનું મહત્વ સમજાય છે. પછી દેવર્ષિ નારદજી, સનકાદિ મુનિઓ ભક્તિ જ્યાં પોતાના સંતાનો સાથે ગંગા તટે હતી ત્યાં આવે છે. હવે અહીંથી આગળ વાંચો)

ત્રીજો અધ્યાય – ભક્તિના દુઃખનું નિવારણ

         સૂતજી આગળ કહે છેઃ નારદજીએ મનોરથ કરી લીધો કે ભક્તિ અને એના સંતાનો જ્ઞાન અને વૈરાગ્યની પુનઃસ્થાપના કરવા માટે, શુકદેવજીએ કહેલા ભાગવતશાસ્ત્રની કથા બધી વિધી અનુસાર કરશે. નારદજીએ સપ્તાહની વિધી (જે આગલા અધ્યાયોમાં દર્શાવી છે) પણ સનકાદિ મુનિઓ પાસેથી જાણી લીધી અને પછી એમને જ કોઈ યોગ્ય સ્થાન અને યોગ્ય મુહૂર્ત જોવાનું કહ્યું. આ દરમિયાન, આમ સનકાદિ મુનીશ્વરો પણ નારદજી સાથે શ્રીમદભાગવત ની કથાના અમૃતનું પાન કરાવવા અને કરવા, ગંગા કિનારે કે જ્યાં ભક્તિ એના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય સાથે નારદજીના પાછા આવવાની રાહ જોતાં હતાં ત્યાં આવ્યા. સનકાદિ મુનિઓએ હરિદ્વાર પાસે આનંદ નામના ઘાટ પર કથાનું સ્થાન નક્કી કર્યું. જાતજાતનાં વૃક્ષો અને વેલોથી આ પ્રદેશ સુશોભિત હતો. અહીં અનેક ઋષિઓ અને સિદ્ધ પુરુષો આશ્રમ બાંધીને નારાયણના નામની ધૂણી ધખાવીને બેઠાં હતાં. ભક્તિ પણ એનાં નિર્બળ અને જીર્ણ અવસ્થામાં જીવતા એનાં સંતાનો, જ્ઞાન અને વૈરાગ્યને લઈને નારદજી અને મુનિઓની સહાયથી ઘાટ પર આવી. સનાકાદિઓએ વચન આપ્યું હતું કે ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યના કાનમાં ભાગવતનું મહાત્મ્ય અને કથામૃત પડતાં જ, એ ત્રણેય યુવાન થઈ જશે. આ સમાચાર વાયુવેગે સમસ્ત બ્રહ્માંડમાં પ્રસરી ગયા. શ્રી કૃષ્ણની આ અદભૂત કથા સાંભળવા ભૃગુ, વસિષ્ઠ, પરશુરામ, વિશ્વામિત્ર, માર્કણ્ડેય, મેધાતિથિ, દેવલ, દત્તાત્રય, પિપલાદ, યોગેશ્વર વ્યાસ વગેરે સર્વ ઋષિઓ અને પરાશર, છાયાશુક, જાજલિ અને જહનુ વગેરે મુનિઓ પોતપોતાના પરિવાર અને શિષ્યગણ સહિત ખૂબ પ્રેમથી આવ્યા. સમસ્ત ક્ષેત્રો, નદીઓ, પર્વતો, સરોવરો, દસે દિશાઓ અને ગંધર્વો, દેવો બધાં જ, પ્રકૃતિના પ્રત્યેક અણુઓ સાથે કથા સાંભળવા જાણે ઉત્સુક થઈને આવ્યાં હતાં. નિસર્ગ જાણે કથા સાંભળવા માટે વધુ પવિત્રતા રેલાવતી હોય એવું રમ્ય અને ભવ્ય વાતાવરણ રચાયું હતું. કથા સાંભળવા માટે નિર્જીવ, સજીવ અને પ્રકૃતિ સમસ્ત જાણે ઉત્સુક હતાં. એક વાત ચોક્કસ છે કે કથા તો દેવ, દાનવો અને ચર-અચર સર્વે માટે સમાન અધિકારથી છે. અહીં દાનવો એટલે સૂક્ષ્મ અર્થ એ પણ થાય કે આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા દુર્ગુણો અને દેવો એટલે દરેક જીવ માત્રમાં રહેલો સદભાવનાનો પ્રકાશપુંજ. એક વાત અહીં કાયમ યાદ રાખવાની છે કે કથાનું અમૃત તો જ ફળે છે જો તન, મન અને આત્માની શુદ્ધિ સાથે એનું શ્રવણ થાય, એટલું જ નહીં પણ આ સાથે જ અંતરમનમાં ભક્તિનો ઉદય થતાં જ જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાની પામીને આપણામાં જ પ્રાણ-પ્રતિષ્ઠા પામે છે.

જ્યારે બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી અને કથા સ્થાનમાં, કથા સંભળાવવા માટે દીક્ષીત થઈને સનકાદિ ઋષિઓ આચાર્યના અને આચાર્યગણના આસનો પર વિરાજમાન થયા. શ્રોતાઓમાં સહુ વૈષ્ણવો, વૈરાગીઓ, સંન્યાસીઓ તથા બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા. એક બાજુ ઋષિગણ, એક બાજુ દેવો, એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થૉ અને બીજી બાજુ સ્ત્રી ગણ બેઠાં. અહીં એક પ્રશ્ન જરૂર થાય કે પર્વતો, નદીઓ, તીર્થૉ અને પ્રકૃતિના અંશો જે ચલયમાન નથી તેને બેસાડવાં એટલે શું અને જે ત્યાં આવી નથી શકતાં એની હાજરી શું કલ્પિત છે? ના, આપણે કથાની વિધીમાં જે બધી સામગ્રી, પત્ર, પુષ્પ, ફલ, જળ, ધાન, માટી, શ્રીફળ, મીઠાઈ, સૂકો મેવો, રાંધેલો પ્રસાદ, એ બધી ચીજો સમસ્ત કુદરતની સાંકેતિક હાજરીનું પ્રતીક છે અને ભાગવતની સ્થાપના સમયે પૂજન કરતાં, આપણે નેચર એટલે કે કુદરતને માનપૂર્વક આમંત્રણ આપીને આખી કથા દરમિયાન આપણી સાથે રોજ પૂજનમાં જ રાખીએ છીએ.

       સૂતજી આગળ કહે છેઃ સનકાદિ મુનિઓ પૂજન પૂર્ણ કરીને ત્યાં ઉપસ્થિત સહુને શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે, કથાના પ્રારંભ પહેલાં, ચતુઃશ્લોકી ભાગવત અને શ્રીમદ્ ભાગવતનો મહિમા (જેની ભાગવત મહાત્મ્યના સાત અધ્યાયમાં વિસ્તારથી ચર્ચા કરી છે) સમજાવવા લાગ્યાં. ભાગવતના પહેલા ભાગના બાર સ્કંધ છે અને અઢાર હજાર શ્લોકો છે. આમાં શુકદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે.સૂતજી સનાકાદિમુનિઓએ કહેલી વાત આગળ કહે છે કે, ભાગવત શાસ્ત્ર જીવને શિવ સાથે જોડવાનું કામ કરે છે. જે ઘરમાં રોજ ભાગવત શાસ્ત્રનો પાઠ થાય છે તે ઘર જ તીર્થ બની જાય છે અને તે ઘરમાં રહેવાવાળાઓના પાપકર્મ બંધાતાં અટકે છે અને અંતરમન શુદ્ધ અને પવિત્ર રહે છે. આમ, તન, મન અને અંતરની પવિત્રતા માટે આ કથાનું શ્રવણ આવશ્યક છે. સનકાદિ ઋષિઓ જાણતા હતા કે કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશમાં રાખવી અને શિસ્તપૂર્વક બધાં જ નિયમોનું પાલન કરવું અઘરૂં છે. આ જ કારણોસર કથાનો પ્રારંભ કરતા પહેલાં ભાગવત શાસ્ત્રના ફળને મેળવવા માટે કથા સાંભળતી વખતે, સાત દિવસ સુધી બધા નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે.(અહીં આધુનિક મનોવિજ્ઞાનની પણ વાત આવે છે. એવું કહેવાય છે કે કોઈ પણ ટેવ-કુટેવ છોડવા માટે સાત દિવસની મુદ્દ્ત એ ટેવ-કુટેવથી મુક્તિ અપાવવા માટે આપવામાં આવે તો ૭૫-૮૦% માણસો એમાંથી મુક્ત થઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં, દોષોમાંથી મુક્ત થવા “ક્વોરેન્ટાઈન” – સમયની અવધિ- બીજી કોઇ રીતે થઈ શકે નહીં. આ કારણે પણ ભાગવત શાસ્ત્રમાં સમૂહમાં કથા શ્રવણ કરવામાં આવે છે, જેને આજના યુગના “ફોકસ-ગૃપ” ની સામાન્ય કલ્પના કે વિભાવના સાથે સરખાવી શકાય.)  આથી જ વિધિપૂર્વકનું સપ્તાહ શ્રવણ, વ્રત, તપ, ધ્યાન, જ્ઞાન અને યજ્ઞ કરતાં પણ ઉત્તમ ગણાયું છે અને મોક્ષદાયક ગણાયું છે.    

સૂતજી આ વાત કરતા હતા ત્યારે શૌનકજીએ એક સવાલ પૂછ્યો હતો કે મોક્ષ મળવા માટે બીજાં અનેક સાધનો છે જેવાં કે, જ્ઞાન, ધ્યાન, તપ, યજ્ઞ વગેરે છતાં પણ એ બધાને પાછળ છોડીને કળિયુગમાં ભાગવત પુરાણ કેવી રીતે સૌથી ઉત્તમ મોક્ષ સાધવાનું સાધન થઈ ગયું?

તે સમયે સૂતજી ઉત્તર આપતા કહે છે કે, શ્રી કૃષ્ણ જ્યારે આ જગતમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે એમના મુખકમળમાંથી અગિયારમા સ્કંધનો જ્ઞાનોપદેશ અનાયસે નીકળી ગયો હતો ત્યારે ઉદ્ધવજીએ એમને પ્રાર્થના કરી કે હે ગોવિંદ, તમે જશો એવો જ કળિયુગ શરૂ થઈ જશે પછી આ જગતમાંથી સાત્વિકતા નષ્ટ થશે અને પૃથ્વી પાપના બોજા હેઠળ દબાતી જશે તે સમયે આપ જો આ ધરતી પર નહીં હો તો કળિયુગમાં માણસજાતનું અને અન્ય પ્રાણીઓનું શું થશે? આ પ્રશ્ન સાંભળી શ્રી કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા. શ્રી કૃષ્ણએ મનથી સંપૂર્ણ ભાગવતનું સ્મરણ કર્યું અને પોતાની સઘળી માનસિક શક્તિઓ એમાં મૂકીને ભગવાન વેદવ્યાસને ભાગવત રચવાની સ્ફૂરણા આપી. (આ જ કદાચ મોર્ડન યુગની ટેલિપેથી છે. ભાગવત પુરાણમાં ઠેર ઠેર આવા ઉદાહરણો મળી આવે છે અને આને લીધે જ આપણા પુરાણોને વૈજ્ઞાનિક ધોરણે અને અલગ અલગ શાસ્ત્રોના ધોરણે સ્વીકારવામાં આવ્યા છે.)

સૂતજી આગળ કહે છે કે, આવી રીતે ભાગવતની પૂજનવિધી પછી એનો મહિમા સાંભળીને જ નિસ્તેજ અને હતબુધ બની ગયેલી ભક્તિ અને અકાળે વૃદ્ધ થઈ ગયેલા એના સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય, ત્રણેય જણાં આળસ મરડીને, તરવરતી નવયુવાનીના જોમ સાથે ઊભા થયાં. ભાગવતના સોળે શણગાર સાથે સજેલી પરમ સુંદરી ભક્તિ તો તરૂણાવસ્થા પામેલા તેના પુત્રો સાથે, વિશુદ્ધ પ્રેમરૂપ પામીને, “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ, નારાયણ, વાસુદેવ!” જેવા ભગવત નામોનું ઉચ્ચારણ પોતાના સંતાનો સાથે કરવા માંડી. ભક્તિએ સનકાદિ મુનિઓને કહ્યું કે,” તમારી કૃપાથી મને ભાગવત કથાનું મહાત્મ્ય સાંભળવા મળ્યું છે. હું આજથી હંમેશાં સહુ ભક્તોના હ્રદયમાં મારા પુત્રો સાથે નિવાસ કરીશ, જો આપની આજ્ઞા હોય તો.” સનકાદિ મુનિઓએ આજ્ઞા આપતાં કહ્યું, “કળિયુગનો પ્રભાવ જેના હ્રદયમાં તમે હશો એના પર કદી નહીં પડે. તમે સદા સારુ ભગવદ્ ભક્તોના અંતરમાં બિરાજો.” આમ જેમના અંતરઆત્મામાં શ્રી હરિની ભક્તિ વિરાજમાન છે તેઓનો જન્મારો સફળ થાય છે. કારણ કે આ ભક્તિને તાંતણે તો સ્વયં નારાયણ બંધાયેલા છે. આમ કળિયુગમાં ભાગવત સંભળાવનારા અને સાંભળનારા, બંને ધન્ય છે.

    ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યનો ભાગવત કથાનો ભક્તિ-કષ્ટનિવર્તન નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત થયો.

            શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.   

1 thought on “શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય – ભાગવત કથા – અધ્યાય ત્રીજો- જયશ્રી વિનુ મરચંટ

  1. સ્કંધ પહેલો –ત્રીજો અધ્યાય – ભક્તિના દુઃખનું નિવારણ ની ગુઢ વાતમા
    ‘ભક્તિને તાંતણે તો સ્વયં નારાયણ બંધાયેલા છે. ‘
    વાત વધુ ગમી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s