મીઠો આવકાર કોણ આપશે? – પ્રદીપ ત્રિવેદી    


મીઠો આવકાર કોણ આપશે? – પ્રદીપ ત્રિવેદી    

 હે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે, આવકારે મીઠો આપ જે રે

કાગ બાપુ આજે તો લોકડાઉન અને કોરોના ના કહેર માં “આંગણિયા” થયા સૂના સૂના રે આંગણીયે કોઈ આવે તો કહીએ રે આઘો રે જે રાજ દૂર રહેજે રાજ!

મને બરોબર યાદ છે કે આજથી પચાસેક વર્ષ પહેલા અમે દસ બાર વર્ષના હતા ત્યારે ઉનાળુ વેકેશન ગાળવા અને દાદા-દાદી સાથે ધીંગા મસ્તી કરવા વાર્તાઓ સાંભળવા ગાડામાં બેસવા, ગાય-ભેંસને નિરણ આપવા વીયાએલી ગાયના દૂધની બળી ખાવા, કોઠીમાં ભરેલ મગફળી ના દોથા ભરવા, ઘરના એક રૂમમાં કપાસ ભરેલ ઢગલાઓ માં કૂદકા મારવા, ખેતરે કૂવામાંથી કોષ સીંચતા, પાણીના વહેતા ધોધમાં ન્હાવા અને કુંડમાં ભરાયેલ પાણીમાં ધુબાકા મારવા, ખેતરની શેઢે ઊગેલ મહાકાય વડલાની ડાળીએ હીંચકા ખાવા, ગરમ ગરમ રોટલો, માખણ અને ગોળનું શિરામણ કરવા ગામડે જતા! ખેતરની માટીથી પગને પવિત્ર કરવા (ગંગા નદીમાં ડૂબકી મારવાથી જેમ શરીર પવિત્ર અને પાવન થઈ જાય છે તેમ ખેતરો ખૂંદવાથી પગ પવિત્ર અને પાવન થઈ જતા હોય છે!) અને દાદા-દાદીના હેતાળ હાથ માથા ઉપર ફરતા જન્મો જન્મની શાંતિ મેળવવા ગામડે જતા!

ગામડાના ગામડીયાપણાથી ભર્યું ભર્યું ભોળપણ બહુ ગમતું! એક દિવસ ભરબપોરે ધોમધખતા તાપમાં… કોઈ એક અજાણ્યા વટેમાર્ગુ એ… માથે બાંધેલ ફાળિયાના એક છેડાથી મોં પરનો પરિશ્રમી પરસેવો લુછતા… અમારા “આંગણીયે” આવીને કોઈ સરનામું પૂછ્યું. દાદાએ એ સાવ અજાણ્યા મુસાફર – વટેમાર્ગુને ખૂબ પ્રેમથી આંગણિયે આવકાર્યો અને તડકામાંથી ઘરની લાંબી, રેલવે પ્લેટફોર્મ જેવી ઓસરીએ બેસાડ્યો! ગરમીમાં સુકાતા ગળાને ટાઢું પાડવા, પેલા ગોરા કુંભારની ગોરી કુંભારણ એ ભજનો ગાતાં ગાતાં, કમળના પાંદડા જેવી હથેળી વડે માટીના પીંડને કૂદી કૂદીને બનાવેલ બેનમૂન માટલામાંથી, માટીની મિઠાસભરી મહેંકવાળુ અમૃત સમું પાણી કળશામાં ભરીને આપ્યું! અને જન્મો જન્મનો તરસ્યો વટેમાર્ગુ એ “હાશકારા” દ્વારા ટાઢા આશીર્વાદ પણ ત્યારે ને ત્યારે જ આપી દીધા! તરતદાન મહા પુણ્ય!  જલપાન કરાવ્યા પછી રોટલા ટાણું થયું હોય એ સાવ અજાણ્યા વટેમાર્ગુને માત્ર સરનામું પૂછવા આવેલ અજાણ્યા મુસાફરને, સોગંદ દઈને, ‘મારા સમ…મારા સમ…’ કહીને, ભરભાણે રોટલો વિંઝણો, વિંઝતા વિંઝતા જમાડ્યો! આંગણે આવેલાનું આતિથ્યપણું તો જુઓ! વાહવાહ… ભલે તમે સ્વર્ગે સિધાવો શામળા પણ મારે આ ગામડું નહીં છોડવું રે… કાન… મારા મને ગામડું…ગામડીયાપણું… ભોળપણ.. બહુ વ્હાલુ રે…

રોટલા પાણી થયા પછી, ગરમીમાં ઘડી – બેઘડી આરામ કરવા, રેલ્વે પ્લેટફોર્મ જેવી લાંબી પરસાળમાં ઢોલિયા ઢાળી દીધા!  બગલાની પાંખ જેવી સફેદીની ચમક ધરાવતી, આછી-પાતળી ખાસ ઉનાળુ સૉલ, ઘરના ખેતરમાં ઉગેલા કપાસ નું બનાવેલું આરામદાયક અને મહેનતની મ્હેંક પ્રસરાવતું ગાદલું અને આભલા વાળા કાઠિયાવાડી ભરત-ગુંથણ વચ્ચે ચીતરેલ મોર – પોપટ કે જાણે હમણાં જ હાલરડા ગાવા તૈયાર હોય તેવા ઓશિકાના કવર સાથે વાદળોના ગુચ્છાઓ સમુ પોચું પોચું… ઓશીકું આપી તેમને બે ઘડી આરામ કરવાનું કહેવામાં આવતા જ તેમણે સંકોચ અને આભારની મિશ્રિત લાગણી સાથે લંબાવ્યું! સવારથી ચાલતા ચાલતા નીકળેલ હોય અને ભૂખ- તરસ છીપાતાં થોડી વારમાં તો ઘસઘસાટ નિંદ્રાધીન! આરામ કરવા, આરામદાયક પથારી મળતા તેનો તો જન્મો જનમ નો થાક ઉતરી ગયો.

આરામ કરીને ઊઠ્યા, ત્યાં  તો… ચા- પાણી નો ટેમ થઈ ગયો! ચા- પાણી નો ટેમ થતાં પરાણે એક પિત્તળની ચકચકાટ રકાબીમાં છલોછલ ભરેલા તળાવની જેમ ‘ચાહના’ સાથે ચા ભરી આપી!  વરાળ નીકળતી સુગંધીદાર ચાની ચૂસ્કી ભરતા ટેસડો થઈ ગયો!  મોઢાના ચુસકારા અવાજ સાથે એય… ચાના ઘુંટડા ગળે ઉતારતા ઉતારતા જાણે કસુંબો પીધો હોય તેવો ટેસડો થઇ ગયો.

ચાના ચાહનાભર્યા કહુંબા- પાણી થયા પછી ચિઠ્ઠીમાં લખવામાં આવેલ સરનામું વાંચવામાં આવ્યું અને… પછી ત્યાં પહોંચવા માટેની ભૂગોળ (gps) દેશી ભાષામાં સમજાવવામાં આવી! આ ગામની ઉગમણી દિશાએ…નાથા બાપા ના ખેતર પાહેથી જે કેડી જાય છે એ કેડીએ કેડીએ ત્રણેક ખેતર વળોટ્યા બાદ ભીમા દેશીનો કૂવો આવશે. ત્યાં બે ઘડી બેસી, પાણી પીને ખેતરના શેઢે શેઢે ચાલ્યા જશો એટલે આ ગામના ખોરડાઓ દેખાવા લાગશે. બસ, પછી તો… ગામના ગોંદરે એક મોટો વડલો છે… જ્યાં ઘણા વડીલો બેઠા હશે તે….  કાનજી બાપાના ખોરડે તમને લઈ જશે. પણ.. ત્યાં સુધી પુગતા પુગતા ઝાલર ટાણું થઇ જશે… એટલે થોડું ભાથું સાથે લેતા જાવ.. એમ કહીને પૂનમના ચાંદ જેવો ગોળ મટોળ બાજરાનો રોટલો, ગોળનો દડબો અને માખણનો લોંદો ભાતામાં બાંધી આપ્યો ! અને બે હાથ જોડીને વિનયપૂર્વક વિદાય આપી.

માત્ર સરનામું પૂછવા આવેલ એક અજાણ્યા વટેમાર્ગુને, આવો મીઠો આવકાર આ લોકડાઉન- કોરોના ઇફેક્ટમાં કોણ આપશે? કોરોના શું આપણી લાગણીઓ કોરી કરીને જ જશે? માણસ- માણસ પ્રત્યેની ભીનાશ મિટાવીને જ જશે? શું આપણી આતિથ્યપણાની સંસ્કૃતિ અટવાઈ જશે?  આટોપાઈ જશે? “

કોઈ દિ’ ભૂલો પડ ભગવાન… થા મારો મોંઘેરો મહેમાન,  તને સ્વર્ગ ભૂલાવુ શામળા…” તો, આવો મીઠો આવકાર કોણ આપશે ?

5 thoughts on “મીઠો આવકાર કોણ આપશે? – પ્રદીપ ત્રિવેદી    

 1. ખૂબ સંવેદનશીલ વાત! એ જી તારા આંગણિયા …. ભણાવતી વખતે આ જ સંવેદનો મને હલબલાવી જતાં કે હવે આવાં આવકારા ક્યાં રહ્યાં?

  Like

 2. “મીઠો આવકાર કોણ આપશે?”
  એક સરનામુ પુછવા આવેલ વટેમાર્ગુને જે આવકાર, સરભર અને એનુ કાવ્યાત્મક વર્ણન વાંચીને મન તરબતર થઈ ગયું. ગામડાનુ વર્ણન વાંચી મારૂં મન પણ શૈશવની યાદમાં ખોવાઈ ગયું.
  પ્રદીપભાઈ, તમારી કલમમાં ભાષા વૈભવ અને જીવંતતા લાગે છે.
  http://www.smunshaw.wordpress.com

  Liked by 1 person

 3. માણસ- માણસ પ્રત્યેની ભીનાશ મિટાવીને જ જશે? શું આપણી આતિથ્યપણાની સંસ્કૃતિ અટવાઈ જશે? આટોપાઈ જશે? ……” તો, આવો મીઠો આવકાર કોણ આપશે ? આવા સંવેદનશીલ પ્રશ્નોનો સાંપ્રત સમયે શહેરી વિસ્તારમા આવકાર ઓછો જવા મળે પણ હજુ પણ સોરઠ ની ધરા જ કૈક એવી છે , પ્રવાસીઓ ને જોઈએ એ બધું જ મળી રહે . સૌરાષ્ટ્ર ની પ્રથમ ખાસિયત એ છે કે અહી કોઈ માણસ ક્યારેય ભૂખ્યો સુતો નથી . લગભગ દરેક શહેર માં ફ્રી અન્ન્ક્ષેત્ર છે જ્યાં કોઈ ભેદભાવ વગર બધા ને પ્રેમ થી જમવાનું પીરસાય છે . વીરપુર નું જલારામબાપા નું મંદિર (કદાચ એકમાત્ર મંદિર કે જ્યાં લોકો પાસે થી કોઈ પણ પ્રકાર નું દાન લેવામાં આવતું નથી ) હોઈ કે પરબ નું ધામ , દક્ષિણ ભારત નાં મંદિરો થી સાવ જ ઉલટું મફત માં જમવાનું અને કોઈ “દર્શન લાઈન” માટે કોઈ પણ પ્રકાર નાં ચાર્જીસ નહિ , બધાને સમાન ભાવે , પોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરવાની છૂટ . આ તો થઇ લોકો ની ઉદારતાની વાત.
  “ખુશ્બુ ગુજરાત કી ” માં ઘણા કાઠીયાવાડ ન સ્થળો સામેલ છે જેમ કે સોમનાથ ,દ્વારકા ,ચોરવાડ ,ગીરનાર પર્વત ,ગીરનું જંગલ , સિંહો અને ઘણું બધું . દરેક સ્થળે પહોચવાની ઉતમ વ્યવસ્થા છે અને રહેવા જમવાનું તો સૌરાષ્ટ્ર માં પૂછવાનું જ નાં હોઈ !!

  Liked by 1 person

 4. ભુખ લાગી હોય ત્યારે..પૂનમના ચાંદ જેવો ગોળ મટોળ બાજરાનો રોટલો, ગોળનો દડબો.
  એવો જ લાગે.
  આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s