છિન્ન – (૧૧) – રાજુલ કૌશિક


પ્રકરણ ૧૧ઃ

સવારે એકદમ નોર્મલ રીતે વળી પાછો શ્રેયાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો.

આજે તો તુ આખી રાત જાગ્યો, શું કરતો હતો?”

કામ. એકાક્ષરી જવાબ.

એ તો મને ખબર છે તુ કામ કરતો હતો પણ શું કામ કર્યું એ પૂછું છું.

કેમ, તેં તો કહ્યુ ને કે આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન, દોડાદોડી કે ઉજાગરા ના થાય.

ઓહ! શ્રેયા આંચકો ખાઇ ગઈ. તો વાત આમ છે.

સંદિપ, આની આ જ વાત જો તુ સારી અને સાચી રીતે લઈ શક્યો હોત તો મને વધુ ગમત.” 

જવાબ નથી શ્રેયા તારો. કરું છું એટલું બસ નથીતું કહે એમ કરવાનું અને પાછું  તું કહે એ જ રીતે પણ કરવાનું?”

અને ખરેખર શ્રેયા પાસે આનો કોઇ જવાબ નહોતો. એક હઠ પર આવીને ઉભો હતો એ. કોણ કહે છે કે બાળહઠ, રાજહઠ, ઋષિહઠ અને સ્ત્રીહઠને ના પહોંચી શકાય? એથી વધુ દુર્ગમ તો પુરૂષહઠને પહોંચી વળવાનું લાગતું હતું. જો કે રાજ કહો કે ઋષિ, મૂળ તો પુરૂષ જ નેએક સાદી સીધી વાતને સ્વીકારવા જેટલી પણ મનની મોકળાશ નહોતી.

અને ખરેખર હવે તો એ હઠ પર  આવીને ઉભો હતો.આખો દિવસ કામમાં રચ્યો-પચ્યો રહેવા મથતો. શ્રેયાના સવાલો પર એકાક્ષરી જવાબ આપવા સિવાય બીજી કોઈ વાત કરવાનું પણ ટાળતો.કામના ઓઠા નીચે સૌને મળવાનું પણ  ટાળતો. ઘરથી ઑફિસ –ઑફિસથી સાઇટ સિવાય ક્યાંય જવાનું પણ બંધ કરી દીધું.શ્રેયા મનથી સોરવાયા કરતી. હંમેશાં સાથ આપ્યો એ ગમ્યું પણ સૂચન ના સ્વીકારી શકાયું?

બધાને લાગતું કે આ નવા થ્રી સ્ટાર હોટલના કામને લઈને એ ખુબ બિઝિ થઈ ગયો છે અને આમ જોવા જાવ તો વાત સાચી પણ હતી. એ હોટલના પ્રોજેક્ટ્ને લઈને જે પ્રેસ્ટિ ઈસ્યુ હતો એ હવે પર્સનલ ઈસ્યુ બની રહ્યો હતો.

બંને વચ્ચે સંવાદ ઓછા થતા જતા હતા ને અંતર વધતું જતું હતું.શ્રેયા પતિ પામવાની મથામણમાં એક સારો મિત્ર ગુમાવી રહી હતી અને સંદિપ જાતને સાબિત કરવાની મથામણમાં પત્ની ગુમાવી રહ્યો હતો.

સંદિપ ખુબ કામ કરતો, દિવસ રાત જાણે એક કરી દેવા હોય તેમ સળંગ રચ્યો પચ્યો રહેતો અને શ્રેયા ઉદાસ મને એને જોયા કરતી. સમજણ નહોતી પડતી શું કરે? કઈ કહેવા જાય તો સંદિપ હરીફરીને એક જ જવાબ આપતો, શ્રેયા હંમેશા તું જ તો ઈચ્છતી હોય છે ને કે હું બસ આમ એકદમ સિન્સિયર બનુ, વ્યવસ્થિત બનુ અને હવે હું એમ તો કરુ છું, પછી તો તને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઇને?

શ્રેયા કેમ કરીને સમજાવે કે આ રીત નહોતી એની વાત સ્વીકારવાની. આ કોઈ ખરા મનની  કે સાચા હ્રદયની સ્વીકૃતિ નહોતી , બસ શ્રેયાની એક વાત લઈને એની પર કરવામાં આવતો કઠુરાઘાત હતો. સંદિપનો અહમ છંછેડાયો હતો. એ શ્રેયાને કંઈ પણ કહી શકે, કોઈ પણ સૂચન કરી શકે પણ શ્રેયા એમ કરી જ કેમ શકે?  મન મુરઝાતું જતું હતું, એનું, તો, સંદિપ પણ કંઈ અંદરથી રાજી થઈને તો આ બધુ નહોતો જ કરતો ને? ઉદ્વેગનો ભાર બંને વચ્ચે વધતો જ ગયો. હોટલના ન્ટિરિઅરનુ કામ આગળ વધતું ગયું એમ બંને એકમેકની સાથે રહેવામાં પાછા પડતાં ગયાં.

આગ હોય ત્યાં ધુમાડો તો થવાનો જ. બંને વચ્ચેના તનાવનો ભાર ઘર પર લદાતો જતો હતો. નયનભાઇ અને વિભાબહેનને થોડો અણસાર તો આવી જ ગયો હતો તેમ છતાં મન આટલુ ઝડપથી સ્વીકારવા તૈયાર નહોતું.વિભાબહેન અને નયનભાઇએ સંદિપ સાથે વાત કરી જોવા પ્રયત્ન કરી જોયો પણ કામના ઓઠા હેઠળ એ એમનાથી દૂર રહેવા જ પ્રયત્ન કરતો જેથી કોઇ જવાબ આપવામાંથી એ બાકાત રહે. રહી વાત શ્રેયાની, તો, વિભાબહેને એને પાસે બેસાડીને પૂછવા પ્રયત્ન કરી જોયો અને એમાંથી આખી વાતનો સાર પામી જ ગયાં.

હવે શું? કોઈ ઝગડો નહોતો કે એની સુલેહ કરી શકાય. બેમાંથી કોઈ બાળક નહોતાં કે એમને સમજાવી, મનાવી કે પટાવી શકાય. અને, તેઓ જે રીતે શ્રેયાને ઓળખતાં હતાં, એ રીતે એક વાતની ખાતરી હતી કે વાત હજુ એના ઘર સુધી તો નહીં જ પહોંચી હોય. શ્રેયાના સ્વભાવ પ્રમાણે ઘરના પ્રોબ્લેમ ઘર સુધી જ સિમિત રહેવાના હતા તો સંદિપ આમે  કામના ઓઠા નીચે ક્યાં કોઇને મળતો હતો કે  ભડકાની ભનક શ્રેયાના ઘર સુધી પહોંચેનહી તો એના વર્તન પરથી તો ચોક્કસ  મનભેદની,  તનાવની વધુ તો નહીં પણ છેવટે આછીય આગ તો ત્યાંય પ્રસરી હોત.

બાહ્ય રીતે બંને પોતાની મેળે બિઝિ રહેવાનો યત્ન કરતા તેમ છતાં અંદરથી એક ખાલીપો સર્જાતો હતો, એક રિક્તતા ઊભી થતી હતી, એનાથીય સભાન તો હતા જ. કોણ સાચું અને કોણ ખોટું હતું એની અદાલત ક્યાં ભરાવાની હતી કે એમની સમસ્યાનો કોઇ ઉકેલ આવે? જેમ દિવસો વિતતા ગયા તેમ ખાલીપાની ખાઈ વિસ્તરતી જતી હતી.

કોઈ પણ છોકરીને આટલું સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એના માટે સદનસીબ ના કહેવાયબિઝનેસમાં પણ સાથે કામ કરવું હોય તો બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો જ તે આગળ ચાલે છે તો આ તો જીવનની પાર્ટનરશિપ કહેવાય એમાં તમારી વચ્ચે જે હાર્મની છે તે તને બીજા કોઈમાં મળશે જ એવી તને કોઇ ખાતરી છે?” શ્રેયાને પપ્પા સાથે થયેલી એ વાત આજે પણ યાદ હતી. આ સમજૂતી કે આ હાર્મની ક્યાં ગુમાવી બેઠી એ? સંગીતના સાત સૂરોમાંથી કોઇ એક સૂર આઘોપાછો થયો હતો? કે, પછી, એ સૂરને એકતાલ કરતો તાર જ તુટી ગયો?

અનહદ દુઃખ એને કોરી નાખતું હતું. સંદિપને એના ક્યાં કોઈ સૂચનની ક્યારેય જરૂર હતી? શા માટે એનાથી એ દિવસે ટકોર થઈ ગઇ?

વળી મન પાછુ દલીલે ચઢતું. એમાં એણે ખોટું ક્યાં કર્યુ છે? એટલું કહી શકવાનો એનેય હક તો હતો જ ને? જો સંદિપ કોઈ સૂચન કરે કે ટકોર કરે તો માન્ય રાખતી  નેતો આમ કેમ?

કોઈપણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર છે. તું મારી અત્યંત કરીબી દોસ્ત હતી અને રહીશ જ.આવું જ કંઈક તો સંદિપે એને કહ્યું હતું ને?

તો આ મંજૂરી, આ કરીબી, આ દોસ્તી ક્યાં અટવાઈ? દોસ્ત વચ્ચે નિખાલસતા ન હોય? દોસ્ત વચ્ચે મતભેદ હોય એ બરાબર પણ આટલી હદે મનભેદ ટકી શકે?

સંદિપ તો કહેતો હતો ને કે જીવન સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવવું તેના કરતાં જેને આટલા સમયથી જાણતા હોઈએ તેના માટે વિચારવું એમાં કંઈ ખોટું નથી.

બસ, આટલું જાણી શક્યા હતાં  બેઉ એકબીજાને?

સાંજ પડે ઘરની ઓફીસ કમ લાઇબ્રેરીમાં બેઠી બેઠી, શ્રેયા કોઈ ઉદ્દેશ વગર   આમતેમ પાનાં ઉથલાવતી જતી હતી કે પછી અજાણપણે ફરી ફરીને મનને ઉથલાવતી હતી?

સંબંધોમાં વળગણ જેવું ક્યાંથી લાગે સગપણ જેવું.

શાને લાગે છે ભારણ જેવું, ક્યાં છે કોઈ કારણ જેવું.

આંસું જેવો ખારો નાતો, લાવું ક્યાંથી ગળપણ જેવું.

આંખોને કોરુંકટ તારે તો, મારે કાયમ શ્રાવણ જેવું.

ચાલ ફરીથી રમવા ઘર-ઘર વીતેલા એ બચપણ જેવું!”

ઓહ! આ તો મારા મનની જ વાત કે પછી મને જ હવે બધામાં મારુ મન પડઘાય છે?”

સાવ અતીતમાં ખોવાઈ ગયેલી શ્રેયાની નજર ઈશ્ક પાલનપુરીની રચના પર ફરતી હતી કે એના અને સંદિપના સંબંધોના સરવૈયા પર? ઘડીભર તો શ્રેયાને થયું કે આ વિતેલો સમય ફરી એક વાર પાછો જ્યાંથી શરૂ થયો હતો એ મુકામ પર એને અને સંદિપને લાવી ને મુકે તો કેવું? સાવ બચપણમાં રમતા ઘર ઘર તો નહીં, પણ એમના સંબંધોના શૈશવ પર ફરી એક વાર પગલી માંડવા મળે તો કેવું?

નાની હતી ત્યારે પપ્પા-મમ્મી સાથે ચોરવાડ ગઈ હતી ત્યારે એ રેતીનુ ઘર બનાવતી, થોડું પાણી લઈ થેપી થેપીને એને મજબૂત બનાવવા પ્રયત્ન કરતી અને પાણીની એક છાલકે એ ઘર હતું ન-હતું થઈ જતું. પપ્પા સમજાવતા એ તો એમ જ હોય, માટીનું ઘર કોને કહેવાય? અને બીજે આગળ થોડે દૂર જઈને ફરીથી એને ઘર બનાવવામાં મદદ કરતા.આજે પણ મોટી થઈને એણે માટીનું  ઘર બનાવ્યું કે જે એક જ છાલકમાં હતું ન હતું થવા માંડ્યું? ને, હવે તો એના દરિયાલાલે એને ચારે બાજુથી આવરી લીધી હતી ક્યાંય કોઈ કોરી જગ્યા જ ક્યાં હતી કે, આગળ થઑડે દૂર જઈને બીજું ઘર પણ બનાવેવારંવાર પ્રેમની છાલકે ભીંજવતો એનો સંદિપ, હું તો ખોબો માંગુ ને એ દઈ દે દરિયો…જેવુ વ્હાલ વરસાવતો સંદિપ અત્યારે સાવ કોરાકટ રણ જેવો કેમ સંબંધો- આ સગપણ કોઈ ખાસ કારણ વગર ભારણ જેવું કેમ બની રહ્યું?

અંતે અનેક મથામણો પછી એને એવું લાગતું હતું કે હવે એ બંને જણ એક એવા પોંઈન્ટ પર આવીને ઊભાં છે જ્યાં પોઇન્ટ ઓફ નો રિટર્નની સાઈન લખાઈ તો નહોતી છતાં મોટા અક્ષરોમાં વાંચી શકાતી હતી.

5 thoughts on “છિન્ન – (૧૧) – રાજુલ કૌશિક

 1. સંબંધોમાં વિમુખતા શક્તિ હરનાર છે અને જીવનની સફળતાંમાં નડતર બનીને ઊભાં રહી જાય છે.
  આ નાની વાતને શ્રેયા કેવી રીતે સંભાળશે, જોઈએ..
  સરયૂ

  Liked by 2 people

 2. શ્રેયાની જીદ ધાર્યું કરાવવાની ક્ષમતા ધરાવે ત્યારે બીજી તરફ સંદિપની જીદ ઘમંડી અને તોછડી હઠ કયા સુધી અને કેવી રીતે પોષાય? જીદ પૂરી કરવા રીસાવાની, ઝઘડવાની, પાછળ પડી જવાની એવી અનેક કલાઓને કામે લગાડવી પડે. સૉફ્ટ પાવર તીવ્ર રીતે વાપરતા આવડવું જોઈએ જીદ્દી હોવું એ અવગુણ નથી, પણ ગુણ છે ત્યારે બીજી તરફ પતિ પત્ની એક બીજા ને સમજીને થોડું જતું કરે તો આવા ખરાબ પરિણામ થી બચી શકાય. શાંતિ,ધીરજ અને સ્નેહ રૂપી દિવ્ય ગુણોની ત્રણ ગોળી લઈએ અને જીદની બિમારીથી સંપૂર્ણ પણે મુક્ત રહી શકાય ત્યાં ખાલીપાની ખાઈ વિસ્તરતી જતી હતી.
  અને હવે તેમા વિભાબહેન અને નયનભાઇના પાત્ર ઉમેરાયા અને તેઓ કાંઇ સમજાય તે પહેલા
  ‘ પોઇન્ટ ઓફ નો રિટર્નની સાઈન લખાઈ તો નહોતી છતાં મોટા અક્ષરોમાં વાંચી શકાતી હતી.’ અંતે …રાહ

  Liked by 2 people

 3. સંબંધોના બદલાતાં સમીકરણો!હવે મૈત્રીસંબંધને બદલે પતિ-પત્નીનો ગતાનુગતિક સંબંધ બંને પાત્રો વચ્ચે છે. પ્રશ્ન એ જ છે કે બે જીવનપ્રવાહો એક થશે કે વમળમાં ઘુમરાયા કરશે?

  Liked by 1 person

 4. આ તણાવ આજની પેઢીની સમાનતાના સંદર્ભ પર સાપની જેમ ગુંચળું વાળીને બેઠો છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરતાં પુરૂષ પણ નિજ જીવનમાં સહજતાથી એ અપનાવી નથી શકતા, પરિણામે વાત છૂટા પડવા સુધી પહોંચી જતી હોય છે. શ્રેયાની ખાનદાનીથી આનો તણખો એના પિયર સુધી નથી પહોંચ્યો, પણ ક્યાં સુધી???

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s