માઈકલ-વાર્તા- સુચી વ્યાસ


(સત્ય ઘટના પર આધારિત. નામઠામ ગોપનિયતા રાખાવા માટે બદલી નાંખવામાં આવ્યા છે.)

માઈકલ –    સુચી વ્યાસ

વાંકોચૂકો, રાંગો ત્રાંગો માઈકલ સાયકલ ઉપર રોજ સવારે અમારી ડ્રગ રિહેબિલિટેશાનની ક્લીનિકમાં આવે. મોઢું ખોલે તો બખડજંતર દંતાવલિનાં દર્શન થાય. આંખો વાંકીચૂંકી. ઊભો રહે તો ત્રિશંકુની મુદ્રા. પણ જયારે એની વાતું સાંભળો તો થાય કે આ ૫ ફટ ૧૦ ઈંચનો  માણસ મોટાં મોટાં ધીંગાણાંમાં ક્યાંથી સમાયો, ક્યાંથી બચી ગયો અને કેમ હજી જીવે છે! ગન ફાઈટ, ફિસ્ટ ફાઇટ, પોલીસ સાથે મારામારી, દુશમનોના ઘર ઉપર ફાયરબોમ્બની બોમ્બમારી 

માઇકલની માતા દારૂ પીવે અને જુગાર રમે. અને બાપા ફિલાડેલ્ફિયાના મોટા ડ્રગડીલર. અગિયાર વરસની કાચી વયે માઈકલને ટ્રેનિંગ આપવામાં આવે છે કોકેન અને મેરવાના કેમ વેચવા, નાની નાની બેગો કેમ બનાવવી. આજની તારીખે પણ માઈકલને ગોખાવેલાં વજનનું કોષ્ટક યાદ છે. એક ગ્રામ કોકેનના ૭પ ડોલર મળે; મેરવાના એક પાઉન્ડનું પ00 ડોલરના ભાવે ખરીદાય અને ૭00 ડોલરના ભાવે વેચાય. તેર વરસની વયે માઇકલ દિવસના ૪૦ પાઉન્ડ મેરવાના વેચતો. માઇકલના બાપા દીકરાને પરાક્રમ ને સફળતાથી રાજી રાજી હતા. પણ માઈકલનો મોટો સપ્લાયર અચાનક પકડાયો. ધરપકડ થઈ. માઈકલ કહે છે કે તેને લીધે ધંધામાં મોટું બાકોરું પડ્યું. તેની લેક્સસીસ ૩૦૦ લક્ઝરી કાર સરકારી ડ્રગ એડમિનિસ્ટ્રેશને ઝડપી લીધી કેમકે તેની અંદરથી ૧૦૦ પાઉન્ડ મેરવાના મળી આવ્યું. 

ફિલાડેફિયાનો ધંધો ભાંગી પડતાં તેના બાપાએ તેને ન્યુ યોર્ક-બ્રુકલીન જતો-આવતો કરી મૂક્યો. નાનો, ગભરુ અને અડધીપડધો મંદબુદ્ધિ જેવો દેખાતો છોકરો રોજ ફિલાડેલ્ફિયાથી ન્યુ યોર્ક ટ્રેન-બસમાં ભાગાભાગી કરવા લાગ્યો. મેરવાનામાંથી ‘ગ્રેજ્યુએટ’ થયેલો માઇકલ કોકેનના ધંધામાં એક પછી એક સફળતાના શિખરો ચડવા લાગ્યો. 

ઘરમાં મા અને બાપને દારૂ અને ડ્રગને લીધે માથાકૂટ અને ઝઘડા સતત થતાં છૂટાછેડા થઈ ગયેલા. માઈકલ મા સાથે રહેતો હતો. અને બાપ સાથે ધંધો કરતો હતો. માઈકલનું ભણવાનું ચકડોળે ચડેલું હતું જ. તેમાં સાતમા ધોરણમાં સ્કૂલમાં ડ્રગ વેચતા પકડાયો અને માઇકલને સ્કૂલમાંથી જાણે ઊંધે ગધેડે, માથે ચૂનો ચોપડી તગડી મૂકવામાં એવી બેઈજ્જતીથી કાઢી મૂકવામાં આવ્યો. તેને તો ભાવતું હતું ને વૈદે કીધું. 

માઈકલ તો ધબાધબ પૈસાના દરિયામાં ડૂબતો ગયો. બાપાનું પ્રોત્સાહન, કુમળી વય, પૈસાની છનાછન, ચૌદ વરસની વયે અનેક સ્ત્રીઓનો સમાગમ, કોઈપણ જાતના અંકુશ કે માર્ગદર્શન વિના માઈકલ મોટો થવા લાગ્યો. એવડા નાના માઇકલને બાપાએ પહેલી બંદૂક ભેટ આપીઃ થર્ટીએઈટ કેલિબર રિવોલ્વર! 

પંદર સોળ વરસની ઉંમરે તો માઈકલનું ઘર મિલિટરી જેટલા શાસ્ત્રસરંજામથી ભરાઈ ગયેલું જોઈ માઇકલની માના છક્કા છૂટી ગયા. તેને થયું દીકરો દેશદ્રોહી બની ગયો છે. માને પોતાની સુરક્ષાની પણ ચિંતા થવા લાગી. માઈકલ ડરતાં ડરતાં ધીમેથી કહે છેઃ “પંદર વરસની વયે મને કોઈકે ગોળી મારેલી. આજ સુધી ખબર નથી પડી કે કોણે માર હતી.. કદાચ મારા પ્રતિસ્પર્ધીઓને મારી ઈર્ષા આવી હોય.. મારા સોળમા જન્મદિવસે મારા બાપાએ મને એમસિક્સટીન અસોલ્ટ રાઈફલ ગિફટમાં આપી. બાપાએ કહ્યું કે નોર્થ ફિલાડેલ્ફિયાના જમૈકન લોકો આપણા છ હજાર ડોલર ખાઈ ગયા છે. અને કોકેનનો સપ્લાય નથી આપતા. મેં બુલેટપ્રૂફ વેસ્ટ પહેરી ને ભાગ્યો જમૈકન લોકોને ત્યાં. અતિશય ઝડપવાળી રાઇફલમાંથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો. પાંચ દસ માણસોની લોથ પડી. જમૈકનના ઘરમાંથી ૩૫0 હજાર ડોલર અને ત્રણ કિલો કોકેન લઈને જાણે કાંઈ જ બન્યું હોય એમ રોજની જેમ ઘરે આવ્યો. બાપાને એક કિલો કોકેન અને પ0 હજાર ડોલર આપી બાકીના પૈસાથી મારો જન્મદિવસ ઉજવ્યો.” 

પણ આ કપટના મોટા ભારે માઈકલના દિલદિમાગને કોરી ખાધું. તે પછીનાં બેત્રણ વરસ માઈકલ દારૂ અને મેરવાનાની મદદથી પોતાની જાતને અને ગિલ્ટને ભૂલવા પ્રયત્ન કરવા લાગ્યો. સત્તર વરસની ઉંમરે એટલાન્ટિક સિટીના કસીનોમાં અઠવાડિયે બે ત્રણ વાર જવા લાગ્યો, અને દર વખતે ૨૫-૨૫ હજાર ઉડાડવા લાગ્યો. 

થોડીવાર માઈકલ ચૂપચાપ રહે છે. વિચારીને કહે છે કે એક દિવસ સવારે નાહીને તે કાળું શર્ટ, ટોમી હિલિફન્જર’નું ડિઝાઇનર કાળું જીન્સ પહેરે છે, આગળ હોલસ્ટરમાં થર્ટીફોર કેલિબર ‘સ્મિથ એન્ડ વેસન’ ની રિવોલ્વર અને પાછળના હોલસ્ટરમાં ટવેન્ટી ટુ ‘ટોરસ’ની હેન્ડગન ભરાવી, ખિસ્સામાં ૯૯0 ડોલરની નોટો અને બે ગ્રામ મેરવાનાની પ્લાસ્ટિક બેગ ખોંસીને બાપાને ત્યાં જવા નીકળે છે, ને અચાનક પહેલીવાર પોલીસમાં ઝડપાય છે. આજેય યાદ છે તે મે મહિનાની ૧૮મી તારીખ અને ૧૯૯૮ની સાલ. માઈકલ હવાલાતમાં પુરાય છે, અને બે દિવસ પછી મા જામીન આપીને છોડાવે છે. 

સત્તર વરસના માઈકલનું મેરવાનાના સ્મગલિંગ, અને મેઇલ-ફોડના ગુનાસર ગ્રાન્ડ જ્યૂરી ઈન્ડાઇટમેન્ટ થાય છે, અને પહેલીવાર તહોમતદારના પાંજરામાં નામદાર જજ સાહેબ સામે રજૂ થાય છે. પરંતુ તહોમતદારે એવી સિફતથી તે ગુનાઓ કહેલા કે કશીય સાબિતીના અભાવે તે નિર્દોષ ઠરે છે. 

અઢાર વરસે માઈકલ ત્રણ નવી લક્ઝરી કાર ખરીદે છે. રિજ એવન્યુનો એક બાર તેનો અડ્ડો બની જાય છે. બારમાં બેઠાં બેઠાં તે રોજનો લાખોનું કોકેન વેચે છે. તેની પાસે ખોટા નામે નોંધાવેલા બે સેલ ફોન અને બે પેઈજર છે. ફરી સહેજ થોભી માઈકલ પોતાનાં કૃત્યોનું પોતાનું શબ્દોમાં બયાન કરે છે– એકવાર ઈન્ડિયાના એવન્યુ અને ફેરહિલ સ્ટ્રીટના ક્રોસિંગ ઉપર એક સપ્લાયર પાસેથી મારે ૯ ઔંસ કોકેનનું પડીકું લેવાનું હતું. મેં તેને છ હજાર ડોલર ચૂકવ્યા અને તે માલ લેવા ગયો. મેં અઢી કલાક રાહ જોઈ પણ તે પાછો ન આવ્યો. હું મારા ઘરે ગયો, ઘરમાંથી એન્ટી ટેન્ક રોકટ કાઢી ઝુમ કરતી માઝદા એમપીવી વેન મારી મૂકી સપ્લાયરના ઘરે. મારું એના ઘર પાસે પહોચવું અને તેનું ઘરમાંથી બહાર નીકળવું સાથે જ બન્યું. મેં વેનની બારી ખોલી નિશાન તાક્યું. દાંત ભીંસીને ટ્રિગર દબાવ્યું. મારી નજર સામે પેલો માણસ તો ઓગળી ગયો અને ઘરનો આગલો ભાગ પત્તાંના મહેલની જેમ પડી ગયો. હું મારમાર ઘર ભેગો થઈ ગયો. બાપાને વાત કરી. 

– “આ બધાં કામોમાં બાપા જાણકાર હતા. તરત અમે તે રોકેટ લોન્ચર અને માઝદા વેન જન્ક યાર્ડમાં લઈ ગયા. ત્યાં ને ત્યાં અમારી નજ૨ સામે તે બંનેને ઓગાળી નાખવામાં આવી.” 

માઈકલના બાપા તો ફક્ત ડ્રગ વેચવામાં નિષ્ણાત હતા. માઈકલને ટ્રેઇન કરવા માટે ‘દાદો’,જમાનાનો ખાધેલ ક્રિમિનલ માણસ રોકવામાં આવેલો. માઈકલ તેને ‘અસાસિન-મેન અંકલ’ યાને કતલખોર કાકા કહેતો, જેની પાસેથી તે મોટા ગજાના ક્રાઈમ શીખેલો. 

– ઓગણીસ વરસે માઈકલનો જીવ જર-ઝવેરાતમાં ચોટયો. તેણે થોકબંધ પ્લેટિનમનાં ઘડિયાળ, ડાયમન્ડ જડેલ ચેઇનો, વીંટીઓ ખરીદી અને તે પહેરી મહાલવા લાગ્યો. માઈકલ કહે છે, “કોણ જાણે કેમ એક દિવસ મને થયું લાવ મારા પૈસા ઘરમાં સંતાડીને રાખી દઉં. એટલે દિવાલમાં પૈસા સંતાડી દીધા. બે કલાકમાં ફોન આવે છે, કોકેન આપો મેં ૯ એસ ફોનનો સોદો ફોન ઉપર કરી નાખ્યો. પાંચ મિનિટમાં બીજો ફોન આવે છે, હજી એક કિલો કોકેન જોઈએ છે, કોલેજના છોકરાઓ માટે. 

“બપોરના ૨:30 વાગ્યે પાથમાર્ક માર્કેટના પાર્કિંગ લોટમાં મળવાનું નક્કી થાય છે. મને સહેજ શંકા લાગે છે, એટલે હું ફક્ત અરધો કિલો કોકેન અને હેન્ડગન કારમાં મૂકીને પાર્કિંગ લોટ પર પહોંચું છું. પાંચ ફુટ આઠ ઈંચ લાંબો એક માણસ હાથમાં બેગ સાથે મારી રાહ જોઈને ઊભો હતો. તેણે બે ખોલીને ૩૩ હજાર ડોલરનાં દર્શન કરાવ્યા. હું મારી કારમાંથી માલ લઈ આવ્યો અને તેની કારમાં બેઠો. તેણે કોકેન ચકાસી જોયું. દરમિયાન પેસેન્જર સાઇડના મિરરમાંથી મેં જોયું તો “ડીઈએ” (સરકારી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજેન્સી)ના એજન્ટોએ મશીનગન લઈને ઘેરો ઘાલ્યો છે. મારું મગજ બહેર મારી ગયેલું. હું બારણું ખોલી દોડ્યો, પેલા એક એજન્ટને મુક્કો મારી ભાગવા લાગ્યો. બીજા એજન્ટે મને માથામાં બંદૂકનો ફટકો મારી બેભાન કરી દીધો. મને આજેય યાદ છે તે મે મહિનાની ૮મી તારીખ અને ૨000ની સાલ.” 

ત્યાર બાદ ત્રણ વરસ માઈકલે ફેડરલ પ્રિઝનની હવા ખાધી. જૂન ૨૬, ર003માં તેને પ્રોબેશન ઉપર છુટ્ટો કરવામાં આવ્યો. કારાગારમાં ભોગવેલા ત્રાસ દરમિયાન, અનહદ મનોમંથન બાદ માઈકલે નક્કી કર્યું કે આમ “ફાસ્ટ લેન”માં જીવવામાં મજા નથી. માઈકલ મારી સામે બેઠો છે, પણ દીવાલ સામે તાકી તાકીને પોતે એકલો હોય તેમ બોલે છેઃ “વારસાગત ગરીબાઈએ મારાં મા-બાપને પૈસાની ભૂખ જગાડેલી. પૈસાનું, ભૌતિક સુખનું ભૂત મા-બાપે મને વારસામાં આપ્યું. અને પછી મારા ધાવણનાં ટીપે ટીપે મારામાં પૈસાનું ઝેર રેડાયું. હું કાંઈ ડ્રગ્ઝનો ભૂખ્યો નહોતો. હું તો પૈસા અને મોજશોખનો ભૂખ્યો હતો. બાર વરસથી ઓગણીસ વરસની ઉંમર સુધી હું નિશાચર હતો, આખો દિવસ સૂવાનું અને બપોરે ચાર વાગ્યે ઊઠવાનું. આખી રાત અને સવારના છ વાગ્યા સુધી ફિલાડેલ્ફિયાની શેરીએ શેરીએ ડુગ્ઝ વેચવા સિવાય જિંદગીનો બીજે કોઈ ધ્યેય જ નહોતો. 

અનેક રાતો, અનેક દિવસો મનોમનની ધડાકૂટ પછી મેં નક્કી કર્યું છે… બસ એ ખેલ પૂરો. જેલમાંથી બહાર આવી, એક સદગૃહસ્થ તરીકે જીવવું છે. મારા ઉપર હંમેશાં દૈવી તત્વની કૃપા વરસી હશે અને આકાશના દેવદૂતોની મારા પર મહેર હો, એવો અનુભવ મને લાખો વાર થયો છે.” 

પ્રિઝનમાંથી છૂટીને માઈકલ માં સાથે રહેતો હતો. ફર્નિચરની એક દુકાનમાં ગુમાસ્તાની નોકરીએ લાગી ગયેલો. અચાનક કાર એક્સિડેન્ટમાં માઈકલની કેડ ભાંગી જવાથી ત્રણ અઠવાડિયાં હોસ્પિટલમાં રહેવું પડયું. ત્યાં પેઇનકિલર દવાઓમાં મોરફીન અને પર્ફોસેટ અપાઈ અને જેમાં અફીણ હોય છે; અને વાંદરાએ ફરી દારૂ પીધો! માઈકલ દુખાવાના બહાને ડોકટરો પાસેથી પ્રિસ્ક્રિપ્ટાન લખાવ્યા કરે છે. અને આમ ફરી માઈકલ ઓપિયમ ડિપેન્ડેન્સીનો ભોગ બને છે. દોઢ-બે વરસ પછી ડોકટર લોકોએ પ્રિસ્ક્રિપ્શન આપવાનું બંધ કર્યું. માઈકલે ફરી ફિલાડેલ્ફિયાની શેરીઓમાં ઘુમરીઓ ચાલુ કરી. એક વાર તે ડ્રગ ડીલર હતો, રાજાપાઠમાં હતો અને ડ્રગ લોર્ડ કહેવાતો હતો. હવે શેરીના લાચાર ‘લટુડિયા’ કૂતરાની જેમ ભટકવા લાગ્યો. એક એક પિલના મોં માગ્યા ભાવ આપતો થયો.  દસ મહિનામાં વીસેક હજાર ડોલર ફૂંકી બેઠો. 

સન ૨00૪ની સાલમાં માઈકલ અમારી ક્લીનિકમાં ઇલાજ માટે આવ્યો અને એની જિંદગીએ ૧૮૦ ડિગ્રીનો વળાંક લીધો. છેલ્લાં બે વરસથી માઈકલ ‘ક્લીન’ છે. એક પણ ડ્રગ્સ લેતો નથી. અઠવાડિયે આઠ દસ વાર “આલ્કોહોલિક એનોનિમસ” તેમ જ “નાર્કોટિક એનોનિમસ”ની મીટિંગ ભરે છે. આ સંસ્થાઓ દારૂ તથા ડ્રગના બંધાણીઓ જાતે ચલાવે છે, અને સાથે મળીને એકબીજાને તે ઘાતક બંધાણોમાંથી છૂટવામાં સહારો આપે છે. તેમાં ૧૨ પગથિયાંની એક શિસ્ત હોય છે. તે બારેય પગથિયાં પૂરાં કરી શકે તે પોતાનું બંધાણમાંથી મુક્ત થઈ જાય છે. 

માઈકલના બાપા હજી ડ્રગ વેચે છે. એની મા એક ફાંકડી રેસ્ટોરન્ટ ચલાવે છે જેમાં માઈકલ કૂકથી માંડીને મેનેજર સુધીની કામગીરી સંભાળે છે. અને માનો ધંધો ધમધોકાર ચાલે છે. 

આ લેખ માઈકલ સાથેની બે સેશનની વાતચીત પછી લખાયો છે. તેના કહેવા મુજબ તેણે આ બે સેરાન્સથી પ્રેરાઈને ચાર અને પાંચ નંબરનાં પગથિયાં પૂરાં કર્યા છે. “આ પહેલાં પણ હું એક હોસ્પિટલના મેન્ટલ હેલ્થ વિભાગમાં સાયકાયેટ્રીક સારવાર માટે અઠવાડિયે બે વાર જતો હતો પણ આટલા ખુલ્લા દિલે કોઈની પાસે વાત કરી નથી.” 

ચોથા પગથિયામાં માણસે પોતાનાં કુકર્મો અને સત્કમોનું સરવૈયું ખુલ્લાદિલે કાઢવાનું હોય છે. પાંચમા પગથિયામાં ભગવાન સહિત સ્વની સાક્ષીએ કોઈ સંત પ્રકારના મનુષ્ય પાસે પોતાનાં કુકર્મોની કબૂલાત કરવાની હોય છે. 

આ માઈકલની કથાની ઈતિશ્રી નથી. હજી વાંકોચૂંકો, રાંગો ત્રાંગો માઈકલ ભાંગેલી કમર સાથે ધ્રૂજતા પગનો અંગૂઠો છઠ્ઠા પગથિયે અડાડી રહ્યો છે.

3 thoughts on “માઈકલ-વાર્તા- સુચી વ્યાસ

  1. સરસ વાત. જ્યારે હોમલેસ લોકોને જોઈએ ત્યારે વિચાર આવે કે દરેકની ઘણી લાંબી જીવનકથા હશે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s