“વારતા રે વારતા”-(૨)- ડો. બાબુ સુથાર


હેન્રીખ બ્યોલની (Heinrich Böll) એક વાર્તા: હાસ્યકારીગર

બાબુ સુથાર

જર્મન નોબલ પ્રાઈઝ વિજેતા લેખક હેન્રીખ બ્યોલની એક વાર્તા છે: The Laughter. ૧૯૬૬માં પ્રગટ થયેલી આ વાર્તાનો નાયક હસવાનું કામ કરે છે અથવા તો એમ કહી શકાય કે એ ભાઈ હસવાનો ધંધો કરે છે. જો કે, એને કોઈ પૂછે કે તમે શું કામ કરો છો ત્યારે એ શરમાઈ જતો હોય છે અને અવઢવમાં પણ મૂકાઈ જતો હોય છે. નાયક કહે છે કે એવો પ્રશ્ન સાંભળતાં જ મારા ગાલ જરા રાતા થઈ જતા હોય છે અને જ્યારે હું જવાબ આપવાનો પ્રયાસ કરું ત્યારે મારી જીભ તોતડાઈ જતી હોય છે. 

જો કે, આ હાસ્યકારીગર આમ તો ખૂબ સ્વસ્થ માણસ છે. એ કહે છે કે કોઈ એમ કહે કે હું કડિયો છું કે હું હજામ છું કે હું હિસાબનીશ છું કે હું લેખક છું ત્યારે મને એ લોકોની ખૂબ જ ઈર્ષ્યા આવતી હોય છે. કેટલી સરળતાથી એ લોકો એમના કામની, એમના ધંધાની, વાત કરી શકતા હોય છે! પણ જો હું એમ કહું કે હું હાસ્યકારીગર છું તો? 

આ વાર્તાના નાયકની એક બીજી પણ મુશ્કેલી છે. એ કહે છે કે જો હું એમ કહું કે હું હાસ્યકારીગર છું તો પણ લોકો પછી મને બીજો પ્રશ્ન પૂછતા હોય છે: ઓહ તો તમે એ રીતે જીવનનિર્વાહ કરો છો? ત્યારે હું એમને કહેતો હોઉં છું કે ભાઈ હું હસીને પૈસા કમાઉં છું. હસવું એ મારો વ્યવસાય છે. એ કહે છે કે મારા જેવું કોઈને હસતાં નથી આવડતું. જો કે, એ તરત જ સ્પષ્ટતા પણ કરે છે કે એ વિદૂષક નથી. એ જ રીતે એ હાસ્યકલાકાર પણ નથી. સ્પષ્ટતા કરતાં એ કહે છે કે વિદૂષક અને હાસ્યકલાકારો તો લોકોને હસાવે. હું લોકોને નથી હસાવતો. હું જરૂરિયાત પ્રમાણે હસતો હોઉં છું. જો કોઈને સદીઓ પહેલાંનું હાસ્ય જોઈતું હોય તો હું એવું હસી શકું. વાર્તાનાયક વૃદ્ધોની જેમ પણ હસી શકે છે ને બાળકોની જેમ પણ. જેવી માંગ. જેવી ભૂમિકા. આ એક આવડત છે. એ કહે છે કે જેમ કોઈને જૂતાં રીપરે કરતાં આવડે એમ મને હસતાં આવડે! પણ, બીજાનું.

વાર્તાનાયક બધે જ હસે છે. રેકોર્ડ પર, ટેપ પર, ટેલિવિઝન પર. ટીવીના દિગ્દર્શકો એને ખૂબ માનથી જુએ છે. કેમ કે એ શોકનું હાસ્ય પણ હસી શકે છે, ખુલ્લા દિલનું હાસ્ય પણ હસી શકે છે, ખડખડાટ પણ હસી શકે છે અને દૃષ્ટ માણસનું હાસ્ય પણ હસી શકે છે. એ જ રીતે, એ બસના ડ્રાઈવરનું હાસ્ય પણ હસી શકે છે. સવારનું પણ હસી શકે છે, બપોરનું પણ, સાંજનું પણ, રાતનું પણ. જેને જેવી જરૂર.

દેખીતી રીતે જ આ કામ બહુ સરળ નથી હોતું. પણ આ નાયકને એક વાતની નિરાંત છે. એ હવે ઘણા લોકો માટે અનિવાર્ય બની ગયો છે. એના વિના ચાલે જ નહીં. વાર્તાનાયક પોતે કેવાં કેવાં હાસ્ય હસી શકે છે એની પણ થોડીક વાત કરે છે. એ કહે છે કે કેટલાંક હાસ્ય એકદમ ન આવવાં જોઈએ; એજ રીતે એ મોડાં પણ ન આવવાં જોઈએ. જેમ કે, હ્રદયમાંથી આવતું, શોરબકોર કરતું હાસ્ય. એ નિશ્ચિત સમયે આવવું જોઈએ અને નિશ્ચિત સમય પૂરતા આવવું જોઈએ. આવું દરેક હાસ્યનું હોય છે.

એ કહે છે કે આ પ્રકારનું કામ સાચે જ થકવી નાખે એવું હોય છે. પણ હું કરતો હોઉં છું. પાપી પેટ કા સવાલ.

પણ આ હાસ્યકારીગરની એક જ મુશ્કેલી છે. એ કહે છે કે હું જ્યારે નોકરી પર ન હોઉં અથવા તો હું વેકેશન પર હોઉં ત્યારે મને ભાગ્યે જ હસવાનું મન થતું હોય છે. ગોવાળ રજા પર હોય તો એ ગાયોને યાદ પણ ન કરે; કડિયો રજા પર હોય તો એ સિમેન્ટ અને ચૂનાને પણ યાદ ન કરે; સુથાર રજા પર હોય ત્યારે એના ઘરનાં બારણાં બરાબર કામ ન કરતાં હોય કે એના ટેબલનું ડ્રોઅર પણ બરાબર ખુલતું ન હોય તો એ એમને રીપેર પણ નહીં કરે. આ હાસ્યકારીગર આવાં બીજાં પણ ઉદાહરણો આપે છે. એ કહે છે કે “આ બધું ખૂબ સ્વાભાવિક છે. પણ, હું બહુ ગંભીર જીવ. લોકો મને એથી જ તો નિરાશાવાદી ગણતા હોય છે.”

હવે આવો કારીગર લગ્ન કરે ત્યારે પણ એણે જુદા જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે. કેમ કે પગાર કે મહેનતાણું લઈને હસતા માણસને કદાચ કુદરતી હસવાનું ન પણ આવડે. એ કહે છે કે પરણ્યા પછી પત્ની મને કહેતી, “જરા હસોને.’ પ઼ણ, પછી એને ખ્યાલ આવી ગયો કે હું એની ઇચ્છા પૂરી કરી શકું એમ નથી. એથી જ તો જ્યારે પણ આ નાયકને જ્યારે પણ હસવાનું ન હોય ત્યારે એને એવું લાગે કે હવે એને આરામ છે. નિરાંત છે. જો કે, એને ત્યારે લોકો હસતા હોય તો બહુ ગમે નહીં. એ અકળાઈ જતો હોય છે.

લગ્નજીવનની વાત આગળ વધારતાં એ કહે છે: અમારું લગ્નજીવન શાન્ત છે. કેમ કે હવે મારી પત્ની પણ હસવાનું ભૂલી ગઈ છે. જો કે, એ ક્યારેક સ્મિત કરે અને હું પણ એને એ જ રીતે જવાબ આપું. અમે ખૂબ ધીમા અવાજે વાતો કરીએ. આ નાયકને અવાજ બહુ નથી ગમતો. નાઈટક્લબનો અવાજ તો નહીં જ. રેકોર્ડીંગ સ્ટુડીઓમાંનો અવાજ પણ નથી ગમતો. લોકોને એવું લાગતું હોય છે કે હું ઓછાબોલો છું. કદાચ એમની વાત સાચી છે. કેમ કે મારે હસવા માટે મોઢું બહુ ખોલવું પડતું હોય છે.

વાર્તાના અન્તે નાયક કહે છે કે મને તો ઘણી વાર પ્રશ્ન થતો હોય છે કે હું સાચેસાચ ક્યારે હસેલો? મને નથી લાગતું કે હું હસ્યો હોઉં. મારાં ભાઈબહેન પણ હંમેશાં મને ગંભીર છોકરા તરીકે જોતાં હોય છે.

હું ઘણી બધી રીતે હસું છું, પણ મેં મારું પોતાનું હાસ્ય કદી સાંભળ્યું નથી.

             ———

આપણામાંના ઘણાએ ‘ઘટના વગરની વાર્તા’ જેવા શબ્દો સાંભળ્યા હશે. કેટલાકે એવું પણ સાંભળ્યું હશે કે સુરેશ જોષીએ ઘટના વગરની વાર્તાઓની વાત કરેલી. હકીકત એ છે કે એમણે ઘટના વગરની વાર્તાની વાત કરી જ નથી. એમણે એમ કહ્યું છે કે વાર્તામાં ઘટનાનું તિરોધાન થવું જોઈએ. આ ‘તિરોધાન’ શબ્દને સમજાવવા માટે એમણે એમ પણ કહેલું કે વાર્તામાં ઘટનાઓ વ્યંજના સુધી પહોંચવી જોઈએ. આ ‘વ્યંજના’ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષા છે. આપણે એમાં ઊંડા નહીં ઊતરીએ. પણ જો આપણે ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ વાર્તાની આ વાર્તા સાથે તુલના કરીશું તો આપણને તરત જ ‘ઘટના’ અને ‘ઘટનાના તિરોધાન’ વચ્ચેનો ભેદ સમજાશે. જો આપણામાંના કોઈએ ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કહી સંભળાવવાની હોય તો એ શું કરશે? એ બધી ઘટનાઓ કહી સંભળાવશે. એ પણ એક ચોક્કસ એવા સમયાનુક્રમમાં. હવે જો કોઈએ આ વાર્તા કોઈકને કહી સંભળાવવી હોય તો? એ શું કહેશે? એની પાસે મોટી મોટી ઘટનાઓ નહીં હોય. 

આપણે સુરેશ જોષી સાચા કે ખોટા જેવી ભાંજગડમાં નહીં પડીએ. એને બદલે આપણે એક વાત સ્વીકારીએ: વાર્તા માત્રમાં ક્રિયાઓ હોય પણ કેટલીક વાર્તામાં ક્રિયાઓ ઘટનાનું સર્જન કરે; કેટલીકમાં ન કરે. આ વાર્તા બીજા પ્રકારની છે. એમાં ક્રિયાઓ છે પણ એ ક્રિયાઓ ઘટનાઓ ઊભી નથી કરતી. એ સમયના ક્રમ પ્રમાણે નથી બનતી. એનો અર્થ એ થયો કે અહીં સમયનું સ્વરૂપ જરા જુદા જ પ્રકારનું છે.

આપણે ‘પોસ્ટ ઑફિસ’ વાંચીએ ત્યારે આપણને એક ‘ઐતિહાસિક’ સમયનો પણ ખ્યાલ આવશે. આપણે તરત જ સમજી જઈશું કે આ ઘટનાઓ બ્રિટીશકાળમાં બની હશે. એટલું જ નહીં, આપણને એ ઘટનાઓ બનતાં કેટલાં વરસ લાગ્યાં હશે એનો પણ આછો પાતળો ખ્યાલ આવે. આ વાર્તામાં લેખકે કોઈ ઐતિહાસિક સમયનો ઉલ્લેખ કર્યો નથી. એટલું જ નહીં, કોઈ ભૌગોલિક સ્થળનો પણ ઉલ્લેખ કર્યો નથી. તદઉપરાંત, લેખકે આ ક્રિયાઓને પણ સમયાનુક્રમમાં મૂકી નથી. અહીં સમય છે પણ આપણે અનુભવતા નથી. 

વાર્તાકાર માત્ર કોઈક ચોક્કસ એવા દૃષ્ટિકોણથી એટલે કે point of viewથી, વાર્તા લખતો હોય છે. ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા ત્રીજા પુરુષમાં છે. આ વાર્તા પહેલા પુરુષમાં છે. માનો કે લેખકે આ વાર્તા ત્રીજા પુરુષમાં લખી હોત તો શું થાય? એણે આમ લખવું પડ્યું હોત: એક વખતે એક હાસ્યકારીગર હતો. આમ કહેતાં જ આખી વાર્તા એક ‘ઐતિહાસિક’ ઘટના બની જાત. અને જો એમ થાત તો આ વાર્તામાં રહેલી કરૂણતા પણ ઐતિહાસિક બની જાત. 

મેં ઘણી વાર લખ્યું છે કે હું કોઈ પણ વાર્તા વાંચું ત્યારે એક પ્રશ્ન પૂછતો હોઉં છું: લેખક આ વાર્તામાં શું દલીલ કરવા માગે છે? અહીં જે માણસ હસવાનું કામ કરે છે એ માણસ પોતાના જીવનમાં હસી શકતો નથી. એ કહે છે કે હું છેલ્લે તદ્દન કુદરતી ક્યારે હસેલો એ પણ મને યાદ નથી. એટલે સુધી કે એની પત્ની પણ હસવાનું ભૂલી ગઈ છે. હસવું, મારા મતે તો, એક સામાજિક પ્રસંગ છે. હસવામાં ઓછામાં ઓછા બે માણસો હોય. બીજો ક્યારેક હાજર હોય, ક્યારેક ન પણ હોય. 

કોઈએ વિચારવું હોય તો અહીં ઘણા મુદ્દા ઊભા કરી શકાય એમ છે. પણ બે મુદ્દા વિશે વિચારવા જેવું છે: એક તો એ કે ધૂમકેતુની વાર્તામાં પ્રસંગો ‘ઐતિહાસિક’ લાગે છે તો ય એ વાર્તા આજે પણ આપણને એટલી જ સ્પર્શી જાય છે. ધૂમકેતુએ એવી તો કેવી કળા કરી છે? અને આ વાર્તામાં અન્ત જેવું કોઈ છે ખરું? લેખકે જે વાકય છેલ્લે મૂક્યું છે એ વાર્તાના આરંભમાં મૂક્યું હોત તો શું થાત?

સદનસીબે, આ વાર્તા ગૂગલ મહારાજ પાસે છે. તમે વાંચજો. હાસ્ય અને કરૂણ બન્ને વચ્ચેના ભેદને લેખકે સાવ ભૂંસી નાખ્યો છે. આપણને સમજાતું નથી કે વાચક કે ભાવક તરીકે આપણે રડવું કે હસવું? આપણે પણ ઘડીભર ઉદાસ થઈ જતા હોઈએ છીએ.

5 thoughts on ““વારતા રે વારતા”-(૨)- ડો. બાબુ સુથાર

 1. બાબુભાઈ એ મૂકેલી વાર્તા અને વાર્તા પછી તરત જ ભાવકને આવતાં વિચારો બંને વિલક્ષણ છે. બાબુભાઈ ની આ વાત સાચી છે કે અહીં સમય અનુભવી શકાય નહીં. એ એક મુદ્દો આ વાર્તા ને વેદાન્ત દર્શનમાં આવતી તૂરીયાવસ્થા સાથે જોડે છે.જાગૃત,સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થા થી અલગ જે ચોથી તૂરીયાવસ્થા છે તેમાં પણ સમય અનુભવાતો નથી. તે સ્વસંવેદ્ય છે.

  Liked by 2 people

 2. .
  અસંગતતા અને તરંગ માં પણ જીવનનું સત્ય રહેલું છે. એને પ્રગટ કરવાનું બીડું વાર્તાકારે ઝડપવાનું છે. ઘટનાનું. તિરોધાન’, ચેતના પ્રવાહ, પ્રતીક રચના અને કાળમય ગદ્ય એ આધુનિક વાર્તાના લક્ષણો છે.
  પોસ્ટઓફિસ”ની ટૂંકી વાર્તા હતી પરંતુ તે સત્ય ઘટના હતી. અલી ડોસો અને તેની સાસરે વાળાવેલ દીકરી મરિયમ વચ્ચેના સંવેદનાના સબંધની સાચી ઘટનાં હતી. ગોંડલ રાજમાં કોચમેન તરીકે નોકરી કરતો અલી શિકારી પણ હતો તેતર ના બચ્ચાને મારી તેતર તડફડે એ જોઇ આનંદ લેતો દીકરીના વિયોગ બાદ અલીડોસાએ શિકાર છોડી દીધો. અલીડોસો તેની દીકરીને સાસરે વળાવ્યા પછી કોઈ વાવડ ન હોવાથી ગુંદાળા દરવાજાથી આ જુની પોસ્ટ ઓફિસે દરરોજ તે દિકરી મરિયમની ચિઠ્ઠી આવી કે નહીં તે પૂછવા આવતો
  પોસ્ટમાસ્તર ના પાડે એટલે નિરાશ વદને પાછો ફરતો. આવી રીતે લાંબો સમય પૂછવા આવ્યા બાદ તે આવતો બંધ થયો હકીકતે તે મૃત્યુ પામ્યો હતો….. થોડાં સમય બાદ તેની દીકરી મરિયમની ચિઠ્ઠી આવે છે. પોસ્ટમાસ્તર તેને રૂબરૂ આપવા જાય છે ત્યારે તેને ખબર પડેછે કે અલીડોસો મૃત્યુ પામ્યો છે.

  Liked by 1 person

 3. હેન્રી બોયલની આ ટૂંકી વાર્તા, બાબુભાઈ કહે છે તેમ, આમ તો ,હાસ્યકારીગરની છે , જેમાં એની વ્યથા બતાવવામાં આવી છે. મેં આ વાર્તા વાંચી છે. હ્રદયમાંથી અનાયસે આહ નીકળી ગઈ જ્યારે મેં આ વાંચ્યું, “It need hardly be pointed out that a profession of this kind is tiring, especially as I have also—this is my specialty—mastered the art of infectious laughter; this has also made me indispensable to third- and fourth-rate comedians, who are scared—and with good reason—that their audiences will miss their punch lines, so I spend most evenings in night clubs as a kind of discreet claque, my job being to laugh infectiously during the weaker parts of the program.” આનાથી વધારે જાગૃત “Professional Exploitation” – વ્યવસાયિક શોષણ બીજું હોય જ ન શકે! આ વાત આજના સમાજના દંભ – vanity – લાલ્બત્તી ધરે છે. અહીં શોષક અને શોષિત બેઉ સ્વેચ્છાથી એક એગ્રીમેન્ટ નીચે આ કામ કરી રહ્યા છે! આ વાર્તા Heinrich Böll એ ૧૯૬૬માં લખી હતી પણ આજે ય, ૨૦૨૦માં એની મૂળભૂત વેલ્યુ સિસ્ટમમાં રતીભરનોય સુધારો નથી, જે આ વાર્તાને ખાસ બનાવે છે.
  સહુથી વધુ વાત મને એ ગમી કે Heinrich Böll થી સુરેશ જોષી અને ધૂમકેતુનું અનુસંધાન સાધીને એટલું સાબિત કર્યું કે આપણા સર્જકો પણ ધરખમ છે. આવું બાબુભાઈ જેવા વિદ્વાન જ આ કરી શકે.

  Liked by 1 person

 4. જયશ્રી બેને આ વાર્તાનું સામાજિક અનુસંધાન પણ સ્પષ્ટ કરી દીધું તેથી વાચક આ દ્રષ્ટિએ બીજી વખત આ વાર્તા વાંચવા પ્રેરાશે.આભાર. ધન્યવાદ,જયશ્રી બેન.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s