શ્રીમદ ભાગવત માહાત્મ્ય–ભાગવત કથા- અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ ભાગવત માહાત્મ્ય- ભાગવત કથા – અધ્યાય છઠ્ઠો

સપ્તાહયજ્ઞની વિધિ- શ્રવણવિધિ કથન

(આગલા પાંચમા અધ્યાયમાં આપણે જાણ્યું કે શ્રીમદ ભાગવત પુરાણની પવિત્ર કથાનું શ્રદ્ધાથી વિધિવત શ્રવણ કરાવીને -કરીને, કઈ રીતે ધુંધુકારીને પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવીને ગોકર્ણજી પણ મોક્ષ પામ્યા. પહેલા સ્કંધનો આ છઠ્ઠો અને છેલ્લો અધ્યાય છે. આવતા અઠવાડિયાથી બીજો સ્કંધ પ્રારંભ થશે. આ છઠ્ઠા અધ્યાયમાં ફરીને એકવાર સપ્તાહયજ્ઞની અને સપ્તાહ શ્રવણની વિધિને વિગતવાર વર્ણવવામાં આવી છે. આ બધી જ વિધિ આપણે કથાના પ્રારંભ પહેલાં, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના અધ્યાય ૬ અને અધ્યાય ૭ માં આપણે વિગતવાર વર્ણવી છે તો એનું પુનરાવર્તન ના કરતાં, જે આ વિધિને લાગે વળગતી નવી વાત છે એનું જ અહીં આલેખન કરીશું.)   

શ્રી સનકાદિ કહે છેઃ હે મહાભાગ નારદજી, હવે અમે તમને સપ્તાહની વિધિ વિગતવાર કહીશું જેથી નાનાં માં નાની વાત પણ ધ્યાન બહાર ન રહી જાય.

અને, આમ સનકાદિ મુનિઓ સપ્તાહની પૂજન, અર્ચન અને આયોજનની વિધિ જણાવે છે અને,

શ્રી સનકાદિ મુનિઓ આગળ કહે છેઃ આ વિધિ ઘણું કરીને લોકોને સમભાગી બનાવીને એમની સહાયથી અને યોગ્ય ધનરાશિ દ્વારા સાધ્ય છે. વિદ્વાન જ્યોતિષાચાર્યએ કાઢેલા મૂહૂર્તને અવગણવું નહીં. જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે એ જ પ્રમાણે સપ્તાહયજ્ઞ માટે પણ ધનની વ્યવસ્થા હોવી જોઈએ. પછી યત્નપૂર્વક દેશદેશાંતરોમાં પણ આમંત્રણ મોકલીને સપ્તાહમાં આવવા માટે ખાસ આગ્રહ કરવો. કોઈ પણ ન્યાત, જાત, અને ઊંચ-નીચના ભેદભાવ વિના, ચારેય વર્ણ અને સ્ત્રી તથા અબાલ-વૃદ્ધ, સહુ સાથે બેસીને કથા શ્રવણ કરે એ જરૂરી છે. આ શ્રી હરિની સભા છે, જેમાં બધાં જ જીવ, પ્રાણી, પક્ષી, ચર-અચર સહુને બેસવાનો અને શ્રીમદ ભાગવત પુરાણની યશસ્વી કથામૃતનું પાન કરવાનો એકસરખો હક છે. શ્રી કૃષ્ણ માટે ન કોઈ ઊંચું છે કે ન કોઈ નીચું, ન કોઈ પંથ કે ન કોઈ ધર્મ અલગ છે, બલ્કે સર્વ એકસમાન છે, અને દરેક જીવ વૈષ્ણવ છે, એનું આ ભાગવત કથામાં વારંવાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કથાનું સ્થળ કોઈ તીર્થસ્થળ પણ હોય શકે, વન પણ હોય શકે કે પોતાના ઘરનું પ્રાંગણ પણ હોય શકે. શરત એટલી જ છે કે આવનારા સહુ મહેમાનોની ઉચિત વ્યવસ્થા કરવામાં અને સ્થાનની શુચિતા જાળવવામાં અને સ્વચ્છતાના બધાં જ ધોરણો યોગ્ય રીતે સાચવવામાં કસર છોડવી નહીં. તડકાથી અને અણધારી વર્ષાથી બચવા માટે યોગ્ય મંડપ બાંધવો અને વ્યાસપીઠ તથા શ્રોતાઓના બેસવાની દિશા પણ શાસ્ત્રોક્ત રીતે જ કરવી. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મુખ્ય વક્તા- આચાર્ય પાસે બીજો એક વિદ્વાન પણ બેસાડવો જે સર્વ શંકાઓનું નિરાકરણ કરવામાં અને લોકોને સમજાવવામાં કુશળ હોય. આની સાથે, કથામાં કોઈ વિઘ્ન ન આવે એ માટે પાંચ વિદ્વાન અને ભક્તિમાન બ્રાહ્મણોનું વરણ કરવું; જેઓ સતત દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનનાં નામનો જપ કરતા રહે.

સર્વ ગ્રહો, ગણેશજી અને અન્ય દેવી દેવતાઓનું શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે (જે આગળ આપણે જોઈ ગયા છીએ એટલે અહીં એની વાત વધુ નહીં કરીશું.) પૂજન, અર્ચન કરીને સપ્તાહની વિધિ સંપન્ન કરવી. આમાં નવધા ભક્તિના બધાં જ પ્રકારો આવી જાય છે, જેમ કે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, પૂજાર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવધા ભક્તિપૂર્વક પ્રસન્નચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી, “આ શ્રીમદ્ ભાગવતના રૂપમાં હે શ્રી કૃષ્ણ, હે પ્રભુ આપ સ્વયં બિરાજમાન છો. હે નાથ, અમે આ ભવસાગરમાંથી છુટકારો પામવા આપનું શરણ લીધું છે. આપ અમારો આ મનોરથ કોઈ પણ વિઘ્ન વિના સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ, અમે તમારા દાસ છીએ. અમારી યથાશક્તિ ભક્તિ અને ભાવને કૃપા કરી ગ્રહણ કરો.”

કથાના આરંભ અને સમાપ્તિનાં સર્વ નિયમોનું યથોચિત પાલન કરવું. કથા શ્રવણ મત્સર, દ્વેષ, નિંદા, લોભ, મોહ, ક્રોધ અને લોલુપતા રહિત, શુદ્ધ ચિત્તે કરવું. વર્તન હંમેશાં સત્યનું પાલન કરનારું, દયા યુક્ત, વિનયી, સરળતાપૂર્ણ અને ઉદારતા ભર્યું રાખવું.

આ સપ્તાહ યજ્ઞ પૂર્ણ થાય ત્યારે સહુ શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને મુખ્ય વક્તાઓ અને અન્ય સહાયક બ્રાહ્મણગણનું પૂજન કરવું જોઈએ અને પ્રણામ કરવા જોઈએ. બીજે દિવસે ગાયત્રી હવન પણ કરવો કારણ કે તાત્વિક રૂપે આ મહાપુરાણ ગાયત્રીસ્વરૂપ જ છે. બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેવું તથા વિધિમાં અને કથામાં જો કોઈ ઊણપ રહી ગઈ હોય તો એને દૂર કરવા અને દોષોનું શમન કરવા માટે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો. આ ભગવદ સ્મરણથી બધામ જ કર્મો સફળ થાય છે.  

આગળ સનકાદિ મુનિઓ એમ પણ કહે છે કે, હે નારદજી, અમે આ સપ્તાહ-શ્રવણ વિધિ તમને પૂરેપૂરી સમજાવી અને સંભળાવી છે, જેના પાલનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે કથા સાંભળવા માટે ઉદ્યત થઈએ.

સૂતજી પછી કહે છેઃ હે શૌનકજી, આ પ્રમાણે સનકાદિ મુનિઓએ એક સપ્તાહ સુધી શ્રીમદ્ ભાગવત પુરાણની પવિત્ર કથાનું પ્રવચન કર્યું જેને સાંભળ્યાં પછી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચેતનવંતા બની ગયાં. અને બધાં જીવોને આકર્ષિત કરી રહ્યાં. આ રીતે નારદજીનો મનોરથ પૂર્ણ થતાં તેઓ પોતે પણ પરમાનંદમાં રાચીને પૂર્ણ થયા અને પછી વંદન કરીને, પ્રેમથી ગદગદ્ વાણીમાં મુનિઓને કહ્યું, “હું ધન્ય થયો છું. તમે કરૂણા કરીને મને અનુગૃહીત કર્યો છે. આજે મને સર્વપાપહારી ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ થઈ ગઈ.” સાચા સંત હંમેશાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના ઉદયથી પરમાનંદ પામીને પૂર્ણત્વ અનુભવે છે. આમ નારદજી જ્યારે કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર શુકદેવજી આવી પહોંચ્યા. પરમ તેજસ્વી શુકદેવજીને જોઈને તમામ સભાજનો ઊભાં થઈ ગયાં અને તેમને એક ઊંચા આસને બેસાડ્યાં અને દેવર્ષિ નારદજીએ તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. બધાં જ શુકદેવજીની અમૃતવાણી સાંભળવા ઉત્સુક બેઠાં હતાં. પરમકૃપાળુ શુકદેવજી બોલ્યા, “હે રસિક ભાવિકજનો, આ શ્રીમદ્ ભાગવત કથા રૂપી કલ્પવૃક્ષ, એની છાયામાં બેસનારા સૌને મોક્ષ સુધી લઈ જનારા માર્ગથી અવગત કરાવે છે. આ કથા ત્રિવિધ તાપોનો નાશ કરનારી છે અને પરમ કલ્યાણકારી છે. સનકાદિમુનિઓએ મહામુનિ વેદવ્યાસ વડે નિર્મિત કથાનું આપ સહુને ભક્તિપૂર્વક પાન કરાવ્યું છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં સદૈવ તત્પર રહે છે તે જીવનમરણના ફેરામાંથી મુક્તિ પામે છે. આગળ તો વધુ શું કહું?”

સૂતજી કહે છે – શ્રી શુકદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે સભાની વચ્ચોવચ પ્રહલાદ, બલિ, અર્જુન, ઉદ્ધવ વગેરે પાર્ષદો સહિત શ્રી હરિ પોતે પ્રગટ થયા. દેવર્ષિ નારદે પ્રભુને આસન પર બેસાડીને પોતે કીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા ને સાંભળવા સ્વયં બ્રહ્માજી, શિવ-પાર્વતી, ઈન્દ્રદેવ વગેરે બીજા દેવો પણ પધાર્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પણ કીર્તનના તાલે નૃત્ય કરવા લાગ્યાં. ત્યાં વાતાવરણ ખૂબ જ ભક્તિમય થઈ ગયું. આ અલૌકિક પ્રભુ ભજન અને હરિ કિર્તન જોઈને ભગવાન અત્યંત પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા, “હે દેવર્ષિ નારદજી અને ભક્તજનો, તમે તમારી ભક્તિથી મને તમારા વશમાં કરી લીધો છે. તમે મારી પાસે વરદાન માગો.” ત્યાં હાજર રહેલાં સહુ ભક્તોની અને નારદજીની આંખોમાં હર્ષના આંસુ ઊમટ્યાં. બધાંએ જ એક સૂરે પ્રભુને કહ્યું, “હે ભગવન્!, અમારી એક જ પ્રાર્થના છે કે ભવિષ્યમાં જ્યાં પણ સપ્તાહકથા થાય ત્યાં આપ આ પાર્ષદો સહિત અવશ્ય પધારશો અને આપના દર્શન થી અમને પાવન કરશો.”  આવું કહીને નારદજી અને અન્ય સહુએ હરિને, અને એમના પાર્ષદોને, દેવી-દેવતાઓને, શુકદેવજીને અને અન્ય સહુ તપસ્વીજનોને સાષ્ટાંગ પ્રણામ કર્યા. આટલા પાવન વાતાવરણમાં સહુનો મોહ નષ્ટ પામ્યો હતો. તે સમયે જ શુકદેવજીએ ભક્તિનું તેના બેઉ પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રોમાં સ્થાપન કર્યું અને ચિર યૌવન અર્પ્યું.

ત્યાર પછી શૌનકજી સૂતજીને પૂછે છે, “હે સૂતજી! રાજા પરીક્ષિતને ક્યા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો?”

સૂતજીએ કહ્યું, “ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા એ પછી કળિયુગના ત્રીસથી થડાંક વધુ વર્ષો વીત્યાં ત્યાર બાદ ભાદરવા માસના શુક્લપક્ષની નવમીએ શુકદેવજીએ કથા શરૂ કરી હતી. હવે આગળનો વૃતાંત પણ સાંભળો. એ પછી કળિયુગનાં બસો વર્ષો વીત્યાં ત્યારે અષાઢ માસના શુક્લપક્ષની નવમીએ ગોકર્ણજીએ ધુંધુકારીની મુક્તિ માટે આ કથા સંભળાવી હતી. આના પછી બીજાં ત્રીસ વર્ષો વીત્યાં ત્યારે કારતક માસના શુક્લપક્ષની નવમીએ સનકાદિએ કથા શરૂ કરી હતી. આ કળિયુગમાં ભાગવતની કથા ભવ-રોગનું રામબાણ ઔષધ છે. શુકદેવજીએ પ્રેમરસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા રાજા પરીક્ષિતને કહી હતી. જે ભક્તજનો વિધિવિધાન સહિત, શુદ્ધચિત્તે આ કથા સાંભળે છે, તેમના માટે ત્રિલોકમાં કશું જ અસાધ્ય નથી રહેતું.”

ઈતિ શ્રીમદભાગવતમાહાત્મ્યનો ભાગવત કથાનો શ્રવણવિધિકથનં નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો.

            શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.   

  વિચાર બીજઃ

૧. ભાગવત કથાની વિધિ અને સમસ્ત ગ્રંથ વાંચતાં એક વાત ફલિત થાય છે કે માત્ર કર્મોને આધારે કરેલા વર્ણો ભલે હતાં પણ એ સમયે દરેકને એકસરખા ગણીને “સહનાવ ભવતુ”નું સતત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આનાથી એક વાત તો ચોક્કસ છે કે જાતિ ભેદ અને ઊંચ-નીચનો આપણા પુરાણોમાં કટ્ટર વિરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ, સહુની સાથે બેસીને ઈશ્વરને ભજવાનો અને સાથે બેસીને જમવાનો મહિમા કરવામાં આવ્યો છે. કોઈક સમયે, આ કળિયુગમાં નાતજાતના ભેદભાવ આપણા સમાજમાં ઘર કરી ગયા, ન જાણે કેવી રીતે? જો સનાતન ધર્મને બચાવવો હોય તો આ ન્યાતજાત અને ઊંચ-નીચના અને અન્ય ધર્મો સામેની અસહિષ્ણુતા છોડવી જ રહી.

૨. સાથે મળીને કથાનું આયોજન સામાજીક સ્તર પર કરવાથી સમાજમાં ભાઈચારો વધે છે. આથી જ, કોઈને કોઈ કારણોસર, આ ભાગવત કથા દર વર્ષે આયોજિત થાય તો માણસોની વચ્ચે જવાબદારી અને એકેમેકને ખમી લેવાની ધીરજ બંધાય છે અને સહુ એકબીજાંનાં સુખદુઃખના ભાગીદાર પણ બની શકે છે. આ જ કારણ હશે કે બને એટલી વાર આ કથા સાંભળવી અને એનું આયોજન પણ કરવું?

૩. કથા સાંભળવાથી મળતો મોક્ષ એટલે શું? સદેહે વૈકુંઠ જવું એટલે શું? સાચા અર્થમાં તો સદવિચાર, સત્ય અને સદ્વ્યવહારનું આચરણ જીવતે જીવ આપણે સહુ કરીએ તો આપણું સ્વર્ગ આપણે અહીં જ બનાવી શકીએ. ભગવત સ્મરણ અને કથા એ તો માત્ર સત્યના પંથે લઈ જનારા વાહન છે. એકવાર આ રસ્તા પર ચઢ્યા પછી જો ભગવત સ્મરણ અને કથાનું પાન કરતાં રહીએ તો બૂરા વિચારો કે બૂરા કર્મો કરવાની લાલચ નથી થતી. કંઈક આવું જ અભિપ્રેત હશે?

૪. સદેહે હરિનું અને એમનાં પાર્ષદોનું આવવું એટલે શું? મને હજુ એના વિષે વૈજ્ઞાનિક રીતે કોઈ યોગ્ય તર્ક નથી મળતો. સહુના વિચારો સાંભળવા ગમશે.

3 thoughts on “શ્રીમદ ભાગવત માહાત્મ્ય–ભાગવત કથા- અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ

 1. જયશ્રી બેનના છેલ્લા પ્રશ્ન વિશે. હરિ સદેહે આવે તે માનસિક ઘટના પણ હોઈ શકે. તેવી જ રીતે પાર્ષદો એટલે હરિની નજીક રહેતાં તેમના ભકતો તો શારીરિક રીતે પણ આવી શકે.

  Liked by 2 people

 2. કથાશ્રવણ સદવિચારોને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે. દરરોજ એકાદ કલાક વડીલો કથા સાંભળવા જતાં તેનાથી નિત્યકર્મમાં ઘણી સદભાવના જળવાઈ રહેતી, એવો મારો નાનપણનો અનુભવ છે.

  Liked by 2 people

 3. ‘સદેહે હરિનું અને એમનાં પાર્ષદોનું આવવું એટલે શું? મને હજુ એના વિષે વૈજ્ઞાનિક રીતે કોઈ યોગ્ય તર્ક નથી મળતો…’
  બુધ્ધિવાદીઓ વૈજ્ઞાનિક તર્ક શોધવા પ્રયત્ન કરે છે પણ આ તો Science beyond science છે.અમારી નમ્ર સમજ પ્રમાણે પ્રભુનું ગુણગાન ગાતાંગાતાં, તેમનું ચિંતન કરતાં કરતાં તેમનામાં એવી તન્મયતા આવી જાય છે કે પછી સમગ્ર સ્વરૂપ પ્રભુ સાથે જોડાઈ જાય છે અને એ જ છે ભક્તિની પરાકાષ્ટા કે જે સ્થિતિમાં ભક્ત અને ભગવાન એક બની જાય છે.તે જ સદેહે હરિનું અને એમનાં પાર્ષદોનું આવવું.મા હરીશજી અને સુ શ્રી સરયુબેનના વિચારો પણ પ્રેરણાદાયી છે

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s