વેશ્યા
– અનિલ ચાવડા
ઘેરાયેલી સાંજે એ ઝરૂખામાં અરીસો લઈને આવી. વર્ષોના એકલવાયા જીવનમાં કદાચ આ કાચનો કટકો જ તેનો સાથી હતો. વર્ષોથી મુંબઈની રેડબજારમાં વીતાવ્યા પછી તેને શાંતિ જોઈતી હતી, એવી શાંતિ કે જ્યાં પુરુષની હવસભૂખી ગંધ ન હોય, જ્યાં કોઈની આંખો તેના શરીર પર સૂયાની જેમ ભોંકાતી ન હોય, જ્યાં છાતી સામે મોં ફાડી જોઈ રહેતા પુરુષોની લાળટપકતી નજર ન હોય, જ્યાં બિભત્સ ચેનચાળા ન હોય…. રોજ સાંજે કોઈ પુરુષ સામે ગ્રાહક થઈને પિરસાવાનું ન હોય… પણ એવી શાંતિ ક્યાં મળે છે…. રાતે એ પુરુષની સોડમાં હાંફતી અને દિવસે ખાલીપાની…
એ અરીસામાં જોવા લાગી પોતાનો વિલાતો ચહેરો… માથાના વાળ એની જિંદગી જેવા જ ગૂંચવાઈ ગયા હતા… જોકે આ ગૂંચ તો ઉકેલી શકાય તેમ હતી…
સાંજ થઈ હતી… હમણાં આવી પહોંચશે ભૂખી નજરોના ધાડાં, ફંફોસવા માંડશે આંખોથી એનું શરીર… ટોળામાંથી કોઈ તેને પસંદ કરી લેશે, અંધારામાં કોઈની સામે અન્ન જેમ પોતે પિરસાશે….
વિચારોમાં ને વિચારોમાં તે મેલભર્યાં કાંસકાના સહારે ગૂંચ ઉકલવા માંડી…
તેની નજર ગઈ કાલે અડધા ખાધા – અડધા વણખાધેલા મગફળીના દાણાઓ પર પડી… તેમાં હજી તાજી હતી ગઈ કાલના શરાબની ગંધ… તેના ફોતરાઓ હળવા પવનથી આમથી તેમ હલ્યાં કરતાં હતાં. અમુક ફાડિયા થઈ ગયેલા દાણા, અમુક આખા, અમુક પલળી ગયેલા, અમુક સૂકા…. અમુક ફોતરામાં બંધ…
મગફળીના દાણા અને ફોતરાં જોવામાં એટલી લીન થઈ ગઈ કે ગૂંચ ઉકેલવી પણ ભૂલી ગઈ.
ત્યાં એના કાને કશોક અવાજ સંભળાયો… જાણે મગફળીના દાણા અને ફોતરાં પરસ્પર વાત કરી રહ્યા હતા,
મોટા હૃષ્ટપુષ્ટ દાણાવાળી એક મગફળી બોલી, “મારી પરથી ફોતરાં વસ્ત્રની જેમ ઉતારવામાં આવ્યાં, પછી ચામડી બળી જાય ત્યાં સુધી મને આકરા તાપમાં શેકી, આટલું ઓછું હોય તેમ મારી પર મીઠું ભભરાવવામાં આવ્યું, પછી પીરસી દીધી અજાણ્યાં મોઢાંઓની સામે…. અને તૂટી પડ્યા સૌ મારી પર જન્મોના ભૂખ્યા હોય એમ…”
તેની વાત સાંભળી એક અધબિડાયેલી મગફળી બોલી ઊઠી, અરેરે… “હું તો સાવ વાંઝણી, મારા ગર્ભમાં એક્કે દાણો ઊછર્યો જ નહીં, મારામાં માત્ર ખાલીપો ઊછર્યો… મને સૌએ તુચ્છ ગણી, ચાખી ન ચાખી અને ફેંકી દીધી કચરાના ઢગલામાં…”
ત્રીજી મગફળી બોલી, “હું તો સાવ ખોરી, અડતાની સાથે જ બધાએ મોં બગાડ્યું… હડધૂત કરી મને… અધૂત જેવો વ્યવહાર કર્યો મારી સાથે… લોકો થૂંક્યા મારી પર…. એમનું મોઢું બગાડવા માટે મને ગાળો ભાંડી…”
એક ખૂણામાં પડેલી મગફળી બોલી, “અરેરે, મારી તો વાત જ શું કરું? મને ખાંડણિયે બરોબરની ખાંડી, ઘાણીમાં પીલીપીલીને મારું તેલ કાઢ્યું, મને સાવ અંદરથી નીચવી લીધી, જ્યારે મારામાં કશો કસ બાકી ન રહ્યો ત્યારે વાળીઝૂડીને નાખી દીધી ગંધાતા ઉકરડામાં…”
આ સંવાદ સાંભળી અવાચક થયેલી એ સ્ત્રી પોતાના વાળની ગૂંચ ઉકેલી ન શકી… તેની સામે હજારો સ્ત્રીના ચહેરા ઊપસી આવ્યાં. તેણે અરીસામાં જોયું, પણ તેને પોતાના ચહેરાને બદલે મગફળી દેખાઈ… ફોલાયેલી, શેકાયેલી, મીઠું ભભરાવેયેલી, ખાંડણિયે ખંડાયેલી ને પીસાયેલી મગફળી…
વાહ! બહુ સરસ.
LikeLiked by 1 person
વેશ્યા – અનિલ ચાવડાની સંવેદનશીલ વિષય પર સ રસ વાર્તા
LikeLiked by 1 person
અનિલભાઈએ રેડ એરિયામાં રોજ પોતાની જાત વેચતી કમાભાગી સ્ત્રીની વ્યથા મગફળીના પ્રતિકે બહુ કરૂણ રીતે વર્ણવી છે.
LikeLiked by 3 people
બહુ સરસ….પણ આ શબ્દ વચ્વનોજ નથી ગમતો ..ગણિકા હોત તો…અને મને લાગે છે ખુબજ સરસ મે કલ્પ્યું છે જીવન સ્ત્રી નું ગણિકાઓ નું મગફળી સાથે.પણ એ બિચારીને થોડી રત્રેજ હેરાન કરવામાં આવતી હસે કદાચ કોઈ ટાઈમે નય હોઈ….જ્યારે costemer માગે ત્યારે.
LikeLike