સીમ, શેઢો, મોર, ટહુકો ને પછી શું શું ગયું?
ઘર, ગલી, સરિયામ રસ્તો ને પછી શું શું ગયું?
ટેરવે થીજી ગયેલી છે પળો કૈં બર્ફ થૈ
તાપ, સગડી, સૂર્ય, તડકો ને પછી શું શું ગયું?
તરફડે છે એક પીંછું જોઈને આ આભને
ઝાડ, જંગલ, પાંખ, માળો ને પછી શું શું ગયું?
પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં
શબ્દ, અર્થો, મૌન, પડઘો ને પછી શું શું ગયું?
આટલામાં ક્યાંક મારા દિવસો વસતા હતા
તોરણો, છત, બારી, પરદો ને પછી શું શું ગયું?
– આહમદ મકરાણી
જિંદગીમાં કશુંક આવે છે ત્યારે કશુંક જતું હોય છે. શહેરની સડકો સાથે અનુસંધાન સાધવા ગામની માટીને છોડવી પડે. પૈસો કમાવા દેશ છોડી પરદેશ સ્થાયી થતા સ્વપ્નોત્સુકે સ્વજનોને છોડવા પડે. સર્વાઈવલ માટે અનેક સમાધાનો કરવા પડે.
જ્યારે જાત ટકાવતા થઈ જઈએ, સેટલ થઈ જઈએ, બીજા બે જણને તારી શકીએ એટલું રળી લીધું હોય પછી અફસોસની ઍન્ટ્રી થતી હોય છે. ઘણું બધું મળ્યું, પણ ક્યારે? ઘણું બધું છોડયું ત્યારે.
નાનપણમાં વડની વડવાઈઓએ ઝૂલવાનો જલસો, ગામની પાસે વહેતી નદીમાં ધુબાકા મારવાની લજ્જત, બોરા ને કેરી પાડવાની પથ્થરશાહી કવાયત, ઓટલા પર બેસી ચાની ચુસકી લગાવવાની બાદશાહી, વગેરે મોટા થઈએ એટલે જવાનું જ છે. ઉંમરના આગલા પડાવો તરફ પ્રયાણ કરીએ એટલે આ બધું છૂટતું જાય. બેફિકરીનું સ્થાન જવાબદારી લેતી થઈ જાય ત્યારે સમજદારીએ પણ સમજદારીથી કામ લેવું પડે.
ગામ છોડીને જાઓ એટલે એક આખું સામ્રાજય વિલીન થઈ જાય. ખાસ કરીને જેનું શૈશવ ગામમાં વીત્યું હોય એને એક કસક ને થોડો ઝુરાપો ગિફ્ટમાં મળવાનો જ. જે લોકો ગામમાં ઘર રાખી મૂકે છે એમને માટે વેકેશન એક અવકાશ હોય છે જૂની ચીજોને ફરી એક વાર પંપાળી લેવાનો. જેઓ સંજોગવસાત્ ગામનું ઘર કાઢી નાખે છે તેમનું થડ ગમે એટલું વિશાળ હોય, પણ મૂળ અદૃશ્ય થઈ જાય છે.
કવિ અલગ અલગ શેરમાં આ જ સૂરમાં વાત છેડે છે. જે હૂંફ, જે લગાવ મળતો હતો હવે એ બર્ફ થઈ ગયો છે. સંવેદનાઓમાં ઓટ આવી છે. ગરમાટાની જગ્યા હવે હાડ થીજાવી નાખે એવી સંવેદનાઓએ લઈ લીધી છે. ઓવનમાં શેકાતો પિત્ઝા ગમે એટલો રૂપાળો હોય, પણ ચૂલા પર માના હાથે બનેલી રોટલીની જગ્યા એ ક્યારેય નહીં લઈ શકે. માની મમતાનો પણ એક પોતીકો સ્વાદ હોય છે જેને કોઈ રેસિપીમાં બયાં ન કરી શકાય.
ખરી ગયેલું પીંછું પોતાનું અતીત સંભારતું કોઈ કેડી ઉપર પડયું હોય ને ઉપર આભને જોતું હોય ત્યારે એના ભેરુ બનવાનું મન થાય. એને ઉપાડીને પૂછવાનું મન થાય કે આ કેવી રીતે થયું? એ જવાબ નહીં આપી શકે, સમજવાનું આપણે જ છે. દેહ, માટી, ઘર, સ્વજન સાથેનું અનુસંધાન છૂટે ત્યારે એકલતા તરાપ મારી ઘેરી ન લે તો જ નવાઈ.
ખંડેરો જોવા એ આંખોનો વિષાદયોગ છે. કોઈ ધમધમતી સેંકડો વરસો જૂની હવેલી ચહેલપહેલ વગરની પડી હોય ત્યારે કૉમામાં સરી ગયેલા દરદી જેવી લાગે. એ જીવતી હોય, પણ જીવંત ન હોય. કેટલાય કિસ્સા એની દીવાલોમાં સચવાયા હોય. એ કહેવા માગતી હોય, પણ કહે કોને? બિહામણા ચામાચીડિયા સાથે એ કરીકરીને કેટલી વાતો કરે?
દિવસો સરી જતાં વાર નથી લાગતી. કોઈ ઘટના એવી બને કે આખો પ્રવાહ પલટાઈ જાય. થોડા વરસોમાં તો જિંદગીનો એવો ઘાટ ઘડાઈ જાય જે વિચાર્યો પણ ન હોય. સ્મૃતિને સહારે વ્યાવહારિક જગતમાં કેટલું જીવાય એ પેચીદો અને પ્રેકટિકલ પ્રશ્ન છે. એ તો રહેવાનો જ, પણ ક્યારેક ક્યારેક સ્મૃતિને આધારે જાત તરફ સરવાની તક મળે તો એ ઝડપી લેવા ખરી. અતીતરાગ એક એવો રાગ છે, જેમાં વિષાદ પણ છે અને વ્હાલપ પણ.
।।।
Khub sundar !
LikeLike
ખોવાયેલી મિલકત ~ કવિઃ આહમદ મકરાણીની રચનાનો ~ આનંદપરા દ્વારા સરસ આસ્વાદઃ
LikeLike
કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પડે છે. આધુનિક દુનિયામાં ભલે બધું હોય, પણ જ્યારે બાળપણની યાદ આવે અને એસમય પાછો જીવવા ના મળે એનો ઉદ્વેગ હમેશ રહે છે.
LikeLike