પ્રાર્થનાને પત્રો..(૪૭)-ભાગ્યેશ જહા


પ્રિય પ્રાર્થના, 

તારી કવિતા ઑસ્ટ્રેલિયાની કોઇ શાળામાં યોજાયેલા દિવાળી સ્નેહમિલનમાં વંચાણી, એ વીડિયો જોઇને આનંદ થયો. મઝા આવી, નવી પેઢી આવી રીતે માતૃભાષાની રક્ષણની જવાબદારી વિદેશની ધરતી પર લે એનાથી રૂડું શું ? માર આજે તને અહીંની પણ  એ વાત કરવી છે, અમે સાતેક મિત્રોએ ભેગા થઈને ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ એવું ટ્ર્સ્ટ રચ્યું છે. દર મહિનાના બીજા શનિવારે આ પ્રતિષ્ઠાનની એક કાર્યશાળા ચાલે છે, ગાંધીનગરમાં આવેલી ચિલ્ડ્ર્ન યુનિવર્સિટીએ પોતાનો હોલ આ હેતું માટે ફાળવી આપ્યો છે. 

અમે ત્રણ હેતુંઓ રાખ્યા છે. માતૃભાષામાં સજ્જતા, માતૃભાષાનું સંરક્ષણ અને માતૃભાષાનું સંવર્ધન. આમ તો આનું એક મોટું મોટું વિભાજન આવી રીતે થઈ શકે. સજ્જતા એટલે શુધ્ધ ગુજરાતી ભાષા વિશે જાગૃતિ લાવવી. અનેક લોકો ખુબ જ અશુધ્ધ ભાષા બોલતા અને લખતા હોય છે. બોલીઓની પાછી અલગ દુનિયા છે. ઉત્તર ગુજરાતનો લ્હેંકો અને સૌરષ્ટ્રની લોકબોલી ખુબ જ અલગ પડે છે. દક્ષિણ ગુજરાતમાં ત અને ટની માથાકૂટ છે તો વળી ચરોતરની મઝા કંઇક અલગ છે. એટલે આપણી માતૃભાષાની અનેક વિશેષતાઓ એની બોલીમાં જ છલકાય છે. હમણાં હું લંડન ગયેલો, ત્યાંના આફ્રિકાથી આવેલા ભાઈ બહેનોની ભાષા જુદી છે, પણ મીઠી એટલા માટે લાગે છે કે એમાંના ઘણા લોકોએ ભારત કે ગુજરાતમાં બહુ વર્ષો ગાળ્યાં નથી, અથવા તો બિલકુલ જોયું નથી અને તેમ છતાં ભાષાપ્રેમને લીધે ગુજરાતી બોલવાની એક પણ તક જવા દેતા નથી. ધર્મજ સોસાયટી ઑફ લંડન આનું જ્વલંત ઉદાહરણ છે. અને પેલું ગીત તો તને આવડે જ છે, ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઇ બોલે નહીં, બરાબર..” આમાં લોકબોલીને સાચવીને કેવી શુધ્ધતા પ્રાપ્ત કરવી એ એક મીઠો ચર્ચાનો વિષય છે. 

લખાતી ભાષા એ બહુ રસપ્રદ અને વૈજ્ઞાનિક અભિગમથી છલકાતો વિષય છે. ગુજરાતી વ્યાકરણ અઘરું નથી, પણ જોડણીના નિયમો વગેરે શીખવા જાવ તો થોડી સતર્કતા રાખવી પડે. ચિલ્ડ્ર્ન યુનિવર્સિટીના પૂર્વકુલપતિ હર્ષદભાઇ શાહ અને મિત્રો આ માટે ભારે જહેમત કરી રહ્યા છે. પાલનપુરની આદર્શ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જેઠાભાઇએ આ કામ ‘મિશન મોડ’માં ઉપાડ્યું છે, એ અનેક જગાએ પહોંચી જઈને સાચી જોડણી શીખવાડે છે. આજકાલ લોકો એમની લોકપ્રિયતા અને નિષ્ઠા જોઇ એમને ‘જેઠાભાઇ જોડણીવાળા’ એવું સંબોધન પણ કરે છે. 

સંરક્ષણનો મુદ્દો થોડો સંવેદનશીલ છે, કારણ આમાં ગુજરાતી ભાષાના અનારોગ્યમાં રસ લેનારા ‘આ તો બહુ સંકુચિત વાત થઈ’ એવો તર્ક અથવા તો હુમલો કરે તેવી શક્યતા છે, પણ અમે માનીએ છીએ કે પ્રાથમિક શિક્ષણ બાળકને માતૃભાષામાં આપવું જોઇએ. આમ કરવાથી એનો માનસિક વિકાસ ખાસ કરીને પૃથક્કરણ અને પ્રત્યાયન [કમ્યુનિકેશન]ની શક્તિ વધે છે. એક તરફ, આપણે સૌ જોઈએ છીએ કે ‘ગતાનુગતિક’ લોક એક પ્રકારના વ્યામોહથી અંગ્રેજી માધ્યમ તરફ દોટ મુકી રહ્યા છે. એ બધાને એવું છે કે બાળકને એની માતૃભાષાથી દુર હટાવીશું તો એ ‘ગ્લોબલ સીટીજન’ બનશે. જો કે આ બધું ચર્ચા કરતાં સમજનો વિષય વધારે છે. અને આપણે તો જોઇએ છીએ કે અમેરિકામાં જે લોકો ખુબ જ સફળતા પામ્યા છે એમની ધંધાકીય આવડત, એમની અદમ્ય સાહસ વૃત્તિ અને નવું શીખવાની વૃત્તિને કારણે શિખર પર પહોંચ્યા છે. 

માતૃભાષાનું સંવર્ધન એ બહુ જ રચનાત્મક અને વિસ્તારક અભિગમ છે. માતૃભાષાની ક્ષમતાનું સૌથી અગત્યનું પરિબળ એનું સાહિત્ય છે. આ માતૃભાષા આપણને સંવર્ધિત કરી શકે તેવી તાકાત છે તો વિશ્વના બદલાતા જતા પ્રવાહોને ઝીલીને આપણે આ ભાષાને વધું અર્થભોગ્ય અને ગ્લોબલ બનાવી શકીએ. વિશ્વસાહિત્ય અને આજના વિશ્વમાં ચર્ચાતા મુદ્દાઓને જો આપણે આપણી માતૃભાષામાં લાવવા મથીએ તો માતૃભાષાનો સ્વત: અને સહજ રીતે વિકાસ થાય. અમારી ઇચ્છા છે કે તમારા જેવા વિશ્વમાં વ્યાપેલા ગુજરાતીઓ શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત કરે. જગતભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ભાષા માટે થોડું થોડું પણ કામ કરે તો ખુબ જ મોટી સેવા થાય. જેમ નોર્થ અમેરિકામાં રામભાઈ ગઢવી અને પશ્ચિમમાં ડો.પ્રતાપભાઈ પંડ્યા જેવા મહાનુભાવો જે રીતે ધુણી ધખાવીને બેઠા છે તેનો મહિમા થવો જોઇએ. એમને અનુસરનારી નાની નાની મંડળીઓ રચાવી જોઇએ. આવું બહુ સ્થાનકો પર થવા લાગશે તો ગુજરાતી ભાષા માટે એક સાનુકુળ વાતવરણ સર્જાશે. 

આ વિષય જેટલો રસીલો છે એટલો જ અઘરો છે. એમાં જેટલી સમજણ ભરેલી છે એથીયે વધુ અસમજણના બાદાશાહો બેઠા છે. શિક્ષણને ધંધ બનાવી બેઠેલા લોકો એ તો માતૃભાષાની માંદગીને એક ‘બીઝનેસ ઓપર્ચ્યુનીટી’ તરીકે જોઇ છે, પણ આપણે આ માર્ગ છોડવો નથી. તમારા જેવા યુવાનો પણ આ બાબતે સુચનો અને ‘ એક્સનપ્લાન’ સાથે આગળ આવે તેવી અપેક્ષા… 

એ જ, 

ભાગ્યેશના 

જયશ્રીક્રુષ્ણ.

1 thought on “પ્રાર્થનાને પત્રો..(૪૭)-ભાગ્યેશ જહા

  1. ‘વિશ્વમાં વ્યાપેલા ગુજરાતીઓ શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત કરે. જગતભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ભાષા માટે થોડું થોડું પણ કામ કરે તો ખુબ જ મોટી સેવા થાય.’આવું શ્રેષ્ઠ સાહિત્ય ને
    વાંચક વર્ગ મળે તો વધુ ઉત્સાહ રહે
    રામભાઈ ગઢવી અને ડો.પ્રતાપભાઈ પંડ્યા ને ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s