શ્રીમદ ભાગવત માહાત્મ્ય -ભાગવત કથા – જયશ્રી વિનુ મરચંટ


ચોથો અધ્યાય – ગોકર્ણ કથા – ઉપાખ્યાન

(આજની કથા ક્રમશઃ રહેશે અને આવતી કાલે આ અધ્યાયનો બીજો બાકીનો ભાગ મૂકાશે)

(આગલા અધ્યાય (સ્કંધ પહેલો, અધ્યાય ત્રીજો) નો સંદર્ભઃ

સ્કંધ ત્રીજો, અધ્યાય ત્રીજામાં વાંચ્યું કે કઈ રીતે નારદજીને સનકાદિ મુનિઓની સહાય અને માર્ગદર્શનથી ભક્તિના દુખનું નિવારણ કરવા ભાગવત કથાનું આયોજન કરે છે અને ભાગવત મહાત્મ્યથી કથાનો પ્રારંભ કરે છે. ભાગવત મહાત્મ્ય સાંભળતાં જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં નવયૌવન જાગે છે અને ભક્તિ સનકાદિમુનિઓને કહે છે કે એમની કૃપાથી આ નજીવનનો સંચાર એનામાં અને એના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્યમાં થયો છે. એમની આજ્ઞાથી કળિયુગમાં હંમેશાં સહુ ભક્તોના હ્રદયમાં ભક્તિ એના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિવાસ અવશ્ય કરશે. સનકાદિમુનિઓની આજ્ઞાથી કળિયુગનો પ્રભાવ જેના હ્રદયમાં ભક્તિ એના સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય સાથે રહેતી હશે, એના પર કદી નહીં પડે. આમ જેમના અંતરઆત્મામાં શ્રી હરિની ભક્તિ વિરાજમાન છે તેઓનો જન્મારો સફળ થાય છે. કારણ કે આ ભક્તિને તાંતણે તો સ્વયં નારાયણ બંધાયેલા છે. હવે આગળ ગોકર્ણ ઉપાખ્યાન આગળ ચોથા અધ્યાયમાં વાંચો.)

સૂતજી આગળ કહે છેઃ એક સમયે આમ જ ભાગવત કથા થઈ રહી હતી. ત્યાં હાજર રહેલાં સર્વે ભક્તોમાં ભક્તિનો નિવાસ થયેલો જોઈને શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં પધાર્યા. તેમના સ્વરૂપનું વર્ણન કરવું જ શું? એમના ગળામાં વનમાળા શોભતી હતી. એમણે રેશમી પીતાંબર પહેર્યું હતું. એમનો કટિપ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાવેલો માથા પર મોરમુકુટ શોભતો હતો. અને હોઠો પર મધુરી વાંસળી હતી. મોહનનું આ મોહક સ્વરૂપ તો સમયથી પર છે અને અત્યંત મોહક છે. એમનું આ સ્વરૂપ ભાગવતમાં વારંવાર આવે છે કારણ કે આ મોહક રૂપ કથામાં તન્મય થવા માટે પ્રેરિત કરે છે.

હવે સનકાદિમુનિઓ ગોકર્ણની પ્રાચીન ઐતિહાસિક કથાનો આરંભ કરે છે.

સનકાદિમુનિઓ કથા કહે છેઃ

પ્રાચીન કાળમાં તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર નગરમાં, આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ વેદ-વેદાંતનો પ્રકાંડ પંડિત હતો અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. તેના પર લક્ષ્મી અને સરસ્વતી બેઉની કૃપા હતી. તેની પત્ની ધુંધુલી દેખાવડી હતી અને જિદ્દી પણ હતી. ઘરમાં ધનની કમી નહોતી, પતિનો પ્રેમ પણ ખૂબ હતો અને પોતે પણ સારા ઘરમાં ઉછેર પામી હતી છતાં પણ તે શંકાશીલ, કંજૂસ અને કજિયાખોર હતી. વખત વિતતો ગયો અને ઉંમર વધતી ગઈ પણ હજી સુધી એમને એક પણ સંતાન નહતું થયું. એમણે સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ, દાન, દક્ષિણા બધું જ કર્યું પણ સંતાન પ્રાપ્તિ થઈ નહીં. આત્મદેવ ખૂબ વ્યથિત રહેતો હતો. એક દિવસ એ ઘર છોડીને વનમાં ગયો. ત્યાં તેને તરસ લાગી. તેથી તે એક તળાવ પાસે ગયો અને થાકને કારણે પાણી પીધાં પછી પણ ત્યાં જ બેઠો રહ્યો. તે બહુ થાકેલો અને દુઃખી હતો. એટલામાં ત્યાં તળાવ પાસે એક સંન્યાસી મહાત્મા આવ્યા અને પાણી પીવા લાગ્યા. આત્મદેવે જોયું કે મહાત્માએ પાણી પી લીધું હતું. એ ત્યાં ગયો અને એ સંન્યાસીના ચરણોમાં પડીને રડવા માંડ્યો.

સન્યાસીએ પૂછ્યું, “હે વિપ્ર, તુ કેમ આમ રડે છે? તારા દુઃખનું કારણ બતાવ કે તને શું મુસીબત છે?

આત્મદેવ બ્રાહ્મણે કહ્યું, “મહારાજ, ન જાણે શેને લીધે પણ મારા ઘરમાં સંતાન નથી. પૂર્વજન્મોનાં આ પાપ હશે એમ માની એનું શમન કરાવ્યુ. પિતૃઓના અતૃપ્ત આત્માની શાંતિ પણ કરાવી પણ અમને પુત્ર કે પુત્રી કંઈ ન મળ્યું. અમારા ઘરમાં જે ગાય પાળીએ છીએ તે વાંઝણી બની જાય છે અને વાવેલાં વૃક્ષોને પણ ફળ-ફૂલ આવતાં નથી. હું અભાગિયો અને સંતાનહીન    

જીવીને ય શું કરું? આમ સંતાનહીન હું રહીશ તો મર્યા પછી મારા જીવને ગતિ પણ નહીં મળે. અને સાચું કહું તો લોકોના મેણાં પણ હવે તો તીરની જેમ વાગે છે, સ્વામીજી!” આમ કહીને તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડ્યો.

આ જોઈને સ્વામીજીને એના પર ખૂબ કરૂણા ઉપજી અને એમણે બે પળ આંખ મીંચી. પછી અત્યંત પ્રેમાળ મુખમુદ્રાથી કહ્યું, કે, “હે વિપ્ર, સંતાનપ્રાપ્તિનો મોહ અને વાસના છોડી દે. મેં મારા યોગબળે તારું સાત જન્મો સુધીનું ભાગ્ય જોઈ લીધું છે. તારા નસીબમાં સાત જન્મો સુધી કોઇ પણ સંતાન યોગ નથી. તું પરાણે સંતાન પ્રાપ્તિની જીદ છોડી દે. તુ હવે ખોટી જીદ મૂકીને તારું મન સંન્યાસમાં પરોવ. વિવેક એમાં જ છે અને એમાં જ તારું કલ્યાણ છે.” પણ આત્મદેવે એની જીદ પકડી જ રાખી. એ બોલ્યો, “મહાત્મા, વિવેકથી કંઈ મારો વંશ ચાલશે નહીં. શું દૈવની સામે લડવાનું નહીં અને નસીબમાં આ જ છે એ સ્વીકારી લેવાનું? ના, મને એ મંજૂર નથી. તમે કંઈ પણ કરો અને ગમે તેમ કરીને પણ મને સંતાનનું સુખ આપો નહિતર હું મારો પ્રાણ આપના ચરણોમાં જ ત્યાગીશ.” એ તપોધન મહાત્માએ એને સમજાવવાનો એક છેલ્લો પ્રયત્ન પણ કરી જોયો, એ બોલ્યા, “બેટા, હંમણાં તું જીદે ચડેલા નાના બાળ જેમ વર્તી રહ્યો છે. પ્રારબ્ધની સામે પુરુષાર્થ અને શાસ્ત્રોથી લડવું જોઈએ. તું જે માગી રહ્યો છે તે ચમત્કાર માગી રહ્યો છે. જે વિધાતાએ તારા નસીબમાં નથી લખ્યું તે તું ઔષધિ અને અનુષ્ઠાનથી પ્રાપ્ત કરે તો એ તારું થશે પણ વરદાનો આ રીતે ફળીને પણ ફળતાં નથી. ભગવાન શિવનું વરદાન દસમાથાળા રાવણને પણ નહોતું ફળ્યું અને રામે એનો વધ કર્યો. દૈવની સામે, મહેનત કર્યા વિના, શુદ્ધ આચાર વિચાર રાખ્યા વિના અને ખોટાં કારણોને લઈને પડો તો વરદાન તો મળી જાય, પણ એનું ફળ ભાગ્યમાં નથી રહેતું. આવી પરિસ્થિતિમાં દૈવની સામે પડવા પછી દેવે જ કંઈ કરવું પડે છે. તુ બરાબર વિચારી લે.”   

બ્રાહ્મણે કહ્યું, “મેં વિચારી લીધું. હવે તો જે થાય તે ભલે, પણ મને તો દિકરો જોઈએ જ જોઈએ. મારા પર કૃપા કરો મહારાજ.”

મહાત્માએ એક ફળ આપ્યું અને એને કહ્યું, “ઠીક છે. તારો આટલો દુરાગ્રહ છે તો લે, આ ફળ. તારી પત્નીને ખાવા માટે આપજે. પણ એક શરત છે. તારી પત્નીએ એક વર્ષ સુધી સત્ય, શુચિતા, દયા, દાન અને પ્રાર્થના કરવી પડશે. જો આમ નહીં કરે તો બાળક નિર્મળ નહીં થાય.”

આમ આશિર્વાદ આપીને યોગી તો ચાલ્યા ગયા. આત્મદેવે ઘરે આવીને પોતાની પત્નીને બધી વાત કરી અને ફળ આપ્યું ફળ ખાઈને એક વર્ષ સુધી, દયા, દાન, પ્રાર્થના અને ધર્મનું આચરણ કરવાનું કહ્યું.

 એની પત્ની ધુંધુલીએ મનોમન નક્કી કરી લીધું કે આમ ૧૨ મહિના સુધી આટલી શુદ્ધિ જાળવી એ એનું કમ નહોતું. એને થતું હતું કે જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને નવજાત બાળકનું લાલન-પાલન કરવામાં અતિશય કષ્ટ પદે છે. ધુંધુલી સ્વભાવે જ શંકાશીલ અને કજીયાખોર હતી. એને આત્મદેવની વાત પર પૂરો ભરોસો નહોતો બેઠો.

એકવાર આત્મદેવે એની પત્નીને પૂછ્યું, “તેં ફળ ખાધું હતું? અને, મહાત્માએ જેમ કહ્યું છે તેમ વ્રત પાળે છે ને?”

ધુંધુલીએ હા તો પાડી દીધી પણ પોતે દ્વિધામાં પડી કે હવે કરવું શું. ફળ ખાઈને પણ ગર્ભ ન રહ્યો તો આત્મદેવને જરૂર સંશય થશે. એ આમ વિચારો કરી રહી હતી કે, આ દરમિયાન જ, એ ગામમાં જ રહેતી એની બહેન એના ઘરે મળવા માટે આવી. ત્યારે એણે પોતાની સગી બહેનને આ વાત કરી. એની બહેને તોડ આપ્યો કે “જો, મને હંમણાં જ ગર્ભ રહ્યો છે. જેવો એનો પ્રસવ થશે કે તરત જ હું તને એ બાળક આપી દઈશ અને બધાંને કહી દઈશ કે મારું બાળક મરેલું જન્મ્યું હતું. આપણે એક જ ગામમાં છીએ બહેન, તો હું તારા બાળકની સેવા કરવા છ મહિના તારી પાસે આવતી રહીશ જેથી મારું દૂધ હું એને પીવડાવી શકું. તારી પાસે તો પૈસાની રેલમછેલ છે. બદલામાં તું અમને થોડા પૈસા ને દાગીના આપી દઈશ તો મારા પતિ પણ રાજી થઈ જશે અને કશું જ કોઈને નહીં કહે. ત્યાં સુધી તને ગર્ભ રહ્યો છે એવો અભિનય તું કરતી રહેજે.”

ધુંધુલી બોલી, ”પણ, આ ફળનું શું કરું?”

એની બહેને કહ્યું, “તું એ ફળ તારી ગાયને ખવડાવી દે.”

ધુંધુલીએ પોતાના સ્વભાવગત, એની બહેને કહ્યું હતું એમ જ કર્યુ. એણે એ ફળ ગાયને ખવડાવી દીધું

 ત્યાર પછી ધુંધુલી પોતે સગર્ભા છે એવો અભિનય કરતી રહી. પતિને પણ મહાત્માએ કહ્યું હતું એમ એ શુદ્ધિના નિયમો, દયા, દાન, તપ અને સંયમ પાળે છે એવું કહી દીધું. જે દિવસે એની બહેનને પુત્ર જન્મ્યો તે જ રાતે, ધુંધુલીએ પણ પોતાને પુત્ર જન્મ્યો છે એવું કહ્યું. આત્મદેવ કથા વાંચવા બીજે ગામ હતા. પુત્રજન્મના સમાચારે તેમને આનંદ વિભોર કરી દીધા. પાછા આવીને તેમણે પુત્રના જાતકર્મ-સંસ્કાર અને નામકરણ સંસ્કાર કર્યા. સર્વે માંગલિક ક્રિયાઓ પણ કરી અને સર્વે દાન ધર્મ પણ કર્યા. આત્મદેવ ઘડી ઘડી મનોમન એ મહાત્મા સંન્યાસીને વંદન કરી રહ્યો હતો.

(ક્રમશઃ – વધુ આવતી કાલે)

1 thought on “શ્રીમદ ભાગવત માહાત્મ્ય -ભાગવત કથા – જયશ્રી વિનુ મરચંટ

  1. ચોથો અધ્યાય – ગોકર્ણ કથા – ઉપાખ્યાનના અધ્યાયના અર્ધા ભાગની કથા માણી
    રાહ બાકીની કથાની

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s