પ્રાર્થનાને પત્રો – (૪૧) – ભાગ્યેશ જહા
પ્રિય લજ્જા,
આમ તો મારો ક્ર્મ પ્રાર્થનાને પત્ર લખવાનો હતો અને છે, પણ અત્યારે હું પ્રાર્થના સાથે ન્યુજર્સીના હાલ જ વર્ષેલા આકાશ નીચે ઊભો છું. એટલે લજ્જા આ પત્ર તને લખું છું, કેમ છે, સુરતમાં. ગાંધીનગરમાં બહુ જ તાપ પડી રહ્યો છે તેવા સમાચાર સાંભળીને ઉકળાટ થાય છે.
અમેરિકાનું ચોખ્ખું આકાશ અને આ શ્રાધ્ધપક્ષની શ્રધ્ધાભીની સાંજ એકસાથે જોવા નીકળ્યા છીએ. પણ જોવા નીકળવાનું એક બીજું પણ કારણ છે, અહીં એકત્રીસમીની રાત ‘હેલોવીન’ની રાત્રી કહેવાય છે, આજે પણ અમેરિકન અને કદાચ સમગ્ર પશ્ચિમની સંસ્કૃતિ ઘર આગળ ભૂત અને ડાકણોની પ્રતિકૃતિ તૈયાર કરીને રાખે છે, એને વિશિષ્ટરીતે બીક લાગે એ રીતે રોશનીના ચોક્કસ રંગોથી બિહામણી બનાવે છે. આમ પોતાના પૂર્વજોને યાદ કરવાનો આ એક રિવાજ હોય એવું લાગે છે. આમાં બિહામણા અવાજો ઉમેરવામાં આવે છે, ખાસ તો રાત્રે કુતરૂં રોતું હોય અને જે કરુણ-બિહામણો કર્કશ અવાજ શેરીને મરશિયા સંભળાવતો હોય તેવા અવાજોને પણ મેદાનમાં ઉતારવામાં આવે છે. અમેરિકાના મોટાભાગના મહાકાય મોલ્સમાં ‘હેલોવીન’ના બિહામણા ભૂતની પ્રતિકૃતિઓ વેચાય છે. આપણા શ્રાધ્ધ પક્ષને આની સાથે જોડવાનો પ્રયત્ન કરવાની ઈચ્છા થતી નથી. પણ અહીં એકત્રીસમીએ છોકરાઓ ટ્રીટ-ઓર-ટ્ર્રીકની જે રમત કરે છે તેને આપણે દિવાળીમાં ગાગમાગડીની જે પ્રથા છે તેની સાથે સરખાવવાની ઈચ્છા થાય છે. પહેલી વાત, એકત્રીસમીએ છોકરાઓની માંગણી હોય કે એ જે ભિક્ષાકોથળી [બેગ] લઈને આવ્યા હોય એમાં તમે ચોકલેટ નાંખો, નહીંતર અમે ટ્ર્રીક કરીશું, એટલે કે હેલોવીનના ભૂત ઇત્યાદિ તમને હેરાન કરશે એવી કશીક રમત થશે તેવી રમતિયાળ ધમકી આપતા હશે તેવું હું સમજ્યો છું. જે હોય તે, પ્રજાઓ પોતાના પૂર્વજોને સંભારે, યાદ કરે તે સારી વાત છે. બીજી બાબત એ કે વિજ્ઞાનથી આટલી બધી અભિભૂત અને આવૃત્ત પ્રજા ભૂત-પિશાચમાં આટલું બધું માને તે જોઇને હું તો અચંબામાં જ પડી ગયો. ઘણી વખત એવું લાગે છે કે અંધશ્રધ્ધામાં જીવવા માટે ગરીબ હોવું ફરજિયાત નથી. મને અમારો ધર્મ મહાન કે અમારી પરંપરાઓ ઉત્તમ એવું કહીને કોઇ ગુરુતાગ્રંથી ઉભી કરવાનું ગમતું નથી પણ ‘ગાગમાગડી’માં તેલ પુરાવો કહીને ઘરે ઘરે ફરતા યુવાનો અમાસની અંધારી રાતે પ્રકાશ પ્રગટાવવા મથતા હોય તેવું દ્રશ્ય તો સર્જે જ છે. દિવાળીની સાંજે મશાલ-સરઘસ જેવો જે માહોલ સર્જાય છે એ દ્રશ્ય આજે પણ સામુહિકતાના કારણે અને પ્રકાશની ઉપાસનાના મનોભાવને કારણે મનને તરબતર કરે છે.
મને અમેરિકાની હવામાં વહેતા પ્રાણવાયુનું ભારે આકર્ષણ છે, મઝા આવે છે. વૃક્ષો પાસેથી પસાર થઈએ એટલે એક પ્રકારની તાજપનું હવાસ્નાન આનંદ આપે છે, હવે વૃક્ષો અહીં પાનખરની તૈયારીમાં લાગી ગયા હોય એવું લાગે છે, પીળા પડી ગયેલા પાંડદાઓથી થોડા ઉદાસ જણાતા વૃક્ષો મારી સાથે વાતો કરવા મથે છે, જે પાન ખરી ગયા છે, એ સુકાઈ ગયા છે. તડકાએ એનો રસકસ ચૂસી લીધો છે એવા પાંદડાઓને હવે પર્ણ કહી શકાય તેમ નથી. એમની બરડ કાયા એમને કચરો બનાવવાની ઉતાવળમાં છે, પવનનું અમૈત્રીભર્યું ગીત ગાવા માટે આ પાંદડાં બિલકુલ તૈયાર નથી તે તમે પામી શકો તેટલું સ્પષ્ટ છે. આખા વાતાવરણમાં ભારે ખામોશી છે, આવી વજનદાર શાંતિ આખા રસ્તાને છે એના કરતાં વધારે ખાલી બનાવે છે. પાનખર અમેરિકાની ઋતુ નથી એવું બોલતા છાપાંઓ અને ટીવી એંકરો અહીં સુધી સંભળાતા નથી. જો કોઈ આશ્વાસન હોય તો એ આખી કમ્યુનીટીની ભાગોળે ઉભેલો બગીચો છે. બગીચાની બાજુમાં રમતાં ચાર બાળકો છે, એક બગીચાની છેડે એકબીજા સાથે વાતો કરતી બે ખિસકોલીઓ છે. પાનખર સામે બળવો કરવા ઉભા હોય તેવા લીલાછમ્મ ઘાસના ધણ છે. ગોવાળોથી હમણાં જ છુટ્ટા પડ્યા હોય એવી રીતે ઉભેલા કો’ક બંગલાની સરહદોની ભાષાઓને ભૂંસતાં આ તૃણાંકુરો પર લહેરાતી શાંતિ લણવાની ઇચ્છા થાય છે પણ શાંતિનો અતિરેક થોડો અકળાવે તેવો છે. બગીચામાં રમતાં બાળકોની રમતમાં મન પરોવું છું, પાનખરની કવિતા સારી હોઈ શકે, પણ આ બાળકો અને ઘાસ જે હકારાત્મકતાની કવિતા ગાઈ રહ્યા છે એમાં મને રસ છે. હું સવારે ચાલવાનો મારો ગાંધીનગરનો સિલસિલો ચાલું રાખું છું, એમ કરીને અમેરિકાના સૂરજ સાથે મિત્રતા બાંધવામાં મને રસ પડે છે….
કિં બહુના…
સૌ કુશળ હશો, મઝા કરો અને કરાવો.
ભાગ્યેશ.
જય જય ગરવી ગુજરાત.
ભાગ્યેશભાઈ, અમેરિકાનો હેલોવીનનો તહેવાર હોય કે ભારતનો દિવાળી, બધા સમાજમાં કાંઈક નવીનતા હોય છે. બાળકો જ્યાં હોય ત્યાં સમાન જ હોય છે અને સૂરજનો તડકો પણ બધે સરખો જ હોય છે.
LikeLike
પ્રેરણાદાયી પત્રો
LikeLike