કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા


વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર

વાહનો”, અ-વૃક્ષતા”, ને પાપસૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર

જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??

જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!

બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર….

મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર

-ડૉ. જગદીપભાઈ નાણાવટી

વરસાદ આવું આવું  થઇ રહ્યો છે. આ દેશને કોઈ પણ પ્રકારની હડતાળ  પોષાય એમ નથી. માનવકલાકોનો  મહત્તમ ઉપયોગ આવકાર્ય પણ છે અને અનિવાર્ય પણ. વાદળો હડતાળ પાડે તો તરત એમના પર કેસ કરવો જોઈએ. પ્રસ્તાવ સારો છે, પણ હિતાવહ નથી. સામે વાદળો સીધા સુપ્રીમ કૉર્ટમાં કેસ આપણા ઉપર દાખલ કરી દે. ભાઈ માણસ! આ બધા જંગલો આડેધડ કપાય છે. માણસની સંખ્યા લાખોમાં વધે અને વૃક્ષોની  સંખ્યા લાખોમાં ઘટે તો આ સૃષ્ટિનો મેળ કેવી રીતે બેસે? 100 વરસ પહેલાના ગ્રીન કવર અને અત્યારના ગ્રીન કવરની સરખામણી થાય તો ટબુડીમાં ગંગાજળ લઈને ડૂબી મરવું પડે. આવા ઘણા આરોપો કીકબેક થઇ શકે  એટલે કેસની વાત પડતી મુકીએ. 

પ્રકૃતિને હણનારા કારણો ઘણા છે. વાહનોની સાથે ડામર અને સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાની બોલબાલા કરવી પડે. એટલે પહેલો ઘા વૃક્ષો પર થવાનો. ઘણી જગ્યાએ રસ્તામાં આડા આવતા વૃક્ષ ન કાપવાની માનવતા દેખાય છે, તો ઘણી જગ્યાએ વૃક્ષને સિમેન્ટમાં એવું પેટીપેક કરી દે જાણે શરત મારી હોય: એક ટીપું પાણી ઉતારે તો ખરું! માટી માગતા વૃક્ષોએ સિમેન્ટ ખાવી પડે. વૃક્ષની આજુબાજુ 2 ફૂટનું અંતર છોડવું જોઈએ એટલી સાદી સમજ સંબધિત ખાતાઓ પાસે નથી હોતી. 

વરસાદ  પહેલાં ઝાડને ટ્રીમિંગ કરવું જરૂરી બને છે જેથી એ તૂટે તો નુકસાન ન કરે. બરછી લઈને ડાળીઓ કાપતા મજુરોને એ તાલીમ આપવામાં નથી આવતી કે ભાઈ, તું જે ડાળીઓ કાપવાનો છે એના પર કોઈ પંખીનો માળો તો નથીને! ધન ધન કાપવા જ લાગતી બરછી જાણે કસાઈના હાથમાં હોય એવું પ્રતીત થાય. પંખીનો કમનસીબ છે, તેઓ ટહુકા કરી શકે, ફરિયાદ નહિ. ચકલી,  ટિટોડી જેવા પંખીઓ માળો બનાવવા સારી જગ્યા શોધતા જ રહી જાય છે. સંતતિ નિયમન એમના હાથમાં નથી એટલે નાછુટકે શહેર છોડવું પડે. 

આપણે કુદરતને  કરન્ટ એકાઉન્ટની જેમ વાપરીએ છીએ.  ફિક્સ ડિપોઝિટ જેવું કંઈ રાખવું જોઈએ એ વિચાર આપણને આવતો નથી. આવનારી પેઢી વિચારશે કે અમારા પૂર્વજો શું કરીને ગયા? તંગ દોર પર ચાલવું પડે એ દિવસો વધારે દૂર નથી. કુદરતે એનો પ્રકોપ જાહેર કરવા માંડ્યો છે. ભલભલા વિકસિત દેશોમાં રસ્તા પર પૂરના  પાણી ફરી વળ્યા હોય એવા  દ્રશ્યો સામાન્ય થઇ ગયા છે. ગ્લોબલ વોર્મિંગની અસર દરેક જગ્યાએ દેખાય છે. જેટલી સુવિધા વધે એટલો કચરો વધે. કચરો પંચમહાભુતમાંથી બનતો હોત તો વાંધો ન આવત. મોટા ભાગનો કચરો ઉકરડા રૂપે અટ્ટહાસ્ય કરતો અનંત વરસોનું આયુષ્ય લઈને ડરાવે છે. 

સુવિધાઓ જરૂરિયાત બની જાય ત્યારે પાછા પગલે સમસ્યાઓ પધારે છે. રણમાં વરસાદ પડે ને લીલાછમ પ્રદેશો પાણીને તરસે એવા વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે. આ વિરોધાભાસ ધીરે ધીરે પ્રાદેશિક રહેવાને બદલે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ટેકનોલોજી વિકસે છે, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ વધે છે, પણ પરિણામ શૂન્ય દિસે  છે.  ઇશ્વરને એક વિનંતી કે પ્રત્યેક માનવજનમ સાથે દસેક ઘટાદાર વૃક્ષ ભેટ આપે. વૃધ્ધાવસ્થામાં એક તો બચે. દુષ્કાળ હવે પોષાય એમ નથી – ખેતરનો અને આંખનો. 

***

2 thoughts on “કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા

  1. કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટીની સુંદર રચનાનુ
    હિતેન આનંદપરા દ્વારા સ રસ આસ્વાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s