મિત્રો સાથે વાતો…કાવ્યો અને લઘુકથા
આજે ખુશખુશાલીના ગીતથી વાત શરૂ કરીએ.
હવામાં આજ… કવિ નાથાલાલ દવે
હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી–હવા…
ઝાકળબિંદુ પાને પાને
તૃણે તૃણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતી ખોળે વરસી ચાલી–હવા…
રમતાં વાદળ ગિરિશિખરે
મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળે–હવા…
રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા
વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી–હવા…
મન તો જાણે જાઈની લતા
ડોલે બોલે સુખની કથા,
આજ ઉમંગે નવ સુગંધે ઝૂલે એતો ફૂલીફાલી–હવા…
—- ૧૯૪૪ કાવ્યસંગ્રહઃ ‘જાહ્નવી’ નાથાલાલ દવે
જાઉં છું… દેવિકા ધ્રુવ
ભીતર સરકતી જાઉં છું, ઊંડે ઉતરતી જાઉં છું.
ભીષણ થયાં સંજોગ જગના, આહ ભરતી જાઉં છું.
ધગધગ થતા લાવા સમી ફેલાઈને કંપાવતી,
જવાળામુખીની લ્હાય જોઈને કકળતી જાઉં છું.
આ વિશ્વને થંભાવતું, ઈન્સાનને હંફાવતું,
જંતુ ફરે, લાશો ભરે? પળપળ નિગળતી જાઉં છું.
ધીરે રહી આંખો બિડી, અંદર પડળ ખોલ્યા પછી,
ઉજાસની કિનાર જોતા, કૈંક સમજતી જાઉં છું.
ટટ્ટાર સામે વૃક્ષ ઊભું, મૌન વાણી ઉચ્ચરે,
પડઘાય વારંવાર ૐ, હળવેથી ઠરતી જાઉં છું.
વામન મટી વિરાટ થઈ, પામર મટી જે થઈ પરમ
એ શક્તિનો અણસાર પામીને ઉઘડતી જાઉં છું.
—– ddruva1948@yahoo.com
તું આમ જ મને છોડી ગઈ! …રેખા શુક્લ
લે જો તરસઘર બન્યા દેશે ઘરમાં
કોઈ‘ક તો આવી ક્યારેક જો હરખાવશે
તરસ્યા મલકનો મેઘ જો બનશે!
સાચેસાચ ના માંગુ સુવર્ણચંદ્રક, પારિતોષિકો કે પુરસ્કાર
ઊથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
તું આમ જ મને છોડી ગઈ!
આમ ને આમ સંસ્કૄતિના દાબ હેઠળ,
છોડ બધુ ઓ‘ વનસુંદરી તું જો પ્રવેશે..
પ્રકૃતિ સૌંદર્યના અંકૂર ફૂટી મહોરાવુ પુષ્પ સમર્પિત
શું ટાંકુ વેદના અરે! આખરી તીવ્ર જીવંત વેદના,
ભાષા ચિતરાઈ જો ને પાને પાને;
પાણે… પાણે, ડૂબી જિંદગી આંગણે ને
તું આમ જ મને છોડી ગઈ ઊગતાં ઘડપણે!
—– mrshuklamj@gmail.com
ગીત …મુનિભાઈ મહેતા
જે છે ગાવા તે ગીત રહી જાય છે,
મારો સમય ધીરે, ધીરે સરી જાય છે.
હું આ મેળે આવીને બહુ મ્હાલ્યો,
તોય લાગે હજુ કશુક ખોવાય છે.
જ્યારે વરસતો મેઘ મન મૂકીને,
મારી ગગરી કાં ખાલી રહી જાય છે?
મારે ફરિયાદો નથી કોઈ જગની,
પણ કરવાનું ઘણું, ઘણું રહી જાય છે.
સાંજની વેળા ને સૂર્ય જાય આથમ્યો,
ધીમેથી અંધારું આવતું જણાય છે.
—— chairman@glsbiotech.com
એક પિતાની મૂંઝવણ….સરયૂ પરીખ
દસેક મિનિટ પહેલા જ અમારા ઘરમાંથી મોહનભાઈ નીકળીને ડાબી તરફ વળ્યા હતા, તેથી મેં ધાર્યું કે તેઓ મોટા નહેરુ મેદાનમાંથી ચાલતા જતા હશે. ‘સાઇકલ જરા ઝડપથી ચલાવીશ તો પહોંચી જઈશ’. આમ વિચારતા મેં સાઇકલની ઝડપ વધારી. ટેકરી પરના તખ્તેશ્વર મંદિરમાંથી સાંજની આરતીના મંદ ઘંટારવ સંભળાતા હતા.
એ વખતે હું હાઇસ્કુલમાં ભણતી હતી. મોટા ભાઈ લગ્ન-વયસ્ક થયેલા તેથી અવારનવાર લોકો લગ્ન વિષે વાત કરવા આવતા. એ દિવસે રવિવારની સાંજે સાઠેક વર્ષના વડીલને ઘરમાં દાખલ થતા જોઈ અમારા બાને નવાઈ લાગી. સજ્જને બારણા પાસે અટકીને હાથ જોડ્યા.
“નમસ્તે. મારું નામ મોહનભાઈ. આમ આવી ચડવા માટે માફી માગું છું.” તેમના શાંત ચહેરા પર વ્યગ્રતા અને ગમગીની દેખાતા હતા. “હું આપનો જ્ઞાતિબંધુ છું.”
અમારી નાની ખેડાવાળ બ્રાહ્મણની જ્ઞાતિમાં અમે ઘણાં લોકોને ઓળખીએ. મળ્યા ન હોઈએ તો પણ કદાચ જ્ઞાતિના લોકોની વાતો અને કુટુંબનો ઈતિહાસ વગેરે ખબર હોય.
મોહનભાઈએ વધારે પરિચય આપ્યો એટલે તરત ખ્યાલ આવ્યો કે તેઓ કોણ છે. કારણકે, ગયા અઠવાડિયે જ મામી કહેતા હતા કે, ‘મોહનભાઈને બે દીકરીઓ છે. ભણેલી છે, પણ બહુ આઝાદ છે. મા વગરની દીકરીઓ જરા છકેલી છે. મોટીની બહુ ખબર નથી, નાની કોઈ બાપુની સેક્રેટરી તરીકે કામ કરે છે… અને સાંભળ્યું છે કે મોહનભાઈને એમની બહુ ચિંતા છે.’
મોહનભાઈને જોઈને જ સહાનુભૂતિ થાય એવો સરળ સંસ્કારી દેખાવ હતો. વાતચીત કરવાની નમ્ર રીતભાત જોઈ મારા બા ભાવથી એમના કુટુંબનાં ખબરઅંતર પૂછી રહ્યાં હતાં અને તેઓ સંકોચ પૂર્વક જવાબ આપતા હતા. મેં ચા લાવીને આપી તેને ન્યાય આપ્યો. લાંબા સમય સુધી ગોળ ગોળ વાતો ચલાવી. જુદી જુદી રીતે મોટાભાઈ વિષે સમાચાર પૂછતા રહ્યા. અમને ખ્યાલ આવી ગયો કે વાત કઈ દિશામાં જઈ રહી છે! છેવટે જરા સંકોચ સાથે બોલ્યા, “મારી નાની દીકરી ભણેલી ગણેલી છે… એને તમારે ઘેર વરાવવી છે, તેથી હા પાડી દો.”
મારા બા કહે, “અરે, એમ વર કન્યા એકબીજાની પસંદગી ન કરે ત્યાં સુધી મારાથી હા પાડી ના શકાય.” મોહનભાઈના ચહેરા પરના ભાવ જાણે કહેતા હતા કે, ‘આજે દીકરીનુ નક્કી કરીને જ જવું છે.’ … મોહનભાઈ ઊભા થયા. એમની જોળીમાંથી રુપિયો અને નારિયેળ કાઢી મારા બાના હાથમાં પકડાવતા કહે, “એ તો પસંદ થઈ જ જશે. મહેરબાની કરીને આજે ના ન પાડતા.” એવું કંઈક બોલતા, ચંપલ પહેરીને ચાલી નીકળ્યા.
મારા બા તો અવાક બની ઊભા રહી ગયા. હું એમનાં ચહેરા પર અજબની અકળામણ જોઈ રહી. જરા કળ વળતાં કહે, “આ તો ઠીક ન થયું. મોહનભાઈ લાચાર અને ચિંતિત અવસ્થામાં પરાણે રુપિયો અને નારિયેળ આપી ગયા. વાત આગળ ચાલે એવી કોઈ શક્યતા જ નથી. હવે શું કરશું?”
જરાક વિચાર કરી મેં કહ્યુ, “બા, મને એ વસ્તુઓ આપો, હું એમને પરત કરી આવું.” મેં તેમને ઘરમાંથી નીકળી ડાબી તરફ વળતા જોયા હતા. પૂરી શક્યતા હતી તેઓ નહેરુ મેદાન તરફ ગયા હશે. મારી સાઇકલ કાઢી હું નીકળી પડી. હાં, દૂરથી સફેદ ધોતિયું અને સફેદ ઝભ્ભો પહેરેલ નાજુક પાતળા શરીરવાળા માણસ દેખાયા. સંધ્યાનાં આછા અજવાળામાં બીચારા જીવ ધીરે ધીરે જઈ રહ્યા હતા.
સાઇકલ પરથી ઊતરતા મેં કહ્યુ, “મામા, ઊભા રહો. માફ કરજો, પણ મારા બા કહેડાવે છે કે રુપિયો અને નારિયેળ સ્વીકારવાનુ અત્યારે અમારા માટે યોગ્ય નથી.” કહેતાં કહેતાં એમની જોળીમાં વસ્તુઓ મેં મૂકી દીધી. એમના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ, પણ “કંઈ વાંધો નહીં” કહી મ્લાન સ્મિત આપી વિદાય લીધી. હું દૂર સુધી એક મૂંઝાયેલ પિતાને જતા જોઈ રહી.
આરતીનો ઘંટારવ સમી સાંજની ગંભીરતામાં વિલીન થઈ ગયો.
ગમગીન ભાવ સાથે હું ઘરનો દરવાજો ખોલી રહી હતી ત્યાં મામી આવ્યાં અને અમે સાથે અંદર દાખલ થયાં. મારા બા ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં. એ કંઈ બોલે તે પહેલા મામી કહે, “અરે હમણાં જ સાંભળ્યું કે પેલા આપણી જ્ઞાતિના મોહનભાઈની નાની દીકરી ભાગી ગઈ.”
બા અને હું સ્તબ્ધ, નિઃશબ્દ તેમની સામે જોઈ રહ્યાં. ઓહ! પિતાને થતું હશે કે દીકરીને ઉછેરવામાં મારી ક્યાં ભૂલ થઈ? અને દીકરીને થતું હશે કે મારો દ્રષ્ટિકોણ પિતા કેમ સમજવા પ્રયત્ન નથી કરતા! સમયના પ્રવાહમાં પિતા પુત્રીનાં સ્નેહઝરણ ફરી મળશે? …અમને આટલા વિચલિત જોઈ મામીને આશ્ચય થયું, પણ અમારો વિચાર વમળાટ તેમને કોણ સમજાવે!
ત્યારબાદ અમે થોડાં દિવસો, કોઈ પિતાના અઘટિત સમાચાર ન જોવાની પ્રાર્થના સાથે, સમાચાર-પત્ર જોતાં રહ્યાં.
બે પેઢીની વચ્ચેનું લંબાઈ ગયું હો અંતર,
વાણી, વિચાર વર્તનના મતભેદ રહે સદંતર,
સખ્ત શીલાની નીચે જેવું ઝરણું વહે નિરંતર,
પિતા-પુત્રીને ખેંચી લાવે પ્રેમળ સૂત્ર અનંતર!
————
SaryuParikh@yahoo.com
મિત્રો સાથે વાતો…કાવ્યો અને લઘુકથામા ખુબ સુંદર કાવ્યો
અને એક પિતાની મૂંઝવણમા અદભુત કાવ્યાંત
કોઈ પિતાના અઘટિત સમાચાર ન જોવાની પ્રાર્થના સાથે, સમાચાર-પત્ર જોતાં રહ્યાં.
બે પેઢીની વચ્ચેનું લંબાઈ ગયું હો અંતર,
વાણી, વિચાર વર્તનના મતભેદ રહે સદંતર,
સખ્ત શીલાની નીચે જેવું ઝરણું વહે નિરંતર,
પિતા-પુત્રીને ખેંચી લાવે પ્રેમળ સૂત્ર અનંતર!
LikeLiked by 1 person
કવિતાઓ અને કથા બંને સરસ
LikeLiked by 1 person
સુંદર કાવ્યો સાથે એક લાચાર પિતાની કથની વાંચી. “પિતાને થતું હશે કે દીકરીને ઉછેરવામાં મારી ક્યાં ભૂલ થઈ? અને દીકરીને થતું હશે કે મારો દ્રષ્ટિકોણ પિતા કેમ સમજવા પ્રયત્ન નથી કરતા!”
ક્યાં કોની ભૂલ થઈ કોણ જાણે???
LikeLiked by 1 person