અભય-વાર્તા-સુચી વ્યાસ


અભય

શરદ બાબુની નવલકથાઓ વાંચી આદર્શવાદી અભય પીએચ.ડી. ના અભ્યાસાર્થે અમેરિકા આવે છે. શાંતાબેન અને ટપુભાઈ ચાવડાનો એકનો એક પુત્ર આટલે દૂર જાય છે એટલે તેમની સ્ટેજ ચિંતા અને આનંદમાં માતાપિતા લાગણીઓમાં ઝોલાં ખાવા લાગે છે. “અભય અમેરિકા જઈ દારૂ ન પીતો, છોકરીયુંમાં ન પડી જતો.” વગેરે દરેક મા-બાપ આપે એવી બધી સલાહ તેઓ એને આપે છે. અભય તો મુંબઈ યુનિવર્સીટીમાં નાટકોનો રાજા અને સંગીત સભાનો સોદાગર.. એ ય ને ચોપડાં, કપડાં અને વાંસે રાજકપુર સ્ટાઇલનું એર્કોડિયન લઈને એનઆરબર મીશીગન યુનિ. માં પ્રવેશે છે. 

પહેલા સેમેસ્ટરમાં જ ગુજરાતી સમાજનો પ્રેસિડેન્ટ બનીને આખાયે કેમ્પસ ઉપર ધમા-ચકરડી… ધમ-ધમધોકાર સંગીત નાટકના કાર્યક્રમો એણે ચાલુ કરી દીધા. પોતે જાડિયો, હસમુખો, બોલકો અને પ્રેમાળ. બધાંનું મન એ જીતી લેતો. એ બધાંને ગાંડાતૂર પ્રેમમાં પાડે જ્યારે એના એકોર્ડીયન પર, રાજક્પૂરની ફિલ્મ “ચોરી-ચોરી” નું ગીત, આ જા સનમ, મધુર ચાંદનીમેં હમ” વગાડે ત્યારે અમેરિકન અને દેશી બધાં જ એને તાળીયું પાડીને વધાવે.

દરેક દેશીની જેમ અભય પણ ભણતાં ભણતાં કંઈક કામ કરવા લાગ્યો એનારબર યુનિ.ના કેમ્પસ ઉપર જ એક ઢોસા-ગ્રીલમાં ભાઈ વેઇટરની પાર્ટટાઇમ નોકરી કરે. ત્યાં એક આફ્રિકન-અમેરિકન છોકરી કીચનમાં હેડ કૂકનું કામ કરતી હતી. બાઈ બહુ જાજરમાન! ફટાફટ દસ-દસ ઢોસા ઉતારે… ને સાથે ગાળો કાઢતી જાય, બધાંને ધમકાવતી જાય અને રુઆબ મારતી જાય…! એક હારે પચાસ પચાસ કસ્ટમરના ઓર્ડરો આવે ને એ ગરમાગરમ ઢોસા ઉતારે.  

ક્યારેક ઘડીકની નવરાશ મળે તો અભયને સાલ્લું એની સાથે વાતો કરવાનું મન થાય. બાઈનું નામ ‘બાની બાયર’. ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે સ્પેલિંગ વાંચો તો ‘બોની બોયર’ વંચાય. અભય તો એને ધરાર ગુજુ સ્ટાઈલથી ‘એય.. બોનીબેન’ કહીને છેડતી કરતો. ક્યારેક કીચનની બહાર ઊભાં ઊભાં તેઓ બેચાર સિગરેટના કશ સાથે લેતાં. મોટી આંખો, વાંકડિયા, લાંબા વાળ ને આફ્રિકન અદાથી કેશગૂંફન, ભરાવદાર છાતી. લાલ-ત્રાંબા જેવા ઉઘાડા પગ અને ટૂંકું ટી શર્ટ પહેરે એટલે ડૂંટીમાં લટકતી હીરાની કડી દેખાય. મુંબઈમાં આવી યૌવનથી છલોછલ, ભાયડાઓને બીવરાવે અને આમ જુઓ તો પાછી દોસ્તાર ટાઈપની છોડી જોઈ નથી એવું ત્યારે અભય મનમાં અચૂક બોલતો.

આમ ને આમ પહેલું સેમેસ્ટર પૂરૂં થઈ ગયું અને બીજા સેમેસ્ટરના અંતે ક્રિસમસ નજીક આવતી ગઈ અને કેમ્પસ પરનાં સ્ટુડન્ટો જેમ જેમ એક્ઝામ પતતી ગઈ તેમ તેમ પોતપોતાના ઘરે જવા માંડ્યાં. હવે કેમ્પસ પર આમ જુઓ તો કાગડા ઊડવા માંડ્યા હતા. અભય અને બોનીબેન જેવાં રડ્યાં-ખડ્યાં ભૂતો મિશીગનના બરફનાં તોફાનોમાં પેન્ગવીનની જેમ બરફમાં લપસતાં લપસતાં ચાલ્યાં કરતા હતાં. આમ ને આમ ક્રિસમસના તહેવારો પણ આવી પહોંચ્યા.

બોનીએ અભયને પૂછ્યું, “તું નવરો હો તો ક્રિસમસ અમારી સાથે ઉજવજે. ૨૪મી ડિસેમ્બરે સાંજે ઘરે આવજે.” ભાઈ અભય મૂંઝાયા. “અમારી સાથે”નો અર્થ શું સમજવો. શરદબાબુની કોઈ હિરોઈન આવી નહોતી વાંચી કે નહોતી સમજી!

૨૪મી ડિસેમ્બરની સાંજે અમેરિકન રિવાજ પ્રમાણે અભય હાથમાં દારૂની બોટલ અને નાની માંડ-માંડ પોસાય એવી ગિફ્ટ ત્યાં હળવેકથી બોનીના બારણે ટકોરા મારે છે. બારણું ખૂલતાં જ બોનીની સુંદર બાળકીઓ કૂદાકૂદ કરતી નજરે પડે છે. પાછળ બોની, “આવો, આવો મેરી ક્રિસમસ, અભય.” સંભળાય છે. છે કે આ મારી દીકરીઓ આના-એલીઝા.” અભયને પ્રશ્ન થયો કે તો આનો બાપ ક્યાં? બિન્દાસ બોનીએ કહ્યું હતું કે, “હું કુંવારી માતા છું. ૧૫-૧૭ વર્ષે બે બાળકીની મા બની ગઈ છું. બાપ લાપતા છે એટલે એક ફિલા-પેન્સિલવેનિયા એનારબાર મીશીગન યુનિવર્સીટીમાં ભણવા આવી છું. આ છેલ્લું વર્ષ છે. માસ્ટર કરી લઈશ એટલે કામ પત્યું.”

ગુજરાતી માણસને તો આગગાડીમાં ભાગતાં દશ્યોની જેમ સાથે મારતાં. લાખો સવાલ મનમાં દોડવા લાગ્યા. બાપ નથી, એકલી બે દિકરિયુંને ઉછેરે છે! બોનીને મા-બાપ નહિ હોય? પણ અમેરિકન રીત અને રસમ પ્રમાણે આમ પૂછાય કેમ? તંદ્રામાંથી બહાર આવી અભય બંને દીકરીયુંને ભેટે છે, તેડે છે, રમાડે છે, પહેલીવાર ક્રિશ્ચિયન ધર્મ પ્રમાણે ક્રીસમસ બોનીના નાના સંસારમાં મ્હાલીને અભય છૂટો પડે છે. પછી તો દોસ્તી વધવા લાગી. ભણવાનું, નોકરી કરવાની અને શનિ-રવિ બોનીના બાળકો સાથે જલસા કરવાના. બંને દિકિરયું અભયના ગીતો-નૃત્યો-નાટકોમાં ઉછરવા લાગી. જોતજોતામાં ૨ વર્ષ પૂરા થઈ ગયા.

હવે થિસીસ લખવાનું કામ ચાલુ કરતા પહેલાં એક દિવસ અભયે ભરી છાતીએ ધડાક કરતું બોનીને પૂછી જ નાંખ્યું, “તને વાંધો ન હોય તો હું તને પરણીને આ બંને દીકરીયુંને ખોળે બેસાડવા માગું છું.” એ ૧૯૭૦ની સાલમાં આપણા અનેક ગુજરાતી છોકરાઓ સફેદ-સ્પેનીશ છોકરીઓના પ્રેમમાં પડે,. ત્રણ-ચાર વર્ષ રખડે અને, ડિગ્રી લઈને ઘરે-દેશમાં જઈ બાપાના કહેવા પ્રમાણે પરણી જાય! .બિચારી, કેટલીયે બાર્બરા,, કેરી, મેરીને આવા દેશી છોકરાઓના ધક્કા લાગ્યા હશે, કોણ જાણે! 

અભય તો નામ પ્રમાણે અભય હતો. એકવાર પ્રેમમાં પડ્યો એટલે પાછું વળીને જોવાનું જ નહોતું. ગુજરાતી સમાજ ઑફ મિશીગન, યુનિ. ઑફ મિશીગનમાં બધાં અંદરોઅંદર ગણગણાટ કરવા લાગ્યાં! “એક તો કાળી અને પાછી ભેગી દિકરિયું લઈને આવી!. અભયે બહુ જલ્દી વિચાર્યા વગર પગલું ભર્યું!” 

બોનીનો બાપ જ્યુઈશ છે અને મા આફ્રિકન-અમેરિકન છે. બંને બોનીના જન્મ પછી છુટ્ટાં પડી ગયાં છે. અભયના માતાપિતા શાંતાબેન અને ટપુભાઈ ચાવડા દેશમાંથી આવે છે. રીતસરખી હિન્દુ વિધિનાં લગ્ન થાય છે અને અભય ચાવડા રાતોરાત બે દીકરીના બાપ અને જાજરમાન બોનીનો પતિ બને છે. 

ને પછી તો ફુલસ્પીડમાં સંસાર શરૂ…! બે બેડરૂમનું એપાર્ટમેન્ટ, પછી ત્રણ રૂમનું ઘર… પછી કૂતરૂં, બોનીબેન ગુજરાતી બોલતા થઈ ગયા છે. રવિવારે દાળઢોકળી બનાવે છે અને બુધવારે મગ રાંધે છે. વારે-તહેવારે સત્યનારાયણની કથા કરે, બે-ત્રણ મહિને ઘરમાં સત્સંગનો જલસો થાય. દેશમાંથી આવેલા કલાકારોનું સન્માન થાય. જલસા-જલસામાં જિંદગી વ્યવસ્થિત થઈ ગઈ હતી. બોની વરસે-બે વરસે મુંબઈ સાસરે જાય. સાસુ-સસરા અમેરિકા આવે, આમ ટીપીકલી કામકાજ કોઈ અડચણ વિના ચાલતું હતું. 

એમાં બોનીને કોઈ સ્પેનિશ માણસ સાથે પ્રેમ થઈ જાય છે, જે અભયની જાણમાં આવે છે. સ્પેનિશ પણ ખરો ભાયડો બંકો, અભય જેટલો અને કદાચ અભય કરતાં પણ વિશેષ પ્રકારનો આદર્શવાદી માણસ! નવલકથાનું ત્રીજું પાત્ર આમ સાવ સહજ રીતે પ્રવેશ પામે છે. નામ છે “મારીયો” (સૂચક નામ)

આ બાજુ અચાનક જ અભયની તબિયત લથડે છે. એને હાર્ટની બિમારી છે એવું નિદાન થાય છે. ધીરેધીરે એટલો માંદો પડે છે કે. હાર્ટનું ઓપરેશન કરાવવું પડે છે ને માંડ ઠીક થાય છે ત્યાં તો કિડની બગડી! નવી કિડની નંખાવવી પડે છે. આ સમય દરમ્યાન, નિયમિત રીતે   ડાયાલિસીસમાં જવું પડે છે. આવા કપરા સમયમાં મારિયો ઊભા પગે, બોની,-બંને દીકરીયું અને અભયની સેવા કરે. અભય એના દોસ્તોને કહેતો ફરે, “મારો સાલો, મારીયો મારી વહુનો પ્રેમી છે કે મારો પ્રેમી છે એ સવાલમાં અને સવાલમાં મારી આંખ મીંચાઈ જશે. હું સવારે ઊઠું કે મારી મસાલાવાળી ચા ટેબલ ઉપર ગાંઠિયા સાથે તૈયાર હોય. મને પ્રેમથી નવરાવે, બહાર તડકે ખુરસી મુકીને ગુજરાતી અંગ્રેજી છાપાંઓ આપે. ગાડી ગરમ કરી સાલ્લો હાથ પકડીને — ડાયાલિસીસ સેન્ટરમાં લઈ જાય. ભેગો ૮ કલાક બેસી ગામ આખ્યાની વાતું કરે. જોક્સો સંભળાવે. ત્રણ ડૉક્ટરોની એપોઇન્ટમેન્ટનું કેલેન્ડર બનાવે. સવાર-સાંજ- રાતની દવા આપે. પગ તો એવા તૂટે કે ન પૂછો ને વાત!  ત્યારે, આ મારીયો મારા પગ પણ દાબી આપે. અનેક દવાઓથી વાંસામાં એવી ચળ આવે કે સિંદરીના ખાટલામાં સૂઈ જઉં ને ખૂબ વાંસો ખણું એમ થાય, ત્યાં તો મારીયો બ્રશ લઈને વાંસો ઘસે, પાઉડર છાંટીને પંપાળે. મારી શાંતાબાને ભૂલાવી દે એવો છે આ મારિયો. સાલ્લો, હવે તો ભેગો જ રહે છે. બોની કરતાં મને મારીયો માટે વધુ પ્રેમ થઈ ગયો છે.” 

બોલો, શરદ બાબુના જમાનામાં આવી નવલકથાઓ કયાંથી લખાય? 

નાટકનો છેલ્લો અંકઃ અભયની તબિયત સાવસાવ ભાંગીને ભૂક્કા પામે છે. એને બાલ્ટીમોર હોપકીન્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યાં એ છેલ્લા શ્વાસ લે છે.

છેલ્લા શ્વાસ લેતાં અભયે મારીયોને કહેલું: “તું ખરેખર ફરિશ્તો બની અમારી જિંદગીમાં આવ્યો છે.” અભયની વિદાયથી બોની ભાંગી પડે છે. મારીયો, બોની બંને દીકરિયું રડતાં રડતાં અભય-નિવાસમાં ફરી સ્વસ્થ બનવાનો પ્રયત્ન કરે છે. 

મકાન-સંપત્તિ અભયે મારીયોના નામે કરી શ્વાસ છોડેલા.

(સત્ય ઘટના પર આધારિત) 

4 thoughts on “અભય-વાર્તા-સુચી વ્યાસ

 1. અભય-સુ શ્રી સુચી વ્યાસની સરસ વાર્તા-
  આ તો અમારા પાડોશીની વાત લાગે !
  સત્ય ઘટના…
  બાલ્ટીમોર હોપકીન્સ હૉસ્પિટલ
  અભય ગયો…
  કદાચ મારીયો, બોની અમને મળી જશે

  Like

 2. સંબંધોનુ સરસ સમીકરણ સર્જતી સત્ય ઘટના પર આધારિત સૂચીબહેનની વાર્તા વાંચી મારિયોની માનવતાને સલામ કવાની અને અભય બોનીની પ્રેમકથા વાંચવાની મઝા આવી.

  Like

 3. બોનીબેનનું સુંદર રેખાચિત્ર…તેમજ સરસ રજુઆત……સંબંધોનુ સરસ સમીકરણ સર્જતી સત્ય ઘટના પર આધારિત સૂચીબહેનની વાર્તા વાંચી મારિયોની માનવતાને સલામ કવાની અને અભય બોનીની પ્રેમકથા વાંચવાની મઝા આવી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s