***** ૧૨ *****
સંદિપ તો જાણે કશું જ વિચારવા માંગતો જ નહોતો.આ એક એવો મુદ્દો હતો કે જેની તરફેણ કે વિરુદ્ધમાં કોઇ દલીલો એને સૂઝતી જ નહોતી અથવા તો એ મન સાથે કે શ્રેયા સાથે એ કોઇ દલીલમાં ઉતરવા જ માંગતો નહોતો.દરેકને કોઇપણ રીતે કન્વિન્સ કરી શકવાની એની ક્ષમતા, એના પોતાના મનને જ ક્યાં કન્વિન્સ કરી શકતી હતી કે પછી એ કરવા માંગતો જ નહોતો?
વળ ખાયેલું પતિનુ મન રહી રહીને પત્નીથી દૂર રહેવા માંગતુ હતુ. શરૂઆતમાં અનાયાસે મળેલી તક અને તે પછી પણ આગળ વધતા કેરિયરના ગ્રાફે પેલી “આઇ એમ સમથીંગ “ની ફીલિંગને વધુને વધુ નક્કર બનાવી હતી તો તેમાં કોઈ નહીં અને શ્રેયા એને ટકોર કરે? શ્રેયા એને કોઇ સૂચન કરે? બસ મનની અંદરનો એ ગુરૂર અમળાઈ અમળાઈને એ જ વાત પર લાવીને એને મૂકતો હતો. શરૂઆતથી લઈને આજ સુધી શ્રેયાની સમસ્યાનો ચપટી વગાડતામાં ઉકેલ લાવતો સંદિપ પોતાના મનની ગૂંચ ઉકેલવા તૈયાર જ નહોતો.
બસ મનોમન શ્રેયાના પહેલા એક્ઝિબિશન વખતે જે રીતે એણે પ્રમોટ કરી હતી એ રીતે તો પોતાને શ્રેયાનો સર્વેસર્વા માનતો થઈ ગયો હતો, એટલે શ્રેયાની કોઇ વાત કે સજેશન સમયે જાણે શ્રેયા જાણે એની સર્વોપરિતા સ્થાપિત કરવા માંગતી હોય એવુ લાગતુ, એટલે, એ રીતે પણ, શ્રેયાની કોઈ પણ સાચી વાત એ સ્વીકારવા તૈયાર જ નહોતો.
કોઈક વળી એવી શુભ ઘડી આવતી તો એને શ્રેયાની વાત સાચી પણ લાગતી. કામને લઈને શરૂઆતથી જે સતર્કતા ન રાખી હોય ત્યારે પાછળથી જે ટેન્શન થતા એ એણે પણ અનુભવ્યા જ હતા ને? અને, એ સમયે શ્રેયાએ પોતાનું કામ અટકાવીને એનુ કામ પૂરું કરવામાં સાથ આપ્યો હતો, એ પણ એટલું જ સાચું હતું ને? તો પછી શ્રેયાને પુરો હક હતો કે એ એની ખામી તરફ ધ્યાન દોરી જ શકે તો પછી એ એની ટકોર કેમ સહી ના શક્યો? જો એ શ્રેયાને કઈ પણ કહી શકે તો શ્રેયા એની અર્ધાંગિની હતી, એની પૂરક હતી તો શ્રેયાની કોઈ વાતને કમ સે કમ એણે તોડી તો નહોતી જ પાડવી જોઈતી. ક્યારેક એવુ પણ લાગતું. પણ, વળી પાછો અંદરનો અને અંતરનો અહં મદારીના કરંડિયામાં પુરાયેલા નાગની જેમ ફુત્કાર કરી લેતો અને આમ ને આમ એ શ્રેયાને ટાળતો જ ગયો.
સારું હતું કે બંને પોતાના કામને લઈને માનસિક રીતે રોકાયેલા હતા અથવા રોકાયેલા છે એવા બહાના હેઠળ મનને આશ્વસ્ત રાખતા, પણ, સમયને ક્યાં કોઈની પડી છે કે એ ઘડીભર પૉઝ પર મુકીને કે જીવનની રફ્તારને રિવાઇન્ડ કરીને પેલી નિરપેક્ષ દોસ્તીની મનગમતી ક્ષણો પર એમને પાછા લાવીને મૂકે? બાંધેલી ઈમારતને જમીનદોસ્ત કરવામાં એટલી વાર નથી લાગતી જેટલી એને તૈયાર કરવામાં લાગે છે, સરસ મઝાના રંગરોગાન પર એક કુચડો મારીને એને ખરાબ કરતા એટલી વાર નથી લાગતી જેટલી ચાર દિવાલોને સજાવતા લાગે છે.હજુ તો જેના પરના રંગ -રોગાન લીલાછમ હતા એવી દાંપત્યની એ દિવાલોના રંગ એકદમ જ ફિક્કા પડવા માંડ્યા.
શ્રેયાને આજે ય યાદ હતું, માળીકાકા ઘણા બધા કુંડાને આમથી તેમ ફેરવતા રહેતા. નાનકડી શ્રેયાને એમની આ મજૂરી સમજાતી નહોતી. રામદીનકાકા એને સમજાવતા,
“બિટીયા, યે બડે હી નાજુક પૌધે હે ઇસકો કડી ધૂપમેં રખનેસે યે મુરઝા જાતે હૈ. ઇસે છાંવમે હી રખના ઠીક હૈ.“
આજે એવી કોઈ એવી જ કડી ધૂપમાં એનો નાજુક પ્રેમ મુરઝાવા માંડ્યો હતો અને એ એને કોઇ શીળી છાયામાં ખસેડીને સૂકાતો રોકી શકતી નહોતી.
આમ ને આમ સાથે રહેવાનો કોઇ મતલબ ખરો? વારંવાર એ એના મનને પુછ્યા કરતી. અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા ત્યારે કલ્પના ક્યાં હતી કે એ અગ્નિમાં એ દોસ્તીની આહુતિ દઈ રહી છે? સંદિપ ખરેખર ઉમદા દોસ્ત હતો.તૂટતા લગ્નજીવનની સાથે શ્રેયાને એ મૈત્રી, એ દોસ્તને ગુમાવાની વેદના વધુને વધુ સતાવી રહી હતી. કોની સાથે એ શેર કરે? પપ્પા અને તે પછી સંદિપ જ તો હતો જેની સાથે એ ખુલ્લા દિલથી વાત કરી શકતી. મમ્મી કરતા ય પપ્પાની એ વધુ નજીક હતી પણ અત્યારે તો આમાં કોઇને એ કશું જ કહેવા માંગતી નહોતી.
મનના કોઈ એક ઊંડાણમાં છાની આશા હજી જીવિત હતી, આ કદાચ વાવાઝોડું જ હોય, જેણે હાલમાં તો એની દુનિયા વેરણ-છેરણ કરી મૂકી છે. પણ, એ પસાર થઈ જતા વળી પાછું, બધું હતું તેમ, અકબંધ એ ગોઠવી દેશે. ધીમે ધીમે એ આશા ય ઠગારી લાગવા માંડી.
સંદિપનુ કામ પૂરું થવાના આરે હતુ. કામ ખરેખર ખુબ સરસ થયુ હતુ. બેહદ વખણાયુ હતુ .અને વધુમાં તો શ્રેયા ઇચ્છતી એમ સમય કરતા વહેલુ પત્યુ હતું.સંદિપનુ નામ લોકોમાં વધુ જાણીતું થયું અને આ વખતેય શ્રેયા સિવાય, એની પાછળનું ટેન્શન કોઈને ના દેખાયું.
મન મોતી ને કાચ એકવાર તૂટે પછી એ ક્યારેય સંધાતા નથી. કેટલીય વાર આવું વાંચ્યું હતું, પણ, જાણ્યું તો આજે જ. દિવસો વિતતા હતા એમ મૌનની અભેદ દિવાલ વધુ ને વધુ ગાઢી બનતી ચાલી.
.
રામદીનકાકા એને સમજાવતા, “બિટીયા, યે બડે હી નાજુક પૌધે હે ઇસકો કડી ધૂપમેં રખનેસે યે મુરઝા જાતે હૈ. ઇસે છાંવમે હી રખના ઠીક હૈ.“ખૂબ સુંદર વાત
છતા આ પરીણામ-‘મન મોતી ને કાચ એકવાર તૂટે પછી એ ક્યારેય સંધાતા નથી. કેટલીય વાર આવું વાંચ્યું હતું, પણ, જાણ્યું તો આજે જ. દિવસો વિતતા હતા એમ મૌનની અભેદ દિવાલ વધુ ને વધુ ગાઢી બનતી ચાલી’
.
આગેઆગે દેખીએ હોતા હૈ ક્યા….
LikeLiked by 1 person
“સંદિપ ખરેખર ઉમદા દોસ્ત હતો.તૂટતા લગ્નજીવનની સાથે શ્રેયાને એ મૈત્રી, એ દોસ્તને ગુમાવાની વેદના વધુને વધુ સતાવી રહી હતી. કોની સાથે એ શેર કરે? પપ્પા અને તે પછી સંદિપ જ તો હતો જેની સાથે એ ખુલ્લા દિલથી વાત કરી શકતી. મમ્મી કરતા ય પપ્પાની એ વધુ નજીક હતી પણ અત્યારે તો આમાં કોઇને એ કશું જ કહેવા માંગતી નહોતી.”
લગ્ન ટકશે કે મૈત્રી? કે બન્ને ગુમાવવાનો વારો આવશે? શ્રેયા અત્યારે એવા મોડ પર આવી ઊભી હતી કે ભાવિ સાવ અણકલ્પ્યું હતું. વાવાઝોડું હતું કે વિનાશ? કોને ખબર!!
LikeLiked by 1 person
વાચક શું ઇચ્છે છે?
વાવાઝોડું, વિનાશ કે વિરામ?
LikeLiked by 1 person
વાવાઝોડું
LikeLike