દાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા


(દાવડાસાહેબને આપેલી શ્રદ્ધાંજલિમાં, એક સંવેદનશીલ કવિ હ્રદયની સચ્ચાઈ આ પ્રાર્થનાને લખેલા પત્રમાં છલકાય છે. ભાગ્યેશભાઈની નીવડેલી અને સક્ષમ કલમ જ્યારે ભાવનાને વહેતી મૂકી દે તો એનાં વહેણ માર્ગમાં આવતા સૌને ભીંજવી જાય છે.)

પ્રાર્થનાને પત્રો… 

પ્રિય પ્રાર્થના, 

કપરાકાળનાં કપરાં ચઢાણ. જાતજાતની સમસ્યાઓ દેખાઈ રહી છે. જેમ ઘણા સકારાત્મક તેમ નકારાત્મક વલણો સામે આવ્યા છે. સમાજનો એક વર્ગ માનસિક રીતે બિમાર હોય એવું લાગ્યા કરે છે અને એ બહું ચિંતાજનક છે. હમણાં યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં એટલી બધી અભદ્ર ભાષા ચલણમાં આવી રહી છે કે આપણને એમ થાય કે ગુજરાતનું સાંસ્કૃતિક જીવન રાંક થતું ચાલ્યું છે. સાવ અજાણ્યા માણસો બોલબોલ કરે, અને એમની શીર્ષકકલામાં થોડી સનસનાટી હોય એટલે ભોળી ગુજરાતી પ્રજા બધું વાંચ્યા કરે, જોયા કરે. આને હું સમાજનું સમજણ-શૈથિલ્ય ગણું છું. જો સમાજ સાવધાન નહીં બને તો આ આપણા સામુહિક-કથન-વિશ્વનો [Social narrative] ભાગ બની જશે. આની લાંબી ચર્ચા કરવી જ પડશે. 

 પણ પહેલાં ‘દાવડાનું આંગણું.. ‘. આપણું આંગણું. બે-એરિયામાં મને જડેલું આંગણું. આ એક વેબસાઈટ છે ગુજરાતી સાહિત્યની. બે-એરિયાના સાહિત્યકાર મિત્રો ચલાવે છે. એના હોમ પેજ પર એક બેઠકનું, એક આંગણાનું ચિત્ર છે, તમે ત્યાં પહોંચો એટલે પવન આવવા લાગે, તડકો અને એનો પવન પોતીકો લાગે. લીલીછમ ગુજરાતી સોડમથી છલોછલ લાગે એવું છે આ આંગણું.  આના સ્થાપક દાવડાસાહેબ. એમની વાત.  

‘ દાવડા સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા…’ મિત્ર બાબુસુથારની ફેસબુક પોસ્ટથી ખબર પડી કે દાવડા સાહેબનું અવસાન થયું છે. બે-એરિયામાં આ એક વિરલ વ્યક્તિત્ત્વનો પરિચય આમ તો 2016ની મારી મુલાકત વખતે થયેલો, પણ પછી પરોક્ષ રીતે મળતા રહ્યા. અમે, એટલે કે હું અને હિતેન આનંદપરા, કાવ્યયાત્રાએ નીકળેલા એ 2018માં એમની તબિયત બહુ સારી નહોતી, જો કે અમેરિકાના ધોરણે ખરાબ પણ નહોતી. મુરબ્બી અને મિત્ર એવા જયશ્રીબેન મર્ચંટના કાવ્યસંગ્રહના વિમોચન માટે અમે ગયેલા. હવે, મને બે-એરિયાનો અને લોકોનો ખાસ્સો પરિચય થયો હતો. આજે જયશ્રીબેન મર્ચંટ જે ‘દાવડાનું આંગણું’ સંભારે છે એ દાવડા સાહેબનું આંગણું. એક તરફ સુરેશમામાનું આંગણું, ખુલ્લા દિલે આવકારનાર એક ગજબના ગુજરાતી તો બીજી તરફ પ્રતાપભાઇ પંડ્યાનું આંગણું.. પ્રતાપભાઇ એટલે પુસ્તકપ્રેમની અને પરબની પાઠાશાળા, સાહિત્યિક અને માતૃભાષાની પ્રવૃત્તિઓના પ્રતાપી પ્રોત્સાહક. અને દાવડાસાહેબનું આંગણું, સાહિત્યનો ઓટલો. વિશાળ અને ઓપન. જયશ્રીબેને મને વધારે પરિચય કરાવ્યો. પ્રાર્થના, મેં તને અગાઉ તો કહેલું જ, પણ આજે ફરીથી કહું છું કે જયશ્રીબેન પત્રોને [ પ્રાર્થનાને પત્રો] આ આંગણામાં વાવે છે અને પુષ્કળ ભાવકોનો પ્રેમ હું પામું છું. 

યાદ કરું છું, દાવડાસાહેબને. પાતળી કાયા, જાણે કશાક હેતુ માટે નીચોવી કાઢી હોય એમ લાગે. એક તદ્દન સાદું પણ ચોખ્ખું શર્ટ, એમનો નિર્દોષ ચહેરો આ શર્ટ સાથે મેચ થાય. કોઇ ખટપટ નહીં, ઇગો પણ નહીં, બિનશરતી મિત્રતા અને નિર્મળ પ્રેમ. એમની સાથે જે મુલાકાતો થઈ એની બરાબર યાદ છે, એ કોરોના પહેલાંના સમયમાં તો આપને હાથ પણ મિલાવતા, એ હાથની ઉષ્માની એક લહેરખી એમના મૃત્યુના સમાચાર સાથે અનુભવી. જયશ્રીબેન સાથે વાત કરી. બેંનની વાત અશ્રુભીની હતી, લાગણીઓના આ માણસ હતા. ગીતાના મર્મી, હું મળ્યો ત્યારે મારું પ્રવચન શ્રીકૃષ્ણ પર હતું, મનીષા અને પ્રતાપભાઇએ આયોજેલું. દાવડાસાહેબ ભોજન પછી મળ્યા ત્યારે એમણે કર્મયોગની વાત કરી. એમનું અર્થઘટન સરસ હતું. જેને હું ‘કર્મોન્નતિ’ કહું છું એને દાવડા સાહેબ સરસ રીતે સમજાવે છે. પહેલાં તો માણસ ફળની ઇચ્છા છોડે એ પહેલાં એની જે કર્મની યાત્રા થાય છે એની દાવડા સાહેબ વાત કરે છે. તો બીજી એક બાબત છે તે દાવડાસાહેબની લલિતકળાઓની પ્રીતિ. ખાસ કરીને એમણે કલાગુરુએ દોરેલાં સાહિત્યકારોનાં ચિત્રો અને એ ઉપરની એમની નોંધ. આ માણસ એંજિનીયર હોવા છતાં પોતાના હ્રદયને લાગણીઓથી કેવું ભીંજવેલું રાખ્યું છે તે પામવું હોય તો એમણે મીરાંના ચિત્ર સાથે મુકેલી નોંધ વાંચવી જોઇએ. 

મીરાંબાઇના અનેક ચિત્રો કેલેન્ડરો માટે અનેક કલાકારોએ તૈયાર કર્યાં છે. મીરાંબાઇના જીવન ઉપર આધારિત ચલચિત્રોમાં મીરાં બનનાર અભિનેત્રીઓનાં ચિત્રો પણ લોકપ્રિય થયાં હતાં. અહીં કલાગુરુએ જે મીરાંના મુખભાવ દર્શાવ્યા છે બીજા ચિત્રોમાં તમને જોવા નહીં મળે. ચિત્રોમાં ગ્લેમરનો અભાવ છતાં  મુખ ઉપરની નમણાસ, રાજકુટુંબનું તેજ અને ભક્તિમાં ખોવાયેલું વ્યક્તિત્ત્વ ; કેટકેટલું એક્સાથે જોવા મળે છે.. ” 

આ તો એક ઉદાહરણ છે.  અહીં મારે તને ‘ચિત્રપઠન’ વિશે કહેવું છે.  એક ચિત્ર એ થીજેલી કવિતા જ હોય છે, થીજેલી શું કામ વહેતી હોય છે, કારણ જે સ્થિર દેખાય છે તે તમને અંદરથી ઝંકૃત કરી દેતા હોય છે. એક વખત style and symbolism સમજાય પછી કલાકારની પીંછી ભાવકના મનમાં પ્રવેશે છે. અને એક કાવ્યમાં ચાલે છે તેમ એક અર્થયાત્રા નીકળે છે. ચિત્રકાર અને ભાવક ચિત્રના અનેક બિંદુઓએ એકબીજાને મળે છે. આ મિલનો યોજવાનું કામ કલાનું છે. કલાગુરું રવિશંકર રાવળને દાવડા સાહેબે ભરપુર યાદ કર્યા છે.

શ્રી દાવડા સાહેબ જ્યારે મીરાં માટે આમ લખે છે ત્યારે એમની ખુબ ઉંડાણ સુધી પહોંચેલી મીરાં પણ સંભળાય છે. આ ‘વ્યક્તિત્ત્વ’ને ખોવાની વાત એ ભક્તિયોગનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ. આ વ્યક્તિના શબ્દોમાં સત્ય અને અનુભવનું સાત્વિક સંમિશ્રણ હતું. આવી વ્યક્તિ જાય એ બે-એરિયાની ગુજરાતી પ્રવૃત્તિને મોટું નુકશાન છે. મને આશા છે એમના અનુગામીઓ આ ખોટ ભરપાઇ કરવા ભરપુર પ્રયત્નો કરશે. હું જયશ્રીબેન અને પ્રજ્ઞાબેન જેવા કર્મઠ કાર્યકર્તાઓને જાણું છું, એટલે આશા રાખી શકું કે બે-એરિયાની ગુજરાતી પ્રવૃત્તિઓ આ આંગણાંને લીલુંછમ રાખીને એમને સાચી શ્રધ્ધાંજલી આપશે.  

કિં બહુના… 

સાચવજો અને જાળવજો. 

ભાગ્યેશ. 

જયશ્રીકૃષ્ણ, 

જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “દાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા

 1. દાવડાસાહેબને પ્રેમભરી અંજલિ. “કોઇ ખટપટ નહીં, ઇગો પણ નહીં, બિનશરતી મિત્રતા અને નિર્મળ પ્રેમ”
  અને સાહિત્ય અને કલા માટે સરળ સત્કાર.
  સસ્નેહ, સરયૂ પરીખ

  Like

 2. દાવડાસાહેબ- પાતળી કાયા, જાણે કશાક હેતુ માટે નીચોવી કાઢી હોય એમ લાગે. એક તદ્દન સાદું પણ ચોખ્ખું શર્ટ, એમનો નિર્દોષ ચહેરો આ શર્ટ સાથે મેચ થાય. કોઇ ખટપટ નહીં, ઇગો પણ નહીં, બિનશરતી મિત્રતા અને નિર્મળ પ્રેમ. આ ‘વ્યક્તિત્ત્વ’ને ખોવાની વાત એ ભક્તિયોગનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ. આ વ્યક્તિના શબ્દોમાં સત્ય અને અનુભવનું સાત્વિક સંમિશ્રણ હતું
  પ્રેમભરી અંજલિ માણી
  ધન્ય મા દાવડાજી ધન્ય ભાગ્યેશજી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s