રાજલક્ષ્મી -વાર્તા- અશોક વિદ્વાંસ


રાજલક્ષ્મી  

મારો અંદાજ છે કે એમની ઉમર ત્યારે સિત્તેરની આજુબાજુ હશે.  પણ, એ ઉમરે પણ તેઓ તંદુરસ્ત હતા અને એમના મો પર ભૂતકાળના સુખી (અને કદાચ સમૃદ્ધ પણ હશે, પણ મને ખબર નથી.) સંસારની નિશાની મોજૂદ હતી.  અમેરિકામાં આવી સ્થિર થયેલ સુખી મધ્યમવર્ગીય ભારતીય કુટુંબમાંનું જ એક, એમનું કુટુંબ હશે.  આગળ જતાં એમની વાતો પરથી – અને ખાસ તો વિશિષ્ઠ પ્રકારની રસોઈ કરવાની આવડત પરથી – ખબર પડી કે તેઓ ભારતના ગોવા કે કોકણ વિસ્તારના રહેવાસી હતા.  

અમે પ્લેન્સબોરો છોડી ઇસ્ટ વિન્ડસર રહેવા આવ્યા પછી એક રવિવારે સવારે અચાનક ઘરની બેલ વાગી.  શૈલાએ બારણું ખોલ્યું તો સુંદર રેશમી સાડી પહેરેલા એક બહેન બારણામાં ઊભા હતા.  અડધું મરાઠી અને અડધું હિંદી બોલી એમણે પોતાનો ટૂંકો પરિચય આપ્યો અને શૈલાના સ્વભાવ પ્રમાણે એણે તરત જ હસી, આવકાર આપી એમને અંદર બોલાવ્યા.  એ દિવસોમાં શૈલા ’ન્યુ જર્સી મરાઠી વિશ્વ’ નામની સ્થાનિક સંસ્થામાં સારી એવી સક્રિય હતી એટલે એને થયું કે આ બહેન એ વિષે કાંઇક વાત કરવા જ આવ્યા હશે.  બહેને પોતાનું નામ ’રાજલક્ષ્મી’ છે એમ કહી, તેઓ અમારી સ્ટ્રીટની પાછળની સ્ટ્રીટ પર રહેતા એમના દીકરા સાથે રહે છે, એવી માહિતી આપી; અને કહ્યું કે કોઇની પાસેથી એમને શૈલાનું નામ મળ્યું એટલે તેઓ આવ્યા હતા.  સવારનો સમય હતો એટલે શૈલા રસોઈની સાથે જ રાજલક્ષ્મી સાથે વાતો કરતી હતી.  ચા પીતા-પીતા એમણે પોતાની રસોઈનાં વખાણ કરવા ચાલુ કર્યા.  તે દિવસે થોડો સમય બેસી, શૈલા પાસેથી અમારો ફોન નંબર માગી લઈ એ પાછા ગયા. 

પંદર-વીસ દિવસ પછી એમનો ફોન આવ્યો અને શૈલાને પૂછ્યું કે એને રસોઈમાં મદદની જરૂર હોય તો પોતે આવી શકશે.  એવી ખાસ જરૂર ન હોવાથી શૈલાએ વિવેકથી ના પાડી.  વળી થોડા દિવસ પછી એ બારણે આવી ઊભા રહ્યા અને શૈલાને કહ્યું કે પોતે ’ફિશ’ લાવ્યા છે, અને અમારે માટે રાંધી આપશે.  શૈલા એ માટે તૈયાર તો ન હતી છતાં એમને રસોડાનો કબજો સોંપી જોવા લાગી.  રાજલક્ષ્મી પોતાની સાથે ગોવાની પદ્ધતિથી ફિશ રાંધવાનો મસાલો લઈ આવ્યા હતા અને એમણે સાચે જ બહુ સ્વાદિષ્ટ ’ફિશ-કરી’ બનાવી.  અમને બંનેને તે દિવસે જમવાની મજા આવી ગઈ!

એ પછી અવારનવાર રાજલક્ષ્મી અમારે ત્યાં આવતા, સાથે ક્યારેક પોતે બનાવેલી કોઇ વસ્તુ પણ લઈ આવતા, શૈલાને રસોઈમાં મદદ કરતા, અને બે કલાક પસાર કરી પાછા જતા.  શૈલા એમના સમયનો અંદાજી હિસાબ કરી થોડા પૈસા આપતી જે રાજલક્ષ્મી ગણ્યા વગર જ લઈ લેતા.  એમને લીધે અમને કોકણ અને ગોવાની રસોઈની કેટલીક ખાસ વાનગી ચાખવાનો ને ખાવાનો લાભ મળવા લાગ્યો.  તાજું ખમણેલું ટોપરું અને ગોળ નાખી બનાવેલી મીઠાઈ પણ એમની ખાસ ’સ્પેશ્યાલીટી’ હતી.  મેં જોયું કે, અમારે ત્યાં આવી પોતે રસોડામાં કામ કરવાના છે એ ખબર હોવા છતાં, લગભગ કાયમ સુંદર રેશમી સાડી પહેરીને જ આવતા.  એ જ રીતે શિયાળાની ઠંડીમાં પણ તેઓ પગમાં કાયમ ચંપલ જ પહેરતા.  ઠંડીના દિવસોમાં જ્યારે હું ઘરમાં પણ મોજાં પહેરી રાખતો ત્યારે પણ રાજલક્ષ્મી માત્ર ચંપલ પહેરીને આવતા!  અગત્યની વાત એ કે એમના દીકરાનું ઘર નજીક હતું એટલે એવી ઠંડીમાં પણ એ ચાલીને જ અમારે ત્યાં આવતા!!  ધીમે-ધીમે શૈલાના ધ્યાનમાં આવ્યું કે આ બધું કામ રાજલક્ષ્મી પૈસા માટે નહોતા કરતા.  એમના પતિ સારા એવા પૈસા મૂકી ગયા હતા એ એમની જ વાત પરથી જાણ્યું.  એમના દીકરાનો ધંધો બહુ સરસ ચાલતો હતો, અને દીકરાને તો મા આમ કોઈકને ત્યાં જઈ કામ કરી પૈસા લાવે એ વાત બિલકુલ પસંદ ન હતી.  રાજલક્ષ્મી આ બધું દીકરાથી છાનું જ રાખતા.  એમની પુત્રવધૂ ના સ્વભાવના રાજલક્ષ્મી પ્રામાણિક પણે વખાણ કરતા.  એટલે સાસુ-વહુ વચ્ચેનું તાણ પણ અમારા ઘરની એમની વારંવાર ની મુલાકાતનું કારણ ન હતું.  શૈલાએ તારવ્યું કે; પોતે હજી પણ કાંઇક ઉપયોગી કામ કરી શકે છે એ લાગણીનું સમાધાન, તથા થોડો સમય અન્ય કોઇ સાથે બોલવા મળે એ ભૂખની તૃપ્તિ, એ બે જરૂરિયાતનો સંતોષ; એ રાજલક્ષ્મીના અમારે ત્યાં આવવા માટેના પ્રમુખ કારણ હતા. એમના મો પર હું કાયમ ગર્વ વગરનું સ્વાભિમાન જોતો, અને એ કારણથી મને એમના પ્રત્યે માનની લાગણી હતી. 

એ બધું બે-ત્રણ વર્ષ ચાલ્યું હશે.  પછી અચાનક જ રાજલક્ષ્મી દેખાતા બંધ થયા.  એકાદ વર્ષ વહી ગયું ને ફરી એક સવારે ઘરની બેલ વાગી અને અમે જોયું કે બારણે રાજલક્ષ્મી ઊભા હતા!  તે દિવસે એ બેઠા અને ચા પીધી પણ રસોઈની કાંઇ વાત ન થઈ.  રાજલક્ષ્મીએ કહ્યું કે વચ્ચેનો સમય એ બીજા દીકરાને ત્યાં કેન્સાસ ગયા હતા.  એ દીકરાની પત્નીને ત્રીજું બાળક આવ્યું અને પુત્રવધૂને મદદ કરવા એમને ત્યાં બોલાવ્યા હતા.  ’સ્માર્ટ-ફોન’ આવ્યા એ પહેલાનો એ સમય હતો, એટલે ફોન ખોલી ફોટો દેખાડવાનો એ જમાનો ન હતો.  હોંશે-હોંશે પર્સ ખોલી એમણે અમને પોતાના પૌત્રના ફોટોની ’હાર્ડ કોપી’ બતાવી.  પૌત્રની વાતો અને વખાણ કરતી વખતે રાજલક્ષ્મીનું મોં આનંદ અને ગર્વથી છલકાતું હતું.  એ પછી દસેક વર્ષ સુધી મને એ દેખાયા ન હતા.

* * * * *

પાછલા વીસેક વર્ષથી બે-અઢી માઈલ ચાલવું એ મારી રોજની ટેવ – કસરત – છે.  અઠવાડિયામાં સાતેસાત દિવસ નહીં તોય પાંચ-છ દિવસ તો હું એ નિયમ બરાબર પાળું છું.  આઠ વર્ષ પહેલા રિટાયર થયો ત્યારથી હું અમારી ’ડેવલપમેન્ટ’ માં જ ચાલવા નીકળું છું.  પરિણામે ઘણાં પડોશી, અને એમનાં ’પેટ્સ’ એટલે કે પાળેલા કૂતરા, સાથે દોસ્તી થઈ છે.  એકાદ મહિના પહેલા, ચાલતો-ચાલતો હું અમારી ડેવલપમેન્ટની પાછળ આવેલા પાર્કમાં ગયો.  પંજાબી ડ્રેસ પહેરેલા એક વયસ્ક બહેન, અને લેંઘો-ઝબો પહેરેલા અને એમનાથી પણ વધુ વયસ્ક વડીલ સજ્જન, એક બાંકડા પર બેસી વાતો કરતા હતા.  મારું એ તરફ ઝાઝું ધ્યાન ન હતું, અને અમેરિકામાં હોવા છતાં પણ લેંઘો પહેરી બહાર નીકળતા આપણા ભારતીય પુરૂષોનું આવું વર્તન મને પસંદ નથી; એ બંને કારણથી એમના પ્રત્યે દુર્લક્ષ કરી હું મારા રોજના રાઉન્ડ મારવાના રસ્તે ગયો.  પહેલું રાઉન્ડ પતાવી હું પાછો ફરતો હતો ત્યારે મારો રસ્તો મને બરાબર એમની સામે લઈ ગયો.  મેં સ્મિત કરી એમની હાજરીની નોંધ લીધી.  પછી આગળ નીકળી જતો હતો પણ કોણ જાણે શાથી, મને વડીલમાં રસ પડ્યો ને મેં ઊભા રહી એમની સાથે ઔપચારિક વાતો કરી.  ખબર પડી કે તેઓ હૈદરાબાદમાં આંધ્રની સ્ટેટ હાઈકોર્ટમાં ચીફ-જસ્ટિસ તરીકે કામ કરી નિવૃત્ત થયા હતા અને હાલ થોડા દિવસો માટે અહીં દીકરીને ત્યાં મુલાકાતે આવ્યા હતા.  એમનું વ્યક્તિત્વ અને વાત કરવાની છટા પ્રભાવશાળી હતા.  મેં માની લીધું હતું કે સાથેના બહેન એમના પત્ની હશે.  વાત પૂરી કરી વિવેકથી બંનેને નમસ્કાર કરી હું મારા નિયમ પ્રમાણે બીજું રાઉન્ડ મારવા ચાલવા માંડ્યો.  એ પતાવી હું પાછો આવ્યો ત્યારે પેલા વડીલ એકલા જ ત્યાં બેઠા હતા; બહેન ન હતા.  

પાર્કની બહાર નીકળી હું ઘરના રસ્તે પડ્યો.  થોડે આગળ વધ્યો ને ધીમી ચાલે ચાલતા પેલા બહેન દેખાયા.  મારી ઝડપે ચાલતો હું એમની બાજુથી પસાર થઈ આગળ થયો.  પણ પાછળથી મને અવાજ સંભળાયો, “આપને મુઝે પેહેચાના નહીં, મૈં રાજલક્ષ્મી!”  એ અવાજ અને નામ બંને મને થોડા પરિચિત તો લાગ્યા પણ મારી ટ્યૂબ-લાઈટ હજી પૂરી સળગી ન હતી!  પાછું ફરી મેં એમની સામે જોયું.  પણ મારા ચહેરા પરની અનભિજ્ઞતા પિછાની, મને એંધાણ આપવાના હેતુથી એ બોલ્યા, “આપને અભી ભી મુઝે નહીં પેહેચાના.  શૈલા કૈસી હૈ?”  આટલું ’વૉલ્ટેજ’ મારી બુઝાતી જતી ટ્યૂબ લાઈટ ને સચેત કરવા પર્યાપ્ત હતું.  હવે મેં એમને ઓળખ્યા.  એ જ જાજરમાન વ્યક્તિત્વ, બોલતી વખતે પહેલા શબ્દ પર મૂકાતો એ જ પરિચિત ઘાત, અને એ જ જરા લહેકા સાથે ઉચ્ચારાયેલ છેલ્લો શબ્દ!  હું થોભ્યો.  પાછું વળી મેં મરાઠીમાં પૂછ્યું, “कशा आहात राजलक्ष्मी?“ (કેમ છો રાજલક્ષ્મી?).  મૈં અચ્છી હું.  આપ કૈસે …. ?”  મેં કહ્યું ’હું પણ મજામાં છું’.  એકાદ ક્ષણ થંભી, ફરી ચાલવા મેં પગ ઉપાડ્યા.  પણ ફરી રાજલક્ષ્મી નો અવાજ આવ્યો, “બહોત જલ્દી મે હો ક્યા …. ?”  હું અટક્યો.  કોણ જાણે શાથી પણ હું એમની સાથે વાતો કરતો-કરતો એમની ઝડપે ચાલવા માંડ્યો.  વાતો તો આપણે જેને – સ્મોલ ટૉક – કહીએ એવી સાવ સામાન્ય હતી.  એમણે ફરી શૈલાના ખબર પૂછ્યા.  અમારી બંનેની તબિયત અંગે પૂછ્યું.  અમે બંને હજી કામ કરીએ છીએ કે નિવૃત્ત થયા, એ પૂછ્યું.  એટલી વાતોમાં એમના દીકરાના ઘરની સ્ટ્રીટ આવી એમને વળવાનું આવ્યું.  છૂટા પડતાં એ બોલ્યા, “સર, યહાં સબકૂચ હૈ, લેકિન અપને સાથ બાત કરનેવાલા લોગ નહીં મિલતા હૈ.” અને ચૂપચાપ ચાલતા થયા.

હું પણ એકલો-એકલો અમારા ઘર તરફ ચાલવા માંડ્યો, ને અચાનક મને એક જૂના હિંદી સિનેમાના ગીતના બોલ યાદ આવ્યા.  

“कोई तो मुझसे दो बात करता,  कोई तो कहता हलो !

घर ना बुलाता, पर ये तो कहता “कुछ दूर मेरे संग चलो !”  

2 thoughts on “રાજલક્ષ્મી -વાર્તા- અશોક વિદ્વાંસ

  1. અમેરીકામાં નાના કુટુંબમાં રહેતા મોટી ઉંમરના આપણા રીટાય્રર્ડ ભાઇબહેનોની આજ મોટી તકલીફ છે. દેશમાં તો ગલીમાં બારીમાંથી કે ગામમાં હોય તો ફળિયામાંથી એક્બીજાને જોરથી પણ બોલાવાય. અહીં એજ તો તકલીફ છે. વાત કરવાવાળું બહુ ન મળે, એટલે એકલવાયુ લાગે. રાજલક્ષમી જેવા બહુ ઓછા મળશે, જે પૈસા આપો તો પણ ઠીક અને નહીંતો નિસ્વાર્થ ભાવે પણ સેવા કરવાવાળા બહુ નહીં મલે.

    સરસ પ્રસંગો આલેખ્યા છે.

    Liked by 1 person

  2. માણસની ઉષ્મા અજોડ હોય છે.તેનો વિકલ્પ બીજી કોઇ ચીજ આપી ન શકે.સહવાસ અને ઉષ્માની ઝંખનાની સુંદર વાર્તા.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s