થોડી ખાટી, થોડી મીઠી-(૧૧)- જાગૃતિ દેસાઈ-શાહ


મારી અનાવિલ ઓળખાણ

અનાવિલ હોવું એ આગલા જન્મના પુણ્યનું પરિણામ છે એવું મારું દ્રઢ પણે માનવું છે. અમારા કેશવજી કાકા એમ કહેતા કે અનાવિલ એટલે ખાસ અને બાકીના બધા પનોતા. આ બાબત એ ત્યારે બહુ કહેતા જયારે કોઈ કાંદા લસણ ખાવાની ના પાડે કે કોઈ ગાળ બોલવા પર ભવાં ચઢાવે. કાજલ ઓઝા વૈદ્ય પચાસ ટાકા અનાવિલ છે, તમારી જાણ ખાતર.

આજે તમને હું તમને અનાવિલ ની એક લાક્ષણિકતા ની વાત કરું છું. એ છે અમારી ગાળો બોલવાની કળા. આ એમ જોવા જાઓ તો કળા નથી આ અમારી salient feature છે. અમારા DNA પર gene છે. તમે જો મેડિકલ ભાષા સમજતા હોઉં તો ઘણા ને અમુક enzyme ની ઉણપ હોય, દાખલા તરીકે G6PD ડેફિસિએંસી. ભગવાને અનાવિલ સિવાય ઘણા બધાને ગાળો નું gene નથી આપ્યું. અત્યારે જનરલ બક્ષીને ગાળ બોલતા સાંભળ્યા ત્યારથી મને ચળ ઉપડી છે, એક સ્ત્રી તરીકે આ વિષય પર લેખ લખવો એ પણ અનાવિલ હોવાનું પરિણામ છે. માતા અને પિતા ના chromosomes માં જે પ્રભાવશાળી હોય એ પોતાના બાળકોમાં આવે પણ, અનાવિલોમાં ગાળો બોલવાના gene બેઉમાં એટલા પ્રભાવશાળી છે કે યુગો થી આ વારસાગત ચાલી રહ્યું છે.

મારી વાત કરું તો હું આ સંસ્કૃતિ સાથે મોટી થઈ છું એટલે ગાળો મારા માટે કોમાં અને ફુલસ્ટોપ છે. એના વગર વાક્ય કેવી રીતે પૂરું થાય? અમે એવી રીતે ઉછરેલાં કે જાણે પાણીમાં કમળ. હું અને મારી બેન ગાળોના અવિરત સંગીત સાથે મોટા થયા પણ આ સંગીત ગાતા નહોતાં શીખ્યાં. અનાવિલોની લાક્ષણિકતા એ છે ગાળોમાં કોઈ જાતનો ભેદ નથી રાખતા. નાના મોટા સ્ત્રી પુરુષ કોઈ પણ કાળની બાધા નથી નડતી. મને એવું લાગે કે ગાળોને અનાવિલોએ પુરે પૂરું સન્માન આપ્યું છે. એની ઈતિહાસ નોંધ લેશે એવી આશા છે.

અમારા પરિવારમાં જેટલું ભણતર ચડ્યું છે એટલું જ ગાળોનું કલ્ચર પણ ચઢ્યું. ગાળોએ ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિની વાચામાં સ્થાન બનાવ્યું છે. એમાં બે નામ જરૂર લઈશ. એક મારા મામા મહાદેવ દેસાઈ અને બીજા યુવાન તરવરતા અંકિત દેસાઈ. આ અંકિત આટલો સારો લેખક કેવી રીતે થયો એની મને આજ સુધી નવાઈ લાગે છે. એની મા મમતાભાભીએ એની ગર્ભાવસ્થામાં શું ખાધું હશે, એ સંશોધનનો વિષય છે. મને ખુબ અભિમાન છે, એના પર. હવે એક સાચી વાત કહું. અંકિતના ઘરે આ વખતે રહેવાનું થયું. અમે એટલી બધી વાતો કરી અને એમાં અસંખ્ય વાર “કોમા” અને “ફુલ સ્ટોપ”ની ભરમાર થઈ. એક વાતની ચોખવટ કરી દઉં કે ગાળને ફક્ત અનાવિલો પ્રશંસાના સૂચકો માને છે અને એને વ્યવહારિક રીતે અમલમાં મૂકે છે. અંકિત અને અશોકભાઈ (અંકિતના પપ્પા) અને મમતાભાભી (અંકિતના મમ્મી) અને હું, અમારી જયારે અમારી અનાવિલ સર્ટિફાઈડ ભાષામાં વાતો કરતા હતા અને અંકિતનો સ્વર (નાનો અંકિત) પોતાની રીતે અટવાતો હતો. અને મેં એને છંછેડ્યો. એણે ગુસ્સામાં એક ગાળ બોલવાનો શુભારંભ કર્યો અને અંકિતે એને ગુસ્સા માં કહ્યું.. “સ્વર, લાફો પડશે.” એનો અર્થ એમ કે અમે નાનપણમાં ગાળો આપવાના રાઈટ્સ exercise નથી કરવા દેતા, જ્યાં સુધી બને ત્યાં સુધી. ફક્ત શીખો અને પછી એને અમુક ઉમર પછી વ્યવહારમાં મૂકો. અને ખાસ ટાંક એ કરવાની કે અમારે બે અલગ ભાષાનો ઉપયોગ નથી કરવો પડતો. મોટા કે નાનાની હાજરીથી શબ્દોના પ્રયોગોમાં કોઈ ફેરફાર નથી થતો! સારું છે, નહીં તો મગજની હાર્ડ ડ્રાઈવ ઓછી વપરાય છે!

મહાદેવભાઈ દેસાઈ મારા મામા છે, NM કોલેજના પ્રિન્સિપાલ રહ્યા ઘણા વખત સુધી. અમારી ફેમિલીની લાઈફ લાઈન છે. અમારા પરિવારનો સ્તંભ અને અમારું અભિમાન અને અમારું ગૌરવ છે. એ અમારા વિષે શું વિચારે છે અમારા બધા માટે બહુજ મહત્વની બાબત છે. ઘરના એકેક પ્રસંગો, સારા કે નરસામાં એમનો અભિપ્રાય ખુબ જ અનિવાર્ય છે. મારા માટે એક વડીલ છે, જેની અમને અવિરત જરૂર છે અને રહેશે. મારા મામા જયારે પ્રોફેશનલ ફ્રન્ટ પર હોય ત્યારે એમની અંગ્રેજી ભાષાની પકડ આંખે ઊડીને વળગે છે. સની દેઓલથી લઈને પરેશ રાવલ એમને સર કહીને બોલાવે છે. એમના ઘરે જયારે જતા ત્યારે સેલિબ્રિટીની આવનજાવન ભરપૂર રહેતી. અમારા ઘરે બળદ ગાડાંમાં લેવા મુકવાની પ્રથા હતી. એકવાર મામા અમને મૂકવા આવ્યા. બળદને જો જલ્દી ચલાવવું હોય તો પરાણી વપરાય, લાકડી પર એક સોય જેવું ફિટ કરવા માં આવે. મારા મામા અને મારી મા પરાણી વાપરવાનું ટાળતા, મને પણ ખુબ નિર્દય લાગતું. મામા જેવા બળદને હાંકવાનું ચાલુ કરે એટલે વિવિધ પ્રકારની ગાળોની વર્ષા થતી, અમને નહીં બળદને! મને નાનપણમાં ક્યારેય આની નવાઈ નથી લાગી. જેવા મામા બળદને અવનવી સંભળાવવાનું ચાલુ કરે એટલે મારી મા કહે, ” ભાઈ મહાદેવ, આ બળદને કઈ ની સમઝાય, તું આટલો મોટો પ્રોફેસર અને આટલી ગાળ દેય, તારી કોલેજમાં ખબર પડે તો કોઈ હું કેહે” મામા એમ કહેતા, “હાર્ટ એટેક આવે એના કરતાં તો હારૂ છે!” એક વાર કોઈકે કીધેલું કે ગાય, ભેંસ અને બળદ પણ અમારી દેસાઈ ભાષા શીખી ગયા છે. કેરીના પાક ની પ્રશંસા કે કોઈના સારા માર્ક લાવવાની ખુશીમાં ગાળ સિવાય પંચ ના આવે એવી અનાવિલોની જન્મ જાત માન્યતા છે. આવા અસંખ્ય પ્રસંગો છે, એની એક બુક લખી શકાય.

મારા બીજા એક મામા છે, એનું નામ બળવંત દેસાઈ છે, એને અમે બચુમામા બોલાવીએ છે. અમારા પરિવારના દરેક વ્યક્તિના લાડલા, દુલારા અને ખુબ જ વ્હાલા. આજ ના જમાનામાં સંયુક્ત પરિવારની વ્યાખ્યા એટલે બચુમામા. એમના ઘરે વ્હાલના તોરણ બંધાય, પ્રેમની રંગોળી થાય અને કાળજી, હૂંફની શુદ્ધ હવા સતત વહે છે. એક અજાણ શક્તિ છે એમનામાં કે જે અમારા પરિવારને ફેવિકોલથી પણ વધારે મજબૂત બંધનમાં બાંધી રાખે છે. મારુ મોસાળ મારા જીવનની એ રૂમ છે જેમાં હું, મનોમન વારંવાર જઈને, પ્રેમ અને હૂંફ ની શય્યામાં મીઠી નીંદર માણું છું. પણ જો મારે એક માણસ ને ગાળ બોલવામાં PHD આપવી હોય તો એ છે બચુ મામા. મારી મા ના મોઢે મેં અસંખ્ય વાર સાંભળ્યું છે, “ભાઈ બચ્યા, હવે બસ, તું આ કઈ બોલે, કાનના કીડા ખરવાના હવે તો!” મારા મામાને એમના ગાળોના જ્ઞાનનું ભયંકર અભિમાન છે. ઉંમર જતા, હવે એ પોતાની ગાદીને ત્યજીને બેઠા છે. પણ એમના યુવાનીની એક વાત કહું છું. એમને જો તમે કહો કે, “આ કૈં ગાળ બોલે!” તો એમનું antenna એકટીવેટ થઇ જતું. એને એમજ હતું કે એમના જેવું ગાળોનું કલેકશન કોઈ પાસે નથી. હવે આવામાં અમારા ગામમાં એમના માટે કોમ્પિટિશન ઊભી થઈ. એનું નામ નીલયો ભગત (નિલેશ દેસાઈ અને એની ફેમિલીને ઉપનામ મળેલું “ભગત”). મારા મામાના સામ્રાજ્યમાં ખળભળ મચી ગઈ. વધારે ડિટેઈલમાં નથી જતી પણ જાહેરમાં કોમ્પિટિશનની જાહેરાત થઈ ગઈ. ગામના લોકો દેસાઈ વડા લઈને ભેગા થયા. નીલયા ભગતના ઓટલે સ્પર્ધા યોજાય!!!! અને એ સ્પર્ધા મારા મામાએ જીતી! સ્પર્ધા ફક્ત એટલી જ, કે, કોણ “નોન-સ્ટોપ” ગાળ બોલે અને દર વખતે નવી ગાળો, કોઈ પણ ગાળ ‘રેપેટ’ (રીપીટ) ના થઈ શકે. આની કોઈ એ ઓડિયો tape બનાવી હતી. મામા પાસે હતી હવે ક્યાં છે નથી ખબર. જો મળે તો આ દુલર્ભ ખજાનો સાબિત થાય.

અમારા પરિવાર / અનાવિલો માં સ્ત્રી પુરુષો ને એક સમાન અધિકાર છે. જેટલી ગાળો પુરુષો બોલે છે એટલી જ quality અને quantity માં સ્ત્રીઓ બોલે છે. એક જ વાત અલગ છે, જયારે પણ વારે તહેવારે નોન-અનાવિલ આવે ત્યારે શુદ્ધ ગુજરાતી (ગુજરાતી માઇનસ ગાળ) બોલવાનો આડંબર કરવો પડે. પોતાને સંસ્કારી દેખાડવા માટે નહીં, પણ સામે વાળાને કોઈ આઘાત ના લાગે ફક્ત એટલા માટે! એમ, તો, અમારી સ્ત્રીઓ ખુબ સમજદાર છે! જ્યારથી અમારા ઘરની દીકરીઓએ (એમાં હું પણ), જૈન પરિવારમાં લગ્ન કર્યાં છે ત્યારથી અમારા પર “સાંસ્કૃતિક હુમલા” થયાની લાગણી સામાન્ય રીતે પ્રસરે છે. અને, બીજું, અમારી સ્ત્રીઓને આડંબર કરતાં આવડતો નથી એટલે ગાળો માટે પાછું disclaimer મારી દે છે.

આ લેખ વાંચ્યા પછી ઘણા લોકો મને judge કરશે, ઘણા એમ વિચારશે કે હું ગાળ બોલું છું કે નહીં! હાય, હાય ગાળોનો આવો પ્રચાર થાય? ગાળો બોલનારાનું હેલ્થ રીલેટેડ Analysis થાય તો તમને વિશ્વાસપૂર્વક કહું છું કે ગાળો બોલનારાને હાર્ટ અટેક ઓછા આવતા હશે. ગુસ્સામાં બોલેલા અપશબ્દો હોય કે કોઈની લાગણી દુભાવતી ભાષા ખરા અર્થમાં વર્જિત હોવી જોઈએ. સ્ત્રી ગાળ બોલે તો હાય હાય કરવું, કોઈને ગાળ બોલવાથી જજ કરવું એ સામાજિક દુષણ છે, અનાવિલો આ બધાથી પર છે.

એક વાર્તાથી સમાપ્તિ કરું છું.
રામ ભગવાન સીતાને રાવણ થી છોડાવ્યા પછી અયોધ્યા પાછા ફર્યા. પછી ધોબીના કહેવાથી સીતાને અગ્નિ પરીક્ષા કરાવી. બાકીના બધાં લોકોએ રામજીની ખૂબ પ્રશંસા કરી કે પ્રભુની લીલા અપરંપાર છે. મારા જેવું એક અનાવિલ પ્રાણી પણ ત્યાં હતું. એણે રામજીને કીધું. “(ગાળ)” સાલા તને તારી બૈરી પર વિશ્વાસ ની મલે? પેલા “(ગાળ)” ધોબીના કહેવાથી એને અગ્નિ પરીક્ષા કરાવવાનો? તને સીતાએ પૂછ્યું કે તેં મારી ગેરહાજરીમાં કોઈ સ્ત્રી સાથે સંબંધ તો નથી બાંધ્યો ને?”

ભગવાને શ્રાપ આપ્યો કે, “તારું કહેવું સાચું છે પણ તારાથી ભગવાનને આવું ના કહેવાય. એટલે અનાવિલો કોઈ દિવસ શ્રીમંત નહીં થાય પણ પૈસા માટે ભિખારી પણ નહીં બને!” અનાવિલો દિલથી શ્રીમંત છે. અનાવિલોની વહુ કે દીકરીઓ માથું નથી ઓઢતી, જિન્સ અને ટી-શર્ટ પહેરતી વખતે પરવાનગી નથી માંગતી. અમારા પરિવારમાં વહુઓ સસરાને વગર સંકોચે કહી શકે છે, પપ્પા પોયરાને રાખે તો અમે સ્ત્રીઓ picture પણ જોઈ આવીએ. કેરીની વાડી, લગ્નની ચોરી, graduation ceremony કે પછી સ્મશાન યાત્રા હોય, વિવિધ પ્રસંગોએ વિવિધ લાગણીઓને ગાળોથી સજાવીને પોતાની લાગણીઓને enhance કરવાની તાકાત ધરાવે છે.

જયારે અસંખ્ય સેલિબ્રિટીઓને ગાળ બોલતા સાંભળું છું ત્યારે ગાળોનો જન્મ અનાવિલોમાં જ થયો હશે એવી લાગણી થાય છે અને આ લેખ પછી તમને પણ એવું જ થશે.. હું હમાયજા?

– વધારે આવતા અઠવાડિયે

4 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી-(૧૧)- જાગૃતિ દેસાઈ-શાહ

  1. જાગૃતિ, લલિત નિબંધનો પ્રકાર આમેય ખૂબ છેતરામણો હોય છે. એમાંયે આવો વિષય, કે, જેમાં એક પર્ટીક્યુલર કમ્યુનીટીની એક અસંગતતાની- Idiosyncrasy – ની વાત કરવાની હોય ત્યારે ભાષાનું ઔચિત્ય, મજાકમાં એક સયંમ અને છતાં કથાવસ્તુ હાથમાંથી સરકી ન જાય એનું પણ ધ્યાન રાખવું, આ બધું ખૂબ અઘરૂં છે. આવનારા સમયમાં આટલા સરસ નિબંધની નોંધ અવશ્ય લેવાશે જ. ઉત્કૃષ્ટ લેખન, અસ્ખલિત વિચાર પ્રવાહ અને સતત વિષય સાથે વાચકોનું સંધાન આ નિબંધ સફળતાથી રાખે છે. ખૂબ અભિનંદન.

    Liked by 2 people

  2. “થોડી ખાટી, થોડી મીઠીમા સુ શ્રી- જાગૃતિ દેસાઈ-શાહ”નો
    જયારે અસંખ્ય સેલિબ્રિટીઓને ગાળ બોલતા સાંભળું છું ત્યારે ગાળોનો જન્મ અનાવિલોમાં જ થયો હશે એવી લાગણી થાય છે અને આ લેખ પછી તમને પણ એવું જ થશે.. હું હમાયજા?
    અરે,પોરી અમે પણ વાપીથી તાપીના, અમને ખુબ અનુભવ.
    અનાવિલોના અમુક લોકો જ ગાળનો વધુ પડતો ઉપયોગ કરે છે. એ લોકો પાછા એટલી સહજતાથી ગાળ બોલે કે સાંભળનારે ક્લાસિક લાગે. હવે આ સંશોધનના સંદર્ભમાં જોઇએ તો અનાવિલોના લોકો વધુ ઇમાનદાર અને ઝિંદાદિલ ગણાય, અને આમેય અનાવિલોના લોકોની ઇમેજ હેપી-ગો-લકીની જ છે. એ લોકોને એમ જ કંઇ અનાવિલોઓ નહીં કહેવાતા હોય. ધન્યવાદ

    Liked by 1 person

  3. surat side people always say like anamila. i have experinced with two surat side friend & his wifes also surat side. jjagruti ben e khyu gene javabdar te sachu che. my wife’s friend is parsi, she is from surat side. her speach every words like anamila. parsi speech so sweet.

    Liked by 1 person

  4. “અનાવિલ હોવું એ આગલા જન્મના પુણ્યનું પરિણામ છે એવું મારું દ્રઢ પણે માનવું છે”
    જાગૃતિબહેન આ લેખ વાંચી ઘણી રસપ્રદ માહિતી મળી. મેં મુંબઈના મલાડની સ્કૂલમાં વીસ વરસ શિક્ષિકા તરીકે કામ કર્યું અને અમારા સ્ટાફમાં પ્રિસીપાલથી માંડી મોટાભાગના શિક્ષકો અનાવિલ હતા એટલે હું આ કલ્ચર, રીતભાતથી સારી રીતે માહિતગારછું.તમે કહ્યું એમ વ્યવસાયિક અને ઘરની ભાષાનો ફરક મેં સાંભળ્યો છે. આજે પણ અમે એકબીજાના સંપર્કમાં છીએ અને ફોન પર થતી વાતમાં એમની વખાણયુકત ગાળોનો પ્રસાદ મળતો રહે છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s