બે કાંઠાની  અધવચ -(૨) – નવલકથા—— પ્રીતિ સેનગુપ્તા


  બે કાંઠાની  અધવચ   —— પ્રીતિ  સેનગુપ્તા

                                        પ્રકરણ -( ૨ )

સચિન અને અંજલિ બંનેની ધીરજ ખૂટી ગઈ હતી. ક્યારે એમણે “જા ત્યારે, ને ના સાંભળતી હોય તો રહેવા દે”- બબડીને ફોન મૂકી દીધો એની સરત કેતકીને રહી નહીં. થોડી વાર સુધી તો રિસિવર કાન પાસે જ રહ્યું. ફરી ભાન પાછું આવ્યું હોય એમ એ ઉતાવળે જ્યારે કહેવા માંડી, હા, બેટા, બોલ, બીજા શું ખબર—-, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનાં વ્યસ્ત અને કંઇક સ્વકેન્દ્રીય એવાં છોકરાં ક્યારનાં ફોન છોડી દઈને- કદાચ  રિસિવર પછાડીને – પોતપોતાનાં જીવનમાં પાછાં જતાં રહ્યાં હતાં.

એમનો વાંક કેતકી કાઢી શકતી નહતી. આ દેશ જ નહીં, આ કાળ જ કદાચ એવો છે, કે જ્યારે દરેકે દરેક ઘરમાં યંગ પીપલ આમ જ વર્તતાં હોય છે. ઘેરે ઘેર, ને લગભગ બધાં કુટુંબોમાં આવું જ થતું કેતકી જોતી આવી હતી. ભલેને મા-બાપ છોકરાં સાથે મિત્રોની જેમ રહેતાં હોય, અને છોકરાંને બધી છૂટ આપતાં હોય, કે પછી મા-બાપ ખૂબ સ્ટ્રિક્ટ હોય. કોઈ પણ રીતે ઉછેરાતાં હોય, પણ મોટાં ભાગનાં છોકરાં આમ જ વર્તવા માંડતાં જોવા મળતાં હતાં.

મોટાં થવા માંડે, ને કૉલૅજમાં જવા માંડે, એટલે જાણે દરેક ઘરમાંનાં છોકરાં બદલાતાં જતાં જણાય. ચાલો, એ તો જાણે બરાબર કહેવાય. ઉંમર વધે, જુદા અનુભવો થાય, પોતાની મેળે રહેતાં થયાં હોય એટલે યંગ પીપલ બદલાય જ ને. અને, થોડાં બદલાવાનો તો એમને હક્ક છે, તેમ મોટેરાંએ સમજવાનું જ હોય.

કેતકી પણ આટલું સમજતી હતી. અને પોતાનાં છોકરાંનો વાંક વળી કયા મા-બાપને દેખાતો હોય છે? છતાં, નાનપણથી જ ઘણાં છોકરાં કઈ રીતે આવાં થઈ જતાં હશે, તે એ ક્યારેય સમજી શકી નહતી. સ્વનિર્ભર થવાની સાથે સાથે છોકરાં કંઇક સ્વ-સભાન, કંઇક સ્વ-અર્થી, ને મા-બાપ સાથે પણ ગુમાન કરતાં કઈ રીતે થઈ જતાં હશે?

કેટલું વહાલ આપ્યું હોય છે મા-બાપે. કેટલી મહેનત કરી હોય છે છોકરાંની દરેક જરૂરિયાત સાચવવા. ખાસ્સો ત્યાગ પણ કરવો પડતો હોય છે. સૅક્રિફાઇસ શબ્દ વધારે યોગ્ય કહેવાય, કેતકીએ મનોમન થઈ રહેલી ચર્ચાની વચમાં વિચાર્યું. મા-બાપની પેઢી પણ હજી સૅટલ થતી હોય છે – નવા દેશ અને નવા સમાજમાં, નવી નોકરી અને નવી જીવન-રીતિમાં;  છતાં કેટલું સહન કરીને, કેટલું જતું કરીને પણ છોકરાંની બને તેટલી ઇચ્છાઓ મા-બાપો પૂરી કરતાં હોય છે.

પોતાનાં છોકરાંને કેતકીએ ઘણી ધીરજથી ઉછેર્યાં હતાં, એમને ગમતું હોય તે કરવા એ હંમેશાં પ્રયત્ન કરતી, પણ કદાચ ક્યારેય એમને વધારે પડતાં લાડ કરી નહતી શકી. સુજીતને છોકરાં વહાલાં ઘણાં હતાં, પણ શિસ્ત પર એ વધારે ભાર મૂકતો. સચિન અને અંજલિ બંને સ્કૂલેથી આવે પછી એમના રમવાનો, ભણવાનો, ટી.વી. જોવાનો, અરે, જમવાનો ટાઇમ પણ એણે નક્કી કરેલો.

આ જાણ્યા પછી  કેટલાંક મિત્રોએ સુજીતના વખાણ કરેલાં, ને છોકરાંના ઉછેરની એની રીતિ પોતપોતાનાં બાળકો માટે અપનાવેલી. હજી નાનાં હતાં ત્યાં સુધી તો બધાંનાં છોકરાં આ ટાઇમટેબલમાં મઝા ય જોતાં. પછી ધીરે ધીરે દરેક કુટુંબ જરૂર પ્રમાણે, સંજોગો પ્રમાણે, ક્યારેક છોકરાંની ઇચ્છા અથવા જીદ પ્રમાણે, ફેરફાર કરવા માંડેલું.

સુજીત એવા ફેરફાર સહન નહતો કરી શકતો. કેતકીને કહેતો, એ લોકો કશું સમજતા નથી. જોજો ને, કેવાં થાય છે એમનાં છોકરાં. સુજીત નમતું ક્યારેય ના આપી શકતો. એ કહે તે જ સાચું, ને એ કહે તે જ થવું જોઇએ. બીજે ના ચાલે પણ ઘરમાં તો એનું જ ચાલવું જોઇએ. કેતકીને ખબર પડતી કે ક્યારેક મિત્રો કંટાળે છે સુજીતના જક્કીપણાથી, પણ એ બધાં જાણતાં પણ ખરાં, કે સુજીત કેટલો બુદ્ધિશાળી હતો, કેટલો નૉલૅજૅબલ હતો. એ પણ જોતાં કે એની દલીલો ક્યારેય વજૂદ વગરની નથી હોતી. મિત્રોમાં એ પોપ્યુલર તો રહ્યો જ.

બનતું એવું ગયું કે એનાં પોતાનાં છોકરાં મોટાં થવા માંડ્યાં એની સાથે એ પોતાની રીતિમાં જરૂરી ફેરફાર ના કરી શક્યો. સચિન અને અંજલિ સ્કૂલના સમય પછી પિયાનો, કે મૉડર્ન ડાન્સ, કે બેઝબૉલ, કે ટૅનિસ વગેરે શીખવાના ક્લાસ ભરવા માંડ્યાં. રોજ સાંજે ઘેર આવતાં પાંચ-છ વાગી જાય. કોઈ દિવસે એથી પણ વધારે મોડું થવાનું હોય તો સ્કૂલના કૅફૅટેરિયામાંથી બંનેએ સૅન્ડવીચ જેવું કંઇક ખાઈ લેવું પડે. આવું બને ત્યારે સુજીત ચિડાય- સ્કૂલ પર, ટીચર પર, છોકરાં પર, ને કેતકીનું તો આવી જ બને. એ નરમાશથી સમજાવવા જાય, તો સુજીત વધારે દલીલો કરવા માંડે.

બંને છોકરાંનું મિત્રોને મળવાનું, અને મિત્રોની પાર્ટીઓમાં જવાનું પણ વધ્યું. સુજીત કહે, આટલી ઉંમરે વળી પાર્ટી શું? પણ વર્ષગાંઠ હોય એટલે ઘણાં બાળકોને, પાર્ટી કરીને ક્લાસમેટ્સને બોલાવવાનું મન થતું હશે, અને એમની માતાઓને પણ થતું હશે, કે ચાલોને, એકાદ વાર ભલેને બાળકનો શોખ પૂરો કરીએ.

ઘરમાં પાર્ટી રાખવા કરતાં બહાર પિત્ઝા ખાવા, કે મૅક્ડૉનાલ્ડમાં, ગેમ-પાર્લરમાં, કે નજીકના પાર્કના બેઝબૉલ ફીલ્ડમાં લઈ જવાનો રિવાજ થઈ ગયેલો. ઘેર પાછાં આવે ત્યારે ઘણી વાર છોકરાં ધૂળ ને પરસેવાવાળાં થયેલાં હોય, થાક્યાં હોય, પણ હોય બહુ ખુશમાં.

નાની અંજલિ તો બહેનપણીની પાર્ટીમાંથી સામે મળેલી ભેટ બતાવવા સુજીત પાસે દોડી જતી. ક્યારેક સુજીત એમાં રસ બતાવતો, ક્યારેક અંજલિને ધમકાવતો, નકામી ચીજો ઘરમાં લાવીને કચરો વધારવાનો છે? ફેંકી દેજે એને. અંજલિ રડવા જેવી થઈ જતી. કેતકી ધીમેથી સુજીતને કહેતી, હા, ચીજ બહુ કામની નથી, તે બરાબર છે, પણ હમણાં ને હમણાં ફેંકી દઈએ તો, જેણે આપ્યું છે એને ખરાબ લાગે. થોડા દિવસ રાખવા દો ને. પછી અંજલિ પોતે જ એને ફેંકી દેવા તૈયાર થઈ જશે.

સચિનને પણ પોતાની એક વર્ષગાંઠ એવી રીતે ઊજવવી હતી. ક્લાસનાં બધાં મિત્રો આવે, ગિફ્ટો લાવે, પોતે કેન્દ્રમાં હોય, બધાં એને ભાવ આપતાં હોય. એક પાર્ટી ગોઠવવા એ કેતકીને વારંવાર કહ્યા કરતો, ને કયારેક આજીજી પણ કરી બેસતો. પ્લીઝ, આઇ, પ્લીઝ. મારે પણ બીજાંની જેમ પાર્ટી કરવી છે.

વ્હાલા દીકરાનું મન કેતકીને સમજાતું હતું, પણ સુજીતને કઈ રીતે સમજાવવો- એમ એ વિચાર્યા કરતી હતી. એવામાં ઑફીસના કામે સુજીતને એક રાત માટે બહારગામ જવાનું થયું. ત્યારે સ્કૂલ ચાલુ હોય, એટલે સાથે છોકરાં કે કેતકીથી જવાય તેમ નહતું. સુજીતને તો એ પણ નહતું ગમ્યું, પણ છૂટકો નહતો. બસ, સુજીતની ગેરહાજરીની તક લઈને કેતકીએ સચિનની પાર્ટી ગોઠવી દીધી.

સ્કૂલ પૂરી થાય કે તરત, પહેલાં એના ભાઇબંધો પાર્કમાં બેઝબૉલ રમવા ગયા. કેતકીની બહેનપણી સુનીતાનો વર મહેશ ખાસ અડધી રજા લઈને બધા છોકરાઓની સાથે રહ્યો. સચિનના ક્લાસ-ટીચર અને જીમ-ટીચરને પણ આમંત્રણ આપેલું. બીજી બાજુ, અંજલિની કંપની માટે એની ખાસ બહેનપણીઓને ઘેર બોલાવેલી.

બધાં છોકરાંઓને ભાવે એવા પિત્ઝા બહારથી મંગાવ્યા હતા, ને ટામેટાં-ચીઝની સૅન્ડવીચ ઘેર બનાવી હતી. સુનીતા ચૉકલૅટ બ્રાઉનિ-કેક બનાવી લાવેલી, અને એ ઉપરાંત, સચિનને બહુ ભાવતા નારકોળ લાડુ, એને સરપ્રાઇઝ આપવા માટે, કેતકીએ ખાસ તૈયાર રાખ્યા હતા.

છોકરાઓ રમીને ઘેર આવ્યા. બધાએ હાથ-પગ ધોયા, પછી પેટમાં ઠાંસીને બધું ખાધું. બધાંને બહુ મઝા પડી. સામી ભેટમાં આપવા, કેતકી સ્કૂલમાં કામ આવે એવા, નોટબૂક ને બૉલપૅનોના સેટ, ખાસ ધ્યાન રાખીને, શોધીને લઈ આવેલી. કોઈના ફાધર એમ ના કહી શકે કે આ નકામું, કે કચરા જેવું છે. આનંદ કરીને બધાં ગયાં તે પછી દસ વર્ષનો સચિન કેતકીને વળગી પડેલો, આઇ, યુ આર ધ બૅસ્ટ મધર. કેતકીએ વ્હાલથી એને ચુમી લીધેલો.

પછી નાની અંજલિ પણ વળગી, આઇ, હવે મારી પાર્ટી, રાઇટ?

(વધુ આવતા સોમવારે)

3 thoughts on “  બે કાંઠાની  અધવચ -(૨) – નવલકથા—— પ્રીતિ સેનગુપ્તા

 1. પ્રીતિબહેન,
  બે પેઢી વચ્ચેના તફાવતનો વિષય લઈ આવ્યા. દરેક પ્રકરણ વાંચવાની મઝા આવે છે. હમેશ સ્ત્રીને માતા અને પત્નિના કપરાં સંઘર્ષમાં થી પસાર થવું પડે છે. ઘણા ઘરમાં કેતકી અને સુજીત જેવા માતા પિતા હશે.
  આગલા પ્રકરણની ઉત્કંઠાપૂર્વક રાહ…..

  Like

 2. સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની બે કાંઠાની અધવચ – નવલકથાનુ સરળ પ્રવાહે વહેતી સુંદર પ્રકરણ
  રાહ આગલા પ્રકરણની

  Like

 3. બે પેઢી વચ્ચેના તફાવતનો વિષય લઈ આવ્યા. દરેક પ્રકરણ વાંચવાની મઝા આવે છે. હમેશ સ્ત્રીને માતા અને પત્નિના કપરાં સંઘર્ષમાં થી પસાર થવું પડે છે. ઘણા ઘરમાં કેતકી અને સુજીત જેવા માતા પિતા હશે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s