અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(આપણા સમાજમાં અસ્પૃશ્યતાનિવારણની અને કાસ્ટ સિસ્ટમ નાબૂદીની વાતો આઝાદીના ૭૦ વર્ષો પછી પણ થતી હોય, એનાથી વધુ શરમનાક સમસ્યા કોઈ સમાજ માટે જ હોઈ ન શકે! જે દિવસે આપણે માણસને નાત, જાત અને ધર્મના ત્રાજવે તોલ્યા વિના, માત્ર માણસ તરીકે સ્વીકારીશું, ત્યારે જ એક વિકસીત સમાજ તરીકે ગર્વથી પોતાની જાતને આયનામાં જોઈ શકીશું. આપણા સમાજનું આ દૂષણ છે, જેના વિષે ૧૯૯૦માં “પરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ ” પુસ્તકમાં લખ્યું છે, જે ૨૦૨૦ના ભારતમાં હજુ પણ નજરે પડી જાય છે. સ્વામી સચ્ચિદાનંદની તેજસ્વી કલમના ઓજસનું આ એક કિરણ આપણને આપણા અંતરની ઓળખ કરાવે છે.)
“આ છેલ્લી ટ્રેન છેઃ” – સૌજન્યઃ “પરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ ”
સંપાદનઃ ચિમનલાલ ત્રિવેદી
“અસ્પૃશ્યતાનિવારણ સંબંધી ચર્ચાવિચારણા કરવા માટે જોકે આપણે ઘણી ટ્રેનો ચૂકી ગયા છીએ. ઘણું મોડું થઈ ગયું છે છતાં હજી પણ જો સાચા ભાવથી તથા સભાનતાથી આપણે પૂર્ણ નિર્ણાયક ભૂમિકા તૈયાર કરીશું તો કદાચ છેલ્લી ટ્રેન હાથ લાગી જાય. યાદ રાખજો, જો આ ટ્રેન ચૂકી ગયા તો આત્મઘાત જ એક રસ્તો બાકી રહેશે. ભૂતકાળમાં હિન્દુ ધર્મ પર પારાવાર વિપત્તિઓ આવી હતી. એ વિપત્તિઓમાંથી હેમખેમ તો નહિ, પણ ખંડિત, વિકૃત, અપમાનિત, હડઘૂત તથા શક્તિહીન થઈને હિન્દુ સમાજ બહાર નીકળતો રહ્યો છે. પણ આજે જે તેના ઉપર આંતર-બાહ્ય બંને પ્રકારે વિપત્તિઓ આવી છે, તે ભૂતકાળની કોઈ પણ વિપત્તિથી ભયંકર છે.
આજે આ પરિસ્થિતિને જોનારા ધર્મગુરુઓ, નેતાઓ તથા સમાજવિદોને ત્રણ ભાગમાં વહેંચી શકાય તેમ છે. પ્રથમ વર્ગઃ આ વર્ગ તો પરિસ્થિતિથી તદ્દન બેભાન છે. જેમ કોઈ વિશાળ જહાજમાં યાત્રા કરનારા યાત્રિકો પોતપોતાની સીટોને સજાવવા-શણગારવાંમાં મશગૂલ હોય અને પારસ્પારિક ગળાકાપ સ્પર્ધામાં, કલહમાં. આડંબરમાં, અમનચમનમાં રચ્યા-પચ્યા રહેતા હોય તેમનું જગત તેમની સીટ સુધીનું સીમાવાળું છે. એટલે પૂરા જહાજમાં ભયંકર ગાબડાં પડી ચૂક્યાં છે. પાણી ધસમસ ધસમસ ભરાઈ રહ્યું છે, પણ, આ બેભાન વર્ગ પોતાની મસ્તીમાં મસ્ત છેઃ જેમ કતલખાને જનારું બકરું કતલખાનાના પ્રાંગણની હરિયાળી – ઘાસ મસ્તીથી ચરી રહ્યું હોય તેમ.
બીજો વર્ગઃ આ વર્ગ જાણે છે કે આ જહાજમાં ગાબડાં પડી ચૂક્યાં છે તથા પાણી ભરાઈ રહ્યું છે. પણ આ વર્ગ બહુ પ્રાચીન કાળથી વાસ્તવવાદી નથી. તેની દ્રષ્ટિ તથા ઉપાયો તરંગી છે. આશાવાદના અતિરેકથી પીડાતો આ વર્ગ એમ માને છે કે ભૂતકાળમાં અનેક વિટંબણાઓ અમે પાર કરી દીધી છે, એટલે અત્યારની વિટંબણા પણ પાર કરી જવાના. ભૂતકાળની કાલ્પનિક માન્યતાઓને ફુલાવી ફુલાવીને, તે લોકોને મિથ્યા ગૌરવગાથા સંભળાવી-સંભળાવીને તાલીઓ વગાડાવે છે. આપણે મહાન હતા તથા મહાન રહેવાના જ છીએ તેવી ડંફાસ માર્યા કરે છે. આ રીતે પ્રથમથી જ બેભાન વર્ગોને વધુ બેભાન બનાવી રહ્યા છે. નિરાશાવાદ સારો નથી, આશાવાદ જ ઉત્તમ છે; પણ મિથ્યા આશાવાદમાં રાચવા કરતાં નિરાશાવાદની વાસ્તવિકતા સ્વીકારી લેવામાં વધુ બુદ્ધિમતા છે. એક વ્યક્તિને કેન્સર થયું હોવા છતાં તેને પૂર્ણ આરોગ્યનો આશાવાદ આપી રોગના પ્રતિકારનાં સાધનો કરતો અટકાવવો તે હિતકારી નથી. ઠેઠ છેલ્લા સ્ટેજ સુધી ‘તને કંઈ નથી થયું,’ એમ કહીને ગફલતમાં રાખવો તે ઠગારો આશાવાદ છે. તેના કરતાં ધીરેધીરે તેને સાચી પરિસ્થિતિનું ભાન કરાવી યોગ્ય ઉપાય કરવા અથવા મહાપ્રયાણ માટે માનસિક રીતે તૈયાર થવાનું જણાવવું વધુ ડહાપણભર્યું છે. આપણે ત્યાંનો આ બીજા નંબરનો વર્ગ, મિથ્યા આશામાં રાચનારો વર્ગ છે. તે લોકોને બહેકાવે છે, બહેલાવે છે, શબ્દોની કાલ્પનિક ભવ્યતાઓ દ્વારા સભામાં શ્રોતાઓની વાહવાહી મેળવે છે પણ તેથી તો મૂળ પ્રશ્ન વધુ ને વધુ ભયંકર બનતો જાય છે. શાબ્દિક આડંબરથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. મારી દ્રાષ્ટિથી સાચી અને ખરી હકીકતથી સભાન કરાવવાની જગ્યાએ લોકોને મિથ્યા વાતોમાં રમાડનાર આ વર્ગ લોકોને આત્મશ્લાઘાનું અફીણ પિવડાવી વધુ ને વધુ ઝોકાં ખાતો કરી રહ્યો છે.
ત્રીજો વર્ગઃ આ ત્રીજો વર્ગ સદીઓથી પરોસ્થિતિની વાસ્તવિકતાને સમાજનારો, તેના સાચા ઉપાયો બતાવનારો તથા સમાજને ઝંઝોળીને પણ જગાડનારો રહ્યો છે. આ વર્ગ હંમેશાંથી અતિઅલ્પ સંખ્યામાં રહ્યો છે. લોકો પણ એવા છે કે આ સાચા વર્ગને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તેને પથ્થરો મારતા રહ્યા છે. પૂજા તો અહીં પાંખડીઓની થતી રહી છે. સાચા માણસોને પહેલાં અને અત્યારે પણ ઠોકરોથી જ નવાજાઈ રહ્યા છે. જો આવી ઊલટી પ્રક્રિયા ના થઈ હોત તો આજે આ ધર્મ તથા આ પ્રજાની આટલી બધી દયનીય દશા ના થઈ હોત. એવું નથી કે અહીં સાચું કહેનારા પાક્યા નથી. પણ ખરી વાત એ છે કે સાચી વાતને સાંભળનારા બહું ઓછા પાક્યા નથી. પરિણામે વિનાશ તરફ જ ધકેલાતા જઈએ છીએ.”
અંતરની ઓળખમા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના સ રસ સંકલનમા “આ છેલ્લી ટ્રેન છેઃ” – “પરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ ”ના પ્રેરણાદાયી વાતથી ઓજસનું આ એક કિરણ આપણને આપણા અંતરની ઓળખ કરાવવા બદલ ધન્યવાદ
LikeLiked by 1 person