શ્રીમદભાગવતમાહાત્મ્ય – ભાગવત કથા – અધ્યાય પાંચમો- જયશ્રી વિનુ મરચંટ


ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર અને ગોકર્ણમોક્ષ

(આગલા અધ્યાયમાં આપણે વાંચ્યું હતું કે આત્મદેવ ધુંધુકારીની દુષ્ટતાથી ત્રાસ પામીને, એના બીજા પુત્ર, ગોકર્ણજીને પોતાની વ્યથા કહે છે. ગોકર્ગોણજી સાધુ છે. ગોકર્ણજીના ઉપદેશથી આત્મદેવ સંસાર છોડીને વનમાં જઈને હરિ ભક્તિમાં શેષ જીવન વ્યતીત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. વનમાં જતા પહેલા આત્મદેવ એની પત્ની ધુંધુલીને પોતાની સાથે વનમાં આવવાનું કહે છે પણ એ પુત્રમોહ ત્યાગી નથી શકતી અને એ ત્યાં ઘરમાં જ રહે છે. હવે વાંચો આગળ.)

સૂતજી કહે છે – હે શૌનકજી હવે આગળની કથા સાંભળો. ગોકર્ણના ઉપદેશથી પ્રેરાઈને આત્મદેવ, ધુંધુકારીના પિતા વનમાં જતા રહ્યા હતા અને સંસાર છોડી દઈને, વનમાં જઈને ભક્તિ કરતાં કરતાં મોક્ષને પંથે નીકળી ગયા હતા. ધુંધુલી એના પુત્રમોહમાં પતિ સાથે વનમાં જવા તૈયાર ન થઈ. ધુંધુકારી કુકર્મી હતો. તે ઘરે માતા પાસે માત્ર દ્રવ્ય લેવા જ આવતો હતો. એણે ઘર તો ક્યારનુંય છોડી દીધું હતું. ધુંધુકારી પાંચ વેશ્યાઓ સાથે એક ઘરમાં રહેતો હતો અને એના જીવતરમાં એક જ ધ્યેય હતું, પોતા માટે અને તે સહુ વેશ્યાઓ માટે ભોગ વિલાસની સામગ્રી એકઠી કરવાનું. એક દિવસ આ જ ધ્યેયથી પ્રેરાઈને એ પાછો રૂપિયા અને ઘરેણાં લેવા ઘરે આવ્યો. જ્યારે માતાએ રડતાં રડતાં કહ્યું કે એની પાસે હવે બે ટંક અન્ન ખાવા જેટલું પણ ધન નથી બચ્યું, પોતે ભીક્ષા માંગીને માંડ પોતાનું પેટ ભરી રહી છે તો ધુંધુકારીએ એને ઢોર માર માર્યો અને માતાને ધક્કો મારીને પાટુ માર્યા અને પછી ઘરમાંથી ધૂંવાપૂંવા થતો નીકળી ગયો.  આ બાજુ, પોતાના પુત્રના આ ત્રાસ, ઉપદ્રવ અને મારથી કંટાળીને ધુંધુલીએ તે રાતે જ કૂવામાં પડીને આપઘાત કર્યો. આ બધું બની રહ્યું હતું ત્યારે ગોકર્ણજી તીર્થયાત્રા પર નીકળી ચૂક્યા હતા.

         આ બાજુ, માતાને આટલો બધો માર મારીને ધુંધુકારી તો વેશ્યાઓને માટે રૂપિયા અને ઘરેણાં લેવા આજુબાજુના ગામોમાં ચોરી કરવા માટે ફરી રહ્યો હતો. બે-ચાર દિવસોમાં તો, કોઈકને મારી નાંખીને તો કોઈકના ઘરોમાં ચોરી કરીને એણે ઘણું બધું ધન, કિમતી વસ્ત્રો અને દાગીના ભેગા કરી લીધા અને એ બધી સ્ત્રીઓને આપ્યા. આ બાજુ, પેલી સ્ત્રીઓને થયું,” આ ચોરી કરીને આટલું બધું ધન લઈને આવ્યો છે તો નક્કી લોકો રાજાને ફરિયાદ કરશે, તેથી રાજાના સિપાહીઓ ક્યારેક તો આવીને આને અને ધનને લઈ જશે. આમેય એ એક દિવસ આ રીતે પકડાઈને મૃત્યુદંડ તો પામવાનો જ છે. તો આપણે જ એને ગુપચૂપ મારી નાખીએ તો કેમ? અને, પછી આપણે બધાં આ માલમત્તા લઈને બીજે ક્યાંક ચાલી જઈશું અને શાંતિથી જીવીશું. આવો ઈરાદો કરીને તેમેણે ધુંધુકારીને ગળે ફાંસો આપીને મારવાની કોશિશ કરી પણ તે મર્યો નહીં, એટલે ચિંતાતુર થઈને પોતે પકડાઈ જાય એ પહેલાં તેના મોઢા પર બળબળતા અંગારા નાખ્યા અને અગ્નિની ઝાળથી ધુંધુકારી ખૂબ જ તરફડીને મૃત્યુ પામ્યો. એના પછી એ પાંચેય સ્ત્રીઓએ ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું અને કોઇને પણ ખબર પડે તે પહેલાં સઘળી સંપત્તિ સમેટીને ગામમાંથી દૂર સુદૂર ભાગી નીકળી.

         ધુંધુકારી પોતાના અપકૃત્યો અને કુકર્મોને કારણે ભયંકર પ્રેતયોનિ પામ્યો. હવે તે વંટોળિયાની જેમ ટાઢ-તડકો અને ભૂખ-તરસથી માર્યો, અતૃપ્ત આત્મા સમો ફર્યા કરતો અને લોકોને ડરાવતો ફરતો. તેને એમ જ લાગતું હતું કે પોતાની આ હાલત માટે એના માતા-પિતા અને ભાઈ ગોકર્ણ જવાબદાર હતા. જો એ લોકો એને અમર્યાદ ધન, કિમતી વસ્ત્રો અને ઘરેણાં આપતા રહેત તો એને ચોરી ન કરવી પડત અને એની પાંચેય સ્ત્રીઓ આમ એનું કાટલું ન કાઢત! માણસ કદીયે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. એને પોતાના દુષ્કર્મોનું પરિણામ શું આવશે એવી સમજ પણ નથી હોતી, આથી જ બધાં અસામાજીક તત્વો સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ગોકર્ણજી તીર્થ યાત્રા કરીને ઘરે પાછા આવે તે પહેલાં જ એમને માતા અને ધુંધુકારીના મૃત્યુના સમાચાર મળ્યા હતા અને તેઓ જ્યારે ગયામાં હતા ત્યાં જ એમણે માતા અને ભાઈનું પિંડદાન કર્યું. ગોકર્ણ મહાત્મા હતા, સંત હતા અને નિસ્પૃહ હતા. સુખ અને દુઃખથી પરે થઈને, એમણે ઘરે આવીને પણ માતા અને ભાઈના આત્માને શાંતિ મળે એને માટે શ્રાદ્ધ અને અન્ય શાંતિપાઠ તથા ફરી બ્રહ્મભોજન સહિત પિંડદાન કર્યું.

 ગોકર્ણજી આમ એક રાત્રે પોતાના ઘરનાં આંગણાંમાં સૂતા હતા ત્યારે ધુંધુકારી પ્રેત ત્યાં આવ્યો અને અનેક વિકરાળ રૂપ લઈને એમને ડરાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. ગોકર્ણજી તો સંત હતા અને હરિકિર્તનમાં જ જીવન વ્યતીત કરતા હતા. એ જરા પણ વિચલિત ન થયા અને ખૂબ જ કરૂણાથી અને ધૈર્ય પૂર્વક પૂછ્યું કે ભાઈ તમારી આ હાલત કેવી રીતે થઈ અને આ દુર્ગતિ પામેલા જીવ રૂપે તમે કોણ છો? અંતે, તે ગોકર્ણજીના આમ પૂછવાથી જોરજોરથી રડવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી. ગોકર્ણએ પોતાની અંજલિમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાંટ્યું. એનાથી એનાં પાપોનું થોડુંક શમન થયું અને એણે કહ્યું, “હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં જ મારા પોતાના દુષ્કૃત્યોથી મારું બ્રાહ્મણત્વ નષ્ટ કર્યું છે. મેં મારા માતા-પિતાને દુઃખ આપવામાં કોઈ કસર ન છોડી અને એમના મૄત્યુનું કારણ પણ હું બન્યો. ચોરી, હિંસા, હત્યા અને નિર્દોષ લોકોને તથા બાળકોને પ્રતાડિત કરવામાં મેં દુષ્ટ આનંદ લીધો. જે ખરાબ સ્ત્રીઓના કુસંગે હું ચડી ગયો હતો એમણે જ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો. ભાઈ, હું આ પ્રેતયોનિમાં સતત અગન ભોગવી રહ્યો છું. મને આ બળતરામાંથી મુક્તિ અપાવો મારા ભાઈ.” અને ધુંધુકારી ડૂસકાં ભરીને રડવા લાગ્યો.

ગોકર્ણએ કહ્યું, “ભાઈ, મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું અને તો પણ તું પ્રેતયોનિમાંથી કેમ મુક્ત ન થયો?”

પ્રેત બોલ્યો, “મને નથી ખબર ભાઈ પણ મારા માટે કંઈક તો કરો જેથી આ પીડનમાંથી હું છૂટું!”

ગોકર્ણજીએ વિચાર કરીને કહ્યું, “ભાઈ, અત્યારે તું તારા યોગ્ય ઠેકાણે જા અને તને પીડા થાય છે તે સહન કર. લોકોને રંજાડતો નહિ. હું તારી વિમુક્તિ માટે કોઈ બીજો ઉપાય વિચારું છું.”

ગોકર્ણનો આદેશ મળતાં જ ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાન પર જતો રહ્યો. ગોકર્ણજી આખી રાત વિચાર કરતા રહ્યા. અનેક શાસ્ત્રોને રાતભર બેસી ઉથલાવ્યા પણ કંઈ ઈલાજ મળ્યો નહીં. બીજે દિવસે સવારે અનેક વિદ્વાનોને પણ બોલાવી આ સમસ્યા કહી પણ એનો કોઈ તોડ ન મળ્યો. તે દિવસ આખો ગોકર્ણજી મંદિરોના શાસ્ત્રીઓને પણ મળ્યા. છેવટે બીજું કંઈ ન સૂઝતા, તેના પછીની વહેલી સવારે સૂર્યદેવની સ્તુતિ કરીને આહવાન કર્યું. “હે સૂર્યનારાયણ દેવ, આપના થકી આ સમગ્ર પૃથ્વી અને સંસાર છે. કૃપા કરીને આપ મને મારા ભાઈ ધુંધુકારીની પ્રેતયોનિમાંથી મુક્ત કરાવવાનો રસ્તો બતાવો.” સૂર્યદેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હે વત્સ, કળિયુગમાં એક જ સચોટ મુક્તિનો ઉપાય છે જે સઘળા પાપોને ધોઈ નાખે છે. અને, એ છે, શ્રીમદ ભાગવત પુરાણની કથા સપ્તાહ. તેથી તમે એ સપ્તાહ પારાયણ કરો.” ગોકર્ણજીએ સૂર્યદેવને સાષ્ટાંગ નમન કર્યું અને ગામના અન્ય સાધુ-સંતોને અને વિદ્વાનોને વાત કરી. સહુએ સહર્ષ સૂર્યદેવની વાત સ્વીકારી લીધી.

         કથા સપ્તાહનું આયોજન તરત જ કરવામાં આવ્યું. દેશભરમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યાં. અનેક એવા હતાં જે સાંસારિક દુઃખોથી હતાશ, શારિરીક પીડાથી ત્રસ્ત અને માનસિક રીતે પણ બિમાર હતા. આ સહુને એમના કર્મોમાંથી મુક્તિ જોઈતી હતી. સરસ આયોજન કથાનું કરવામાં આવ્યું હતું. વિધિવત પૂજન અને અર્ચન કરીને કથાનો આરંભ થયો. ગોકર્ણજી પોતે વ્યાસપીઠ પર બિરાજ્યા હતા. પ્રેત પણ ત્યાં એના વાયુરૂપે ગોકર્ણજીના આવાહન પછી આવ્યો. એ બેસવા માટે યોગ્ય જગા શોધવા માંડ્યો. એ દરમિયાન એની નજર સાત ગાંઠવાળા એક પોલા વાંસ પર પડી જે વ્યાસપીઠ પર બાંધેલા મંડપ માટે વપરાયો હતો. પ્રેત એ વાંસમાં નીચેના પોલાણમાંથી વાયુરૂપે પ્રવેશી ગયો. ધુંધુકારી પ્રેતયોનિમાં આ વખતે પસ્તાવા સાથે કથા સાંભળવા આવ્યો હતો અને કોઈનેય રંજાડવા નહોતો માગતો. સંધ્યાકાળે કથા પૂર્ણ થતાં એક વિચિત્ર ઘટના બની. સહુના દેખતાં જ એ વાંસની એક ગાંઠ તૂટી. સાત દિવસના પારયણ યજ્ઞમાં આ રીતે રોજ એક એમ કરતાં સાતેય ગાંઠ તૂટી. આ સાત ગાંઠ હતી, મોહ, માયા, કર્મો, ક્રોધ, લોભ, વાસના અને દ્વેષની કારણ, ભાગવત કથા મન અને હ્રદયની ગાંઠો ખોલવા માટે છે, બાંધવા માટે નહીં. આ સાતેય ગાંઠોને કારણે મનુષ્ય એની પ્રેતયોનિ જીવતેજીવ જ ભોગવે છે. આમ સાતમા દિવસે બારેબાર સ્કંધનું મનથી શ્રવણ કરીને, એને આત્મસાત કરીને ધુંધુકારી પ્રેતયોનિમાંથી મુક્ત થઈને દિવ્યરૂપ ધારણ કરીને પ્રગટ થયો. એણે પોતાના ભાઈ ગોકર્ણજીને પ્રણામ કરીને ગદગદ સ્વરે કહ્યું, “ભાઈ, તમે મારી મુક્તિ માટે આટલો શ્રમ ઊઠાવીને આ સપ્તાહ પારાયણ યોજ્યું અને મારા જેવા અનેક જીવોને આ શ્રી હરિની પાવન કથા સંભળાવીને, એમને પણ પાપકર્મમાંથી છોડાવ્યા છે અને મોક્ષનો રસ્તો બતાવ્યો છે. તમને મારા શતશત વંદન છે. સાચે જ આ ભાગવત કથારૂપી તીર્થ સંસારના કીચડને તન, મન અને આત્મા પરથી ધોઈ નાખે છે.”

જે સમયે દિવ્યરૂપધારી ધુંધુકારી આ વાત કહી રહ્યો હતો ત્યારે તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઊતર્યું અને સૌની સમક્ષ આ પાર્ષદો ધુંધુકારીને એમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે ગોકર્ણજીએ એમને પ્રણામ કરીને પૂછ્યું, “અહીં હાજર સૌએ આ પવિત્ર કથાનું પાન કર્યું તો પછી આ સહુ શ્રાવકો માટે વિમાન કેમ નહીં આવ્યું?” એ સમયે ભગવાનના સેવકોએ કહ્યું, “આ શ્રવણ તો સહુએ કર્યું છે પણ આ તો સ્મરણ અને મનનો ભેદ છે. આ પ્રેતે પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત સાચા મનથી ભૂખ્યા-તરસ્યા રહીને કર્યું અને સાચા દિલથી પોતાના દુષ્કર્મોની માફી માગી. એનું મન શ્રદ્ધાન્વિત હતું. જો આ સહુ શ્રોતાઓ આટલા જ સમર્પણથી શ્રીમદભાગવત કથામૃતનું પાન ફરીથી કરશે તો એમનો પણ મોક્ષ અવશ્ય થશે.” અને પાર્ષદો ધુંધુકારીને લઈને વૈકુંઠધામ ગયા.

ગોકર્ણજીએ ફરીથી શ્રાવણમાસમાં શ્રીમદભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. ભાગવત કથા સમાપ્ત થતાં, સર્વે શ્રોતાઓને લેવા પાર્ષદો વિમાનો લઈને આવ્યાં. શ્રી હરિ સ્વયં એક વિમાનમાંથી ગોકર્ણજીને લેવા પધાર્યા હતા. ગોકર્ણજી એમના ચરણોમાં પડ્યા. એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. ભગવાને પાંચજન્ય શંખનો ધ્વનિ કર્યો અને ગોકર્ણને આલિંગીને દિવ્ય સ્વરૂપ અર્પ્યું. શ્રી કૃષ્ણની કૃપાથી સર્વ શ્રોતાઓને અને અન્ય સહુ જીવો તથા પ્રાણીઓને પણ રેશમી વસ્ત્રો, કિરીટ, કુડળ વગેરેથી વિભૂષિત કરી દીધા અને યોગીઓ જેવી દિવ્યતા અર્પી. સતયુગમાં જેમ શ્રી રામની સાથે સહુ અયોધ્યાવાસીઓ સાકેતધામમાં સિધાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ સહુને યોગીઓ માટે પણ દુર્લભ, ગોલોકધામમાં લઈ ગયા, જ્યાં પરમતત્વમય બનીને સહુ જીવો આ રીતે મોક્ષ પામ્યાં.

શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ અભિમાન અને મોહ, માયા રહિત થઈને કરાય તો જ સિદ્ધ થાય છે. અભિમાન અને કૃષ્ણ સાથે સાથે સંભવી શકે નહીં. ભક્ત જ્યારે ‘મનસા, વાચા, કર્મણા’ પ્રભુમય થઈને આ કથાનું શ્રવણ કરે છે ત્યારે જ શિવમય થાય છે. ગોકર્ણ જેવા સાધુપુરુષ પોતાની સાથે અન્યને પણ કલ્યાણ માર્ગે દોરે છે. આ સપ્તાહ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી અને પાલન કરવાથી મોક્ષ મળે છે, એ નક્કી જ છે, એમાં કોઈ સંદેહ નથી.

ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યની ભાગવત કથાનો, ગોકર્ણમોક્ષ-વર્ણન નામનો પાંચમો અધ્યાય સમાપ્ત થયો.

            શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.   

  વિચાર બીજઃ

અહીં અનેક સવાલો સ્થૂળ રૂપે થાય છે પણ, એના સૂક્ષ્મ જવાબો વિષે વિચાર આવે છે.

૧. ધુંધુકારીના વિલાસ-ભોગ અને ખરાબ ઉછેર માટેની જવાબદારી કોની? અહીં કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા વગેરેની જાગરૂકતા અને કર્તવ્યનો વિચાર કરવો ઘટે.

૨. સુખમાં રહેવું અને ભોગ વિલાસમાં રાચવું એ બેઉમાં ફરક છે. ક્યાંય પણ અહીં સુખનો કે સમૃદ્ધ સમાજનો નિષેધ નથી. જે પોતાનું ન હોય એને હિંસા અને ચોરી કે છળથી ઝૂંટવી લેવું અનિષ્ટ છે અને એમાંથી પરિણામ તો ‘ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત છે નિર્મેલો.’ આવે છે.

૩. ગયાજીમાં તીર્થ યાત્રા પર ગોકર્ણજી હતા ત્યાં એમને માતા અને ધુંધુકારીના કમોતના સમાચાર મળે છે. તો સમાચાર અને સંચારના આજ જેવાં આધુનિક ઉપકરણો તે સમયે શું અસ્તિત્વમાં હતાં?  

૪. શ્રીમદ ભાગવત કથામાં એવું કયું ખાસ તત્વ છે કે જે સદેહે મોક્ષ આપે? હરિગુણગાન અને હરિકૃપા તો ખરી પણ મારા મતે આ કથા સાંભળીને શું કરવું અને શું ન કરવું એનો બોધ મળે છે. સાચા વૈષ્ણવ કઈ રીતે બનવું એનો આ બોધ એકવાર જો આત્મસાત થઈ જાય તો ‘અઠે દ્વારકા’ અને ‘અઠે વૈકુઠ’ જ છે. આપણે ભાગવત કથાનું નિયમિત પાન એટલે કરતાં રહેવું જોઈએ કે આપણે સ્વર્ગ ધરતી પર જ જીવી શકીએ છીએ એ કદી ભૂલી ન જવાય. અને આપણી આજુબાજુના સર્વને માટે પણ સ્વર્ગીય વાતાવરણ સદાચારથી ઊભું કરી શકીએ.

૫. સદેહે પાર્ષદો વિમાન લઈને આવે એટલે શું? મને લાગે છે કે આપણા મનમાં સારા વિચારો એ ઈશ્વરના સેવકો-પાર્ષેદો છે અને આપણા આત્માની ઊર્ધ્વગતિ-ઊંચી ઉડાન- એ વિમાન છે.

2 thoughts on “શ્રીમદભાગવતમાહાત્મ્ય – ભાગવત કથા – અધ્યાય પાંચમો- જયશ્રી વિનુ મરચંટ

  1. ભાગવત માહાત્મ્ય ની જેમ બીજા પણ અનેક ગ્રંથોમાં ગ્રંથમહિમા વર્ણવતી આવી વાર્તાઓ મળે છે. પણ આ લેખમાળા રસપ્રદ બને છે અંતે આવતાં વિચાર બીજ ને કારણે .

    Liked by 1 person

  2. મોહ, માયા, કર્મો, ક્રોધ, લોભ, વાસના અને દ્વેષની કારણ, ભાગવત કથા મન અને હ્રદયની ગાંઠો ખોલવા માટે છે, બાંધવા માટે નહીં. આ સાતેય ગાંઠોને કારણે મનુષ્ય એની પ્રેતયોનિ જીવતેજીવ જ ભોગવે છે આ પ્રેતે પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત સાચા મનથી ભૂખ્યા-તરસ્યા રહીને કર્યું અને સાચા દિલથી પોતાના દુષ્કર્મોની માફી માગી. એનું મન શ્રદ્ધાન્વિત હતુંઆપણા મનમાં સારા વિચારો એ ઈશ્વરના સેવકો-પાર્ષેદો છે અને આપણા આત્માની ઊર્ધ્વગતિ-ઊંચી ઉડાન- એ વિમાન છે.
    ધન્ય ધન્ય

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s