“વાત તારી ને મારી છે!” – જયશ્રી વિનુ મરચંટના ગઝલસંગ્રહનું વિવેચન- સપના વિજાપુરા


બે એરિયામાં કવયિત્રી જયશ્રીબેન વિનુ મરચંટથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે!! જયશ્રીબેનનાં બે સંગ્રહ ડિસેમ્બરમાં પ્રકાશિત થયાં!!  ‘વાત તારી ને મારી ‘ અને ‘લીલોછમ ટહુકો’, અનુક્રમે, એક ગઝલ સંગ્રહ છે અને એક કાવ્ય અને ગીત સંગ્રહ. ઈમેજ પબ્લીકેશન દ્વારા પ્રકાશિત આ બન્ને સંગ્રહ દિલને લોભાવનારા અને લીલાછમ રંગોથી રંગાયેલા છે. આજે મારે વાત કરવી છે, એમના ગઝલસંગ્રહ ”વાત તારી ને મારી” ની. વિનુ મરચંટને અર્પણ થયેલા આ સંગ્રહમાં ખરેખર વાત વ્યક્તિગત રીતે માત્ર જયશ્રીબેન અને વિનુભાઈની જ નથી, પરંતુ, આ સંગ્રહની ગઝલોમાં જિંદગીની સફરમાં બનતા અલગઅલગ રિશ્તાની વાત પણ પ્રેમસંબંધની વાત સાથે કરી છે. આ સફરમાં એમના આદ્ર હ્રદયમાંથી નીકળેલી અનેક પંક્તિઓમાં આ સંબંધોની સફળતા, વિફળતા, નૈરાશ્ય અને આશાવાદી અભિગમો થકી પરમતત્વ સુધી પહોંચવાના પ્રયાસની ઝાંખી મળે છે. આ શેર બખૂબી પ્રિયતમની સૂક્ષ્મ હાજરીની પ્રતીતિ કરાવે છે.

“નામ લઈ એમનું લ્યો જુઓ શું ય હું ગઈ કરી

 ઝાંઝવાના હતાં સાગરો એ ય હું ગઈ તરી”

બે પંક્તિમાં જયશ્રીબેન આખા સંગ્રહનો નિચોડ કહી બતાવે છે. આમ તો સ્થૂળ સ્વરૂપે એમ જ લાગે કે એમના પ્રિયતમ અને પતિ વિનુભાઈની આસપાસ એમનું વર્તુળ ફરે છે અને એ ધરી છે. પણ, એ ઊંડાણમાં ઊતરતાં સમજાય છે કે વિખૂટા પડેલા સાથીનું નામ પણ કપરા કામો અને વસમા સમયનો દરિયો પાર કરવા માટે કાફી છે. અરે, ઝાંઝવામાં પણ તરી જવાની શક્તિ નામ માંથી જ મળે છે. અહીં એક ક્ષણ યાદ આવે છે, રામનું નામ લઈને હનુમાનજીએ પુલ બાંધેલ. કદાચ, સપના આમ જ પૂરાં થતાં હશે! પ્રિયતમના અચાનક જવાથી કવયિત્રીની ગઝલમાં વિરહિણીની વેદના અનુભવાય છે. વિરહિણીનો છટપટાટ દરેક શેરમાં વર્તાય છે. ત્યારે કદાચ આવો કોઈ શેર બની જાય છે.

“હાથનું  છૂટવું આમ  મેળા  મહીં,

શોધું છું આપને, યાદ આવો તમે!”

આ હરપળની વેદના, યાદ, વ્યથાના વલોણામાંથી જ ગઝલનું નવનીત બને છે.

ગઝલ બનવી ક્યાં સહેલી છે? જ્યારે કોઈ તીર આરપાર ઊતરે ત્યારે બને ગઝલ! હ્રદયને કાગળ ઉપર ઠાલવવું ક્યાં સહેલું છે? શાયરી નું વળગણ પણ પ્રેમનાં જેવું જ છે. ઘણીવાર શાયરી એ જ જીવવાનું કારણ બની જાય છે!

ગઝલની ભાષામાં જ કવયિત્રી કહે છે કે         

“કાફિયા વિણના રદીફો સમ ફરે છે 

અંગમાં યાદો સતત બહુ વિસ્તરે છે!”

યાદનું તો એવું જ… હ્રદયમાંથી અંગમાં વિસ્તરી જાય છે યાદો, અને એ પણ કાફિયા વગરના રદીફો સમ! કાફિયા વિણના રદીફની કોઈ કિંમત નથી. પણ આ યાદને કાફિયા વિણ રદીફ સાથે સરખાવી યાદની પરાકાષ્ઠા બતાવી છે.

નીચેની આ પંક્તિઓમાં કવિનો સમાજના વ્યવહાર સામે પડકાર કરે છે. પ્રણય અને વ્યવહારુપણું ને દૂર દૂર સુધી કોઈ લેવાદેવા કદી જ ન સંભવી શકે.

“મારી આ દીવાનગીએ તો બનાવ્યા એમને મનના  ખુદા,

પણ પછી એ વાતે વાતે મારી સાથે બહુ વ્યવહારુ હોય તો?”

જેને દીવાનગીની હદ સુધી પ્રેમ કરો પણ એજ વ્યકિત તમારી સાથે ફક્ત વ્યવહારથી વાત કરે તો? જેને તમે ખુદા માની લો છો, જો એ જ તમારી ઉપેક્ષા કરે તો? કેવું દિલને લાગી આવે! બસ, કવયિત્રી આ ઉપરછલ્લા વ્યવહારની ટીકા કરે છે. વળી પ્રેમદીવાની કવયિત્રી ફરી પ્રેમી પાસે કામનું બહાનું કરીને પહોંચી જાય છે અને કહે છે કે

“મેં તો નિરુત્તર એમને જોયા કર્યા, જોયા કર્યા,

 ને એમણે પૂછ્યા કર્યા કે કામ કહો શાનું હતું?”  

પ્રિયતમની રૂક્ષતા અહીં કઠે છે કે મેં તો નિરુત્તર એમને જોયા કર્યુ અને એ પૂછતા રહ્યા બોલો શું કામ હતું?

વળી આગળના શેર માં કવયિત્રી કમાલ કરે છે, એ કહે છે

“હો મોત કે મુશ્કેલી, બે નામ કાયમ સાથમાં;

એ એક ઈશ્વરનું હતું અને બીજું તો માનું હતું!”

મુશ્કેલી કે મોત સમયે ઈન્સાનને આ બે જ નામ યાદ આવે છે. દુનિયા આખી સાથે છોડી દે, કે, પછી છેલ્લા શ્વાસો હોય, ત્યારે બસ, આ બે જ યાદ આવે છે, એક માનો પ્રેમ અને બીજો ઈશ્વરનો પ્રેમ! મા અને ઈશ્વરનો સધિયારો અંતિમ શ્વાસ સુધી છે, એની પ્રતીતિ જો માણસને જીવતેજીવ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય.

“છું હજીએ માર્ગમાં કેટલાં વરસથી,

 પહાડ જેવો એક સંબંધ હું ચડું છું!”

સંબંધનો ભાર પણ કેટલો હોય છે? અને કોઈ સંબંધનું જતન કરતાં તો વરસોના વરસો લાગી જાય છે, તે છતાં પણ,  મંઝિલ મળે કે ન મળે! આ સંબંધ નિભાવતાં હાંફ પણ ચડે છે, ત્યારે જાણે સંબંધનો પહાડ ચડતાં હોય એવું લાગે છે. સંબંધ સાચવતાં વરસો વીતી જાય પણ એ, જેને આપણે આપણા માન્યા એ ખરેખર આપણા છે ખરા? કે, પછી નામના છે બધાં સગા? કવયિત્રી આગળ એક શેરમાં કહે છે કે 

“એક વેળા ય ના એ મળ્યા ને કહે સાવ ઘરના જ છે!

 ને ગયા ત્યારથી ના વળ્યા ને કહે સાવ ઘરના જ છે!”

અહીં કવયિત્રી ના હ્રદયની પીડા દેખાય આવે છે. જે સગાંવ્હાલાને પોતાના માન્યાં, ઘરના માન્યાં, એ બધાએ કદી વસમા વખતે પણ ખબર લીધી નહીં છતાંયે, કોઈ પણ શરમ વિના પાછાં કહે કે તેઓ તો ઘરના છે! આ કેવા, માત્ર કહેવા પૂરતાં જ સગાં છે?  જેના માટે જિંદગીમાં ભોગ આપીએ, કુરબાની આપીએ એ આપણા ઘરના જ હોય છે પણ સમય આવે એ લોકો ક્યાં અદ્રશ્ય થઈ જાય છે?

“જશો શું ‘ભગ્ન”લઈને આ જગત માંથી?

 સિકંદરની જ ખુલ્લી એ મુઠ્ઠી ને  જો.! 

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જવાના છીએ. સિકંદરે જનાજામાંથી પોતાના હાથ ખુલ્લા રાખવાની સુચના આપી હતી. આટલો મોટો જગ વિજેતા દુનિયામાંથી ગયો ત્યારે સાવ ખાલી હાથ લઈને ગયો! સાહેબ, કફનને ખીસ્સા નથી હોતાં, પણ, કોણ સમજે છે આ સાદી વાત? જિંદગી આખી જરઝવેરાત, જમીન, અને માલમિલકત મેળવવા આપણે દોડાદોડ કરતાં હોઈએ છીએ, પણ અંતે શું? ન તો સંબંધ લઈ જઈ શકીએ છીએ કે ન તો દોલત!

આવી ચોટદાર પંક્તિ કવયિત્રી આપે છે!!

“તારી ખુશ્બુથી દિવસ ને રાત મહેકે,

 ગઝલ બનીને આજે મુલાકાત મહેકે!”

કોમળ હ્રદયમાંથી ઉદભવેલી આ પંક્તિઓ ફૂલો જેવી મહેકે છે. પ્રિય પાત્ર સાથે પસાર કરેલો સમય કેટલો ખુશબોદાર છે એ આખી ગઝલમાંથી પસાર થતાં લાગ્યું!  સુરાના શેર મોટા ભાગના કવિ લખતા હોય છે પણ અહીં કવયિત્રી એનો સરસ શેર આપે છે કે

“સાંજ છે, છે સુરા, ને વળી સંગ સાકીય હાજર અહીં,

 છે નશાની ઘડી દોહ્યલી તું નશે તરબતર જાત કર!”

પ્રિયતમ માટે સાકી પણ બની જવા તૈયાર એવી આ પ્રેમિકા પ્રેમીને પોતાના નશામા રંગવા માગે છે!!

“મારા સહુ કાતિલ, મારો ન્યાય ગયાં છે કરવા બેસી,

 સમજણ પડતી જ નથી કોના માટે શી ફરિયાદ બને!”

કાતિલના હાથ નીચે અદાલત બેસાડવામાં આવે તો શું થાય?  અહીં કવયિત્રી કહે છે મારા કાતિલ મારો ન્યાય કરવા બેઠાં છે તો હવે સમજણ નથી પડતી કે કોના માટે શી ફરિયાદ પણ કરવી, કારણ આ ફરિયાદ બદલ ન્યાય પણ કરશે કોણ? જેના માટે શિકાયત છે, એ જ સુનવાઈ કરશે અને ચુકાદો પણ આપશે! કાતિલના હાથ નીચે અદાલત બેસે તો? પછી, દિલ અને દર્દ, એ બેદર્દને સંભળાવીને કરો પણ શું?

“અબોલાનો સમંદર પાર કરવો  સહેજ પણ ક્યાં શક્ય  છે? 

આ કિનારા પર વિતેલા વર્ષનો ભીનો જુઓ સહવાસ છલકે!”

કોઈ વ્હાલા મિત્ર, કે જેની સાથે વરસોના વરસો વિતાવ્યા છે, એની સાથે અબોલા લેવા ક્યાં સહેલાં હોય છે? કેટકેટલા વરસોના સ્મરણોના વીંટામાં એકેએક વર્ષ વીંટાયેલું હોય છે! અહીં અબોલાને સમંદર સાથે સરખાવી પાર કરવાની વાત છે. સમંદરને પાર કરવો સહેલો નથી એ રીતે કોઈ સાથે લીધેલા અબોલા તોડવા કેટલા અઘરા છે. અને કિનારા પર વિતેલા વર્ષનો સહવાસ છલકે છે એ શી રીતે ભૂલાય? કોઈ પણ સંબંધ ને સહેલાઈથી ક્યાં ભૂલાય છે? કેટલા સ્મરણો જડમૂળમાંથી કાપવા પડે છે!

“જે ગયાં ક્યાં બધા યારદોસ્તો હતા?

 નાહકે  જીવને  બાળવો  કેટલો?”

જીવનમાં ઘણા લોકો આવે છે અને જાય છે? એ લોકોનું જવાનું આપણે એટલું બધું દુઃખ લગાડતાં હોઈએ, જ્યારે એ લોકોને તો પડી પણ નથી હોતી! અને જે ગયાં તે ખરેખર તમારા મિત્રો હતા? મિત્ર હોત તો, વખાના સમયે તમને છોડીને જાત નહીં અને જે દુખના સમયે છોડીને જતા રહ્યા છે, તે તો તમારા મિત્રો હતાં જ નહીં, તો જીવ બાળવો શું કામ?

કવયિત્રી પોતાનું હ્રદય કાવ્યમાં ઠાલવે છે, પણ નિજાનંદ માટે. એમને બહુ પ્રસિદ્ધ થવાની ખેવના નથી! એક શેરમાં એ કહે છે કે,

“ગઝલને ‘ભગ્ન’ રાખે યાદ કોણ કહે?

 અમર કેવા  અહીં  શેરો મરી ગયા!”

‘મૈ પલ દો પલ કા શાયર હું પલ દો પલ મેરી કહાની હૈ!” કેટલાય જગપ્રસિદ્ધ લોકોના શેર અહીં ભૂલાઈ ગયાં છે!!

“શોધવા નીકળીશ રાહબર ને ખુદ ખુદા જ મળશે તો?

 વિધિના લેખરૂપે સાંગોપાંગ વિધાતા જ મળશે તો?!”

રસ્તો બતાવનારની શોધ કરવા જતાં જો એ રાહબર ખુદા જ નીકળે તો?  ખુદાના જેવો રસ્તો બતાવનાર તો કોઈ અન્ય રાહબર હોઈ જ ન શકે! બીજી પંક્તિમાં પણ એજ ભાવ આવે છે કે વિધિના લેખ ના રૂપે જો વિધાતા જ મળશે તો?

 એક અંતરની ઈચ્છાને શેર રૂપે દર્શાવી છે.

“મને મારા સુધી આયનામાં આવતાં તું સતત રોક્યા કરે 

 હું ય મને મળી શકું મુજમાં જ, કમ સે કમ હવે તો આવ!”

આયનામાં કોની સૂરત દેખાય? કવયિત્રી અહીં આયનામાં પોતાની નહીં, પણ પ્રિયતમની સૂરત જુએ છે અને કહે છે કે આયનામાં તું જ મને મારા સુધી આવતા રોકી રાખે છે. “આયના જબ ભી દેખું તેરી સૂરત નજર આયે” તો, અહીં તો હું આયનામાં પણ મને જોઈ નથી શકતી તો તું જ મને મારી જાતને મેળવી આપવા આવ!

કવયિત્રી માટે શાયરી શું છે એ આ પછીના શેરમાં સમજાશે!!

“એટલે સાથ રાખ્યો છે શાયરીનો અમે

જીવવાનું મને કંઈક કારણ હવે જોઈએ!”

 કોઈ માટે કવિતા જીવવા માટે ધરપત આપે છે, કારણ આપે છે હ્રદય ઠાલવવા માટે, પોતાના આત્મા સુધી પહોંચવાની કેડી કંડારે છે. કવિતા લખવાનું વ્યસન, લત, અહીં કવિને જીવતદાન આપે છે. ગઝલ લખવાની લત કવયિત્રી એ પાળી છે. પ્રેમનો ભરમ તૂટી જાય તો ખૂબ દુખ થાય છે ક્યારેક ભરમમાં જીવી લેવું જરૂરી હોય છે. જા, પીયુ તું બેવફા સહી અર્ધ રસ્તે સાથ છોડી ગયો, પણ મારે જીવવા માટે કંઈક તો કારણ જોઈએ ને? 

“દ્વારની પાછળ ખજાનો પ્રેમનો લખલૂટ છે એ માનું છું,

 એ અમારો ભ્રમ હશે તો દ્વારને ખોલાવીને જોવું નથી!” 

દ્વારને ખોલવાની હિંમત નથી, બસ એ દ્વાર પાછળ પ્રેમનો ખજાનો હશે જ એમ માની એ જીવવા માગે છે. હા, એ કદાચ ભ્રમ પણ હોય શકે, છતાં એ ભ્રમ કવયિત્રી તોડવા નથી માગતી. ઘણી વાર હકીકત જીરવવા કરતાં ભ્રમમાં જીવી જવું સહેલું હોય છે!

“રાખ શ્રધ્ધા એટલી કે ક્યાંક તો ઈશ્વર હશે!!

એણે દુનિયાને પણ અટકળ સતત કરતી મૂકી”

ઈશ્વરે પોતાને અદ્ગશ્ય રાખીને પડદા પાછળ રહી, દુનિયાને એ માનવા મજબૂર કરી નાખી કે ઈશ્વર છે! એટલું જ નહીં, પણ, ઈશ્વર નામની એક અટકળમાં સહુ મરણ પર્યંત જીવ્યે જાય છે  

“કેવળ તારી ને મારી વાત કહે હું શરૂ કરું ક્યાંથી?

 છે મનગમતી આ રાત, કહે હું શરૂ કરું  ક્યાંથી?”

કવયિત્રી કહે છે કે કહેવા માટે તો આ કેવળ વાત તારી ને મારી છે પરંતુ, આખી જિંદગી કરેલી આપણી એ રૂઠવા-મનાવવાની વાતો, સુખ-દુઃખની વાતો, અભિસાર, શૃંગાર અને પ્રણયની કહેવાયેલી અને ન કહેવાયેલી ગોષ્ઠિ, આ જીવન આખાની વાતોનું ઊંડાણ અને વ્યાપ એટલો તો વિશાળ છે કે એને હવે ક્યાંથી શરૂ કરવી? પ્રિયતમની વાત મંડાય તો આખી રાત જાય! એટલે તો કવયિત્રી પૂછે છે કે હું ક્યાં થી શરૂ કરું? ને, આ અસંમજસમાં જ પ્રિયતમ સાથે આખી રાત નીકળી જાય પણ વાતની શરૂઆત જ ન થાય તો? અહીં ગઝલ વાચકે અધ્યાહાર પોતાના હૈયા સાથે વાત કરીને પૂરવાનો છે.  

“લાડથી તને જ મેં બગાડ્યો છે

 ઓ ખુદા તને કહીશ નહીં કદી”

ખુદાને, ઈશ્વરને કોણ બગાડે? કવયિત્રી કહે છે હે ખુદા, મેં જ તને સતત લાડ કરીને બગાડ્યો છે. જાણે કોઈ પોતાના સંતાનને બગાડે એવી રીતે ઈશ્વર સાથે વાત કરે છે. મારા લાડને લીધે હું તને જવા દઈશ તને કાંઈ નહીં કહું, એટલે કે ઈશ્વરે આપેલા બધાં દુઃખ સહીશ તને કાંઈ નહીં કહું!

“શબ્દની આ પાલખી મેં એટલે શણગારી છે

 છે ગઝલ ને તે છતાંયે વાત તારી-મારી છે.”

બધી લાગણીઓ નીચોડ આ બે પંક્તિમાં છે. આ ગઝલ લખવાનું કારણ શું? તું ના હોત, કોઈની સાથે કોઈ સંબંધ ન હોત તો આ ગઝલ હોત ખરી? આ ગઝલની પાલખી શણગારવાનું કારણ તું જ છે, તારી સાથેના રીશ્તો છે. આ ગઝલ ભલે હો, પણ અંતે તો તારી અને મારી, આપણી જ વાતો છે ને? પ્રિયતમ સાથેની કે પ્રેમીને લાગતી વળગતી દરેક વાત ગઝલ બની જાય છે, જેમાં બસ, બે દિલોની ધડકન છે, આ ગઝલ નહીં પણ વાત તારી ને મારી છે.

“જ્યારે એને ખોલું છું  કે, તું તરત દેખાય છે

 મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે.”

કવયિત્રી પોતાના પ્રિયતમને અહીં તહીં શોધે છે અને કહે છે કે મારા ઘરમાં એક એવી બારી છે જેને ખોલું તો તું તરત દેખાય છે! આ અંતરમનની બારી છે. પ્રિયતમ ભલે દૂર હોય પણ એ અંતરથી, મનથી ક્યાં દૂર હોય છે? પેલું કહે છે ને કે ‘શીશા એ દિલમે છૂપા હૈ ઓ સિતમગર તેરા પ્યાર, જબ જરા ગરદન ઝુકા લી દેખ લી તસવીરે યાર!’  દિલમાં મહોબત હોય તો ચારે તરફ એ જ નજર આવે છે!!

“મને આંબી જવાની ધૂનમાં આંખ મીંચી બસ દોડ્યા કર્યુ,

 પાછળ વળીને પાછું જોયું જ નહીં, હોડમાં હવે હું ક્યાં છું?”

“શગ સંકોરી સગપણની મારા કોચલામાં લ્યો ભરાઈ ગઈ

 રહું હુંફાળીયે હવે કેવી રીતે? તારી સોડમાં હવે હું ક્યાં છું?”

જિંદગીમાં દરેક વાતમાં, કારણ વગરની સતત હરીફાઈ કરતાં હરીફોને ચાબખો મારતા કવયિત્રી કહે છે તમે મારી પાછળ આંખો મીંચીને દોડે રાખો છો પણ, પાછળ વળીને જુઓ તો ખરા, હું તો હવે હું હોડમાં નથી! મેં તો આ વગર કારણની ‘રેટ-રેસ’માંથી નીકળી જઈને, ક્યારનુંયે આત્મ-સમર્પણ કરી દીધું છે! અને બીજી પંક્તિમાં કવયિત્રી કહે છે કે હું સગપણની શગ ઓલવી મારા કોચલામાં ભરાઈ ગઈ છું. પણ, હું સમજું છું કે એ મારું કોચલું છે, તારી સોડ નથી! તારી સોડ જેટલું એ કોચલું હૂંફાળું શી રીતે હોય શકે! પ્રણયી વિનાની જિંદગીની પીડાની આ ચરમ સીમા છે!

“પથ્થરો બસ ફેંક્યા જ કર્યા આયના પર તોડવા મને

 ચહેરો તોયે રહ્યો અકબંધ સૌ તૂટેલાં પ્રતિબિંબો વચ્ચે”

કોઈથી સારું જોવાતું નથી! અહીં એકબીજાને નીચે ખેંચવા લોકો સદૈવ તત્પર રહે છે. કવયિત્રી કહે છે કે મને તોડવા માટે પથ્થરો ફેંક્યા કર્યા પણ ઘણાં પ્રતિબિંબો વચ્ચે મારો ચહેરો અકબંધ રહ્યો. મારા આયનામાંના ચહેરાને, એ હું છું એમ માનીને આ વિઘ્નસંતોષી લોકો પથ્થરો ફેંકીને મને તોડવા માટે મંડી પડ્યા પણ આયના તૂટી ગયા ને મારો ચહેરો તો અકબંધ રહ્યો! જે તૂટે શકે છે તે તો “પરસેપ્શન”- માની લીધેલું પ્રતિબિંબ હોય છે, અસલી ચહેરો નહીં. સત્ય કદી તોડી નથી શકાતું કે મોડી નથી શકાતું. ચહેરાની અસલિયતમાં આત્મિક સત્યનું નિરૂપણ કરીને આ સાદા શેરને અદભૂત બનાવી દીધો છે! અસલિયતને તોડી નાખવાની લોકોની કોશિશ અંતે તો નાકામિયાબ રહે છે!

“સ્વાદ બદલાતા રહ્યા કાયમ પળેપળ  જિંદગી  તણા

 નીકળ્યો મીઠો સમય, ખારો સમય પણ નીકળી ગયો.”

સમયનું કામ છે વહેવાનું! દુઃખનું ઓસડ દહાડા! બસ, આ આખી ગઝલ સમયને સચોટ રીતે વર્ણવતી છે. આ પંક્તિઓ મને ખૂબ ગમી. જે લગભગ બધાંને લાગું પડે છે. જિંદગીના સ્વાદ બદલાતા રહ્યા! મીઠો તથા ખારો સમય પણ નીકળી ગયો!  ‘થોડે ગમ હૈ થોડી ખુશીયા યહી હૈ યહી હૈ છાંવ ધૂપ’

“વાવેલાં સૌ હરિત વૃક્ષો મૂળિયાંભેર ઊખડી ગયાં

 ને, ખરેલાં પાનનો ઢગલો જોયા કરીએ ઓસરીએ!!

ઓસરીને રદીફ રાખી આખી ગઝલ સ્મરણો પર બનાવી, એકેએક શેર ચોટદાર કરવાની કવયિત્રીની કલાસૂઝ સૂચવે છે. સાથે મળીને જે સપનાં જોયા હતાં એ બધાં મૂળિયાંમાંથી ઊખડી ગયાં, હવે સામે ખરેલાં પાન રૂપે સપનાં નો ઢગ પડ્યો છે જે ઓસરીની કોરે બેસી જોઈએ છીએ! એક શેર માં કેટલી બધી વાતો કહી દીધી છે!

“લાવા જેવાં ધગધગતા આ વર્ષો વચ્ચે

 વાસંતી  સપનાં ખીલ્યાની  ઘટના છું.”

સમયને ધગધગતા લાવા સાથે સરખાવી કવયિત્રી કહે છે કે હું- એક કવિ, હોય છે કોણ, અને પછી કહે છે કે આ ધગધગતા વહી જતા અતિશય ગરમ લાવા જેવી જિંદગીની સચ્ચાઈઓ વચ્ચે પણ, એક કવિ વાસંતી સપનાં ખીલ્યાંની ઘટના છે! સંવેદનશીલ કવિહ્રદય તો જીવનના ઘર્ષણ વચ્ચે પણ ફૂલની જેમ ખીલી શકે છે અને તે પણ પથ્થર તોડીને બહાર નીકળી આવતી લીલાછમ ઘાસની કુંવારી કૂંપળ સમ. 

“ખોતરું છું  જિંદગી તો હાથ આવે આટલું

 જીવવાના ખાલીખમ કારણ સમી છે જિંદગી!”

બસ, આ પંક્તિ બરાબર લાગુ પડે છે આ શેરને. ઘણી વાર એવું પણ થાય છે કે જિંદગી જીવવી પડે એટલે જીવી જઈએ છીએ, સાવ ખાલીખમ, કોઈ કારણ વગર, લક્ષ વગર! નિરાશા જીવનને બરબાદ કરે છે, પણ શું આને માટે આસપાસનું વાતાવરણ જવાબદાર નથી? જીવવા માટે પણ કારણ જોઈએ, પણ જીવવાનું કારણ જ ના રહે તો? અને અનાયસે યાદ આવે છે, ‘દિન કુછ ઐસે ગુજારતા હૈ કોઇ જૈસે એહસાન ઉતારતા હૈ કોઈ’

“હજીયે પણ લઉં છું શ્વાસ હું પ્રત્યેક તારા નામની સાથે,

 અટકશે શ્વાસ આ મારા, ગણતરીમાં કશોયે ફેર આવે!”

કોઈના નામની માળા જપાતી હોય શ્વાસે શ્વાસે, અને જો થોડો પણ ફરક આવે તો આ શ્વાસ અટકી પણ જાય! એટલે કે જે દિવસે તારું નામ હોઠો પર નહીં હોય તે દિવસે મારા શ્વાસ અટકી જશે! ખૂબ ભાવ ભરેલી પંક્તિ.

“હજાર રસ્તા, હજાર  માણસ,  હજાર મંઝીલ

બધી જગાએ બધા જણના ખ્યાલ અલગ છે!”

સાવ સરળ શબ્દોમાં માણસના જુદા જુદા સ્વભાવ અને જુદા જુદા ખ્યાલ વિષે સાવ સહજ રીતે કવયિત્રી કહે છે કે, કોઈક દુખ આપી જાય તો કદીક આપણે આપણી નિર્ધારિત મંઝીલ પર નથી પહોંચી શકતા તો એનો ગમ ન કરવો. કારણ, હજારો લોકો અને હજારો મંઝીલ ને ત્યાં લઈ જતા રસ્તાઓ તો પાછા જુદા! ક્યાંક લોકોના વિચારો આડા આવે તો ક્યાંક મંઝીલ કઈ છે, એનો ક્યાસ ન મળે તો ક્યારેક ત્યાં સુધી લઈ જનારા લાખો રસ્તાઓમાં ગુમશુદા થઈ જવાય. આટલા બધા “ચોઈસ”ની વચ્ચે એક સાચા માણસની, એક સાચી મંઝીલ સુધી લઈ જનારા સાચા રસ્તાની પસંદગી કરવી અત્યંત અઘરૂં છે!

“વેઠ્યા અભાવ સઘળા, વેઠ્યા છે ઘાવ પણ,

 આવ્યું જીવનમાં જે કંઈ સઘળું ખમી ગયાં.”

જીવનમાં ખૂબ બહાદુરીથી કામ લીધું છે અને જીવનનો મુકાબલો પણ ખેલદિલીથી કર્યો છે. અભાવ, ઘાવ બધું સહી લીધું અને જે સામે આવ્યું બધુ વેઠી લીધું, ખમી લીધું! 

“કદીક ભીતરે,  કદીક બહાર, બેઉ બાજું વિસ્તરુ છું હું,

 કરી રહું છું એમ રોજરોજ આ રીતે પ્રવાસ હું ગઝલનો.”

શાયરી બનાવવા માટે અંદરથી બહાર અને બહારથી અંદર સુધી વિસ્તરવું પડે છે. શાયરી કે ગઝલ બનાવવી એ ડાબા હાથના ખેલ નથી. અંદર કેટકેટલું તૂટે છે ભાંગે છે, અને, પાછું બહારથી કેટકેટલું આત્માની અંદર આત્મસાત કરવું પડે છે, ત્યારે એક કવિનો શબ્દ નીકળે છે. હ્રદયમાંનો ઊંડાણ વલોવાય પછી જ્યારે એકએક શબ્દ નીકળે અને એના અનેક અર્થ અભિપ્રેત થઈ શકે તો જ ગઝલ બને છે. એક કવિહ્રદયને આ “પ્રસવની પ્રક્રિયા”માંથી રોજરોજ પસાર થવું પડે છે. “જબ ખુને જીગર હોતા હૈ તબ શાયરી બનતી હૈ!”

“ ‘ભગ્ન’ હ્ર્દયથી માગી લે તો ખુદા ય દઈ દેશે માફી

  બીજું કોણ કબરમાં  બોજો આમ વેંઢારવા આવે છે?”

દરેકે પોતાની કબરમાં એકલા જ સૂવાનું છે, આત્મા પર જિંદગીભર કરેલા ગુનાઓનો બોજો લઈને કબરમાં કાયમ માટે પોઢવું, એ કેટલું વસમું છે, કારણ એક સાવ ૬x૬ની કબરમાં સૂઈ રહેવાનું અને એ પણ દિલ પર, હજારો ટનનો, જિંદગી આખી કરેલા અપરાધોનો ભાર લઈને! એ તો અત્યંત કપરૂં કામ છે. કવયિત્રી સ્પષ્ટ રીતે કહે છે કે તું હ્ર્દયથી માફી માગ તો ખુદા પણ માફી આપી દેશે, નહીં તો આ કબરમાં કોઈ કોઈનો બોજો કોઈ વેંઢારવા આવવાનું નથી. તમારે જ તમારો પોતાનો હિસાબ-કિતાબ જીવતેજીવ જ માફી માગીને પૂરો કરવાનો છે જેથી કોઈ પણ ભાર વિના મરી શકો. અહીં યાદ આવે છે, જનાબ કૈલાશ પંડિત, જે કહે છે કે,’મોતવેળાની સહજતા પામવા, જિંદગી સાથે ઘરોબો જોઈએ!’

“ક્યાં એટલું પૂરતું હતું કે માત્ર બસ જીવી જવાનું છે,

 અસ્તિત્વની સામે બધાએ જિંદગીભર ટકવું પણ પડે.” 

જીવન એક પડકાર છે. હર ક્ષણે આપણા જ અસ્તિતવની સામે ઝઝૂમવું પડે છે, પણ કેવળ ઝઝૂમવું જ પર્યાપ્ત નથી, એ સાથે વળી ટકવું પણ પડે છે. આ ટકવું એટલે શું? આમાં એક સુંદર અર્થ અભિપ્રેત છે કે, ખાલી જીવી જવું ક્યારેય પૂરતું નથી, પણ, જિંદગીભર અનેક ક્ષેત્રે પડકારો આવતા રહે છે ત્યારે, ‘સોમાંથી સોંસરવા’, હેમેખેમ નીકળી આવવાની આ વાત છે. સાચા અર્થમાં તો ’જિંદગી હર કદમ પર એક નઈ જંગ હૈ.’ દુનિયા સામે લડતાં લડતાં આપણી સામે પણ જંગ ખેડવી પડે છે. 

“તું અને હું બેઉ મુકત થઈ ગયા અંતમાં

 કોઈ સગપણ  મને કદી સદ્યુ છે જ ક્યાં?”

અંતમાં બેઉ પાત્રો જુદાં થાય અને મુકત થઈ જાય છે. અહીં કવયિત્રી નિરાશાથી કહે છે કે મને કોઈ સગપણ સદ્યુ નથી, હું કોઈ પણ સંબંધને મૃત્યુ સુધી સાચવી નથી શકતી, ક્યાં તો હું જતી રહીશ પહેલાં ક્યાં તો પ્રિયતમ! આ જ તો ઘટમાળ છે, આ જીવનની.  કશું જ અહીં શાશ્વત નથી. કોઈ પણ સંબંધ કે સગપણ અહીં કાયમ રહેતું નથી. જીવનની આ વસમી અને વરવી વાસ્તવિકતા છે. ‘આજ હૈ યહાં, કલ કહીં ઔર પરસોં કહાં, કિસીકો ખબર નહીં!

“વરસાદ ભલે ન આવે તો પણ ચાલ વરસીએ સાવ અમસ્તાં,

 મોસમ બદલે કે નાયે બદલે, ચાલ બદલીએ સાવ અમસ્તાં.”

આ શેર માં કવયિત્રી પ્રિતમને આમંત્રણ આપે છે કે તું મારી સાથે હોઈશ તો આપણે વગર વરસાદે ભીંજાતાં રહીશું. આ એક ભાવભીનું ઈજન છે. કવયિત્રી કહે છે, કે, ચાલને, આપણે આપણી મોસમ મહીં જે પણ ક્ષણો મળી છે તે જીવી જઈએ? આપણે શું, વરસાદ કે મોસમ, જેને જે કરવું હોય તે કરે, આપણે તો આપણામાં મસ્ત થઈને વરસાદ વગર વરસી પડીએ અને ક્યારેક વસંતની મોસમ જેમ ખીલી ઊઠીએ, અમસ્તાં જ, કોઈ કારણ વગર જ, ભલેને, પછી મોસમ ન બદલે! આપણે શું કરવું છે, બસ, સહજતાના સાગરમાં ડૂબકીઓ ખાતાં, અમથાં જ ને સાવ અમસ્તાં જ મસ્ત કલંદર સમ જીવી જનારાની આ ફકીરી કેટલી અદભૂત હશે! આ ગઝલના એકેએક શેરમાં, અનેક મેઘધનુષો કવયિત્રીએ ઉપસાવ્યા છે.

“ચમત્કારમાં પણ થાય ચમત્કાર કાશ, એવું પણ બને,

 આવો તમે, ને, અટકીયે જાય શ્વાસ, એવું પણ બને”!

દરેક શેરમાં લય અને છંદ ખૂબ સરસ રીતે જળવાય રહે છે. અને ગઝલ ગૈય બની જાય છે. કવિનું દિલ ખૂબ ઋજુ હોય છે. ઘણીવાર એવા ચમત્કારની આશા રાખે છે કે તમે આવો અને મારા શ્વાસ અટકી જાય!! પ્રિયતમને જોઈ આવી હાલત ખૂબ સામાન્ય છે કે દિલ ધડકન ચૂકી જાય કે શ્વાસ અટકી જાય!! 

“ઊભો છે પાસમાં તું,  શ્વાસમાં તું, આશમાં તું,

 વિપદ આવે હજારો તો મને તકલીફ ક્યાં છે?”

 તેરા સાથ હૈ તો મુજેહ ક્યાં કમી હૈ!! તુમ અગર સાથ નિભાનેકા વાદા કરો મૈ જિંદગીભર ગીત ગાતા રહું!

“તું છે સાથમાં પાસમાં શ્વાસમાં આશમાં પછી મને શું તકલીફ?”

“છુપાવ્યા હતા સાવ મુઠ્ઠીમાં ભીડી છતાં પણ

 સતત રેત જેમ જ પળેપળ સરકતા સંબંધો!”

કેટકેટલી મુઠ્ઠી બંધ કરી રાખો છતાં હસ્તરેખામાંથી આ સંબંધો પળેપળ હાથમાંથી સરકી જાય છે!  નસીબોમાં નથી એ સંબંધ તો રેતની જેમ જ બંધ હાથમાંથી છટકી જશે, છેવટે તો રહી જશે ખાલી મુઠ્ઠી! 

“ભૂમિ પર આવશે સઘળા સિતારા,મેં કલમ ઊઠાવી છે 

 હવે બનશે બધાં ફૂલો તિખારા , મેં કલમ  ઊઠાવી છે”

કવયિત્રી પડકાર કરીને આખી ગઝલ કહે છે કે મેં કલમ ઊઠાવી છે. પછી શું શું થાય છે સિતારા ભૂમિ પર આવી જશે અને ફૂલ તિખારા થશે! ખૂબ ગમી જાય તેવી લયબધ્ધ ગઝલ!!

કવયિત્રી જયશ્રી મરચંટ ની ‘ વાત તારી ને મારી’ માં થી પસાર થતાં અવનવા સંવેદનોમાંથી પસાર થઈ. મેરી કહાની તેરી જુબાની જેવી પણ લાગણી થઈ! ક્યારેક દિલમાં થઈ જાય કે લે આ તો મારે કહેવું હતું!  લાગણી, પીડા, વેદના અને સંવેદનાથી ભરપૂર “વાત તારી ને મારી છે” એક જ બેઠકે પૂરી કરી! ઘણી ગઝલ એટલી સરળ કે કંઠસ્થ થઈ જાય! લીલો રંગ એમની આ ગઝલોમાં પણ ચમકી રહ્યો છે. આમ તો આ “વાત તારી ને મારી છે” છતાં એ બધાંના જ દિલની વાત કહી જાય છે! ચોક્કસ આપના ઘરના પુસ્તકાલયમાં આ સંગ્રહ હીરાની જેમ ચમકશે!!

8 thoughts on ““વાત તારી ને મારી છે!” – જયશ્રી વિનુ મરચંટના ગઝલસંગ્રહનું વિવેચન- સપના વિજાપુરા

 1. વાહ! સરસ ગઝલ સંગ્રહનું – મજાનું વિવેચન. જયશ્રીબેનને અભિનંદન અને સરસ ગઝલોનો પરિચય કરાવવા બદલ સપના વિજાપુરાનો આભાર.
  સરયૂ પરીખ

  Liked by 1 person

 2. “ચમત્કારમાં પણ થાય ચમત્કાર કાશ, એવું પણ બને,
  આવો તમે, ને, અટકીયે જાય શ્વાસ, એવું પણ બને”! Waaaah !
  બન્ને પુસ્તકો હાથમાં લઈને ફરીથી મમળાવ્યાં ! કેટલી સુંદર કવિતાઓ અને કેટલી સુંદર ગઝલ છે ! અને સપ્નાબેનની પ્રસ્તાવના પણ સરસ છે …Once again Congratulations to Jayshreeben for these two books and Sapnaben for nice introduction !

  Liked by 1 person

 3. આપ સહુનો ખૂબ ખૂબ આભાર. સપના, મને સમજ નથી પડતી કે ક્યા શબ્દોમાં આભાર માનું તારો? પણ પછી થાય છે કે આભારનો ભાર કેમ આપણી મૈત્રી પર નાંખવો? હું તો આ દોસ્તીનું ઋણ મારે માથે ચડાવું છું.

  Like

 4. બેન આભાર નો ભાર ના જ હોય મને ખુશી છે કે આજ આ આસ્વાદ લોકો સુધી પહોંચી ગયો મેં આ આસ્વાદ કરતા દરેક ગઝલને માણી છે

  Liked by 1 person

 5. “ઊભો છે પાસમાં તું, શ્વાસમાં તું, આશમાં તું,

  વિપદ આવે હજારો તો મને તકલીફ ક્યાં છે?”

  તેરા સાથ હૈ તો મુજેહ ક્યાં કમી હૈ!! તુમ અગર સાથ નિભાનેકા વાદા કરો મૈ જિંદગીભર ગીત ગાતા રહું!

  “તું છે સાથમાં પાસમાં શ્વાસમાં આશમાં પછી મને શું તકલીફ?”

  વાહ!
  સુંદર કવિતાઓ અને સુંદર ગઝલ છે ! જયશ્રીબેનને અભિનંદન અને ગઝલોનો પરિચય કરાવવા બદલ સપના વિજાપુરાનો આભાર.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s