કલમવાલી બાઈ-વૈશાલી રાડિયા


 ‘કલમવાલી બાઈ

હેય્ય્ય્ય, હેય્ય્ય…., તારી તો…” રઘલાએ પૂર ઝડપે ચાલતી ટ્રકને બ્રેક મારતા કિચૂડાટ થઈ પાણીની સેરું ટાયરના સરસરાટ સાથે ઊડી અને ટ્રક રોડ પરથી ઊતરી ગયો. એક તો અષાઢી મેઘલી રાત, વીજળીના કડાકા-ભડાકા, આકાશ મન મૂકીને ધરતી માથે ઝળુંબી રહ્યું હતું! આવા સમયે એકલ-દોકલ વાહન સિવાય કોણ નીકળે! એટલે રઘલો બાપનો રોડ હોય એમ આ ઠંડી રાતમાં થોડો ટલ્લી થઈને ગરમીમાં પૂરપાટ ટ્રક ચલાવતો હતો, ત્યાં સામે રોડ પર વચ્ચો વચ્ચ એક કાર ઊભેલી જોઈને રઘલાને અચાનક બ્રેક મારવી પડી.

હજુ રોજની ટેવ મુજબ ટ્રક ચલાવી શકે એટલી જ બોટલ પેટમાં ગયેલ એટલે ટ્રક પર કાબુ આવી ગયો. ઠેક મારી રઘલો ટ્રકમાંથી ઊતર્યો અને કારચાલકને ગાળું ભાંડતો એ તરફ ચાલ્યો. ટ્રકની હેડલાઈટ ચાલુ હતી, પણ સામે કારની હેડલાઈટના લીધે અને અંધારી વરસાદી રાત એટલે ડ્રાઈવિંગ સીટ પર કોણ હશે એ દેખાતું નહોતું. એક ફેંટ ખેંચી લેવાના મુડમાં રઘલાએ “એય.. આમ કાર ઊભી રાખી સે તી રોડ તારા બાપનો સે?” બોલતા કારના દરવાજા પર જોરથી હાથ ઠોકયો અને પાણીના રેલા વચ્ચે વીજના ચમકારામાં અંદર નજર જતાં એ ઘીસ ખાઈ ગયો! “ઓ તારી, આ તો બાઈ સે, એ પણ બેભાન લાગેસ. સુ કરવું?” એમ બબડતાં એનાથી અનરાધાર વરસી રહેલા આકાશ સામે જોવાઈ ગયું. એનું થોડું ઘણું ટલ્લીપણું ક્યાંય જતું રહ્યું. ‘આવી મેઘલી રાતમાં બાઈ માણહ આમ એકલી ક્યાં નીકરી હય્સે? ને આમ બેભાન પડીસ ‘તી આવી ઉપાધી માથે લેવી કે પોતે પોતાના રસ્તે હાલતો થઈ જાય?’ એમ વિચારતા માણસાઈ જીતી ગઈ અને ભોળો રઘલો ભગવાનનું નામ લઈને સ્ત્રીને ટ્રકમાં સુવડાવી રસ્તે પડ્યો. એ પહેલા કારને રોડ પર એક બાજુ પાર્ક કરી ચાવી ખિસ્સામાં નાખી.

               ‘બાઈના લૂગડાં પરથી તો સારા ઘરની દેખાય સે. સુ થ્યું હય્શે?’ મનમાં એવાં કેટલાંય વિચારો કરતો રઘલો થોડીવારમાં પોતાના ઘરે પહોંચ્યો. રઘલાનું ઘર એટલે વસ્તીથી જરા છેવાડે એક ખોલી જેવડી રૂમ; જેમાં એક લોખંડનો કાટ ખાયેલો પલંગ અને બહાર ખુલ્લી ઓશરીમાં એની અસ્ક્યામત જેવો એક હીંચકો. સ્ત્રીને ઊંચકીને પલંગમાં સુવાડી ત્યાં એ મૂંઝાયો કે, ‘ઘરમાં કોઈ બાઈ માણહ સે નઈ અને આ બાઈનું સરીર તો ટાઢુંબોળ ભેળાં ભીંજાયેલા લૂગડાં અને આવી ગાંડી મેઘલી અહાઢી રાત એમાં અત્યારે કયો દાકતર ગોતું? હવે મારો રામ કરે ઈ ખરું.’ એમ વિચારી મન મક્કમ કરી એણે સ્ત્રીના કપડાં દૂર કરી, એને કોરી કરી પોતાના ધોયેલા કુરતો અને લુંગી પહેરાવ્યા. એના પગના ઠંડા પડેલાં તળિયા ઘસ્યા પછી પોતે બહાર જઈ ધોધમાર વરસાદ જોતો હીંચકે બેઠો પણ ચિંતા થઈ કે બાઈ બચી તો જશે ને? ફરી અંદર જઈને જોયું ત્યાં બાઈનું શરીર તો સાવ ઠંડુ પડતું જતું હતું. રઘલો બહુ ભણેલ ન હતો પણ ગણેલ હતો. ભલે ટ્રક ચલાવતો, ક્યારેક દારૂ પણ પી લેતો પણ ભગવાનનો ડર રાખીને જીવવાવાળો નિખાલસ માણસ હતો. મનમાં પોતાના દેવને યાદ કરી રઘલાએ બન્નેનાં કપડાં દૂર કરીને એક નિર્ણય સાથે સ્ત્રીની બાજુમાં લંબાવ્યું અને ધાબળો ઓઢી સ્ત્રીની જાત સાથે ભીડાઈને એક અગનખેલમાં પોતાની જાતને પણ ડૂબાડી! એની પવિત્રતાની એક આકરી કસોટી હતી એ! ભોળાનો ભગવાન એ વાત સાચી પડતી હોય એમ થોડા કલાકો પછી શરીરની ગરમ હૂંફ મળતાં સ્ત્રી સળવળી અને રઘલાએ એને કપડાં પહેરાવી પોતે પણ વ્યવસ્થિત થઈ પરસાળમાં હીંચકે જઈને ધોધમાર વરસાદ જોતો બેઠો. 

થોડીવારમાં  અંદરથી એક બેબાકળી ચીસ સંભળાઈ અને રઘલો ઓરડીમાં ગયો. એને જોતાં જ એ સ્ત્રીએ ઠેક મારી રઘલાનો કોલર પકડીને એને મારવા લાગી. “તું છે કોણ? મને કેમ અહીં લાવ્યો છે? મારા કપડાં કોણે બદલ્યા? તને કોણે રૂપિયા આપેલ મને કિડનેપ કરવાના? હું તને એનાથી વધુ રૂપિયા આપીશ, બોલ, કેટલા જોઈએ તારે? તું મને ઓળખતો નથી. મારો એક ફોન જશે ત્યાં તું જેલમાં હોઈશ.” એકી શ્વાસે બોલતી અને રઘલાની છાતી પર મુક્કા મારતી એ સ્ત્રીને થોડીવારે સમજાયું કે ચૂપ ઉભેલો આ આદમી ધારે તો એની સાથે ગમે તે કરી શકે એમ છે અને પોતે જે ગુમાનથી બોલે છે, એમાં અત્યારે તો પોતાની પાસે ફોન પણ નથી અને બહારે સંભળાય છે અષાઢી અંધારું ઓઢીને વરસી રહેલો વરસાદ, જેમાં ચીસો પાડે તો પણ કોઈ ના સાંભળે! એકદમ એક પળ માટે એની આંખોમાં નિ:સહાયતા તરવરી અને વરસાદના અવાજ સાથે એ પણ આંખો વરસાવતી ચૂપ થઈને રઘલા સામે જોઈ રહી. એનો કોલર છોડતી ધબ્બ કરતી એ પલંગ પર પછડાઈ! 

               પોતાની નાની ખોલીના એક ખૂણામાં રાખેલ ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવી બે કપ ભરી એ સ્ત્રી સામે જોતો બહાર ગયો અને થોડીવારમાં હીંચકાની બીજી તરફ હળવે પગલે બેસતું એક વજન વરતાતા એણે કપ લાંબો કર્યો. ફરી વરસાદ જોતાં અને જૂની છતમાંથી પાણી જેવી ચામાં ટપકતાં પાણીને પણ સાથે પી રહ્યો! 

               “આઈ એમ સોરી..” ધીમે અવાજે સ્ત્રી બોલી. રઘલાને સોરીમાં સમજ પડતી હતી એટલે એણે સ્મિત કર્યું. “હું એક લેખિકા છું. મારા પાંચ વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મુક્યો છે. ૬ વર્ષ પહેલા એકવાર આવી જ એક મેઘલી રાતે હું મારા બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી અને વરસાદમાં નહાતાં-નહાતાં એકબીજાના પ્રેમના વરસાદમાં ક્યારે ભીંજાય ગયા ખબર જ ના રહી! એ મેઘલી રાત પછી એ ક્યાં ખોવાયો એ પણ ખબર જ ના રહી! પણ મારા દીકરાના અણસાર શરીરમાં ફરક્યા ત્યારે એ આવશે એ આશામાં ઘેલી હું રાહ જોતી રહી! મારા આ નિર્ણયથી મારા માતા-પિતા નારાજ થયા. હું એમની એક માત્ર દીકરી અને મારી આવી જિંદગી જોઈ એ જ ચિંતામાં ગયા વર્ષે વારાફરતી બન્ને ભગવાન પાસે પહોંચી ગયા! આમ જયારે અષાઢી મેઘ ખાંગા થઈને વરસે ને ત્યારે એવું લાગે કે એની આંખો પણ વરસે છે! મારા દીકરાને મેં આ વર્ષે જ હોસ્ટેલમાં મૂક્યો. મારું કામ દેશ-વિદેશમાં ફરતાં રહેવાનું, લખવાનું અને સેમીનાર કરવાના. બહુ વ્યસ્ત જિંદગીમાં દીકરાને હોસ્ટેલમાં તો મૂક્યો પણ ત્યાર પછી થોડા-થોડા સમયે કોઈને કોઈ રીતે અજાણી ધમકી મળ્યા કરતી અને દીકરાને કોઈ લઈ જશે એ ભય સતત રહે! એમાં કાલે સાંજે હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને મળવા કોઈ અજાણ્યો આદમી વારે-વારે વિનવણી કરે છે અને સ્કુલબસ પાસે પણ ઘણીવાર એવી કોશિશમાં કોઈ આંટા મારતું હોય એમ લાગે છે. પહેલા તો ખાસ ધ્યાને નહોતું લીધું પણ ઉપરાઉપરી બે-ત્રણ વાર આ વાત ધ્યાને આવતા હોસ્ટેલમાંથી મને જાણ કરી. આ સાંભળી હું રહી ના શકી અને આવા ધોધમાર વરસાદમાં નીકળી તો પડી પણ જ્યાં મારી કાર અટકી એ એ જ જગ્યા અને એ જ સમય હતો, જ્યાં હું મારા દીકરાના પપ્પા સાથે આવી જ મેઘલી રાતમાં નહાતી-નહાતી એનામાં તણાઈ ગયેલ! અચાનક શું થયું કે એ વિચારોમાં જ મને ચક્કર આવતાં કાર તો અટકાવી પણ ભાન ગુમાવી દીધું એ ખબર જ ના રહી! તમે કોણ છો એ નથી ખબર. મારા દીકરાને મારી પાસેથી ઝૂંટવવા કોઈ મને કેદ કરવા પ્લાન કરે છે, એમ વિચારી હું તમારા પર મારો અંદરનો ભય છૂપાવવા આક્રોશથી તૂટી પડી પણ તમારી આંખોમાં માણસાઈ જોતાં એ ભય દૂર થતાં મને યાદ આવ્યું કે હું જ ચક્કર ખાઈ ભાન ગુમાવી ચૂકેલ એટલે તમે તો મને બચાવેલ હશે. કેમ બચાવેલ હશે એ પણ મારા આ કપડાં જોઈને સમજાઈ ગયું; કેમકે. ઘરેથી નીકળી ત્યારે ઉતાવળમાં દોડતી હું રોડ પર નીકળી ગયેલી જાણે દોડીને મારા દીકરા પાસે પહોંચી જવાની હોઉં તેમ! પછી યાદ આવતાં પાછી વળી અને કોઈનો ભરોસો ના રહ્યો એટલે ડ્રાઈવરને પણ ના ઉઠાડ્યો અને ભીનાં કપડે જ નીકળી પડી! એક તો અષાઢ માસ એમાં પણ આ મેઘલી રાત અને પવન, વીજળી, તોફાન, ઠંડી પણ મને એ કશું દેખાતું નહોતું – હોસ્ટેલ સિવાય!” એક મા આજે એના લેવલથી ક્યાંય નીચા માણસ સાથે દિલ ખોલી રહી હતી. અત્યારે એ એક મા હતી, એક સ્ત્રી હતી અને એને બચાવનાર એના માટે ભગવાન સમાન દેવપુરુષ હતો. એથી વિશેષ એને કશું અત્યારે મહત્વ નહોતું.

               બે ચોપડી પાસ, નાનપણમાં આવી જ એક મેઘલી વરસાદી રાતે ગામના ઘરમાં પૂર આવતાં મા-બાપ તણાઈ ગયા અને ત્યારે દાદી પાસે શહેરમાં આવેલ રઘલાને દાદીએ પોતાની પાસે જ રાખી લીધો. દસ વર્ષનો હતો ત્યારે એને આ ઓરડીનો અને સ્વર્ગવાસી દાદાનો ટ્રક વારસામાં આપી દાદી પણ દાદા પાસે પહોંચી ગયા! સાથે ગરીબડાં દાદી બીજો પણ એક વારસો આપતાં ગયાં કે ટ્રકડ્રાઈવરની છાપ ખરાબ હોય પણ તું હંમેશા જિંદગી સાચી નીતિથી જીવજે. દાદીની આખરી ઘડીઓમાં સુખ આપી દાદીને આવું વચન આપેલ ભોળિયો રઘલો ભલે ક્યારેક બે ઘૂંટ લગાવી લે અને ભાષા થોડી રફ પણ દિલનો સાફ માણસ. આ સ્ત્રી શું બોલી એમાં એ ઘણું સમજ્યો નહીં પણ સમજવા જેવું ઘણું સમજી ગયો અને વિચારોમાં જ એ બોલી પડ્યો, “તારા દીકરા હુધી પોસાડવાની જવાબદારી મારી અને એને કોઈ આંગળીય અડાડે તો આ તારો ભાઈ રઘલો બેઠોસ. આ જળદેવતા અનરાધાર વરહે એ દેવના સોગન, એની સાખે તને કહું સુ કે તારા એક સાદે તારી મદદમાં આવી જઈશ. તારું નામ તો નથી પૂયસુ પણ તું ભણેલી સો ઘણું એ હમજ્યું કલમવાલી બાઈ.” રઘલાની હેતાળ વાણી સાંભળીને એ ગંભીરતા ખંખેરી વરસાદ જેવું વહાલું હસી પડી, “આ કલમવાલી બાઈનું નામ સે….મેઘલ, પણ રઘલા તારા મોઢે તો કલમવાલી બાઈ હારું લાગેસ હાં.” કહેતી મેઘલ ખડખડાટ હસી પડી અને લુંગી સાચવતી બોલતાં-બોલતાં ઓરડી તરફ જવા લાગી, “હવે કોઈ ભય વિના જલદી તારા ભાણિયા પાસે જવું છે. ચાલ, હવે કાર સુધી પહોંચાડી જા અને દાદાનો ટ્રક ભલે સાચવ પણ હવેથી આ કલમવાલી બાઈ જ્યાં જશે ત્યાં ડ્રાઇવર પણ તું અને મારા ઘરનો મોભી પણ તું! દીકરો હોસ્ટેલેથી ઘરે લઈ આવીએ. હવે એ ઘરે જ ભણશે અને રહેશે, એના મામા સાથે. એની મા ગમે ત્યાં હોય એની સાથે એના આવા વહાલા મામાના વહાલનો વરસાદ આમ જ વરસશે, અષાઢી મેઘની જેમ!” 

               મેઘલ મનમાં વિચારતી વરસાદમાં રઘલા સાથે નહાતી નીકળી પડી કે ગમે એટલી મોટી લેખિકા બની અને અષાઢ એટલે કાલિદાસ, મેઘદૂત અને વિરહનો માસ બહુ વાંચ્યું અને બહુ લખ્યું, પણ આજે આ કલમવાલી બાઈને સમજાયું કે અષાઢી મેઘલી રાત એટલે કોઈના મિલનની રાત પણ બની શકે! દીકરો ઘરે આવશે અને સાથે ભાઈ પણ મળ્યો!… અને ‘કલમવાલી બાઈ’ શબ્દ યાદ આવતાં એ હસી પડી. રઘલો ભોળા ભાવે પૂછી રહ્યો, “કેમ હસી તું કલમવાલી બાઈ?” અને મેઘલ હાઈ-ફાઈ, ખ્યાતનામ લેખિકાનું સ્ટેટસ ભૂલી કપડાં ઝાલી વરસો બાદ ખુશીમાં ઝૂમતી અષાઢી  વરસાદમાં છપાક-છપાક અવાજ સાથે ચહેરો આકાશ તરફ કરી વરસાદ ઝીલતી દોડતી ગણગણવા લાગી… “બરસો રે મેઘા મેઘા …બરસો રે મેઘા બરસો….” 

3 thoughts on “કલમવાલી બાઈ-વૈશાલી રાડિયા

  1. ‘લેખિકાનું સ્ટેટસ ભૂલી કપડાં ઝાલી વરસો બાદ ખુશીમાં ઝૂમતી અષાઢી વરસાદમાં છપાક-છપાક અવાજ સાથે ચહેરો આકાશ તરફ કરી વરસાદ ઝીલતી દોડતી ગણગણવા લાગી… “બરસો રે મેઘા મેઘા …બરસો રે મેઘા બરસો….”મઝાનો અંત-

    Liked by 3 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s