મદદ – વાર્તા – અનિલ ચાવડા


મદદ
અનિલ ચાવડા

સુરતમાં બોસના છોકરાના લગ્ન હતા. હજી છ મહિના પહેલાં જ તો સુરેશ નોકરીએ લાગ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં તે બોસનો માનીતો થઈ ગયો હતો. તેના પરફોમન્સથી બોસ ખૂબ ખુશ હતા. એટલા માટે જ તો તેને ખાસ અમદાવાદથી પરિવાર સહિત બોલાવ્યો હતો. બોસે તેને આટલું મહત્ત્વ આપ્યું તેનાથી તે ગદગદ થઈ ગયો હતો. વિચાર્યું હતું કે લગ્ન પતે એટલે બપોરે જમીને તરત નીકળી જઈશું. પણ ત્યાં તો એક માણસ આવ્યો અને કહ્યું કે, બોસે તમને સુરતની બ્રાન્ચમાં ઓફિસે આવવા કહ્યું છે. તે સુરતની ઓફિસ સંભાળતા હતા, એક ક્વેરી છે તમે છો તો હાથોહાથ પતી જાય. સુરેશથી ના ન પાડી શકાઈ. પત્ની અને દીકરીને ત્યાં જ મૂકી એ ઓફિસમાં કામ પતાવવા ગયો.

ઑફિસમાં ઘણો સમય જતો રહ્યો. પાછો આવ્યો ત્યાં સુધીમાં પ્તની અને દીકરી અકળાઈ ગયા હતા. પત્ની કોઈને ઓળખે નહીં, એકલી કોની સાથે વાત કરે? શું વાત કરે? વળી અનન્યા ઘડીક થાય ત્યાં જીદ કરે, મમ્મી આ લેવું, મમ્મી તે લેવું, ખાવું, રમવું… એને અજાણી જગ્યાએ ક્યાં ક્યાં લઈને ફરે. બાથરૂમ જવું હોય તોય શોધાશોધ, કઈ તરફ છે, ક્યાં છે?

“બસ હવે જઈએ જ છીએ.” સુરેશે સ્મિત કરવા કોશિશ કરી. લગભગ સાંજ તો સુરતમાં જ થવા આવી હતી. છેવટે બોસની રજા લઈને તે નીકળ્યો. માંડમાંડ એક ટ્રાવેલ્સ મળી, જેમતેમ બેઠા.

વળી આગળ જતાં ભરૂચ પાસે એટલો બધો ટ્રાફિક હતો કે વાત જવા દો. જલદી નીકળવાની લાહ્યમાં ડ્રાઇવરે રોંગ સાઇમાં લીધી તો પોલીસે પકડીને એક ખૂણામાં ઊભા રખાવી દીધા. લગભગ દોઢેક કલાક ત્યાં ઊભું રહેવું પડ્યું. ટ્રાફિક ક્લિયર થયો પછી નીકળ્યા. એટલું ઓછું હતું તે વડોદરાની આસપાસ કોઈ પોલીસવાળાએ રોક્યા. શેની માટે એ તો ખબર નથી, પણ અડધો-પોણો કલાક ત્યાં બગડ્યો. આમ કરતાં કરતાં લગભગ રાતે સાડા બારથી એક વાગ્યે નારોલ ચોકડી ઊતાર્યા. આ પણ એક બીજી રામાયણ, વાત એવી થઈ હતી કે પાલડી ઊતારશે. પણ હવે છેલ્લી ઘડીએ કહે છે કે સિટીમાં બસ નહીં જાય. અહીંથી નરોડા તરફ જશે. સુરેશને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ ઝઘડાનો કોઈ અર્થ નહોતો. તેની જેવા ઘણા હતા. થયું કે ગીતામંદિર સુધી ટ્રાવેલ્સ જાત તોય સારું હતું કે ત્યાંથી કોઈ રિક્ષા-બિક્ષા મળી જાત. જોકે ત્યાંથી થલતેજ નજીક તો નહોતું, પણ તે એરિયા સેફ તો ખરો. રાતે પબ્લિક ઘણી હોય, બૈરી-છોકરા સાથે હોય તોય ચિંતા નહીં. આ નારોલ જેવા વિસ્તારમાં અડધી રાતે, પત્ની અને દીકરી સાથે. વળી લગ્નમાંથી આવતા હોઈએ. પત્નીએ ઘરેણાં પહેર્યાં હોય, એનીય બીક.

ખેર, પરાણે નારોલ ઊતર્યા. સદભાગ્યે ઉતરતાની સાથે જ એક રિક્ષા દેખાઈ. રિક્ષાવાળો ભાઈ ચા પી રહ્યો હતો. પાછળની સીટમાં એક બાઈ બેઠી હતી. તે બેઠીબેઠી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. સુરેશ ઉતવાળો રિક્ષાવાળા પાસે ગયો, પૂછ્યું, “થલતેજ આવશો?” એણે કહ્યું. “નહિં અપુન તો ગોતા જાતા હૈ, બીચ મેં કહીં ઉતર જાના.”

“ભાઈ, થલતેજ તક છોડ દો ના. પ્લીજ ઇતની મદદ કર દો. રાત મેં બીવી બચ્ચે સાથ હૈ. કહાં ભટકે.” સુરેશે બાજુમાં ઊભેલાં ધારા અને અનન્યા સામે આંગળી ચીંધી. અનન્યા તો ધારાના ખભા પર જ ઊંઘી ગઈ હતી. રિક્ષામાં ફોન પર વાત કરતી પેલી બાઈએ ધારા સામે ધ્યાનથી જોયું. પછી અનન્યાને પણ એટલી જ ધ્યાનથી જોઈ. બોલી, “ઈસ કી મદદ કર દેતે હૈ, ફિર વહાં સે સીધે ચલે જાવેંગે.”

થેન્ક્યું.

“અચ્છા, દેઢસો રૂપિયા લૂંગા સાબ.”

“કોઈ બાત નહીં ભાઈ.” સુરેશને થયું, આ તો સસ્તામાં પત્યું. આટલી રાતે દોઢસોમાં નારોલથી થલતેજ ઘર સુધી કોણ મૂકવા આવે?

“થલતેજ કહાં જાના હૈ સાબ?”

“પાણીની ટાંકીની પાછળ. ગામમાં.” એણે અનન્યાને પોતાના ખોળામાં લીધી. થેલો પાછળ મૂક્યો. અંદર બાઈ બેઠી હતી જે થોડી વધારે અંદર ધસી. અને રિક્ષાવાળાએ રિક્ષા મારી મૂકી.

આ બધું એટલી ઝડપી થઈ ગયું કે ખબર જ ન રહી. રિક્ષામાં બેઠા પછી અમુક વાતો ધીમેધીમે સમજાવા લાગી. રિક્ષામાં બેસેલી પેલી બાઈ, રિક્ષાવાળાની પત્ની જણાતી હતી. ફોન પર વાત કરતી વખતે તે વારંવાર પોતાના પતિને કશુંક પૂછી રહી હતી. પણ તે જે ભાષા બોલતી હતી તે સુરેશને સમજવામાં મુશ્કેલી પડતી હતી. ધારાને તો પલ્લે જ પડતી નહોતી. કેમકે તે છારા ભાષામાં બોલતી હતી. છારા લોકો અમદાવાદમાં ચોરી, લૂંટફાટ, મારફાડ માટે કુખ્યાત હતા. સુરેશના અમુક છારા મિત્રો હતા, જેના લીધે તેને આ ભાષા થોડીઘણી સમજાતી. પેલી બાઈ લગભગ એવી કશીક વાત કરી રહી હતી કે, વસ્તુ આવી ગઈ છે, અમે લઈને નીકળી ગયા છીએ અને કાલે મોડાસા પહોંચાડી દઈશું.

રિક્ષામાંથી દારૂની ખૂબ ગંધ આવતી હતી. તેના લીધે ધારાનો ગુસ્સો સાતમા આસમાને હતો. પણ કદાચ અડધી રાતે તે સુરેશ પર અકળામણ ઠાલવવા માગતી નહોતી. સુરેશે ધ્યાનથી જોયું તો દેખાવે પણ બંને ખૂબ ભેદી લાગતાં હતાં. સાવધાન ઇન્ડિયામાં આવતા ગુનેનારો જેવા જ! તેને થોડી ફડક પેઠી. તેણે પૂછ્યું, “કહાં રહતે હો ભાઈ?”

“મય ગોતા મેં રેતા સાબ. થલતેજ સે આગે…”

“અચ્છા,…”

“પર અપુન રાતમેંચ ધંધા કરતા. અપુન કો પ્રાઇવેટ ફેરેમેંચ રસ હૈ સાબ, શટલ કે ફેરે બિલકુલ મારનેકા નૈં. અપુન કો વો ફાતાચ નૈં.”

સુરેશને ગઈ કાલે લગ્નમાં તેના મિત્રએ કહેલો અનુભવ યાદ આવી ગયો. સમીર નામનો એ મિત્ર, વર્ષો પહેલાં અમદાવાદ ભણતો હતો. ત્યારે દિવાળીના વેકેશન પછી ફરી અમદાવાદમાં આવ્યો. કાલુપુરથી તેણે સ્પેશ્યલ રિક્ષા કરી. રાતનો સમય હતો. રિક્ષાવાળાએ વચ્ચેથી એકબે માણસોને પણ પેસેન્જર તરીકે બેસાડ્યા. એક બાઈ પણ બેઠી હતી. કાલુપુરથી નીકળીને રિક્ષા પાલડી બ્રિજ પાસે આવી અને અચાનક બ્રિજ નીચે જઈ ઊભી રહી ગઈ. તે સાથે જ તેની બંને બાજુ બેસેલા માણસોએ તેને ભીંસીને પકડી લીધો. પેલી બાઈ એક તરફ ઊભી રહી. રિક્ષાવાળાએ ધારદાર છરી કાઢી, કહ્યું, “જે હોય તે આપી દે નહીંતર આ છરી તારી સગી નહીં થાય.” વચ્ચેથી પેસેન્જર તરીકે બેસેલા માણસો પણ રિક્ષાવાળાના જ માણસો હતા. બધા આ કાવતરામાં ભળેલા હતા. પેલા બંનેએ તેને ખેંચીને રિક્ષાની બહાર કાઢ્યો. પેલી બાઈ સમીરનો થેલો ફેંદવા લાગી, પણ કપડાં અને ચોપડા સિવાય કંઈ ખાસ મળ્યું નહીં.

એક માણસે સમીરને ફેંટ મારીને ખિસ્સામાંથી પાકીટ આંચકી લીધું. તેમાં બારસોએક રૂપિયા હતા તે કાઢી લીધા. પછી કહ્યું, “બીજા હોય તે કાઢ.”

સમીર બોલ્યો, “આટલા જ છે.”

“ચલ કાઢ…” પેલાએ કડક અવાજે કહ્યું.

પેલી બાઈએ થેલો ઊંધોચતો કરી નાખ્યો. બોલી, કંઈ નથી.

બીજા બે જણા ખિસ્સા ફેંદવા લાગ્યા, સમીરે જોરથી ધક્કો માર્યો એ દરમિયાન પેલાએ સામે છરી ઉગામી તે સાથળમાં ઘૂસી ગઈ. લસોહીનો ફુવારો છૂટ્યો. પણ હિંમત કરીને તે ત્યાંથી ભાગ્યો. કેમકે કોલેજની ફી, રૂમનું ભાડું, જમવાની વીસીના રૂપિયા અને બીજા ખર્ચા પેટે વીસ હજાર રૂપિયા તેના પેન્ટના ચોરખિસ્સામાં હતા.

છરી વાગી હોવા છતાં તેની દોડવામાં ઝડપ સારી હતી. પેલા માણસો પાછળ પડ્યા, તોય તે ઝડપથી દોડીને મુખ્ય રોડ પર આવી ગયો. સામેથી એકાદ-બે વાહનો આવતાં જોઈને રિક્ષાવાળાએ બીજી તરફ રિક્ષા વાળી લીધી અને ભાગી ગયા. સમીર દોડાદોડ પોલીસ સ્ટેશને ગયો. તેણે પોલીસને આખી બીના કહી. પોલીસ તરત ગાડી લઈને તેની સાથે આવી, પણ ત્યાં સુધી પેલા બધા રફુચક્કર થઈ ગયા હતા.

આખો કિસ્સો સાંભરતા જ સુરેશના મનમાં ફાળ પડી. ધારા અને અનન્યા સાથે હતાં. ધારાએ થોડાં ઘરેણાં પણ પહેર્યાં હતાં. અંધારું રાતને વધારે ઘેરી બનાવતું હતું. વળી ઘર ખાસ્સું દૂર હતું. માંડ ક્યાંક છૂટા-છવાટાં વાહનો આવતાં-જતાં હતાં. કોઈ વાહન બાજુમાંથી નીકળી કે સામેથી આવતું દેખાય તો જીવમાં જીવ આવતો.

“સાબ, ક્યાં સોચ રિયેલે?”

સુરેશ અચાનક તંદ્રામાંથી બહાર આવ્યો.

“અપને તરીકે સે રિક્ષા કો લે લું? સિટી મેં સે જાને કે બદલે સીધે બાયપાસ સરખેજ સે લે લેતાં હૂં.” પોતાની રીતે બાયપાસથી લેવાની વાત કરતા સુરેશને વધારે ફડક પેઠી. તેણે કહ્યું, “ઉસસે બહેતર યે હૈ કી અંજલિ ચાર રસ્તે સે લે લો. વો જ્યાદા શોર્ટ પડેગા. વહાં સે આગે જા કે લેફ્ટ લે લેના. શ્યામલ આ જાયેગા. વહાં સે સીધા એસજી હાઈવે. છેક સરખેજ તક રાઉન્ડ લગાને કી જરૂર હી નહીં. એસજી હાઈવે સે તો થલતેજ સીધા હી હૈ. વહાં સે આપ ભી ગોતા ચલે જાના.”

“આપને રાસ્તા દેખા હૈ ના, તો કોઈ ઝંઝટ નહીં, અપુન કો બતાતે રેના કહાં સે ટર્ન લેના હૈ.”

વચ્ચેવચ્ચે એ વારંવાર તેની પત્ની સાથે વાતો કરતો, પણ સુરેશ નહોતો ઇચ્છતો કે એ આ રીતે વાતો કર્યા કરે. તેને તેમાં જુદા પ્લાનની ગંધ આવ્યા કરતી. વળી તેની પત્ની ત્રાંસી આંખે ધારા અને અનન્યા સામે જોયા કરતી હતી.

“આપ જો ભાષા બોલતે હો વો છારા ભાષા હૈ?”

“હા, સાબ. જૂઠ ક્યોં બોલના, પર છારા બોત બદનામ હૈ. પૂરે શેર મેં. દારુ કે ધંધે મેં, ચોરી કે ધંધે મેં. મટકે કે ધંધે મેં. છારે બોત હૈ. પન અપુન દારૂબારૂ નહીં પીને કા. કામ સે મતલબ રખને કા. અવળે ધંધે નહીં કરને કા….” આવું તેવું બોલતો હતો, ત્યાં જ રસ્તામાં બમ્પ આવ્યો, વાતમાં ને વાતમાં રિક્ષા ધીમી પાડવાનું ભૂલી ગયો અને રિક્ષા ઊછળી. તેની સીટમાંથી એક કાચનો ગ્લાસ નીચે પડી ફૂટી ગયો. અવાજ થતા જ ધારા પણ જોવા લાગી કે શું પડ્યું. રિક્ષાવાળો ચમક્યો, તરત હસીને બોલ્યો, “અરે યાર વો ચાય વાલેકુ યહાં ચાય પીને કે બાદ પ્યાલી દેના હીચ ભૂલ ગિયા.”

“હા, પર આપ દારૂ કી બાત કર રહે થે ઉસી વક્ત ગિલાસ કા ગિરના બહુત ડેન્જર લગા.” સુરેશે કહ્યું.

એ હસવા લાગ્યો બોલો, “ક્યા સાબ આપી ભી.” 

“મેરે છારા મેં થોડે દોસ્ત હે, જયમીન ઘમંડે, પ્રોક્સી બજરંગે, અમર ઘમંડે, આશિષ ગાગડેકર…”

“વો તો સબ કુબેરનગર વાલે હે સાબ. અબ તો છારે આગે આ ગયે હૈ, પહેલે જેસા નહીં હૈ. પુલીસ ભી અબ ધંધા નહીં કરને દેતી. ખાવે તો ક્યાં ખાવે. પહલે તો એક દિન મેં કોઈ ભી છારા હજાર દો હજાર આરામ સે કમા લેતા થા દારૂ મેં, અબ નહીં હોતા. અબ તો બહોત સંભલ કે ચલના પડતા હૈ સાબ.”

પોલીસની રેડ પડવી, દારૂનો સોદો પાડવો, ચોરી કરવા જવું, કાયદાની ચુંગાલમાંથી કેવી રીતે બચવું, કઈ રીતે ધાડ પાડવી, રિક્ષામાં પેસેન્જર સાથેની છેતરપીંડી, લૂંટફાટ વગેરે વિશે એટલી બધી વાતો થઈ કે ધારા શંકાથી સુરેશ સામે જોઈ રહી.

ત્યાં થલતેજ ટાંકી આવી. “બસ હમકો યહાં ઉતાર દો ભાઈ.”

“હા સાબ.” કહી તેણે રિક્ષા ઊભી રાખી. સુરેશ પૈસા આપ્યા, “નહીં સાબ. મેં પૈસે નહીં લે શકતા.”

 “પણ કેમ?”

“જૂઠ નહીં બોલતા સાબ. લેકિન આપકી વજહ સે મેરા માલ ઘર તક પોચેગા. મેરી બેટી આપકી બેટી કી જીતની હીચ હૈ, ઉનકે ગાલ પર ભી તલ હૈ, જૈસે આપકી બેટી કે ગાલ પર હૈ. ઉનકી દાઢી મેં ભી આપી કે બેટી કે દાઢી કે જેસા હીચ ખાડા પડતા હૈ. ઉનકો દેખા તો મેરી બેટી આંખ સે સામને આ ગઈ. અભી ઉનકો કેન્સર હૈ સાબ. દવાખાને મેં હૈ વો. કીતના જીવેગી વો તો પતા નહીં, પર આપકી બેટી કો દેખા તો લગા કી યે તો અપુનહીચ કી બેટી હય. યે પૈસા મેરી બેટી કો દે દેના.” તેણે પૈસા સૂતેલી અનન્યાના હાથમાં પકડાવ્યા.

“મેરી બેટી કે ઓપરેશન કે લિયેચ સાબ અપુન ને યે દારુ કા ધંધા ફિર સે ચાલુ કિયા. બાકી અપુનને છોડ દિયા થા. આપ ભગવાન કે માણસ લગતે હો અપુન કો. મેરી બૈસી સાબિત હૈ, અક્ષર ભી જૂઠ નહીં ઇસ મેં. મેરી નેસી બિલકુલ આપકી બેટી કી તરહીચ દિખતી, નૈ જિયરી?”

જિયરી હજી પણ ટીકીટીકીને મારી દીકરી સામે જોઈ રહી હતી. હવે મને તેના આમ ધારીને જોવા પાછળનું થોડું રહસ્ય સમજાયું.

“બીવી ને બોલા કે યે દારુ કા ધંધા છોડ કે અચ્છા નેકી કા ધંધા કરના, ફીર બેટી હુઈ. બહોત નેકી સે ચલા સાબ, બોત. મર જાવે, પણ ખરાબ કામ કો હાથ ના લગાવે. પર બેટી કે ખરચે કે લિયે યે કરના હીચ પડા. મેરી બીવીને હી બોલા કી સિર્ફ નેસી કે લિયે યે કર દો. ઉસી ને છુડાયા, ઉસીને પકડવાયા યે ધંધા. ક્યાં કરે સાબ?”

તેની પત્નીની આંખમાંથી આંસુ રેલો થઈને વહી નીકળ્યું. તેણે આંસુ લૂછ્યાં.

“બોત દેર હો ગઈ હૈ સાબ. આપ ઘર જાઈએ. મેરી રિક્ષા મેં માલ ભરા હૈ. કોઈ રોકેગા તો તકલીફ હોગી. બચ્ચે લોગ ઔર ઓરતલોગ બૈઠે હોવે તો પોલીસ બોત ચકાસતી નહીં હૈ સાબ. યહાં તક પહૂંચાને મેં આપને ભી મદદ કી હૈ. મેરી બેટી કો અચ્છી તરહ સે રખના.” પોતાની દીકરી અમને સોંપતો હોય તેવા ભાવથી તે બોલ્યો અને રિક્ષા મારી મૂકી.

3 thoughts on “મદદ – વાર્તા – અનિલ ચાવડા

 1. અનિલભાઈની વાર્તા મદદ ખરેખર માનવતાની સુવાસ ફેલાવતી વાર્તા છે. કહેવાય છે કે અમુક કોમની મથરાવટી મેલી હોય છે, કોઈ એમનો વિશ્વાસ ઝટ ના કરે, પણ કમળ તો કાદવમાં જ ખીલે છે તેમ બુરાઈ વચ્ચે ભલા માણસો પણ મળતાં જ હોય છે.
  ગઝલની જેમ વાર્તામાં પણ અનિલભાઈની કલમનો કસબ જોવા મળે છે.
  http://www.smunshaw.wordpress.com

  Liked by 1 person

 2. અનિલ ચાવડાની સ રસ વાર્તા મદદ
  છારા જેવી ગુનાહ માટે પંકાયેલી કોમમા પણ દયાભાવ હોય તેની સુંદર વાત

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s