એક કેસ – વાર્તા – અનિલ ચાવડા


એક કેસ
અનિલ ચાવડા

રમલો રમેશચંદ્ર બની ગયો. મોટા મોટા કેસ લડવા માંડ્યો. પણ ગઈ કાલે તેની પાસે એક એવો કેસ આવ્યો જેણે તેની ઊંઘ હરામ કરી નાખી. આ કેસ તેને વર્ષો જૂની એક અંધારી ગલીમાં લઈ ગયો. જેનાથી તે ભાગતો હતો, તે સત્ય ફરીથી આંખ સામે આવીને ઊભું રહ્યું હતું.

અંધારી રાતે આજીજી કરતી વહુનો દયામણો ચહેરો તેની આંખ સામે છતો થઈ ગયો.

વહુ તો હવે રહી નહોતી.

ચોધરી તેને વીનવી રહ્યો હતો પોતાના છોકરાનો કેસ લડવા, ચોધરીના છોકરા વિશે જાણીને તેનું લોહી ઉછાળા મારવા લાગ્યું હતું.

વર્ષો પહેલાં રમલો ગામડામાં રહેતો હતો. ત્યાંથી તાલુકાની હાઇસ્કૂલમાં અપડાઉન કરતો. કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યાં સુધી આ રીતે તે ભણતો રહ્યો. પણ કુદરતને કરવું કે એના પિતાનું અવસાન થઈ ગયું. ઘર આખું નિરાધાર થઈ ગયું. વળી એ જ વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો. મજૂરી મળે નહીં. ખેતરમાં સૂકાભટ વાયુ સૂસવાટા નાખે. એક ટંકના અનાજ માટે સાંસા પડવા લાગ્યા. પણ ભગવાનની મહેરબાની કે રમલાનો મરેલો બાપ, તળશી, ગામના ચોધરીને ત્યાં સાથી તરીકે કામ કરતો હતો. મરતો ગયો, પણ સંબંધ સાચવતો ગયેલો. ભૂખ અને બીમારીથી રમલાની મા મરવા પડેલી તે કહ્યું, “જા બટા ચોધરીને કેજે, થોડુંક અનાજ અને રૂપિયા આલે તો થોડાક દાડા કઢાય, નહીંતર આ દકાળમાં તો શરીર નહીં નભે.”

રમલો હતો મજૂરનો છોકરો, પણ ભણેલો-ગણેલો. કોઈની પાસે હાથ લાંબો કરવો તેને ગમતો નહીં. પણ પરિસ્થિતિ જ એવી હતી કે છૂટકો નહોતો. તેની માના દયામણા ચહેરા સામે તે હારી ગયો અને પહોંચ્યો ચોધરીની ડેલીએ.

સૂરજબાપા ય પોતાની ડેલીમાં જઈને ક્યારના પોઢી ગયા હતા. રાતની ચોકી કરતા તારલિયા આભમાં આમતેમ લબુઝબૂ કરતા હતા. કાનમાં વાતો સૂકો પવનનો સૂસવાટો રમલાને અણીદાર ભાલા જેવો લાગતો હતો. ડેલીએ જઈને શું કહીશ, કેમ કરીને માગીશ? એની તમામ ગોઠવણીઓ કરતો કરતો ઢીલા પગે ચાલ્યો જતો હતો. રાતના અગિયારેક વાગ્યે ડેલી ખખડાવવી એ જ તેની માટે મોટી અકળામણ હતી. તેની માટે તો ઠીક પણ ચોધરી આટલી રાતે બારણું ખખડાવવા માટે તેને શું શું સંભળાવશે એ વિચારીને જ તેના પગ ધ્રૂજવા લાગતા હતા. પણ છેવટે હિંમત કરી અને ડેલી ખખડાવી. અને એય બબ્બેવાર ખખડાવી. છતાં બારણું ન ખૂલ્યું. હવે તેનો જીવ તાળવે ચોંટ્યો. જો આટલી રાતે ઘરે કશું નહીં લઈ જઉં તો માને શું મોઢું બતાવીશ? વળી પોતે તો જુવાન છે હજી એકાદ-બે દાડા ખાધા વગર કાઢી શકશે, બીમાર માનું શું કરવું? દવા તો પછીય કરાશે, અત્યારે દેહ ટકે એટલું ખાવા મળે તોય ઘણું… આવા આવા હજારો વિચારો કરતો એ ડેલીએ ઊભો, પણ દયામય મંગલ મંદિર ખોલે તો ને?

વિચારોમાં ને વિચારોમાં તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. દવા માટે થોડા પૈસા જ જોઈએ છે અને ખાવા એકાદ બે ટંકનું ભોજન બીજું શું… આની માટે પણ આટલાં વલખાં…

ત્યાં તો કીચૂડાટ સાથે ડેલી ઉઘડી અને રમલાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. મોટી મૂછ, ગાલ પર મસો અને કરડો અવાજ થતા જ તેને શું બોલવું શું ન બોલવુંની સુધ નહીં રહે એમ તે વિચારતો હતો, પણ થયું તેનાથી ઊંધું જ. અંધારી રાતે ચાંદની રેડીને મઢી હોય એવી એક સુંદર સ્ત્રી ડેલીએ ઊભી હતી. આટલી ભૂખમાંય એ એની સુંદરતાને અવગણી ન શક્યો.

“મમમારી મા, બઉ બિમાર છે…” તેની જીભ થોથવાવા લાગી. “ઘરમાં ખાવા ધાન નથી… તમને તો ખબર છે, ગામમાં દુ..કાળ… અને મારા બાપા મરીજ્યા તમારા ખેતરમાં કામ કરતા…. તો…. થોડાક પૈસા અને ખાવા થોડું ધાન….”
“અંદર આવી જા…” રમલો તૂટક તૂટક ભાષામાં પોતાની વાત પૂરી કરી તે પહેલા કાચની પૂતળીના ગળામાંથી આરતીની ઘંટડી જેવો રણકાર સંભળાયો. એક અજાણી ધ્રૂજારી સાથે તેણે ડેલીનો ઊંબરો ઓળંગ્યો.
“મારી વાંહે વાંહે હાઇલો આવ…” વહુ હાલવા લાગી. રમલો વગર બોલ્યો તેની પાછળ ચાલતો રહ્યો. એ પગલાં એક અંધારી ઓરડીમાં જઈને અટક્યા.

“આયાં તો બહુ અંધારું છે.”

“હા, હું ફાનસ લેતી આવું.” વહુ ફાનસ લેવા ગઈ.

રમલો ફાંફા મારી જોવા લાગ્યો. આ કઈ જગા છે, અહીં કેમ લાવી હશે વહુ? આજુબાજુ અનાજની ગુણીઓ ને બીજો કોઠારનો સામાન પડ્યો હોય તેવું લાગ્યું. ત્યાં તો દરવાજામાંથી એક ફાનસ ચાલતું આવતું દેખાયું. ફાનસના અજવાળામાં વહુનો ચહેરો વધારે કામાતૂર રાજરાણી જેવો દેખાતો હતો.

“અહીં બધું અનાજ અને કઠોળ પડ્યું છે. હું તને એક ગુણ આપીશ રમલા. ચિંતા ન કરતો. અને આ અઢીસો રૂપિયાય રાખ.” એણે રમલાના હાથમાં આપ્યા.

“ભગવાન તમારું ભલું કરશે…”

“ભગવાને ભલું કરવા જ તને મોકલ્યો છે રમલા…”

રમલાને સમજાયું નહીં.

“કોઈ જોતું નથી, અહીં કોઈ નહીં આવે. ચોધરી મારી હાહુને લઈને શેરમાં દવાખાને ગિયા છે. મને એક ખોળાનો ખુંદનાર આપ રમલા.. મારા પરનું કલંક ભૂંસ… આ વાંઝિયાપણાના મેણાં હાંભરીને મારા કાન પાકી ગિયા છે. ચોધરીમાં ઇ ભાઈડાઈ નથી કે મારો ખોળો ભરે. લગનના છો-છો વરહથી હું ખાલી છું… તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું…”

વહુએ રમલાનો હાથ પકડી લીધો. આવું રૂપ, આવું તેજ, આવી યૌવના એને કરગરતી જોઈ તેને શું કહેવું તે ન સૂઝ્યું. તે એક ડગલું પાછો હટી ગયો. વહુ તેની નજીક આવી. તેને દૂર કરવા રમલાએ બે હાથ આગળ કર્યા. પણ તે હાથ વહુનાં બંને સ્તન સાથે અથડાયા. રમલાના રોમેરોમમાંથી ઝણઝણાટી થવા લાગી. ન કેમ થાય? અપ્સરા જેવી સ્ત્રી સામે ઊભી છે, સામેથી આહ્વાન આપી રહી છે. તેના શ્વાસોશ્વાસ વધી ગયા. વહુ વધારે નજીક આવી અને રમલાના બંને હાથ પર પોતાના હાથ મૂકી તેને છાતી પર ભીંસ્યા. રમલાના શરીરમાં એક સાથે સો-સો વીણા રણઝણવા લાગી. એની અંદર આગ ભભૂકી ઊઠી. વહુએ તેને નજીક ખેંચ્યો અને હોઠ સાથે હોઠ ભીંસી દીધા. હજારો જ્વાળાઓ જાણે એક સાથે નૃત્ય કરવા લાગી. અંધારાના મહાસાગરમાં શ્વાસના આરોહ-અવરોહરૂપી મોજાં ઉછળવા લાગ્યા. રમલાએ પણ એમાં પોતાને ડૂબી જવા દીધો. એ જાણે કોઈ પરમ આનંદમાં ખોવાઈ ગયો. સમુદ્રનો ઉછાળ શાંત થયો અને હોડી કાંઠે લાંગરી. વહુના ચહેરા પર પરમ સંતોષ દેખાતો હતો. તેણે પડ્યાં પડ્યાં જ કહ્યું, “ઓલા ખૂણામાંથી ઘઉંની ગુણ લઈ લે…”

એ વખતે એને એ અન્નપૂર્ણા દેવી લાગેલી. શરીરની બંને ભૂખ દેવીએ ભાંગી હતી.

ચૌધરીના ઘરમાં ત્રણેક મહિના પછી સુખના સમાચાર ઘંટડીની જેમ રણકવા લાગ્યા. ગામમાં વાતો થવા લાગી કે વહુના પગ ભારે છે. ચોધરી રાજી થયો ગયો આટલાં વર્ષે તેની પરનું મેણું ભાંગ્યું. રમલો આ સમાચારથી રાજી રાજી થઈ ગયો. તે વહુને મળવા માંગતો પણ આવા પછાતને ચોધરી વહુ આગળ પણ ક્યાંથી ફરકવા દે, વળી કોઈને ખબર પડે તો માથું ધડ ઉપર રહે ખરું? અને મને તો ઠીક વહુને કેટલી તકલીફ પડે? આવનાર બાળકની શી વલે થાય? રમલાનું મગજ મણમણનો ભાર ઉપાડ્યો હોય એવું ભારે થઈ જતું.

આવામાં એક દિવસ મામા ગામડે આવી ચડ્યા. બહેન અને ભાણિયાની દશા જોઈ તેમનાથી રહેવાયું નહીં. જીદ કરીને અમદાવાદ લઈ આવ્યા. મામા એટલા બધા પૈસાદાર તો નહીં, પણ પરિવારને બે ટંક કમાઈ ખવરાવે અને નાનામોટા શોખ પૂરા કરી શકે તેટલું તો કમાતા જ હતા. મામાએ જ રમલાને કહ્યું કે બાપા મરી જ્યા તો ભણવાનું થોડું અટકાવી દેવાય?

અધૂરી છૂટેલી કોલેજ તેણે ફરી શરૂ કરી. પછી આગળ જતા એલએલબી પણ કર્યું. ગાડી ધીમે ધીમે પાટે ચડવા લાગી. વર્ષોને જતાં વાર ક્યાં લાગે છે! અભ્યાસ પૂરો કરી વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરવા લાગ્યો. અભ્યાસ અને કારકિર્દીમાં એટલો રમમાણ હતો કે ભૂતકાળ બધો પાછળ છૂટી ગયો. કોઈ એવી પ્રેમિકા પણ નહોતી કે જેમાં તે રચ્યોપચ્યો રહે. તેથી પોતાનું સંપૂર્ણ ધ્યાન કેસમાં આપી શકતો. આના લીધે ધીમેધીમે તેનું નામ થવા લાગ્યું. ક્રિમીનલના અચ્છા અચ્છા કેસ તેણે ચપટીમાં ઉકેલી નાખ્યા. એમાં ય શહેરના જાણીતા વકીલ નાણાવટી સામે કેસ જીત્યા પછી તો તેનું નામ પ્રથમ હરોળના વકીલોમાં આવવા લાગ્યું. જાણીતા ઉદ્યોગપતિઓ, ડોક્ટરો તેને કેસ સોંપવા લાગ્યા. કામ પ્રત્યેની નિષ્ઠાએ એને પૈસો અને માનપાન બધું આપ્યું. શહેરના પોશ વિસ્તારમાં પોતાનો એક ફ્લેટ પણ લીધો.

આવું નામ હોય, પૈસો હોય, ઇજ્જતભરી જિંદગી હોય પછી કઈ છોકરી પરણવા તૈયાર ન થાય? અનેક છોકરીઓના માગા આવવા લાગ્યા. તેને રૂપરૂપના અંબાર જેવી અને ભણેલીગણેલી છોકરી મળી. લગ્ન કર્યાં. બાળકો થયાં. શહેરની સારી અંગ્રેજી મડિયમની શાળામાં ભણવા લાગ્યા. રમલો રમેશચંદ્ર વકીલ તરીકે શહેરમાં પંકાઈ ગયો.

પણ આજે તેની પાસે જે કેસ આવ્યો તેણે તેના વર્ષો જૂનાં પડણો ઉખાડી નાખ્યાં. ગામમાં બે જ ઘર હરિજનોનાં હતાં. બાવીસ-તેવીસ વરસ પહેલા ગામ છોડી દીધેલું. ગામમાં કોઈ હતું પણ નહીં કે ત્યાં હવે જવાનું થાય. પણ કહેવાય છે કે ભૂતકાળ ક્યારેય પીછો નથી છોડતો. રમેશચંદ્નને ખબર નહોતી કે ભૂતકાળનો રમલો આ રીતે પડદો રાખીને મળશે. તેની સામે બૂરખો પહેરીને અતીત ઊભો હતો.

મૂળચંદ ચોધરી તેની સામે બેઠો હતો. ચોધરી તેને ન ઓળખી શક્યો, પણ રમેશચંદ્ર તરત ઓળખી ગયો. વર્ષો પછી પણ ચોધરી ખાસ બદલાયો નહોતો. માથા અને દાઢીના વાળ થોડા ધોળા થયા હતા. આંખ નીચે થોડી કચલીઓ પડી હતી. મોઢા પરનો મસો હજી એમ ને એમ મૂછના છેડે ગાલ પર ચોંટ્યો હતો. કપડાં અને રહેણીકરણી તો આટલાં વર્ષે પણ એની એ જ હતી.

ચોધરીના છોકરાએ ગામની એક ખેડૂતની છોકરી પર બળાત્કાર કરી તેનું ખૂન કરી નાખ્યું હતું. તમામ પુરાવાઓ તેની વિરુદ્ધમાં હતાં. કોઈ કેસ હાથમાં લેતું નહોતું, ત્યારે બધાએ કહ્યું કે હવે એક જ રસ્તો છે, રમેશચંદ્ર વકીલ પાસે જાવ, ગમે તેવું હશે તો કાયદાની આંટીઘૂંટીમાંથી એ તમને છોડાવશે. ચોધરી કોઈ પણ ભોગે પોતાના એકના એક જ છોકરાને જેલમાં જવા દેવા માગતો નહોતો. તે રીતસર કરગરી પડ્યો. આ કરગરવામાં રમેશચંદ્નને એ જ ભાવ દેખાયા, જે વર્ષો પહેલાં કરગરતી વહુના ચહેરા પર હતા. એ વખતે ખોળાના ખુંદનાર માગવા માટેની આજીજી હતી, અત્યારે તેને બચાવવા માટેની. રમેશ માટે આ મોટી વિટંબણા હતી કે એ એનું પોતાનું જ લોહી હતું. ચોધરીના દીકરાને જેલમાં જવા દેવો કે નહીં એમ વિચારવાને બદલે તેને એવો વિચાર આવી ગયો કે મારા સંતાનને જેલ થવા દેવું કે નહીં. પણ કાયદો અને તમામ સાબૂતો તેની વિરુદ્ધમાં બૂમ પાડી પાડીને બોલી રહ્યા હતા. છતાં એને બચાવી તો શકાશે જ, પણ આટલો અન્યાયી ગુનો કરનારને બચાવવો જોઈએ ખરો?

રમેશચંદ્ર અને રમલા વચ્ચે જાણે મનોયુદ્ધ ચાલ્યું. મનની આ વિટંબણાએ તેની ઊંઘ હરામ કરી નાખી હતી. તેની આ વ્યથા કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં એવી હતી. બીજા દિવસે તો ચોધરી તમામ પેપરો, ફાઇલો, બધું લઈને હાજર થઈ ગયો. પણ રમેશચંદ્રની મનોવ્યથા હજી શમી નહોતી. પટાવાળાએ કહ્યું કે ચોધરી આવ્યા છે ત્યારે તેનો જીવ ઊંચો થઈ ગયો. તેણે જ ગઈ વખતે કહ્યું હતું કે છોકરો તો જેલમાં છે એટલે તેને રૂબરૂ મળીને બધું જાણવું પડશે. પણ પહેલાં તેનો ફોટો લેતા આવજો. હું એકવાર તેને જોઈ લઉં. તેમાં અપરાધી કે પોતાના ક્લાયન્ટને જોવાનો ભાવ જરા પણ નહોતો, એ વાત એ પોતે જ જાણતો હતો. એ તો પોતાનો અંશ આટલા વર્ષે કેવો લાગે છે તે જ જાણવા માગતો હતો. ચોધરીએ ફાઇલ તેના હાથમાં મૂકી અને તેણે ખોલતાની સાથે અપરાધીનો ફોટો આંખ સામે આવ્યો. પણ તેની આંખ જાણે કશુંક શોધતી હોય તેમ નજરથી ફોટો ફંફોસવા લાગી. તે તો અદ્દલ વહુ જેવો જ દેખાતો હતો, તેમાં રમેશનો એક છાંટોય વરતાતો નહોતો. પણ છતાં કોઈ અજાણ્યું તત્ત્વ તેને એ ચહેરા સાથે જોડી રાખતું હતું. પોતાનું લોહો હોવાથી તેને બચાવવું કે કાયદાની રીતે ગુનેગાર છે, માટે તેને સજા આપવી?
ચોધરીએ કહ્યું સાહેબ ફી?

ફીની જરૂર નથી… પણ કેમ સાહેબ…

હું આ કેસ લઈ શકું તેમ નથી.

પણ સાહેબ તમે તો કહેતા હતા, કે ભલે ગુનો કર્યો હોય, થોડીક છટકબારીઓ છે, તેનાથી છૂટી શકાય તેમ છે.

હા, પણ હવે લાગે છે કે ગુનો કર્યો છે એટલે તેની સજા તેને મળવી જોઈએ. હું આ કેસ નહીં લઈ શકું.

4 thoughts on “એક કેસ – વાર્તા – અનિલ ચાવડા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s