પરમની શોધ –ભગવતી પંડ્યા -આસ્વાદઃ લતા હિરાણી


(આટલું સુંદર કાવ્ય અને એને ચાર ચાંદ લગાવી દે એવો આસ્વાદ વાંચતાં જ હું તો ભાવવિભોર થઈ ગઈ. આ આસ્વાદ આમ પોસ્ટ કરવામાં પુનરોક્તિનો ભય છે છતાં પણ એને આપ સહુ સાથે વહેંચવાનો મોહ હું છોડી શકતો નથી. આશા છે આપ સહુ પણ આ રસદર્શનને એટલા જ રસથી વાંચો.)

પરની શોધઃ

સાગરતળિયે સોય સૂતી ને વાદળ વચ્ચે ધાગો

કળાય એટલું કળી અકળને તાગો

નાદબ્રહ્મથી ઝરતું રે કૈં અબરખ ઘોળ્યું વ્હેણ

ધવલ-સ્ફટિકી રૂપ આંજતું અગમ આછર્યું ઘેન

બોલ પકડવા કે ઝીલવા પ્રતિસાદો

કળાય એટલું કળી અકળને તાગો…

તોય થયાં ના વસ્ત્ર ફૂલનાં પતંગિયાં કંતાયાં

સોનપરીના સ્પર્શ સમું આ શહેર નર્થની છાયા

વ્યથા કુંવારી ને અઘરા અનુરાગો

કળાય એટલું કળી અકળને તાગો…

  ભગવતી પંડ્યા

આસ્વાદઃ લતા હિરાણી

જે અકળ છે, અગમ છે, નિરાકાર છે એને પામવું કેટલું મુશ્કેલ છે એ માટે સચોટ ઉદાહરણ આપતાં કવિ કહે છે, ‘સાગરતળિયે સોય સૂતી ને વાદળ વચ્ચે ધાગો….’ સાગરના તળિયે છુપાયેલી સોય કે વાદળ વચ્ચે રમતો કોઈ ધાગો શોધી શકો તો તમે આ અકળનો તાગ પામી શકો. અલબત્ત, કવિએ કહ્યું છે કે એ એકદમ સિદ્ધ થઈ જાય એવું નથી. ‘કળાય એટલું કળી અકળને તાગો.’ તમારે પ્રયત્ન કરવાનો છે, યાત્રા કરવાની છે. છોડી દેવાનું નથી. તો એક દિવસ મંઝિલ હાથ લાગે ખરી. ધીરજથી લાગ્યા રહેવાનું છે તો એ અગમ, નિરાકાર તમારી સામે પ્રગટ થાય ખરું ! ઈશ્વર માટે, પરમ તત્વ માટે આ એક સાર્વત્રિક સમજ છે.

બીજી બાજુ કબીર જેવા એમ પણ કહે છે. ‘ખોજી હોવે તુરત મિલ જાઉં, એક પલ કી તલાશ મેં. કહત કબીર સુનો ભાઈ સાધો, મૈ તો હૂ વિશ્વાસ મેં. મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈ તો તેરે પાસ મેં ……’ કબીરનું કહેવું છે કે ઈશ્વરને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ તો તમારા શ્વાસ અને વિશ્વાસમાં વસે છે. જો તમે સાચા શોધક હો તો પળમાં પામી શકો ! વાહ, બંને વાત એકબીજાની વિરોધી છે અને બંને વાત 100 % સાચી છે. કેમ કે સાચા શોધક હોવું એટલે શું એ પણ મહત્વનુ છે. સંત કબીર બસ શુદ્ધ અંત:કરણ માંગે છે. સાફ અરીસા જેવું મન હોય, જેમાં કોઈ ડાઘ ન હોય, તો ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા એને તરત પ્રતિસાદ આપે છે. ઈશ્વર ક્યાં બીજે કશે છે ? એ તો હૃદયમાં જ નિવાસ કરે છે અને હૃદય જો પૂરેપુરું એને સમર્પિત હોય, એને આ સંસારના રંગોની લેશમાત્ર પરવા ન હોય તો ઈશ્વર હાજર જ છે !

સામાન્ય માણસ માટે કે જે હજુ દુનિયાદારી અને મોહના બંધનોમાંથી છૂટ્યા નથી, એમના માટે પરમ તત્વનું પામવું દુષ્કર છે. બિલકુલ સાગરમાંથી સોય કે વાદળમાંથી દોરાની શોધ જેવું. લગભગ અશક્ય કહી શકાય એવું. આમ આ ગીતમાં કવિ સામાન્ય માણસના જગતની વાત કરે છે પણ જો એમને સામાન્ય માણસની જ વાત કરવી હોત તો આ કવિતા રચવાની જરૂર ન પડત. કેમ કે એ તો અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલી વાસ્તવિકતા છે. કવિની મુરાદ અકળની મહત્તા સ્થાપિત કરવાની અને એ રીતે સામાન્ય માણસને જગાડવાની છે. આખરે માણસે જાગવાની જ જરૂર હોય છે ને ! એકવાર એનો આતમ જાગી ગયો તો પછી સત્યની યાત્રામાંથી એને કોઈ પાછો ન વાળી શકે.

બહુ સરસ શબ્દોમાં કવિ વર્ણવે છે, ‘નાદબ્રહ્મથી ઝરતું રે કૈં અબરખ ઘોળ્યું વ્હેણ / ધવલ-સ્ફટિકી રૂપ આંજતું અગમ આછર્યું ઘેન.’પરમ તત્વને એમણે નાદબ્રહ્મમાંથી ઝરતું વ્હેણ બતાવ્યું છે. વળી એનું રૂપ સ્ફટિક સમું શુદ્ધ અને ધવલ ઉજળું છે. જે અગમને આંખોમાં આંજે છે. માણસને ચડેલા ઘેનના પ્રવાહને આછરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ‘આછરવું’ એટલે શું ? પાણી ગમે એટલું ડહોળું હોય, એને આછરવા દો એટલે ડહોળ નીચે બેસી જાય અને ઉપર શુદ્ધ પાણી તરતું રહે. સંસારની મોહમાયાનું ઘેન આંખોમાં અંજાયેલું છે. એકવાર અગમ પ્રત્યે જાગૃતિ આવે કે એ ઘેન આછરવા માંડે ! પછી એના માટે નાદબ્રહ્મમાંથી પ્રગટતા બોલ કે સાદને ઝીલવાનું એક જ કામ બચે છે, જે એને પરમની અનુભૂતિ કરાવે.

પહેલા અંતરામાં કવિએ અનંતને પામવાની વાત કરી, બીજા અંતરામાં વળી એ માણસની નિર્બળતા ને મર્યાદાના દર્શન પર આવી જાય છે. ‘ફૂલના વસ્ત્ર’ કહી માણસના હળવા થવાની અને ‘પતંગિયા કંતાયા’ કહી એ જ મર્યાદાનું ભાન કરાવે છે. શહેર ભલે સોનપરીના સ્પર્શ સમું હોય પણ અનર્થની છાયામાંથી લોકો બહાર નીકળી શકતા નથી અને વ્યથાના પિંડ એના એ જ રહે છે. રાગ-અનુરાગના ભરડા છૂટતા નથી ….. બસ આમાંથી કળાય એટલું કળો અને અકળને તાગો…

બીજો અંતરો પહેલાં મૂક્યો હોત અને પહેલો બીજાના સ્થાને હોત તો વિચારની એક યાત્રા બનત કે જેમાં એક પછી એક પગથિયા ગોઠવાયેલા છે. ઉપર જઈને ફરી નીચે આવવાનું ન બનત. પણ એથી ખાસ ફેર નથી પડતો. કાવ્યરસ સરસ રીતે પ્રગટ થયો છે. વિકાસનો ક્રમ દરેક મનુષ્ય સમજે જ છે અને એ રીતે પ્રથમની એટલે કે પરમની મહત્તા જ આખરી, પછીની અને અંતની હોય એ કહેવાપણું નથી. બાકી આપણે જ્યાં છીએ ત્યાં જ છીએ અને આગળ વધવા માટે હવે આગલો જન્મ ! એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે !

સૌજન્યઃ દિવ્યભાસ્કર > કાવ્યસેતુ 430 > 2 જૂન 2020

3 thoughts on “પરમની શોધ –ભગવતી પંડ્યા -આસ્વાદઃ લતા હિરાણી

 1. વાહ! પહેલી લીટી જ વિચાર કરતાં કરી દે છે.-“સાગરતળિયે સોય સૂતી ને વાદળ વચ્ચે ધાગો…”
  કળાય તેટલું કળવા માટે લતાબેને સારી મદદ કરી છે.
  સરયૂ પરીખ.

  Like

 2. પરમની શોધ –ભગવતી પંડ્યાના અદભુત કાવ્યનો
  સુ શ્રી લતા હિરાણી દ્વારા ભાવવિભોર કરે તેવો આસ્વાદ.
  સોનપરીના સ્પર્શ સમું આ શહેર નર્થની છાયા
  વ્યથા કુંવારી ને અઘરા અનુરાગો
  કળાય એટલું કળી અકળને તાગો
  ખૂબ સુંદર
  શહેર ભલે સોનપરીના સ્પર્શ સમું હોય પણ અનર્થની છાયામાંથી લોકો બહાર નીકળી શકતા નથી અને વ્યથાના પિંડ એના એ જ રહે છે. રાગ-અનુરાગના ભરડા છૂટતા નથી ….. બસ આમાંથી કળાય એટલું કળો અને અકળને તાગો
  ચિંતન કરી અનુભવવાની વાત
  ધન્ય

  Like

 3. જયશ્રીબેને આપણી લાગણીનો પડઘો પાડયો છે. કવિતા અને આસ્વાદ બંને અદભુત. વારંવાર વાંચવાનું ને મનન કરવાનું ગમે.અગમ અગોચર તત્વ માટે ઇશાવાસ્યમ્ ઉપનિષદ કહે છે કે તે દૂર પણ છે .નજીક પણ છે.અંદર પણ છે.બહાર પણ છે.तद् दूरे तदवन्तिके।ૠષિપ્રજ્ઞાનો પ્રસાદ મળે તો वह दूर नहीं। दूसरा नहीं। उसको मिलनेमें देर नहीं।

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s