ચોરી- વાર્તા- અનિલ ચાવડા


ચોરી
અનિલ ચાવડા

એનું નામ કિરણ. પાતળો બાંધો. સહેજ અણિયાણું નાક. ગોરા ગાલ. હોઠ તો એન્જેલિના જોલીને ય ઈર્ષા આવે એવા. કદાચ તેથી જ કોઈની નજર ન લાગી જાય એટલે ઈશ્વરે તેની પર એક નાનકડો તલ કરી આપ્યો હશે. જોકે એ તો સોનામાં સુગંધ ભળે એમ ચહેરાને ઓર દીપાવતો. એના વાળ પણ એટલા સુંદર કે વાળની જાહેરાત કરતી નાયિકાઓ તેની આગળ પાણી ભરે. ચાલતી હોય ત્યારે રાજરાણીનો ઠાઠ ઝાંખો પડે. જોનારાને લાગે કે કોઈ સ્વર્ગની પરી ધરતી પર આવી ચડી કે શું?

પણ બાપડી નસીબની મારી. નામ કિરણ, પણ જીવનમાં અજવાસ વધારે ટક્યો નહીં. દસેક વર્ષની હતી ત્યારે બાપ મરી ગયો. થોડા સમય પછી માએ બીજા લગ્ન કર્યાં. જોકે એનો નવો બાપ એટલો ખરાબ નહોતો, પણ સગો એ સગો. બીજો બધો દગો. એ દૃષ્ટિએ એને એ બાપમાં પોતાનો બાપ ક્યારેય દેખાયો નહીં. હંમેશાં કોઈ અજાણ્યો જણ જ એમાં પ્રતીત થતો. તેની મા તેની આ મનોસ્થિતિથી અજાણ નહોતી. પણ તેય શું કરે, પોતાનાથી બનતું વહાલ દીકરીને આપવા મથતી, પણ આ સુંદર પરીના હૃદયમાં એક ઉદાસી કાંટાની જેમ ખટક્યા કરતી. એ તેની સિવાય કોઈ જાણતું નહીં. મિત્રો, સ્વજનો, પરિવારજનોમાં તે સતત એકલતા અનુભવતી. તે સતત કોઈની હૂંફ ઝંખ્યા કરતી. ક્યારેક તેનો દેખાવ ખુદ તેને દુશ્મન જેવો લાગતો. લોકોની આંખો સોય જેમ ભોંકાતી તેના શરીર પર.

પણ આ બધું આખરે ઝાંખું થયું, તેના જીવનમાં તેનું નામ સાર્થક થયું. નામ એ અર્થમાં સાર્થક કે તેને એક પાત્ર મળ્યું, એનું નામ પણ કિરણ. તેમની મુલાકાત પણ એ જ રીતે થયેલી. એક રેસ્ટોરન્ટમાં થોડા માણસો વેઇટિંગમાં બેઠા હતા અને કાઉન્ટર પર બેઠેલા માણસે બૂમ પાડી કિરણ… ત્યારે એક સાથે બે વ્યક્તિઓ ઊભી થઈ. એ પણ એવો દેખાવડો. કસાયેલું શરીર, ચપટી આંખો, કોઈ શિલ્પકારે કોતર્યું હોય તેવું નાક, હસે તો જાણે ચુંબક, તમે મોહી જ પડો. નામનું સામ્ય ઓછું હતું તે ભગવાને તેના હોઠ પર પણ એક તલ મુકી આપેલો. અદ્દલ કિરણના હોઠ પર હતો એ જ રીતે.

વેઇટરની બૂમથી એ બંને કાઉન્ટર પર ગયા અને વળી પાછા સાથે જ બોલ્યા હા મારું પાર્સલ.

“તમારામાંથી કિરણ કોણ?”

“હું…” બંને એક સાથે બોલ્યા. ત્યાં જ પહેલું તારામૈત્રક રચાયેલું. જોતાની સાથે જાણે છાતીમાં એક વીજળી ઝબૂકી. આકાશમાંથી જાણે દેવોએ પુષ્પવર્ષા કરી. કામદેવનું બાણ સીધું હૃદયમાં જઈને વાગ્યું. ગાંધર્વોની હજારો વીણા અંગઅંગમાં ગૂંજવા લાગી. આંખમાં ચાંદની અંજાઈ ગઈ હોય એમ મોહિત થઈ ગઈ. આટલું ખેંચાણ તેને ક્યારેય થયું નહોતું, એય પહેલી નજરમાં.

કાઉન્ટર પર બેસેલો માણસ પણ મુંઝાયો, તો પછી પાર્સલ કોનું? પાઉંભાજી કોણે મગાવેલી?

મેં… વળી પાછા બંને એક સાથે બોલ્યા.

હવે વેઇટર માથું ખંજવાળવા લાગ્યો. ત્યાં અંદરથી કૂક બોલ્યો, “તેની સાથે એક હક્કા નુડલ્સ પણ છે.”

“તે મારું છે,” કિરણ ઝડપથી બોલી, છોકરો કશું ન બોલ્યો. એ માત્ર હસ્યો. સ્મિત થતા જ મેગ્નેટ તરફ લોખંડ ખેંચાય એમ એ ખેંચાઈ ગઈ. તેના હૃદયનો કોઈ અદૃશ્ય તાર જાણે અજાણતા જ એ વ્યક્તિ સાથે જોડાઈ ગયો. આખા શરીરમાંથી એક અજાણી ઝણઝણાટી પસાર થઈ ગઈ. પાઉંભાજી અને નુડલ્સ લઈને તે ઘરે ગઈ, પણ મન તો પેલા છોકરાની પાછળ જ ચાલ્યું ગયું.

એ પછી તો ઘરે ક્યારે પહોંચી, ક્યારે ખાધું, બહેનપણી કે માતાપિતા કોને ક્યારે મળી કશું જ એને ભાન ન રહ્યું. સતત એક ચહેરો તેની સામે સ્મિત કર્યા કરતો હતો. તેનું નામ કિરણ ઉચ્ચારાય કે તરત એના કાનમાં ગુંજતું ‘હું’… બીજી તરફથી ઉચ્ચારાયેલું એ ‘હું’ એને પોતાનું ‘હું’ લાગવા માંડેલું. એ ‘હું’ના જળમાં એ સ્નાન કરવા લાગી હતી. એમાં એવી ભીંજાઈ ગઈ હતી કે સૂકાતી જ નહોતી. કહેવાય છે કે પહેલી નજરનો પ્રેમ સાચો હોય છે, છતાં કિરણને થયું કે બીજી નજર કરી લેવી સારી. કદાચ એ જ આશયથી એ બીજા દિવસે ફરીથી એ જ રેસ્ટોરન્ટ પર પહોંચી ગઈ. આંખોથી બધું ફંફોસવા માંડી. રઘવાઈ નજરોને આખરે એ ચહેરો સાંપડ્યો ખરો. સાંપડે જ ને. એ સ્મિત પણ આ ચહેરાનું કાયલ થઈ ગયું હતું. આ કિરણ જેવી જ દશા એ કિરણની હતી. એ પણ એ જ આશયથી આવ્યો હતો કે મારા હૃદયના સૂરજને એ કિરણ સાંપડે. ખેંચાણ બંને તરફ હોય ત્યારે તેને કોણ રોકી શકે. એકબીજાને જોતા જ બંનેના ચહેરા પર ફૂલ જેમ સ્મિત ખીલી ઊઠ્યું.

“આજે શું લેવાના છો?”

તમારું સ્મિત. એવું એનું મન બોલી ઊઠ્યું, પણ ચહેરો તો શરમાઈ ગયો, કેમકે કશું લેવાનો તો હતું જ ક્યાં.

“વિચારું છું કે શું લઉં… અને તમે?”

તો વળી સામે પણ હાલત આનાથી જુદી નહોતી. “હું પણ એ જ વિચારું છું… કે શું લઉં…”

બંનેના હૈયાં જાણે કહી રહ્યાં હતાં, કે માત્ર તારો પ્રેમ જોઈએ છે બીજું કશું નથી લેવું. બંનેની જોડી પણ એવી જામતી હતી કે જોનારને ઈર્થ્યા થાય. પિક્ચરમાં કોઈ સારો કાસ્ટિંગ ડાયરેક્ટર ઘણાં ઓડિશન્સ પછી હીરો-હીરોઈનની પરફેક્ટ જોડી નક્કી કરે, એમ આમની જોડી એકદમ પરફેક્ટ હતી. કોઈ પણ કાસ્ટિંગ વિના, તેમનું સેટિંગ વીંટીમાં હીરાની જેમ જડાઈ ગયું હતું. પહેલી નજરનો આ પ્રેમ બીજી વાર સીધો બગીચામાં ફૂલ થઈને ખીલ્યો. વિશાળ ગાર્ડનમાં નાનું સરોવર, એમાં તરતી નાની બતકો, વચ્ચે ખીલેલાં કમળ, એક નાની ટેકરી અને તેની પર બેસેલાં બે કિરણો, પ્રેમની એક સુંદર આભા રચી આપતાં હતાં. મુરઝાયેલી કિરણના હૈયામાં એક અજાણ્યું તેજ ઘર કરવા લાગ્યું હતું. તેને હવે પ્રણયનો સૂર્ય સાંપડ્યો હતો, તેથી પોતાના હૃદયનું કિરણ વધારે તેજવંતું બન્યું હતું. આ તેજમાં એ ખોવાઈ જવા માગતી હતી.

પછી તો એ મુલાકાતો વધતી ગઈ. રેસ્ટોરન્ટથી ગાર્ડનમાં ત્યાંથી ફિલ્મમાં અને… પછી તો આ જોડાણ આજીવન સાચવવા સુધીની વાત આવી ગઈ. માત્ર ચાર-છ મહિનામાં તો જિંદગીએ જાણે હિમાલય જેવી કરવટ બદલી હતી. ભીતરમાં અનેક સુંવાળાં તોફાનો થયાં, અને સંવેદનના સાગર ઊછળ્યાં. એના મોજાં પર બેસીને તે જાણે કોઈ ત્રીજા વિશ્વમાં પહોંચી જતી. આ ત્રીજું વિશ્વ જ તેને સૌથી સાચું અને સારું લાગતું. પણ એ કલ્પનાનું હતું, હવે તેને એ સાકાર કરવું હતું. કિરણ સાથે કિરણનું જોડાણ કરીને એક સૂર્ય રચવો હતો. એવો સૂર્ય જે પોતાનો હોય, જ્યાં ન રંજ, ન રોષ હોય, ન ખાલીપો હોય, ન છાતીમાં ભોંકાતી અજાણી ઉદાસી હોય. હોય તો માત્ર કિરણ અને કિરણ….

છોકરાનો અનુભવ પણ સ્વર્ગના વર્ણનથી કમ નહોતો. એને પણ આ સ્વર્ગ કાયમી બનાવવું હતું. એટલા માટે જ તો એણે પોતાનો ચોરીનો ધંધો છોડીને સીધાસપાટ રસ્તે ડગ ભરવાનું નક્કી કર્યું હતું. પણ, આ છેલ્લું કામ એણે કરવું જ પડે તેમ હતું, કિરણ માટે…

કિરણ જાણતી હતી કે પોતાના હૃદયમાં પાંગરેલી આ કૂંપળને પોતાના પરિવાર તરફથી પોષણ નહીં મળે. મા પોતાની હતી, પણ બાપ ઉછીનો હતો. ઉછીની ખીંટીએ આયખું ક્યાં સુધી લટકેલું રહે. પોતાના પ્રણયની જાણ એને દૂરના પિતાને થાય એ તે સહેજે ઇચ્છતી નહોતી. અને માને તો આ પ્રેમ જરાયે કબૂલ હતો જ નહીં, તે સારી રીતે જાણી ગયેલી. બીજા લગ્ન પછી મા છોકરીને સાચવી ન શકી, એવું કહીને એને લોકો મેણાં મારશે. એટલે આ તો આજેય નહીં થાય ને કાલેય નહીં થાય એવું એની માએ એને કહી જ દીધેલું. એટલે છૂટકો નહોતો.

આખરે બંને કિરણે એક દિવસ પોતાનો અલગ સૂર્ય ઘડવાનું નક્કી કર્યું. શું કરવું? કઈ રીતે કરવું? ક્યારે કરવું? એનું તમામ પ્લાનિંગ થઈ ગયું. હજી પણ મન વિચારોના ચકડોળે હતું. તેણે મને કહ્યું તો છે કે તે આવી જશે, હું તેની સાથે જતી પણ રહીશ. પણ તેના પરિવાર વિશે હું હજી વધારે જાણતી પણ નથી, તેય ક્યાં મારા પરિવાર વિશે વધારે જાણે છે… તેના કામ વિશે પણ વધારે કંઈ જાણતી નથી, ક્યાં રહે છે, કોણ કોણ છે ઘરમાં? નાત-જાત-કુટુંબ-રિવાજ એની તો કંઈ ખબર જ નથી. પણ પ્રેમ એવા નાતજાત કે રિવાજના તરાપામાં બેસીને થોડો નદી પાર ઊતરે? એ તો હૈયાનાં હલેસે વહે. કિરણનું હૈયું પણ બીજા કિરણ તરફ જ હલેસાં મારતું હતું. એથી જ એના ગળે બધી વાત શીરાની જેમ ઊતરી ગઈ હતી. પોતે ઘરેથી થોડા પૈસા અને ઘરેણાં લઈને ભાગશે, એ જ રીતે કિરણે પણ ઘરેથી પૈસા અને ઘરેણાં લઈને ભાગવું. પણ તેની પહેલાં સાંજે ખોરાકમાં ઊંઘની ગોળીઓ નાખી દેવી, જેથી પરિવાર શાંતિથી સૂઈ રહે અને સામાન ચોરીને ઘરેથી નીકળવામાં તકલીફ ન પડે.

આકાશમાંથી ચાંદનીને ઢોળાવાના તમામ દ્વાર બંધ થઈ ચૂક્યા હતા. પોતાને જ પોતાનો હાથ ન દેખાય એવી કાળમીંઢ રાતે એનું મન વંટોળમાં પાનની જેમ આમતેમ ઊડી રહ્યું હતું. તમરાઓનું ગાન કોઈ બિહામણા ફિલ્મી દૃશ્યમાં વાગતા બેકગ્રાઉન્ડ જેવું સંગીત ઊભું કરી રહ્યું હતું. રાતે પોતાની કાળી પછેડી આખી ધરતી પર લાંબી કરી નાખી હતી. ઘર આખું ઘેનમાં ઘોરતું હતું એવે ટાણે કિરણ બિલાડી કરતા પણ વધારે સાવચેત રહી પથારીમાં ઊઠી અને પગ નીચે મૂક્યો. તેણે બધું જ કામ સારી રીતે કર્યું હતું. સમયસર ખોરાકમાં ઊંઘની ગોળી નાખી હતી, જેથી ઘરના સૂઈ રહે, છતાં ભયથી એનું હૈયું સતત ધ્રૂજતું હતું. કોઈ અચાનક જાગી જશેની બીક તેના મનમાં રહ્યા કરતી હતી. પોતાના ઘરમાં જ ચોરી કરવી એ તેને બહુ વસમું કામ લાગતું હતું. પણ જે ઘરેણાં લઈ રહી હતી એ તો એના પોતાના સગા બાપે જ માને આપેલા હતા, નવો બાપ તો ક્યાં કશું આપે તેમ હતો? મારા હકનું મને લેવામાં શું વાંધો? આવાં આવાં પોતાના પક્ષની અનેક દલીલો વિચારીને તેણે ઘરેણાં અને પૈસાની તિજોરી ફંફોસવા માંડી. એ નાકની ચૂની, એ ગળાનો હાર, એ કાનની બુટ્ટી, હાથની વીંટીઓ, લોકેટ… એકેએક ઘરેણું એનું ગોખેલું હતું, તેને બરોબર એ ઓળખતી હતી,

પણ ઘરેણાં ક્યાં? પૈસા ક્યાં? બધું અહીં જ રહેતું હતું, હજી બે દિવસ પહેલાં જ તો જોયું હતું… ગયું ક્યાં? એ અસમંજસમાં મુકાઈ. “મારા પ્લાનની માને ખબર પડી ગઈ હશે કે શું? એવું તો બને જ કઈ રીતે? તો પછી મારા નવા બાપે એમની કોઈ બેનપણી કે પ્રેમિકાને આપી દીધા હશે? કે ઘરમાં બીજે ક્યાંક મૂકી દીધાં હશે?” બીજી જગ્યાએ પણ તે જોઈ વળી… બધે ફંફોસી જોયું, પણ ન ઘરેણાં મળે ન પૈસા… કશું જ નહીં… પણ ઘરેણાં કે પૈસા ક્યાં જરૂરી છે, કિરણ તો લાવશે જ ને… મારું સાંચું ઘરેણું તો એ જ છે, એની માટે સાચા પૈસા તો હું જ છું. અમે બંને એકબીજાની મૂડી છીએ. પોતે નથી લાવી તે માટે સાચેસાચું કહી દેશે… કિરણ મને સારી રીતે સમજી શકશે… એ મારા દરેક શબ્દ પર વિશ્વાસ બેસશે, હું ખોટું નથી બોલતી એ પામી જશે…

છતાં મનમાં પોતે આ કામ નથી કરી શકી તેનો ભારોભાર વસવસો હતો. તેના પગ મણમણનો વજન ઉપાડતી હોય તેમ ભારે થઈ ગયા હતા. પણ આ ભાર ઉપાડ્યા વિના છૂટકો નહોતો. એ ન જાય તો કિરણ તેની રાહ જોઈને બેસી રહેશે. એને મારા વાયદા પરથી ભરોસો ઊઠી જશે. તે ઘરેથી નીકળી. ખાલી હાથે જ નીકળી. ન પૈસા, ન ઘરેણાં, માત્ર પોતાના ચાર-પાંચ જોડી કપડાં એ જ તેમનો નવો સંસાર. અંધારી રાતે એકલા ચાલવું એ તેની માટે વસમું તો હતું, પણ આવા સમયે જ તો ખરી પરીક્ષા થાય છે. તે અડધોએક કિલોમીટર પગપાળા દીવાલે લપાતી લપાતી ચાલી. શેરીના કોઈ જોઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. ચાર રસ્તે આવી ત્યારે એક રીક્ષા મળી. સીધી બસસ્ટેન્ડ તરફ કૂચ કરી.

એના ધાર્યાં પ્રમાણે કિરણ તો ક્યારનો આવીને બેઠો હતો.

“સોરી મારે મોડું થયું…”

“કોઈ વાંધો નહીં. દસ જ મિનિટમાં ટ્રાવેલ્સ ઉપડે છે, વધારે મોડું નથી થયું. અહીંથી સીધા મુંબઈ જઈશું. એવડા મોટા મુંબઈમાં કોઈ આપણને ગોતી નહીં શકે. મેં બધી વ્યવસ્થા કરી છે. હું સારી નોકરી ગોતી લઈશ અને…” કિરણ અટકી ગયો… તેની છાતીમાં વણકહી વાતનો ખજાનો ધરબાયો હતો, તને ઘણું કહેવું હતું. ખૂલી જવું હતું કિરણ સામે, પણ નિરાંત જોઈતી હતી, અડધી રાતે આ બસસ્ટેન્ડમાં એ બધું કહેવું તેને ઠીક ન લાગ્યું….

“કિરણ, હું ઘરેણાં કે પૈસા નથી લાવી શકી…”

“કંઈ વાંધો નહીં, તું છે તો બધું થઈ જશે…” છોકરાએ સામે ઉત્તર આપ્યો. “મારી પાસે બધું જ આવી ગયું છે. મેં લઈ લીધું છે, ઘરેણાં અને પૈસા બન્ને. ચિંતા ન કર.”

“તું મારા વિશે ખરાબ ન વિચારતો પ્લીજ… મેં પ્રયત્ન કર્યો, પણ…”

“જવા દે એના વિશે ન વિચાર. આ લે, આમાં બધું જ છે, હવે એ તારું જ છે…”

કિરણની આંખમાં આંસુ આવી ગયાં. તેને હૃદય પોકારી રહ્યું હતું કે તેનો નિર્ણય ખોટો નથી. આ જ એ છોકરો છે જેની સાથે એ જીવન વિતાવી શકશે. જેને એ ભરપૂર પ્રેમ આપશે અને તેને પણ સામે એટલો જ ભરપૂર પ્રેમ મળશે.

“પોટલી સાચવીને તારી પાસે જ રાખ.” કિરણે તે પોટલી લઈ લીધી.

“હું એ ઘરેણામાં તને જોઈશ તો ખૂબ ખુશ થઈ જઈશ. મારું ઘરેણું તો તું જ કિરણ…”

“અને મારું તું…” બંનેના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ આંખ ભીની હતી.

ટ્રાવેલ્સ આવી ગઈ. બંને ગોઠવાયા. વધારે પેસેન્જર નહોતા. વળી સ્લીપર હતી, તેથી પ્રાઇવસી પણ જળવાય તેમ હતું. કોઈ ડર નહોતો કોઈ ઓળખીતું જોઈ જાય તેનો. ભાગવામાં પૂરી સાવચેતી રહે તેમ હતું. બંને ઝડપથી ટ્રાવેલ્સમાં ચડ્યા. પોતાની સીટમાં બેસતા જ પરદો આડો કરી દીધો. બંનેના હૈયાંને થોડી ટાઢક મળી. બંને કિરણ એકમેક સામે જોઈને પોતાના નવા જીવનને આકારવાનાં સપનાં જોવા લાગ્યાં.

ટ્રાવેલ્સે હોર્ન વગાડ્યો અને રોડ પર સફર આરંભી… પાણીની બોટલ, નાસ્તો, બધું જ લેવાઈ ગયું હતું.

રાત ઘણી વહી ગઈ હતી, પણ એકેયની આંખમાં ઊંઘ નહોતી.

“તું આંખો બંધ કર,” છોકરો બોલ્યો.

“કેમ?” છોકરો તેને સરપ્રાઇઝ આપવા માગતો હતો.

“તું બંધ તો કર.”

છોકરીએ આંખો બંધ કરી.

એ સમય દરમિયાન છોકરાએ પોતાની સરપ્રાઇઝ છતી કરી અને કહ્યું, “હવે ખોલ,”

છોકરીએ આંખો ખોલી, તેની સામે સરપ્રાઇઝ પડી હતી. તે જોઈને તેની આંખો ફાટી જ રહી ગઈ… એ જ નાકની ચૂની, એ જ ગળાનો હાર, એ જ કાનની બુટ્ટી, એ જ હાથની વીંટીઓ, એ જ લોકેટ… એકેએક ઘરેણું એનું ગોખેલું હતું, તેને બરોબર એ ઓળખતી હતી.

3 thoughts on “ચોરી- વાર્તા- અનિલ ચાવડા

  1. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો એક ઉંમરલાયક યુવતીને જો ઘરમાંથી પ્રેમ ન મલે અને ખાસ તો અંતરંગ મિત્રો પણ ન હોય તો એ હંમેશા મુરઝાયેલી રહે અને ઝાંઝવાના જળની જેમ જો મનગમતો માણીગર મળી જાય તો પોતાનું સર્વસ્વ તેના ઉપર કુરબાન કરી નાંખવનું મન કહેતું હોય છે. એમાં પણ જો કોઈ ખાસ સહેલી ન હોય તો પોતાની વાત કોઈને કહી પણ શકતી નથી. અને અંતે પોતાને મનથીજ જે મનમાં આવે તેવું પગલું ભરાઈ જાય છે.

    પ્રેરણાદાયક સરસ વાર્તા..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s