શહાદતની પરંપરા – કેપ્ટન નરેન્દ્ર ફણસે


એક ઉપસંપાદકની આખરી ‘બાયલાઈન

બ્રિટનમાં જિપ્સીને પહેલી નોકરી મળી હોય તો તે હતી એક ગુજરાતી સાપ્તાહિકના ઉપસંપાદકની. આ સંસ્થામાં એક નિયમ હતો : તેમના સામયિકમાં કોઈ પણ કર્મચારીનો લેખ કે રિપોર્ટ છપાય તો તેમાં તેનું નામ ન આવે.
 ત્યાંની નોકરી છોડ્યા બાદ તેનો એક લેખ તેમના દિવાળી અંક માટે પ્રસિદ્ધ થયો જેમાં તેને પહેલી વાર ‘બાયલાઈન’ મળી. આ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું. 

‘શહાદતની પરંપરા’

૧૯૭૧ના નવેમ્બરની ૨૯ કે ૩૦ તારીખ હતી. હું હેડક્વાર્ટર્સમાં ઍજુટન્ટ (કમાંડીંગ ઑફિસરના સ્ટાફ ઑફિસર)ની ડ્યુટી બજાવી રહ્યો હતો. ઠંડીને કારણે મારૂં ટેબલ તડકામાં રાખીને બેઠો હતો એટલામાં એક પડછંદ હવાલદાર મારી પાસે આવ્યો અને સૅલ્યૂટ કરી. આ માણસની કવાયત અને સફેદ દાઢીમૂછ જોઇ હું અંજાઇ ગયો

 “મૈં નંબર બત્તી-ઉનન્જા (બત્રીસ ઓગણપચાસ) હવાલદાર મહેરસિંહ સીઓ સાહબકો મિલને આાયા હૈ, જનાબ.” પંજાબ પોલીસમાં હજી પણ જુની પદ્ધતિ પ્રમાણે ‘સાહેબ’ને બદલે ‘જનાબ’ સંબોધવાની પ્રથા ચાલુ છે. આગંતુકે પોતાનો નંબર, પદ, નામ અને કામ એક વાક્યમાં જ જણાવ્યા! આ વાત થતી હતી ત્યાં સી.ઓ. સાહેબ ત્યાં આવી પહોંચ્યા.

“કેમ મહેરસિંહ, કેમ છો?” તેમણે પૂછ્યું.

“આપની દુઆથી ઠીક છું. મારા બાપુને ઘણા વખતથી મળ્યો નથી. ત્રણ દિવસની રજા જોઇએ છે. એટલા માટે આપની સામે પેશ થવા આવ્યો છું.”

“તું પાંચમી તારીખથી રજા પર જાય તો કેવું? તારો પ્લૅટુન કમાંડર ત્યાં સુધીમાં રજા પરથી પાછો આવી જશે. 
તને રિલીવ કરે કે રજા પર નીકળી જજે.”

“બહુત અચ્છા જનાબ,” કહી, સૅલ્યૂટ કરી મહેરસિંહ અબાઉટ ટર્ન કરી નીકળી ગયો.

આ હતી મહેરસિંહ સાથેની મારી પહેલી અને છેલ્લી મુલાકાત.

*****

ડિસેમ્બરની ચાર તારીખની સાંજે પાકિસ્તાનના જેટ વિમાનોએ અમૃતસરના રાજાસાંસીના આપણા વિમાનદળના બેઝ પર હુમલો કર્યો. રાતના સાડા દસના સુમારે અમારા હેડક્વાર્ટરના વાયરલેસ સેટ્સમાં જાણે ભૂત ભરાયું હોય તેમ અમારી સાત ચોકીઓ પરથી એકી સામટા રેડીયો-સંદેશથી ધૂણવા લાગ્યા.

“હૅલો, આલ્ફા, અમારી ચોકી પર દુશ્મનની તોપોનું બૉમ્બાર્ડમેન્ટ શરૂ થઇ ગયું છે.” ‘આલ્ફા’ અમારી વાયરલેસની ‘કૉલસાઇન’ હતી. કૉલસાઈન એક સંકેત છે, જેમાં કઈ બટાલિયનના કયા હેડક્વાર્ટરમાંથી સંદેશની આપ – લે થાય છે તે ગુપ્ત રહે છે અને અન્ય બિનઅધિકૃત વ્યક્તિ કે સંસ્થા સમજી શકતા નથી.

દુશ્મને હવાઇ હુમલા પછી તેના ભુમિદળોએ અમારી ચોકીઓ પર હુમલો શરૂ કર્યો હતો. 
જુદી જુદી ચોકીના કમાંડરોના વાયરલેસ ટેલીફોનીના સંદેશાઓમાં એક અવાજ સ્પષ્ટ રીતે જુદો તરી આવતો હતો.

“હૅલો આલ્ફા. હું ડેલ્ટા થ્રી, અમારા પર ભારે શેલીંગ થઇ રહ્યું છે, પણ પરિસ્થિતિ કાબુમાં છે. ચિંતાનું કોઇ કારણ નથી. ઓવર” આ કૉલસાઇન અમારી બુર્જ ચોકીની હતી અને અવાજ હતો મહેરસિંહનો. એકાદ કલાકની બૉમ્બ વર્ષા બાદ સોપો પડી ગયો. ત્રણ-ચાર મિનીટ બાદ ડેલ્ટા-થ્રીનો વાયરલેસ ફરી શરૂ થયો.

“ચોકી પર દુશ્મનના પાયદળની બે કંપનીઓએ ઍટેક શરૂ કર્યો છે. અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. સબકુછ ઠીક હૈ. પૂરો રીપોર્ટ બાદમાં આપીશ, ઓવર.”

અમારા સીઓ તથા અમને સૌને મહેરસિંહની ચિંતા થઇ, કારણ કે બુર્જ પિકેટ પર તેમની પાસે કેવળ ૨૦ જવાન હતા. તેના પર હુમલો કરનાર દુશ્મનની બે કંપનીઓ – એટલે બસો જેટલા સૈનિકો હતા. અમે તેની મદદ માટે કશું કરવા અશક્તિમાન હતા કારણ કે મહેરસિંહની કંપની મિલિટરીના ઑપરેશનલ કંટ્રોલ નીચે હતી. તેને કૂમક મોકલવાની, તેમ સ્થિતિ દુશ્મનના દળ કટક સામે ટકી શકે તેવું ન હોય તો તેમને ત્યાંથી પાછા બોલાવવાની સત્તા કેવળ મિલિટરી પાસે હતી.આ વિચાર કરતા હતા ત્યાં મહેરસિંહનો વાયરલેસ પર અવાજ સંભળાયો.

“હૅલો આલ્ફા, જવાનોને દુશ્મનકા હમલા નાકામ કર દિયા હૈ. દો જવાન જખમી હો ગયે હૈં. બાકી સબ ઠીક હૈ. ફિકર મત કરેં. ઓવર.”

બીજી ચોકીઓ તરફથી યુદ્ધના રિપોર્ટ આવી રહ્યા હતા. વીસે’ક મિનીટ બાદ ‘ડેલ્ટા થ્રી’નો વાયરલેસ ફરી શરૂ થયો. દુશ્મન બીજી વાર હુમલો કરે છે. શેલીંગ શરૂ થઇ ગયું છે. તેમના ઍસોલ્ટ માટે અમે તૈયાર છીએ.”

સાંજથી તેમનો વાયરલેસ સતત ચાલુ હતો. રાતના બાર વાગવા આવ્યા હતા અને તેમના વાયરલેસની બૅટરી મંદ પડી હતી. મહેરસિંહનો અવાજ જાણે લાખો માઇલ દૂરથી આવતો હતો. “હૅલો આલ્ફા, દુશ્મનની તોપની ડાયરેક્ટ હિટ બંકર પર પડવાથી ગનર શહીદ થયો છે. તેનો સાથી સખત રીતે જખમી થયો છે,” કહેતાં કહેતાં તેમનો વાયરલેસ બંધ પડી ગયો.

બીજા દિવસે અમને મિલિટરીના સિચ્યુએશન રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે બુર્જ ચોકી દુશ્મનના હાથમાં પડી હતી. ચોકીના જવાનોનું શું થયું તેની માહિતી મિલિટરી પાસે નહોતી. આનો પણ એક રોમાંચક ઇતિહાસ છે, જેની વાત ફરી કોઇ વાર.

*****

લડાઇ ખતમ થયાના પંદર-વીસ દિવસ બાદ બુર્જ પિકેટનામહેરસિંહનો સાથી સિપાહી રામચંદર મને મળ્યો ત્યારે તેણે બુર્જની લડાઇની વાત કરી ત્યારે મહેરસિંહની બહાદુરીનો ખ્યાલ આવ્યો.

“સરજી, પહેલા બૉમ્બાર્ડમેન્ટ વખતે બાબા (જવાનો તેમને ‘બાબા’ કહી બોલાવતા) દરેક ટ્રેન્ચમાં જઇ અમારો હોંસલો વધારતા હતા. શેલીંગ બાદ દુશ્મનનું પાયદળ હુમલો કરશે, અને દુશ્મન ત્રાડ પાડીને અમારી તરફ આવે ત્યારે અમારે શું કરવું તેની હિદાયત આપી બીજા બંકરમાં જતા હતા. શેલીંગ બંધ પડ્યું અને દુશ્મને ‘ચાર્જ’ પોકાર્યો, તેઓ મશીનગનર પાસે રહી ફાયરીંગ કરતા રહ્યા. જ્યાં સુધી દુશ્મને પીછેહઠ ન કરી ત્યાં સુધી તેમની હાક “શાબાશ, ડટે રહો મેરે બચ્ચોં” અમને સંભળાતી હતી. એક પણ જવાને બંકર છોડ્યું નહિ. દુશ્મનના બીજા એસૉલ્ટ પહેલાં તેમણે કરેલા શેલીંગમાં બાબાના પેટમાં લોખંડની કરચ ઘુસી ગઇ અને લોહીલુહાણ થઇ ગયા. તેઓ મારા સહારે વાયરલેસના બંકરમાં ગયા અને ગુપ્ત કોડના દસ્તાવેજ બાળ્યા. તેઓ જાણી ગયા કે અંત સમય આવ્યો છે. બધા જવાનોને તેમણે છેલ્લા સત્ શ્રી અકાલ કહ્યા અને ઢળી પડ્યા. અમે મિલિટરીને જાણ કરી કે અમારા કમાંડર માર્યા ગયા છે અને ચોકીમાં ફક્ત ૧૪-૧૫ લડી શકે તેવા જવાન બાકી રહ્યા છે, ત્યારે તેમણે અમને ચોકી ખાલી કરવાનો હુકમ કર્યો. અમે બાબાને તથા શહીદ થયેલા જવાનોને ઉપાડી ગુપ્ત રસ્તે ચોકી છોડી ગયા. દુશ્મન અમારો પીછો કરી રહ્યો હતો તેથી અમે શેરડીના ખેતરમાં ગયા, ત્યાં બાબા તથા અન્ય શહીદોના શબ છુપાવ્યા. બીજા દિવસે દુશ્મનની હિલચાલ બંધ થતાં અમે તેમના સંસ્કાર કર્યા અને સૌનાં ફૂલ ક્વાર્ટરગાર્ડ (શસ્ત્રાગાર)માં રાખ્યા.” 
વાત અહીં પૂરી નહોતી થઇ.

લડાઇ સમાપ્ત થઇને બે મહિના થઇ ગયા હતા. એક દિવસ હું મોડો એટલે સવારે નવ વાગે ઑફીસમાં પહોંચ્યો
ત્યારે મારા કમરામાં બે વયોવૃદ્ધ પુરુષો બેઠા હતા. તેમાંના એકની ઉંમર તો લગભગ સોએક વર્ષ જેટલી લાગી. જાડા જાડા લેન્સના ચશ્માં, બોખલું મોઢું અને ચહેરા પર હજારો કરચલીઓ. મેં તેમને સત્ શ્રી અકાલ કહી અભિવાદન કર્યું. અમારા સાર્જન્ટ મેજર તેમની પાસે જ ઉભા હતા. તેમણે કહ્યું, “જનાબ, આ મહેરસિંહના બાપુજી અને કાકા છે. વહેલી સવારથી તમારી રાહ જોઇને બેઠા છે.”

મેં તેમને રાહ જોવડાવવા માટે તેમની માફી માગી અને તેમને ચ્હા વિશે પૂછતાં જ આ જૈફ પિતામહની આંખમાંથી પાણી વહેવા લાગ્યું. તેમના મુખેથી માંડ માંડ શબ્દો નીકળ્યા, “પુત્તર, મને મારા મહેરસિંહના ફૂલ આપ એટલે હું જઉં.” હું આગળ કંઇ કહું તે પહેલાં તેમના નાનાભાઇ – મહેરસિંહના કાકાએ કહ્યું, “સા’બ, તું દુ:ખી ન થઇશ. અમારે ઉતાવળ છે તેથી તરત નીકળવું પડશે,” કહી તેમણે જે વાત કરી તે સાંભળી હું ચકિત થઇ ગયો.

“ગઇ રાતે અઢી વાગે વીરજી (મોટાભાઇ)ના સપનામાં મહેરસિંહ આવ્યો અને એણે કહ્યું, ‘બાપુ, હું તો દેશ માટે શહીદ થઇ ગયો, પણ જ્યાં સુધી તું મારા ફૂલ હરીદ્વાર જઇ ગંગાનદીમાં નહિ પધરાવે, મને ગત નહિ મળે. બસ, તે ઘડીએ તેમણે મને જગાડ્યો અને બસ, ત્યારના અમે પગપાળા નીકળ્યા. વહેલી સવારની પહેલી બસ મળી તે લઈને અમે તારી પાસે આવ્યાં છીએ. હવે સીધા જઇશું..”

મહેરસિંહના બાપુ હવે થોડા સ્વસ્થ થયા હતા. ખોંખારો ખાઇ તેમણે કહ્યું, “દિકરા, પહેલી જંગ (ફર્સ્ટ વર્લ્ડ વૉર)માં હું સુબેદાર હતો. અમારા ખાનદાનની પરંપરા છે કે એક દિકરો તેના બાપની પલ્ટનમાં ભરતી થાય. મહેરસિંહ પહેલાં મારી શિખ રેજીમેન્ટમાં હતો અને ત્યાં સર્વિસ પૂરી કરી અહીં આવ્યો. તેનો સૌથી નાનો દિકરો સોળ વરસનો થયો છે, તેને તેના બાપની પલ્ટનમાં ભરતી થવું છે. આ માટે તેને ક્યાં મોકલું?”

એક જૈફ પિતા, જેણે હજી પુત્રના ફૂલ શાંત કર્યા નહોતાં તે પોતાના પૌત્રને એવી જ જોખમી ફૌજી નોકરી કરવા મોકલવા માગતો હતો. હું અવાક્ થઇને સાંભળતો રહ્યો. મિલિટરીની કડક વૃત્તિનો કૅપ્ટન હોવા છતાં મારી આંખોમાં ઝળઝળીયાં આવ્યા. મેં તેમને ટ્રેનીંગ સેન્ટરનું સરનામું લખી આપ્યું. બન્ને જણા મારી ઑફિસમાંથી બહાર નીકળ્યા.વરંડાની આંસુ હતા. ફર્શ પર તેમની લાકડીનો ‘ટપ ટપ’ અવાજ આવતો હતો. નજીકના અમારા પરેડના મેદાનમાં કવાયત કરતા સૈનિકોના ભારેખમ બૂટના ‘લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ’ અવાજ આવી રહ્યા હતા. 

મેં અવકાશમાં જોયું. મારી નજર સામે મહેરસિંહ હતા, જ્યારે તે મારી પાસે પહેલી વાર આવ્યા હતા. “બત્તી-ઉનન્જા, હવાલદાર મહેરસિંહ…”નો અવાજ જાણે ફરી એક વાર સાંભળવા મળશે.. 

તા.ક. પહેલી વાર નામ સાથે લેખ છપાયો હોવાથી મારી નવી નોકરીના સ્થાને કામ કરનાર ગુજરાતી સાથી બહેનોને અભિમાનપૂર્વક મારો લેખ બતાવ્યો: ‘અમે ગુજરાતી ભણીયા નથી. હેડીંગ વાંચી સભળાવો તો!’ મેં વાંચી સંભળાવ્યું ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો, “આ શાદત – કે સ્હાદત એટલે શું?”

2 thoughts on “શહાદતની પરંપરા – કેપ્ટન નરેન્દ્ર ફણસે

 1. “એક જૈફ પિતા, જેણે હજી પુત્રના ફૂલ શાંત કર્યા નહોતાં તે પોતાના પૌત્રને એવી જ જોખમી ફૌજી નોકરી કરવા મોકલવા માગતો હતો. હું અવાક્ થઇને સાંભળતો રહ્યો. મિલિટરીની કડક વૃત્તિનો કૅપ્ટન હોવા છતાં મારી આંખોમાં ઝળઝળીયાં આવ્યા. મેં તેમને ટ્રેનીંગ સેન્ટરનું સરનામું લખી આપ્યું. બન્ને જણા મારી ઑફિસમાંથી બહાર નીકળ્યા.”
  નરેંદ્રભાઈ, જ્યારથી આપની “જિપ્સીની ડાયરી” વાંચી છે, મારા માટે એક ગીતા સમાન થઈ ગઈ છે.
  જ્યાં શહાદતની, આવા અસંખ્ય વીર શહીદોની દાસ્તાં પાને પાને પોતાની ખુશ્બૂ વિખેરી રહી છે. એક જૈફ પિતા પોતાના પૌત્રને લશ્કરમાં ભરતી કરાવવા તૈયાર છે જ્યારે હાથમાં પુત્રના અસ્થિફુલ છે. એક સોળ વર્ષનો દિકરો પિતાની શહાદતની પરંપરા આગળ વધારવા તત્પર છે. ધન્ય છે એ ધરતીને અને એના સપૂતોને. કાવાદાવામાં રચ્યાંપચ્યાં રાજકારણીને આ ક્યારેય નહિ સમજાય. હું જિંદગીભરથી એક શિક્ષક છું, મને હમેશ થાય છે કે ભલે સહુ માતા પિતા પોતાના બાળકને સૈન્યમાં ભર્તી કરવા ન માંગે પણ દરેક શાળામાં દસમાં કે બારમાં ધોરણમાં ફરજિયાત એક વર્ષ લશકરમાં દાખલ થતાં જવાનોની ટ્રૈનીંગ જેવી ટ્રૈનીંગ તો આપવી જ જોઈએ. દેશની માનસિક સ્થિતિમાં, લોકોની વૈચારિક સ્થિતિમાં ઘણો ફરક પડશે. યુવા પેઢી માટે આ ખૂબ જરૂરી છે.
  http://www.smunshaw.wordpress.com

  Like

 2. –મા કેપ્ટન નરેન્દ્ર ફણસેનો ઘણા ઓછાને ખબર હોય તેવી માહિતીવાળો મીલીટરીના વાતાવરણમા
  બનેલી સત્ય ઘટના વિષે વારંવાર માણવા જેવો લેખ
  ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s